You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈ-સિગારેટ શું હોય છે? કિશોરો, યુવાઓમાં વેપિંગ કેટલી મોટી સમસ્યા બનતું જાય છે?
બ્રિટનમાં રહેતી 12 વર્ષની સારા ગ્રિફિનને ગયા સપ્ટેમ્બરમાં અસ્થમાનો એટેક આવ્યો હતો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.
સારા ચાર દિવસ કોમામાં રહી હતી અને હાલ તેની તબીયત સારી છે, પરંતુ વેપિંગની લતને કારણે તેનાં ફેફસાંને ગંભીર નુકસાન થયું છે.
સારાનાં મમ્મી મેરીએ બીબીસીના સંવાદદાતા ડૉમિનિક હ્યુજસ અને લૂસી વાટકિન્સનને કહ્યું હતું, "ડૉક્ટરોનું કહેવું છે કે સારાનું એક ફેફસું તદ્દન ખરાબ થઈ ગયું છે. તેનું શ્વસનતંત્ર 12 વર્ષના બાળકને બદલે 80 વર્ષના વૃદ્ધનું હોય તેવું થઈ ગયું છે."
મેરીએ કહ્યું હતું, "સારવાર દરમિયાન સારાની હાલત જોઈને એકવાર તો એવું લાગ્યું હતું કે હું તેને ગુમાવી બેસીશ. હવે સારાએ વેપિંગ ન કરવાનું પ્રણ લીધું છે અને બીજા લોકોને પણ વેપિંગ ન કરવા જાગૃત કરી રહી છે."
સારાએ બીબીસીને જણાવ્યું હતું કે બાળકોએ વેપિંગથી બહુ દૂર રહેવું જોઈએ.
સારા નવ વર્ષની હતી ત્યારે તેને વેપિંગની લત લાગી હતી. બીજી તરફ ભારતમાં પણ સ્કૂલમાં અભ્યાસ કરતાં નાનાં બાળકો પાસેથી વેપિંગ ડિવાઇસ મળવાની ઘટનાને લીધે ચિંતા વધી છે.
કેટલીક માતાઓએ બનાવેલા સંગઠન મધર્સ અગેન્સ્ટ વેપિંગે ગયા ઑક્ટોબરમાં મહિલા સંસદસભ્યોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પ્રતિબંધ હોવા છતાં છ-સાત વર્ષની વયનાં બાળકો પાસેથી ઈ-સિગારેટ જેવી પ્રૉડક્ટ્સ મળવી તેમના સ્વાસ્થ્ય સાથે રમત કરવા સમાન છે.
ઈ-સિગારેટ શું હોય છે?
ઈ-સિગારેટ બેટરીથી સંચાલિત હોય છે. તેમાં તરલ પદાર્થ હોય છે અને તેને બેટરી મારફત ગરમ કરીને ઇનહેલ કરવામાં એટલે કે શ્વાસ વડે ખેંચવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તરલ પદાર્થમાં સામાન્ય રીતે તમાકુમાંથી પ્રાપ્ત નિકોટિનના થોડા અંશ હોય છે. એ સિવાય પ્રોપલીન ગ્લાઈકોલ, (કૅન્સરકારક તત્ત્વો) કાર્સિનોજન, એક્રોલિન, બેન્ઝિન વગેરે કેમિકલ્સ અને ફ્લેવરિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
ઈ-સિગારેટ હવે બજારમાં પેન, પેનડ્રાઇવ, યુએસબી કે કોઈ રમકડાના સ્વરૂપમાં આકર્ષક પેકિંગમાં પણ ઉપલબ્ધ છે. જાણકારો કહે છે કે આ વેપિંગ ડિવાઇસનું વિદેશમાં જ નહીં, ભારતમાં પણ મોટા પ્રમાણમાં ચલણ વધી રહ્યું છે.
આંકડા શું કહે છે?
બ્રિટનમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના આંકડા જણાવે છે કે 11થી 17 વર્ષની વયનાં દરેક પાંચમાંથી એક બાળક વેપિંગનો અનુભવ કરી ચૂક્યું છે. આ આંકડા 2020ની તુલનામાં ત્રણ ગણા વધારે છે.
2021ના એક સર્વેક્ષણના તારણ જણાવે છે કે 11થી 15 વર્ષની વયનાં પ્રત્યેક 10માંથી એક બાળક તેનો ઉપયોગ કરી રહ્યું છે.
નોર્ધન આયર્લેન્ડ ચેસ્ટ, હાર્ટ ઍન્ડ સ્ટ્રોકના ફિડેલ્મા કાર્ટર જણાવે છે કે બ્રિટનાં 17 ટકા યુવાઓ વેપિંગનો ઉપયોગ નિયમિત રીતે કરી રહ્યા છે.
