શું ફળોનો રાજા કેસર કેરી આપણા ભાણામાંથી અદૃશ્ય થઈ જશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કેરી ફળોનો રાજા ગણાય છે. એમાંય કેસર કેરીની લોકપ્રિયતા એટલી છે કે હવે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તેનું ઉત્પાદન થાય છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે.

કેસર કેરીનું ઉત્પાદન હવે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ થાય છે.

કચ્છમાં છેલ્લા બે દાયકામાં કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર કામ થયું છે. કચ્છમાં પણ કેસર કેરીની કલમો તાલાળા-ગીરમાંથી જ ગઈ હતી.

સૂકી આબોહવાને કારણે કચ્છની કેસર કેરી સૌરાષ્ટ્રની કેસર કરતાં મોડેથી આવે છે.

કેરી ગુજરાતનો એક મહત્ત્વનો પાક છે. ગુજરાતની કેસર અને હાફુસ કેરીની દુનિયાના દેશોમાં નિકાસ થાય છે.

ભારતીય કૃષિ સંશોધન સંસ્થા અનુસાર ગુજરાતમાં કુલ 89,700 હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર થયું છે. ગુજરાતમાં વાર્ષિક કુલ 7.29 લાખ ટન જેટલી કેરીનું ઉત્પાદન થાય છે. હેક્ટરે 8.1 ટન ઉત્પાદનક્ષમતા છે.

ગત વર્ષે તૌકતે વાવાઝોડામાં આંબાનાં વૃક્ષોનો સોથ વળી ગયો હતો. ખેડૂતોએ મહામહેનતે ઉછેરેલા આખાને આખા 1000-2000 આંબાના આખા બગીચાઓ નષ્ટ થઈ ગયા હતા.

ગત તૌકતેના વિનાશને જોતા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આવતા વર્ષે કેરીનું ઉત્પાદન સાવ ઓછું રહેશે.

તૌકતે વાવાઝોડાએ આંબાવાડીનો વિસ્તાર ગણાતા ઉના, અમરેલી, સોમનાથના કાંઠા વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. જે વિસ્તાર વાવાઝોડા પહેલાં આંબે લળુંબતી કેરીઓથી હર્યોભર્યો હતો ત્યાં આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે હજુ એક વર્ષ પહેલાં હરિયાળી આંબાવાડીઓ હતી.

ઉપરાંત ચોમાસું લાંબું ચાલતા અને ઉનાળો વહેલો બેસી જતા માર બેવડાયો છે.

"બાગાયતને વીમામાં આવરી લેવામાં આવે"

વંથલીના ખેડૂત અજય વાણવી કહે છે, "આ વરસે વાતાવરણની ખરાબ અસરને કારણે કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આવું છેલ્લાં 3-4 વર્ષોથી થઈ રહ્યું છે. માવઠું, વાવાઝોડુ વગેરે પરિબળોને કારણે કેરી ખરી જાય છે."

"કેરીનો પાક વર્ષમાં એક વાર જ આવે છે. એ પણ નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે છે. એટલે અમારી માગણી છે કે બાગાયત વિભાગને પાક વીમા હેઠળ આવરી લેવામાં આવે."

વંથલીમાં આંબાનો બગીચો ધરાવતા અશરફ નાગોરી કહે છે, "વંથલીમાં 2000 હેક્ટરમાં કેસર કેરીની વાડીઓ પથરાયેલી છે. આ વરસે કેરી 5-8 ટકા જેટલી છે. માત્ર બાગાયત ઉપર નિર્ભર ખેડૂતો માટે મોટી મુશ્કેલી છે કે વરસ કેમ કાઢવું?"

"નહીતર એવું થશે કે ખેડૂતો આંબા કાઢી નાખશે. એમ કરતા સરવાળે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થશે."

"ફળોના રાજાને વ્યવસ્થિત ટ્રિટમેન્ટ જોઈએ"

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને ડીન ડી.કે. વરુ કહે છે, "આંબો ફળનો રાજા છે એટલે રાજાને વ્યવસ્થિત ટ્રિટમેન્ટ જોઈએ. આંબાને તાપમાન, વરસાદ, સૂર્યપ્રકાશ, ભેજ વગેરે બધું માફકસર જોઈએ. એમાં ફેરફાર હોય તો એ ચલાવી લેતો નથી."

"છેલ્લાં કેટલાંક વર્ષોથી હવામાનમાં આવેલા ફેરફારોની અસર આંબાની દેહધાર્મિક ક્રિયાઓમાં વિક્ષેપ આવ્યો છે. જેને કારણે સમયસર ફૂલો નથી આવતા. ફૂલો આવે તો મોર (કેરીની કળીઓ) નથી આવતો. મોર આવે તો જેટલી કેરીઓ લાગવી જોઈએ એટલી કેરીઓ લાગતી નથી. કેરી લાગે પછી પણ તાપમાન અને અન્ય પરિબળોની કેરીના કદ અને પાકવાના દિવસો પર અસર થાય છે."

તેઓ કેરી પર તાપમાનની અસર સમજાવતા કહે છે, "આપણા વાતાવરણમાં સામાન્ય રીતે 15 ડિસેમ્બર પછી આંબાને ફૂલો આવે છે. પરંતુ આ વરસે તાપમાન ઘણું નીચું રહ્યું હતું. બીજું કે આગલા વર્ષે વરસાદે સપ્ટેમ્બરમાં વિદાય લેવાને બદલે ઑક્ટોબરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો."

"આ વરસાદ અને તાપમાનને કારણે આંબાને ફૂલો આવવામાં એક મહિનો જેટલું મોડું થયું હતું. આંબાને ડિસેમ્બરના અંત ભાગે ફૂલો આવતાં હોય છે તે જાન્યુઆરીમાં આવ્યાં."

"ફૂલો આવ્યાં ત્યારે વાતાવરણમાં તાપમાન ઘણું નીચું હતું. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઠંડી વધારે પડી એ કારણે ફૂલો બેસવામાં મોડું થતું ગયું અને ફળધારણ થવું જોઈએ એટલું ન થયું."

"ત્યાર બાદ તાપમાન થોડું વધ્યું તે કારણે ફ્લાવરીંગ પૂરું આવ્યું. જોકે થોડા સમયમાં જ તાપમાન નાટકીય રીતે ઘણું વધી ગયું. ત્યારે ફૂલો બેસવાનો સમય પૂરો થઈ ગયો હતો. અને ફળધારણની પ્રક્રિયા ચાલતી હતી. એ સમય દરમિયાન તાપમાન બહુ વધી જતા ફળધારણ થવું જોઈએ એટલું ન થયું."

"ત્યાર બાદ તાપમાન સતત વધતું ગયું. 15 માર્ચ પછી તાપમાન 40 ડિગ્રી સુધીએ પહોંચી ગયું. એટલે આંબે જે ફળ બેઠાં હતાં તે ખરી ગયાં."

તાપમાનનું પ્રમાણ વધતા વાવાઝોડા જેવી ઘટનાઓ સર્જાય છે. આખું વાતાવણ ડહોળાઈ જાય છે.

અત્યારે કેરી સિવાયના અન્ય ફળોની સિઝન નથી એટલે કેરી વાતાવરણના આ પ્રકોપનો વધુ શિકાર બને છે. બીજું કારણ એ છે કે આંબો અન્ય ફળો કરતા વધુ સંવેદનશીલ છે એટલે તેને વધુ અસર થાય છે.

હવામાનમાં પલટાને કારણે કેરીના સ્વાદ ઉપર વિશેષ અસર પડતી નથી, અસર તેના ઉત્પાદન ઉપર પડે છે.

અત્યારે ઘણી જગ્યાએ ઝાકળ પડે છે. કેરી પાકવાના આ દિવસોમાં ઝાકળ પડવાથી કેરીની ગુણવત્તા કે સ્વાદ ઉપર અસર થાય છે.

યુનિવર્સિટીનાં કેલેન્ડર ઊંઘાં પડ્યાં

સીકે ટીંબડિયા વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક અને નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક છે. તેઓ આંબાનો પાક નિષ્ફળ જવાનાં કારણોની સમીક્ષા કરતા કહે છે, "જીરુ પાકની જેમ આંબા પાક ઉપર વાતાવરણની બહુ ઘેરી અસર પડે છે. આંબા પાકમાં મંજરી આવ્યા પછી, વહેલી મંજરી આવે તો તેને સાચવવી અઘરી પડે છે. ત્યાર પછી બદલાતા વાતાવરણને હિસાબે ફૂલો આવવા અને કેરી બેસવા ઉપર અસર પડે છે."

દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીના મોટા બગીચાઓ છે. ટીંબડિયા કહે છે, "સારા વરસની સરખામણી આ વરસે માત્ર 25 ટકા ઉત્પાદન આવે એવાં એંધાણ છે. આ વરસે કેરીનો દરેક ખેડૂત નિરાશ છે."

કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આંબા પાકની શરૂઆતથી અંત સુધી કેવી કાળજી લેવી તેનાં કેલેન્ડર બનાવ્યાં છે.

ટીંબડિયા કહે છે, "આ વરસે અમને એવું જોવા મળ્યું કે ઘણા ખેડૂતોએ કેલેન્ડર પ્રમાણેની અને ઘણાએ તો એથીય વિશેષ માવજત લીધી હતી. છતાં નિષ્ફળતા મળી છે. વૈજ્ઞાનિકો અનુસાર, દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત એની પાછળનું મુખ્ય કારણ છે. ફળ બેસવાની પ્રક્રિયા દરમિયાન વધારે તાપમાન જોઈએ પણ એટલું પણ વધવું ન જોઈએ કે દિવસ અને રાતના તાપમાન વચ્ચે 18થી 20 ડિગ્રી સેલ્સિયસનો તફાવત હોય."

તેઓ કહે છે, આ વરસે ઘણા ફાર્મની મુલાકાત લેતા એમને પણ એવું થયું કે સારી મંજરી જોઈને ખેડૂત ખુશ થયા હતા અને એના એક અઠવાડિયામાં દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત સર્જાવાથી પરાગનયનની પ્રક્રિયામાં અવરોધ આવવાથી આંબે ફળ બેસ્યા નથી.

ગયા વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે આંબાને થયેલું નુકશાન પણ આમાં જવાબદાર છે.

"બદલાતા હવામાન સામે ટક્કર ઝીલવી હશે તો ભૂમિ સુપોષણ બનાવવી પડશે"

અંતમાં તેઓ કહે છે, "ગ્લોબલ વોર્મિંગને પગલે વિશ્વભરના વૈજ્ઞાનિકોએ ખેતીને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાની વાત કરી છે. કોરોના સામે ટકી રહેવા જેમ રોગપ્રતિકારક શક્તિની જરૂર પડી હતી તેમ બદલાતા હવામાન સામે ટક્કર ઝીલવી હશે તો ભૂમિ સુપોષણ બનાવવી પડશે."

આ જ વાતને અલગ રીતે રજૂ કરતા ડી.કે. વરુ કહે છે, "અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે તે પર્યાવરણને ભોગે થઈ રહ્યો છે એમ કહીએ તો એ ખોટું નહીં ગણાય. અત્યારે એ કારણે ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધ્યું છે. સો વરસનો ઇતિહાસ તપાસીએ તો તાપમાનમાં દોઢથી બે ડિગ્રીનો વધારો થયો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો