તૌકતે વાવાઝોડું : ‘ન પાણી છે, ન વીજળી, ઘર તૂટી ગયાં, મદદની રાહ જોઈ પણ કોઈ ન આવ્યું’

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

તારાજી...તારાજી અને તારાજી... સૌરાષ્ટ્ર પંથકના દરિયાકાંઠાના તાલુકાઓમાં તૌકતે વાવાઝોડાને પગલે જ્યાં જુઓ ત્યાં નુકસાન અને જનજીવન ઠપ જોવા મળ્યું છે. કોડિનાર, ઉના, મહુવા, જાફરાબાદ, રાજુલા સહિતના તાલુકા અને તેની આસપાસના કાંઠા વિસ્તારમાં આવેલાં ગામડાં મહદઅંશે સંપર્કવિહોણાં-મદદવિહોણાં છે.

તૌકતે વાવાઝોડાએ ગીર-સોમનાથ, અમરેલી, ભાવગનર જિલ્લાઓના કાંઠા નજીકના વિસ્તારોને 15 કલાકથી વધુ સમય બાનમાં લીધા હતા.

આ એ સ્થળો છે જ્યાંથી વાવાઝોડું તૌકતે 100 કિલોમિટરથી વધુ ઝડપી પવન સાથે પસાર થયું હતું.

સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક મીડિયાકર્મીઓ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જનજીવનને અહીં માઠી અસરો પહોંચી છે.

ખેતરો ધોવાયાં, પાણીની સમસ્યા

ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે, તો કેટલાકનાં મકાનો અને મકાનોની છત તૂટી ગઈ છે. જીવન જરૂરી વસ્તુઓની પણ અછત સર્જાઈ છે.

મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છે અને પીવાના પાણીની પણ સમસ્યા છે.

દરમિયાન બીબીસીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા સ્થાનિકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી. જેમાં કેટલીક પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ છે.

વળી ગીર-સોમનાથના કોડિનારમાં વીજપુરવઠો અને પાણી સહિતની મુશ્કેલી હજુ પણ યથાવત્ હોવાનું જાણવા મળ્યું છે. જોકે અહીં પણ ઘણા ખેડૂતોનાં ખેતરો ધોવાઈ ગયાં છે.

ગીર-સોમનાથનું ઉના ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું પહેલું શિકાર બન્યું હતું. અહીં પણ તારાજી સર્જાઈ છે.

ઉનાના રહીશ જય બાંભણિયાએ કેટલાક મહિનાઓ પૂર્વે જ મહામહેનતે એક હોટલ બનાવી હતી. પરંતુ આજે હોટલ મોટા ભાગની પડી ભાંગી છે.

બીબીસી સાથેની વાતચીતમાં જય બાંભણિયા કહે છે, "લાખો રૂપિયા ખર્ચીને હોટલ તૈયાર કરી હતી. કોરોના હોવાથી એમ પણ કામધંધો બરાબર ચાલ્યો નહીં. અને હવે મારી હોટલ તૂટી ગઈ છે. કમાવવાનું મુખ્ય સાધન જ જાણે ગુમાવી દીધું છે."

"વળી વીજળી નથી. એટલે જનરેટરથી શક્ય તેટલું કામ ચલાવવાની કોશિશ કરીએ છીએ. પીવાના પાણીની અત્યંત પરેશાની છે. પેટ્રોલ પંપોને નુકસાન થયું છે એટલે જે પંપ પર એકાદ મશીન ચાલુ છે ત્યાં વાહનોની લાંબી લાઇનો લાગી છે."

તેમણે વધુમાં ઉમેર્યું, "નાળિયેરીનાં વૃક્ષો પણ મોટા પ્રમાણમાં જમીનમાંથી ઉખડીને ફેંકાઈ ગયાં છે. આંબાની પણ આવી જ સ્થિતિ છે. ખેડૂતોની દયનીય હાલત થઈ છે. નાળિયેરીના બગીચાઓમાં 100 વર્ષ જૂનાં વૃક્ષો હતાં એ પણ પડી ગયાં. આંબા પણ પડી ગયા. હવે આવતા વર્ષે અહીંથી કેરીનું ઉત્પાદન અત્યંત ઓછું રહેશે."

"લોકોએ પોતાની આંખો સામે પોતાનાં ખેતરો-બગીચા નષ્ટ થતાં જોયાં એ દૃશ્યો ઘણાં કરુણ છે."

તેઓ વધુમાં કહે છે, "હજુ એકાદ અઠવાડિયા સુધી વીજપુરવઠો નહીં આવે એવું કહેવામાં આવ્યું છે. રસ્તાઓ પર ધરાશાયી થઈ ગયેલાં વૃક્ષોને દૂર કરવા કામગીરી ચાલુ છે. વીજળીના થાંભલાઓ પણ મોટી સંખ્યામાં પડી ગયા છે. બીજી તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. એટલે સ્થિતિ ઘણી પડકારજનક બની ગઈ છે."