થિંક ચેન્જ ફોરમ દ્વારા આ વર્ષે જુલાઈમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસનું તારણ જણાવે છે કે ભારતમાં 14થી 17 વર્ષની વયના 96 ટકા વિદ્યાર્થીઓને એ ખબર નથી કે વેપિંગ પ્રતિબંધિત છે અને 89 ટકા વેપિંગના જોખમોથી વાકેફ નથી.
ભારતમાં ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે-4ના તારણ મુજબ, દેશમાં 2.8 ટકા કિશોરોએ ક્યારેક તો વેપિંગનો ઉપયોગ કર્યો જ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ, ધૂમ્રપાન કરતા લોકોની સંખ્યાની બાબતમાં ચીન પછી બીજા નંબરે ભારત જ છે.
લૅન્સેટ જર્નલનો એક અભ્યાસ જણાવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ 10 લાખ લોકો ધૂમ્રપાનને લીધે જીવ ગુમાવે છે.
બાળકો માટે બમણું જોખમ
દિલ્હી નજીકના ગ્રેટર નોઇડાની ફોર્ટિસ હૉસ્પિટલમાં પલ્મોનલૉજી ઍન્ડ ક્રિટિકલ કેર વિભાગના ઍડિશનલ ડિરેક્ટર ડૉ. રાજેશકુમાર ગુપ્તાએ બીબીસીના સહયોગી આર. દ્વિવેદી સાથે વાત કરતાં કહ્યું હતું, "વેપિંગથી બાળકો પર બમણું જોખમ હોય છે. એક તો તેમાં જે અનેક પ્રકારનાં રસાયણો, નિકોટિન વગેરે હોય છે તેનાથી ફેફસાંને નુકસાન થાય છે. બીજું એ કે એક વખત વેપિંગની લત લાગી જાય પછી આગળ જતાં સિગારેટ કે બીડીનો કશ લગાવવાની સંભાવના વધી જાય છે."
ધ જ્યોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થના એક તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 15થી 30 વર્ષની વયના 61 ટકા યુવાઓ ભવિષ્યમાં વેપિંગ શરૂ કરે તેવી આશંકા છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય આરોગ અને ચિકિત્સા સંશોધન પરિષદની એક યોજના હેઠળના આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વેપિંગનો ઉપયોગ ન કરતા કિશોરો અને યુવાઓ પૈકીના 31 ટકા આગળ જતાં તેનો અનુભવ કરતા ઇચ્છુક હતા.
સિગારેટ છોડવાનો વિકલ્પ નથી?
બે દાયકા પહેલાં 2003માં ઈ-સિગારેટ બનાવનાર ચીની ફાર્માસિસ્ટ હોન લિકે એવો દાવો કર્યો હતો કે ઈ-સિગારેટની મદદથી લોકો ધૂમ્રપાન આસાનીથી છોડી શકશે, પરંતુ સિગારેટની લત છોડાવવા માટે બનેલી ઈ-સિગારેટ હવે સમગ્ર વિશ્વ માટે એક પડકાર બની ગઈ છે.
ઈ-સિગારેટના ઉપયોગથી સિગારેટ ફૂંકવાની લત છૂટી જાય છે એવા કોઈ પ્રમાણભૂત પુરાવા મળ્યા નથી.
ઈ-સિગારેટના ઉપયોગથી સિગારેટની લત છૂટી જતી હોવાનું કોઈ સંશોધનમાં પૂરવાર થયું નથી.
સિગારેટની સરખામણીએ વેપિંગ ઓછું ઘાતક છે?
આ સવાલના જવાબમાં ડૉ. રાજેશ ગુપ્તાએ કહ્યું હતું, “આ તો એવી વાત થઈ કે બે પ્રકારના ઝેરમાંથી સારું ક્યું છે. ઈ-સિગારેટથી ધૂમ્રપાનની લત છૂટી જવાની સંભાવના નર્યો બકવાસ છે. હાર્વર્ડ હેલ્થ પર પ્રકાશિત એક સંશોધન સાચું હોય તો વેપિંગ કરતા 10થી 14 ટકા લોકો જ ધૂમ્રપાન છોડી શકે છે."
માતા-પિતા ચિંતિત
ગાઝિયાબાદમાં રહેતાં વિનીતા તિવારી એક વિખ્યાત સ્કૂલમાં શિક્ષિકા છે અને તેમની દીકરીએ આ વર્ષે કૉલેજમાં એડમિશન લીધું છે.
બીબીસીના સહયોગી આર. દ્વિવેદી સાથે વાત કરતાં વિનીતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી ખોટી સંગતમાં ન ફસાઈ જાય તેની ચિંતા તેમને કાયમ રહે છે.
વિનીતા દીકરીની ગતિવિધિ અને તેની દોસ્તો સાથેની પાર્ટી વગેરે પર કાયમ નજર રાખે છે, પરંતુ એ આસાન કામ પણ નથી.
મેરીની જ વાત કરો. તેમના માટે સારા દ્વારા વેપિંગ કરવામાં આવતું હોવાનું જાણવું આસાન ન હતું.
બેલફાસ્ટમાં રહેતી સારા ગ્રિફિનનો બેડરૂમ બીજા સામાન્ય બાળકો જેવો જ હતો. મેરી તેના ડ્રેસિંગ ટેબલમાં ખાંખાખોળા કરતાં હતાં અને અન્ય સામાન પણ તપાસતા હતા, પરંતુ સારા વેપિંગના સાધનને છૂપાવવાની નવી-નવી તરકીબ શોધી કાઢતી હતી. સારા ઘણીવાર તો તેની વેપિંગ ડિવાઇસ કૉલરની નીચે છૂપાવી દેતી હતી.
સારાની સવાર વેપિંગના કશ સાથે પડતી હતી અને રાતે ઉંઘવા પહેલાં છેલ્લું કામ કશ લેવાનું જ કરતી હતી.
ઘણીવાર પ્રેશરને લીધે બાળકો કરે છે આવું
કાનપુરની પીપીએન ડિગ્રી કૉલેજમાં સાયકોલૉજી વિભાગનાં વડા ડૉ. આભા સિંહે જણાવ્યું હતું કે બાળકો તેમનાં દોસ્તોના દબાણમાં આવીને અથવા એક નવી ફેશન ગણીને વેપિંગનો ઉપયોગ કરતાં હોય છે.
તેથી માતા-પિતા આ બાબતે જાગૃત થાય તે જરૂરી છે, જેથી તેઓ તેમના સંતાનોને વેપિંગથી થતાં નુકસાન બાબતે જણાવી શકે, એવું તેઓ માને છે.
થિંક ચેન્જ ફોરમના સર્વેક્ષણમાં 39 ટકા કિશોરોએ સ્વીકાર્યું હતું કે તેમને માતા-પિતા, શિક્ષકો અથવા મીડિયા મારફત ઈ-સિગારેટ હાનિકારક હોવાની માહિતી મળી હતી.
પ્રતિબંધનો કડકાઈથી અમલ થતો નથી
ભારતમાં ઈ-સિગારેટ પર 2019ની 18 સપ્ટેમ્બરે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંબંધી ગેઝેટ 2019ની પાંચમી ડિસેમ્બરે બહાર પાડવામાં આવ્યું હતું. એ મુજબ, ઈ-સિગારેટનું ઉત્પાદન, સ્ટોક, આયાત-નિકાસ અને ખરીદ-વેચાણ બધું પ્રતિબંધિત છે.
આ ગુના બદલ પહેલીવાર એક વર્ષની સજા અને એક લાખ રૂપિયા દંડની જોગવાઈ છે.
જોકે, વાસ્તવિકતા એ છે કે પ્રતિબંધ છતાં ઈ-સિગારેટ અથવા વેપિંગ ડિવાઇસ આસાનીથી મળી રહે છે.
તેની ઑનલાઇન ખરીદી પણ કરી શકાય છે, પરંતુ સ્કૂલોની આજુબાજુમાં તેની ઉપલબ્ધતા ચિંતાજનક બાબત છે.
મધર્સ અગેન્સ્ટ વેપિંગે મહિલા સંસદસભ્યોને લખેલા પત્રમાં આ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો છે. પ્રતિબંધનો અમલ કડકાઈપૂર્વક થાય તે સુનિશ્ચિત કરવાનો આગ્રહ એ પત્રમાં સંસદસભ્યોને કરવામાં આવ્યો છે.
પ્રતિબંધની બાબતમાં બ્રિટનમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. બ્રિટનમાં 18 વર્ષથી ઓછી વયના લોકોને વેપિંગ ડિવાઈસ વેચવા પર પ્રતિબંધ છે, પરંતુ સારા ગ્રિફિને તે દુકાનમાંથી ખરીદી હતી.
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક આ પ્રતિબંધને વધુ આકરો બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
વેપિંગ ડિવાઇસ અને ફ્લેવર્ડ ગમ વગેરે જેવી ચીજોનું પેકેજિંગ બાળકો માટે આકર્ષક બનાવવાં ઉપરાંત તેને દુકાનોમાં બધાને દેખાય તેવી રીતે રાખવા પર પણ પ્રતિબંધ લાદવાની તૈયારી ચાલી રહી છે.