World Food Safety Day : રસોડામાં થતી એ નવ ભૂલો, જે તમને બીમાર પાડી શકે છે

    • લેેખક, આંદ્રે બિઍર્ન્થ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વમાં દર વર્ષે અંદાજે 60 કરોડ લોકો ખરાબ ભોજનનાં કારણે બીમાર પડે છે. આશરે 4,20,000 લોકો મૃત્યુ પણ પામે છે.

આ બીમારીઓ પાછળ બૅક્ટેરિયા મુખ્ય કારણ છે. લાંબા સમય સુધી પડી રહેલું કે ઍક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા ખોરાકમાંથી બૅક્ટેરિયા પ્રસરે છે.

આ બૅક્ટેરિયા પાચનતંત્ર અને આંતરડાને ગંભીર નુક્સાન પહોંચાડી શકે છે. તેનાથી ઊલટી, ડાયેરિયા તેમજ કેટલાક કિસ્સામાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

પ્રોફેસર યુલિન્ટોન પિન્ટો ઘણાં વર્ષોથી આ મુદ્દાને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એકઠા થયેલા આંકડા પર કામ કરે છે. તેઓ યુનિવર્સિટી ઑફ સાઉ પાઉલોના ફૂડ રિસર્ચ સેન્ટરમાં માઇક્રોબાયોલૉજીના પ્રોફેસર છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા તેમજ વાસી ખોરાકના કારણે થતી બીમારી પર સંશોધન કરવા એક ટીમ બનાવીને વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ટીમે પહેલો સર્વે 2019માં રજૂ કર્યો હતો. જેનાં તારણોમાં જાણવા મળ્યું કે બ્રાઝિલમાં વર્ષ 2000થી 2018 સુધીમાં 2,47,000 લોકો બીમાર પડ્યા હતા અને 195 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

પ્રોફેસર પિન્ટોના કહેવા પ્રમાણે, મોટા ભાગનું ભોજન રસોડામાં જ બગડતું હતું.

આ પાછળનું કારણ જાણવા વર્ષ 2021માં સંશોધકોની એક ટુકડીએ રસોડામાં લોકોની સામાન્ય આદતોનું અવલોકન કરવાનું શરૂ કર્યું હતું.

તેમના સંશોધન મુજબ આપણે એ જોખમી આદતો વિશે જાણીશું જે સમય જતા જીવલેણ પણ બની શકે છે.

1. સિન્કમાં ચિકન સાફ કરવું

આ સૌથી સામાન્ય ભૂલ છે. જે મોટા ભાગના લોકો કરે છે. લોકોને લાગે છે કે સિન્કમાં નળ નીચે ચિકન મૂકીને ધોવાથી તેમાંના બૅક્ટેરિયાનો નાશ થાય છે.

પણ હકીકતમાં એમ કરવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત નથી. નળમાંથી ટપકતું પાણી એ ચિકન સહિત આસપાસમાં પણ પડે છે.

સામાન્ય રીતે સિન્કની આસપાસમાં વાસણો કે પછી હાથ લૂંછવા માટેનો રૂમાલ રાખવામાં આવે છે અને શક્યતા છે કે ચિકન ધોવા માટે વપરાયેલું પાણી તેના પર પડે અને બૅક્ટેરિયા પ્રસરે.

પ્રોફેસર પિન્ટો અનુસાર, ચિકનમાં પ્રાકૃતિક રીતે થોડાક વધારે બૅક્ટેરિયા છે અને તેને દૂર કરવાનો સૌથી સામાન્ય રસ્તો છે તેને રાંધવું.

અર્થાત ચિકનને હૂંફાળા પાણીમાં ધોવા કરતાં મસાલા વડે મૅરિનેટ કરવું વધારે યોગ્ય રહે છે. તેમને રાંધતી વખતે તકેદારી રાખવી કે 70 ડિગ્રીની ઉપર ટૅમ્પરેચર ગયા બાદ તેમાંથી તમામ બૅક્ટેરિયા દૂર થાય છે.

2. ફળ-શાકભાજીને પાણીથી ધોવાં

સામાન્ય રીતે જ્યારે ઘરમાં ફળ કે શાકભાજી લાવવામાં આવે છે તો તેને ધોઈને ખાવામાં આવે છે પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તેમને માત્ર પાણીથી ધોવામાં આવે તો તમામ અશુદ્ધતા દૂર થઈ જાય છે, પણ બૅક્ટેરિયા નહીં.

શાકભાજીમાંથી જીવાણુઓને દૂર કરવા માટે પાણીમાં સોડિયમ હાઇપોક્લોરાઇડ ઉમેરીને શાકભાજીને તેમાં 15 મિનિટ માટે રાખવા જોઈએ. બાદમાં પાણીથી ધોઈ શકાય છે.

સોડિયમ હાઇપોક્લોરાઇડના સ્થાને મીઠાનો પણ ઉપયોગ કરી શકાય છે. જો બાદમાં શાકભાજીને ફ્રીઝમાં મૂકવાની હોય તો તેને લૂંછીને મૂકવી જોઈએ.

પ્રોફેસર પિન્ટો મુજબ, હાઇપોક્લોરાઇડ સૉલ્યુશનની એક ચમચી એક લિટર પાણી માટે પૂરતી છે. આ સૉલ્યુશન કોઈ પણ સુપરમાર્કેટ કે દવાની દુકાને મળી રહે છે.

જોકે, હાઇપોક્લોરાઇડના ઉપયોગમાં સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે જો ભૂલેચૂકે તેની સાથેસાથે ક્લોરિન કે અન્ય કોઈ કૅમિકલ આવી જાય તો તે પેટને નુક્સાન પહોંચાડી શકે છે.

3. જમતાં પહેલાં હાથ ધોવા

ભલે તમે શાકભાજીને ધોઈને સરખી રીતે રાંધી હોય, પણ જો જમતા પહેલાં તમે હાથ નહીં ધોવો તો કોઈ ફાયદો નથી.

આંગળીઓ પર અને નખમાં રહેલા પૅથોજન એ આપણા ભોજન દ્વારા પેટમાં જઈ શકે છે, જેને તજજ્ઞો 'ક્રૉસ કન્ટેમિનેશન' કહે છે.

બીમારીથી બચવા માટે જમવાનું બનાવતા પહેલાં જમતા પહેલાં અને જમ્યા બાદ હાથ ધોવા અનિવાર્ય છે.

4. કાચા અને પકવેલા ભોજન માટે એક જ વાસણ વાપરવું

ધારો કે તમે એક ચૉપિંગ બૉર્ડ પર ચિકન કાપ્યું અને એ જ ચપ્પા વડે એ જ ચૉપિંગ બૉર્ડ પર એક સફરજન કાપો તો શું થશે? ચિકનના જીવાણુઓ સફરજનને લાગશે.

સ્કૂલ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસમાં માઇક્રોબાયોલૉજીના પ્રોફેસર મારિજા લૅન્ડગ્રાફ કહે છે, "કાચા ફળ કે શાકભાજીને અડક્યાં બાદ તરત જ હાથ ધોવા જોઈએ."

5. રાંધેલો ખોરાક અને ફ્રીઝ

વિવિધ પ્રકારના બૅક્ટેરિયાને જુદું જુદું તાપમાન અનુકૂળ આવે છે અને અનુકૂળ તાપમાનમાં તેઓ વધવા લાગે છે. કેટલાક બૅક્ટેરિયા 25 ડિગ્રી સૅન્ટિગ્રેડ તાપમાનની આસપાસ બમણી ગતિએ વધે છે. મોટા ભાગના બૅક્ટેરિયા માટે આ તાપમાન 30થી 35 ડિગ્રીની વચ્ચે હોય છે.

આપણે સામાન્ય રીતે જમ્યા બાદ વધેલું ભોજન ફ્રીઝમાં મૂકી દેતા હોય છે. જ્યાં સુધી તે ઠરી જાય ત્યાં સુધી તેમાં બૅક્ટેરિયા પ્રસરી ગયા હોઈ શકે છે.

ભોજન જ્યારે ગરમ હોય ત્યારે તેને ફ્રીઝમાં મૂકવામાં આવે તો ફ્રીઝનું ઠંડું વાતાવરણ બૅક્ટેરિયા પ્રસરતા અટકાવે છે.

6. ફ્રીઝમાં ક્યાં શું મૂકવું તેનો ખ્યાલ ન હોવો

ફ્રીઝમાં જુદાં જુદાં ખાનાં અલગઅલગ ટૅમ્પરેચર ધરાવે છે. જેથી ક્યાં શું મૂકવું જોઈએ, તેનો અંદાજ હોવો જરૂરી છે.