શું ગામલોકોને ચેતવણી નહોતી અપાઈ?

વાવાઝોડાની તીવ્રતા અને તેનાથી સર્જાયેલી પરેશાની વિશે વધુ જણાવતા જય બાંભણિયા કહે છે, "વાવાઝોડું એટલું ભયંકર હતું કે એક પરિચિત વ્યક્તિ પર રાત્રે ઘરની દીવાલ પડી જતા તેમને ગંભીર ઈજા થઈ."

"પરંતુ રાત્રે વાવાઝોડું હોવાથી સવાર સુધી તેમને દવાખાને ન લઈ જઈ શકાયા. આથી જ્યારે તેમને સવારે દવાખાને લઈ ગયા ત્યારે તેમની કમરના મણકા ભાંગી ગયેલા હતા અને સમયસર સારવાર ન મળતા ઈજાએ વધુ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું."

કેમ કે તેઓ આખી રાત દર્દમાં કણસતા રહ્યા હતા."

જય બાંભણિયા અનુસાર ઉનામાં હજુ પણ કોઈ રાહતમદદ આવી નથી. જોકે, સમારકામ અને રિસ્ટોરેશનની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.

જોકે અહીં એ સવાલ પણ ઊભો થાય છે કે જો અહીં આટલું તીવ્ર વાવાઝોડું આવવાનું હતું તો પૂરતી તૈયારીઓ કરાઈ હતી કે કેમ? શું ગ્રામજનોને ચેતવણીની માહિતી નહોતી મળી?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "માહિતી મળી હતી પરંતુ લાગે છે કે ગ્રામજનો પણ ગંભીરતા સમજવામાં થાપ ગઈ ગયા. એક એનડીઆરએફની ટીમ અમારે ત્યાં આવી હતી. પણ જોકે લોકો વાવાઝોડું શરૂ થઈ ગયું પછી ક્યાં જઈ શકે. કોઈ વિકલ્પ જ નહોતો."

દરમિયાન અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આજે ઉનાના ગરાળ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

તેમણે અસરગ્રસ્તો અને ગ્રામજનોને યોગ્ય સહાય કરવામાં આવશે તેવી વાત પણ કરી હતી.

અસરગ્રસ્ત તાલુકાઓમાં પડકારજનક બાબત એ પણ રહી છે કે મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટની સમસ્યા હજુ પણ યથાવત્ છે. આથી વાવાઝોડાના 48 કલાક પછી પણ સંખ્યાબંધ ગામડાં સંદેશાવ્યવહારની દૃષ્ટિએ સંપર્કવિહોણાં છે.

સગાંસંબંધીઓની સંપર્ક કરવાની કોશિશ

વળી સૌરાષ્ટ્રના અન્ય એક અસરગ્રસ્ત જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં પણ કેટલાક તાલુકામાં સ્થિતિ અત્યંત મુશ્કેલજનક રહી છે.

રાજુલા, જાફરાબાદ તાલુકાઓમાં કાંઠાવિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. કાચાં મકાનો, પતરા, દીવાલો ધસી પડી. માછીમારોને બોટને પણ નુકસાન થયું છે.

સ્થાનિકોનાં મોત પણ નોંધાયાં છે તથા કેટલાક ઘાયલ પણ થયા છે. અહીં પણ વીજપુરવઠો, પીવાનું પાણી, જીવનજરૂરી સામગ્રીની સમસ્યા સર્જાઈ છે.

વળી મોટા ભાગના વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક વ્યવસ્થિત કામ કરતું નથી અને વીજળી પણ ન હોવાથી ગુજરાતનાં અન્ય સ્થળોથી જે સ્વજનો તેમના સગાંસંબંધીનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે તેમાં પણ અવરોધ આવી રહ્યો છે.

જેમના સ્વજનો અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે તેવી વ્યક્તિઓ પણ ચિંતામાં છે.

જોકે પ્રાથમિક માહિતીઓ અનુસાર વાવાઝોડાને લીધે ગુજરાતમાં 10થી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યારે વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજ્યમાં વાવાઝોડા તૌકતેને લીધે અત્યાર સુધી કુલ 45 લોકોનાં મોત થયાં છે.

જાફરાબાદમાં પણ ઉના જેવી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં પણ રહીશો મદદની આશા સેવી રહ્યા છે.

ઉપરાંત ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અહીં મહુવામાં પણ વાવાઝોડાને પગલે નુકસાન થયું છે.

ફરહાદ શેખના માતાપિતા મહુવામાં રહે છે અને તેમના માતા શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમની સાથે તેમની છેલ્લે 19 મેના રોજ વાત થઈ શકી હતી. જોકે તેઓ સુરક્ષિત છે.

બીબીસી સાથેની વાતચીતમાં ફરહાદ શેખ જણાવે છે, "મહુવામાં મોબાઇલ નેટવર્ક બરાબર નથી આવી રહ્યું. સંપર્ક કરવામાં મુશ્કેલી આવી રહી છે. મારાં માતાપિતા સાથે છેલ્લે ગઈ કાલે વાત થઈ હતી. તેઓ સુરક્ષિત છે. પણ લાઇટ-પાણીની સમસ્યા છે. જોકે આસપાસના કાંઠા વિસ્તારોનાં ગામડાંમાં સ્થિતિ આનાથી પણ વિકટ છે."

'વિચાર્યું નહોતું કે વાવાઝોડું આટલું ભયંકર હશે'

દરમિયાન મહુવાથી 7 કિલોમિટર આવેલા કોંજળી ગામના રહેવાસી વિપુલ હડિયા સાથે બીબીસીએ વાતચીત કરી.

આ અસાધારણ સંજોગો વિશે જણાવતા તેઓ કહે છે, "એ રાત ઘણી મુશ્કેલ હતી. ચેતવણી મળી હતી પણ લોકોએ વિચાર્યું નહોતું કે આટલી ભયંકર હદે વાવાઝોડું આવશે. સવારથી સાંજ સુધી પવન ફૂંકાઈ રહ્યો હતો. એટલે બધાને એવું લાગ્યું કે હવે રાત સુધી શાંત થઈ જશે. પરંતુ પછી મધરાતથી પવનની ગતિ એટલી વધી ગઈ કે ગભરાટ થવા લાગ્યો. એટલા જોરથી અવાજ આવવા લાગ્યા કે સ્થિતિની ગંભીરતા સ્પર્શવા લાગી હતી."

"બહાર કોઈની મદદે જવાય એવું પણ નહોતું. બધા જ ઘરની અંદર રહ્યા. પાકાં મકાનોવાળાઓ વિચારતા કે જો પાકા મકાન છતાં આટલી ભીતિ સેવાય છે, તો કાચાં મકાનોવાળાની શું હાલત થઈ હશે."

તેમણે વધુમાં ઉમેર્યું, "એ રાત પછી સવારે જ્યારે બધું થોડું શાંત થયું તો અમે બહાર નીકળ્યા. બહાર જોયું તો સમજાયું કે કેટલી તારાજી થઈ છે. ડુંગળીનો પાક હોય કે કેરીનો."

વળી હાલની સ્થિતિ વિશે જણાવતા તેમણે કહ્યું કે, "સફાઈ અને રિસ્ટોરેશન કામગીરી ચાલુ છે. પરંતુ વીજળી નહીં હોવાથી પાણીની તંગી છે. લોકો પાણી પૈસા ખર્ચીને પાવી માટે ખરીદી રહ્યા છે. જોકે સમસ્યા એ છે કે પીવા માટે પાણી મળી જાય. પણ જે ખેડૂતના ઘરે પશુઓ હોય તેમના માટે પાણીનો પુરવઠો વધારે જોઈએ."

પોતાની વ્યથા જણાવતા તેઓ કહે છે, "મારા ખુદના ઘરને કેટલુંક નાનુંમોટું નુકસાન થયું છે."

દરમિયાન મહુવાથી સ્થાનિક રમીઝે જણાવ્યું કે એક વ્યક્તિએ લોન લઈને તાજેતરમાં જ મકાન બનાવ્યું હતું પરંતુ તેમના ઘરને નુકસાન થયું છે. સંખ્યાબંધ નાળિયેરી અને આંબા નષ્ટ થઈ ગયાં છે.

હજારોની સંખ્યામાં વૃક્ષો, વીજળીના થાંભલાઓ પડી જતાં આર્થિક નુકસાન વધુ થયું છે.

જોકે કેન્દ્ર સરકારે ગુજરાતને સહાય માટે 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. અને નુકસાનીના સર્વેની પણ જાહેરાત કરી છે.

પરંતુ કોરોનાની મહામારીની સમસ્યા અને હવે વાવાઝોડાની તારાજીથી અસર પામેલા લોકોને સરકાર તરફથી ઝડપી સહાય અને રિસ્ટોરેશન કામગીરીની આશા છે.

દરમિયાન, ગુજરાત સરકારે અસરગ્રસ્ત તાલુકાઓમાં રાહત-સમારકામની કામગીરી કરવા માટે અન્ય જિલ્લા-તાલુકાઓની ટીમ પણ મદદ માટે મોકલી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો