'મારા પતિ સિગારેટ પીતા હતા અને મને એનાથી કૅન્સર થઈ ગયું'

    • લેેખક, સ્વામીનાથન નટરાજન દ્વારા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

75 વર્ષનાં દાદી નલિની સત્યનારાયણ કહે છે, "હું મારા નાકથી શ્વાસ લઈ શકતી નથી. હું મારા ગળાના છિદ્રવાટે શ્વાસ લઉં છું, જેને સ્ટોમા કહે છે."

નલિની ધૂમ્રપાન કરતાં નથી પરંતુ લગ્નજીવનનાં 33 વર્ષ સુધી તેમણે અપ્રત્યક્ષ રીતે તમાકુનો ધુમાડો શ્વાસમાં લીધો હતો. તેમના પતિના મૃત્યુનાં પાંચ વર્ષ પછી 2010માં તેમને કૅન્સરનું નિદાન થયું હતું.

હવે હૈદરાબાદમાં રહેતા નલિનીએ બીબીસીને કહ્યું, "મારા પતિ ચેન સ્મોકર હતા. મને ખબર નહોતી કે તેની મને પણ આટલી હદે અસર થશે! હું તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતી અને તેમને ધૂમ્રપાન બંધ કરવા કહેતી હતી. પરંતુ મને નથી લાગતું કે મારા કહેવાથી તેમના વલણમાં ક્યારેય ફેર પડ્યો!"

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) કહે છે કે તમાકુથી દર વર્ષે 80 લાખ લોકો મૃત્યુ પામે છે. તેમાંથી 12 લાખ લોકો અપ્રત્યક્ષ રીતે તમાકુનું સેવન કરનારાના હોય છે.

આ ઉપરાંત ઘણા લોકો આવરદાને અસર કરતી બીમારીઓથી પીડાઈ રહ્યા છે.

વિશ્વ તમાકુનિષેધ દિવસ (31 મે) પર આપણે નલિની જેવાં ધૂમ્રપાન ન કરનારાઓને થતાં નુકસાનનો અંદાજ મેળવીએ.

અવાજમાં તિરાડ અને થોરાસિક કૅન્સર

નલિની તેમનાં પૌત્રી જનનીને વાર્તા કહેતા હતા ત્યારે તેમણે જોયું કે તેમનો અવાજ તૂટીને આવતો હતો. થોડી વારમાં તો એવું થયું કે તેઓ સ્પષ્ટ રીતે બોલી પણ નહોતાં શકતાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી.

તેમની માંદગીનું નિદાન થોરાસિક કૅન્સર તરીકે થયું. ડૉક્ટરોએ તેમનાં સ્વરપેટી અને થાઇરૉઇડ કાઢી નાખ્યાં.

તેઓ કહે છે, "હવે હું બોલી શકતી નહોતી. બહુ આઘાત લાગ્યો. પછી, ડૉક્ટરોએ મને કહ્યું કે હું મારો મૂળ અવાજ ક્યારેય પાછો નહીં મેળવી શકું."

જનની હવે 15 વર્ષનાં છે અને તેમને યાદ છે કે તેમના "બહું બોલકા દાદી" સાથે એકાએક શું થઈ ગયું.

જનની કહે છે, "દાદીનું નિદાન થયું તે પછી તેઓ લાંબા સમય સુધી ઘરે આવ્યાં નહોતાં."

"દાદી ઘરે આવ્યાં ત્યારે હું લગભગ ચાર વર્ષની હતી. તેમના પેટમાં નળીઓ હતી. બધે નળીઓ હતી. અમારે અવારનવાર અમારું ઘર સાફ કરવું પડતું હતું અને અમારી સાથે એક નર્સ રહેતાં હતાં. તે સમયે પરિસ્થિતિની ગંભીરતાથી હું અજાણ હતી. મને તો ચિતરી ચડતી હતી."

નલિનીને સારી તબીબી સારવાર મળી અને તેઓ વાઇબ્રેશન વૉઇસ બૉક્સની મદદથી ફરી વાત કરવાનું શરૂ કરી શક્યાં છે.

નલિની પોતાની બીમારીનું કારણ જાણંતા હતાં. નલિની કહે છે, "મને મારા પતિના કારણે કૅન્સર થયું છે."

"ધુમ્રપાન કરનારાઓ મોટા ભાગે ઝેરી પદાર્થોને ઉશ્વાસ વાટે બહાર કાઢે છે અને બાજુમાં રહેલ નિષ્ક્રિય ધૂમ્રપાન કરનારાઓ તેમને શ્વાસમાં લે છે."

બાળમૃત્યુ

ડબ્લ્યુએચઓ ભારપૂર્વક કહે છે, "તમાકુનાં તમામ સ્વરૂપો હાનિકારક છે અને તમાકુનું કોઈ સુરક્ષિત સંસર્ગ સ્તર નથી."

ડબલ્યુએચઓના યુરોપીયન કાર્યાલય ખાતે તમાકુ નિયંત્રણનાં ટેકનિકલ ઓફિસર ઍન્જેલા સીઓબાનુ કહે છે, "સેકન્ડ હેન્ડ સ્મોકમાં 7,000થી વધુ રસાયણો હોય છે, જેમાંથી લગભગ 70 રસાયણો કૅન્સરનું કારણ બની શકે છે. ધૂમ્રપાન ન કરનારાઓને સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાથી ફેફસાંનું કૅન્સર થવાનું જોખમ 20થી 30 ટકા વધી જાય છે."

તમાકુનો ધુમાડો આપણા હૃદયના આરોગ્યને પણ ગંભીર અસર કરે છે.

તેઓ ઉમેરે છે, "એક કલાક જેટલો મામૂલી સમય પણ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાથી તે ધમનીઓના આંતરિક સ્તરને નુકસાન પહોંચાડી શકે છે, જે હાર્ટ ઍટેકનું જોખમ વધારી દે છે."

યુએનની આરોગ્ય સંસ્થાનો અંદાજ છે કે નિષ્ક્રિય ધૂમ્રપાન દર વર્ષે 65,000 બાળકોનાં મૃત્યુનું કારણ બને છે. સેકન્ડ હેન્ડ તમાકુના ધુમાડાના સંપર્કમાં આવતાં બાળકોને પણ કાનના ચેપનું જોખમ વધી જાય છે, જેના કારણે સાંભળવામાં ક્ષતિ અને બહેરાશની સંભાવના રહે છે.

સીઓબાનુ કહે છે, "બાળકોમાં શ્વાસોશ્વાસની ગંભીર બીમારી થવાનું જોખમ 50થી 100 ટકા વધારે હોય છે, તેમજ અસ્થમા અને સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમનું જોખમ પણ વધી જાય છે."

ધૂમ્રપાન પર પ્રતિબંધની લાંબી લડત

ડબલ્યુએચઓ એવી પણ દલીલ કરે છે કે ધૂમ્રપાન કરનારા અને ધૂમ્રપાન નહી કરનારા બંનેનું ધૂમ્રપાન પર પ્રતિબંધ માટે મજબૂત સમર્થન છે.

સીઓબાનુ કહે છે, "સંપૂર્ણપણે ધૂમ્રપાન-મુક્ત વાતાવરણ જ ધૂમ્રપાન નહી કરનારાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો એકમાત્ર અસરકારક માર્ગ છે."

સીઓબાનુ ભારપૂર્વક જણાવે છે, "તમારી કે તમારા બાળકોની નજીક કોઈને પણ ધૂમ્રપાન કરવાની મંજૂરી આપશો નહીં. સ્વચ્છ હવા એ મૂળભૂત માનવઅધિકાર છે."

જોકે, તમાકુનો ઉપયોગ ઘટાડવો આસાન નથી. 'ગ્રાન્ડ વ્યુ રિસર્ચ'નું વિશ્લેષણ કહે છે કે 2021માં તમાકુઉદ્યોગ 850 અબજ ડૉલરનો હતો.

એ આફ્રિકાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ નાઇજીરિયાની જીડીપી કરતાં લગભગ બમણું છે. વિશ્વબૅન્કનો અંદાજ છે કે 2020માં નાઇજીરિયાનું અર્થતંત્ર 430 અબજ ડૉલરનું હતું.

ગ્રાન્ડ વ્યુ રિસર્ચ અનુસાર વધતી માંગ "એશિયા અને આફ્રિકાના વિકાસશીલ પ્રદેશોમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં વધારાના કારણે છે."

તેનાં ધંધાકીય હિતોના રક્ષણ માટે તમાકુની મોટી કંપનીઓ આરોગ્યના નિયંત્રણો સામે લડે છે અને અનેકવાર ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને પાછો ઠેલાવવામાં સફળ રહી છે.

અઇનુરુ અલ્તીબેવા કિર્ગિસ્તાનના એ સાંસદોના જૂથ પૈકીનાં એક હતાં જેઓ 2018માં જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કરવાની લડત ચલાવતાં હતાં.

અઇનુરુની દલીલ હતી કે તમાકુના કારણે દેશમાં દર વર્ષે 6,000 મૃત્યુ થાય છે અને ધૂમ્રપાનને નિયંત્રિત કરવાથી તમાકુના વપરાશમાં દસ ટકાનો ઘટાડો કરી શકાય છે.

'અંગત હુમલા'

અઇનુરુ યાદ કરતાં કહે છે, "તમાકુઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક સાંસદોના કારણે દરખાસ્ત એક પસંદગી સમિતિને મોકલી દેવામાં આવી, જેનો હેતુ કાયદો લાવવામાં વિલંબ કરવાનો હતો. આર્થિક બાબતોના મંત્રાલયના અધિકારીઓએ પણ કાયદો લાગુ કરવાથી કરની આવક ઘટી જવાની ચિંતા વ્યક્ત કરી હતી."

તેઓ ઉમેરે છે, "કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર મને અને મારા પરિવારને નિશાન બનાવ્યા હતા."

પરંતુ અઇનુરુએ વિચલિત થયા વગર લડત આપી અને 2021માં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં લાવીને જ જંપ્યાં.

"2013માં કરવામાં આવેલ એક સર્વેક્ષણ દર્શાવે છે કે પુરુષોમાં ધૂમ્રપાન ધીમેધીમે ઘટી રહ્યું છે, પરંતુ મહિલાઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ વધી રહ્યું છે." અઇનુરુ માને છે કે ઘણી મહિલાઓ છુપાઈને ધૂમ્રપાન કરે છે અને તેઓ યુવતીઓને વ્યસની થતી રોકવા માગે છે.

તમાકુથી થતા મૃત્યુઆંકને ઘટાડવામાં મદદ કરવાના વૈશ્વિક પ્રયાસો થકી તમાકુનિયંત્રણ અંગેના 2005 'ફ્રેમવર્ક કન્વેન્શન'ને આકાર લીધો. જેમાં અત્યાર સુધીમાં 182 દેશોએ હસ્તાક્ષર કર્યા છે.

ઝુંબેશ ચલાવતા સંગઠનો કહે છે કે દેશોએ જાહેરમાં ધૂમ્રપાન પરના પ્રતિબંધોથી આગળ વધવું જોઈએ અને સંમેલનમાં સમાવિષ્ટ અન્ય સૂચનોને અમલમાં મૂકવાં જોઈએ.

તમાકુ નિયંત્રણમાં 'ગ્લોબલ સેન્ટર ફૉર ગુડ ગવર્નન્સ' એનજીઓ માટે વૈશ્વિક સંશોધન અને હિમાયતનાં સિડનીસ્થિત વડા ડૉ. મેરી અસુન્ટા દલીલ કરે છે, "લોકોના સ્વચ્છ હવાના અધિકારનો આદર કરવા માટે ધુમ્રપાન-મુક્ત નીતિ અનિવાર્ય છે."

તેઓ કહે છે, "મૃત્યુદર ઘટાડવા પર (પ્રતિબંધની અસર) જોવા માટે આ નીતિ વ્યાપક તમાકુનિયંત્રણ નીતિઓનો ભાગ હોવી જોઈએ. જેમાં ભારે કર, તમાકુના પેક પર ચિત્રાત્મક ચેતવણીઓ, તમાકુની જાહેરાતો અને પ્રચાર પર પ્રતિબંધ અને જાહેર શિક્ષણનો સમાવેશ થાય છે."

વિશ્વભરમાં ધૂમ્રપાન કરનારાઓની સંખ્યા ધીમેધીમે ઘટી રહી હોવા છતાં તે હજુ પણ 1.3 અબજ છે.

ડબલ્યુએચઓ કહે છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમની 10માંથી 1 સિગારેટ જેના કોઈ પણ નિયમો લાગુ પડતા નથી એવા ગેરકાયદે તમાકુના વેપારમાંથી બનેલી છે.

અસુન્ટા અધિકારીઓને વધુ સતર્ક દાખવવાનો આગ્રહ કરી રહ્યાં છે. તેમણે એવા સંખ્યાબંધ કિસ્સાઓ શોધી કાઢ્યા છે જેમાં બાળકોમાં લોકપ્રિય ઍપ અને ગેઇમમાં તમાકુના ઉત્પાદનની જાહેરાત કરવામાં આવી રહી છે.

'મારા પતિને દોષ નથી આપતી'

હૈદરાબાદ પાછા ફરીએ તો નલિની તેમના ગળાના છિદ્ર વાટે શ્વાસ લે છે અને તે માત્ર નરમ ખોરાક જ ખાઈ શકે છે.

તેમણે અલગ જીવન જીવવાનું શીખી લીધું છે. તે પોતાને કૅન્સરવિજેતા તરીકે ઓળખાવે છે.

જાણે કે આ વાતની સાબિતી આપવાની હોય તેમ તેમણે વાદ્ય વગાડવાનું પણ શીખી લીધું છે. નલિનીએ બૉટનીમાં એમફિલ કર્યું છે અને તેને ગાર્ડનિંગનો શોખ છે.

તેઓ તેમના બે પૌત્રોને મદદ કરવામાં વધુ સમય વિતાવી રહ્યાં છે. જનનીને વૅટરનરી સર્જન બનવું છે અને તે વિજ્ઞાનના પાઠ શિખવા માટે અવારનવાર આવે છે.

જનની કહે છે, "મને તેમના પર ખૂબ ગર્વ છે. તે દરેક માટે પ્રેરણા છે. તે અમારી પહેલા જેવી જ આનંદી દાદી છે."

નલિની શાળાઓ, વિશ્વવિદ્યાલયો, સામુદાયિક મેળાવડા અને અન્ય ઘણાં સ્થળોએ જઈ રહ્યાં છે અને પોતાની કહાની પ્રકાશિત કરીને લોકોને 'સેકન્ડ હેન્ડ સ્મોકિંગ'ના જોખમો વિશે સચેત કરી રહ્યા છે.