તાજાં શાકભાજી અને રાંધેલા ખોરાકને વધુ ઠંડકની જરૂર છે. પીણાં અને મસાલાને વધુ ઠંડકની જરૂર પડતી નથી.

તો જાણીએ, ફ્રીમાં ક્યાં શું મૂકવું જોઈએ

  • ઈંડાં, દૂધ અને ડેરી ઉત્પાદનોને સૌથી ઉપરની ટ્રેમાં
  • વધેલું ભોજન બીજા નંબરની ટ્રેમાં
  • ઓછી ઠંડક ધરાવતી વસ્તુઓ ત્રીજા ખાનામાં
  • શાકભાજી અને ફળ નીચેના ડ્રોઅરમાં
  • પીણાં, મસાલા, પાણી અને જ્યૂસ સાઇડ ડોરમાં

આ સિવાય અન્ય એક બાબત જાણવી જરૂરી છે કે કઈ વસ્તુ કેટલા દિવસ માટે ફ્રીજમાં રાખી શકાય

  • માછલી, ચિકન - 3 દિવસ
  • સૉસ - 20થી 30 દિવસ
  • વધેલું ભોજન - એક કે બે દિવસ
  • ફળો, શાકભાજી - ત્રણથી સાત દિવસ
  • દૂધ - બેથી પાંચ દિવસ
  • બેકરી, કેક, પેસ્ટ્રીઝ - પાંચ દિવસ
  • ઈંડા - સાત દિવસ

7. કાચા માંસને ન ઢાંકવાની ભૂલ

આમ તો કહી શકાય કે માંસને ફ્રીઝમાં મૂક્યા બાદ તેમાંથી બૅક્ટેરિયા પ્રસરતા નથી, પણ ખરેખર ફ્રીઝમાં માત્ર બૅક્ટેરિયા પ્રસરવાનો સમય ઓછો થાય છે.

જો તમે બજારમાંથી માંસ ખરીદીને લાવ્યા હોવ તો શક્યતા છે કે તેમાં બૅક્ટેરિયા હોય. જેથી લાવ્યા બાદ તેને તરત જ ફ્રીઝમાં ન મૂકવું. પહેલાં તેને અન્ય વાસણમાં કાઢવું અને ઢાંક્યા બાદ જ ફ્રીઝમાં મૂકવું.

જો તેને એક દિવસથી વધારે સમય માટે ફ્રીઝમાં મૂકવાનું હોય તો ડીપ ફ્રીઝરનો ઉપયોગ કરવો.

8. બૅક્ટેરિયાને ફ્રીઝરમાં મારો

આઇસક્રીમ અને ફ્રોઝન કરવાની વસ્તુઓને આપણે ફ્રીઝરમાં મૂકતા હોઈએ છીએ. ફ્રીઝરમાં ટૅમ્પરેચર ઘણું ઓછું હોવાથી તેમાં બૅક્ટેરિયાનું ટકવું લગભગ અશક્ય છે.

જોકે, ફ્રીઝરમાંથી બહાર કાઢ્યા બાદ તેને ગરમ કરવામાં પણ મહેનત લાગે છે. ક્યારેક આપણે વસ્તુને ફ્રીઝરમાંથી કાઢીને ગરમ પાણીમાં નાંખી દેતા હોઈએ છીએ અથવા તો બહાર એમનેમ મૂકી દેતા હોઈએ છીએ, પણ આમ કરવાથી તેમાં બૅક્ટેરિયાનું પ્રમાણ વધી શકે છે.

પ્રોફેસર લૅન્ડગ્રાફ પ્રમાણે, જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી ફ્રીઝરમાંથી વસ્તુને કાઢવી નહીં અને કાઢ્યા બાદ તેને ગરમ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરી શકાય.

9. સમયસર ફ્રીઝ સાફ કરવાની રીત

સમયાંતરે ફ્રીઝને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેમાં પણ માઇક્રોબ્સ તેમજ બૅક્ટેરિયા ઉદ્ભવવાની શક્યતા વધે છે.

ફ્રીઝને યોગ્ય રીતે સાફ કરવા માટે તમામ શૅલ્ફ, ડ્રોઅર્સ વગેરેને બહાર કાઢીને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ.

પ્રોફેસર પિન્ટોની ટીમ પ્રમાણે મહિનામાં એક વખત ફ્રીઝને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો