You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યાસ વાવાઝોડું : તૌકતે બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો, 23-25 મે સુધી ભારત પહોંચશે
તૌકતે વાવાઝોડામાંથી ગુજરાત હજી માંડ ઊગર્યું છે, ત્યારે વધુ એક વાવાઝોડાનું દેશના માથે જોખમ છે.
તૌકતે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ગુજરાતમાં થયેલી તારાજીનો અંદાજ કાઢવામાં આવી રહ્યા છે, એ વચ્ચે વધુ એક વાવાઝોડું ભારત પર ત્રાટકે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં લૉ-પ્રૅશર સર્જાયું છે અને તેના કારણે વાવાઝોડું સર્જાઈ શકે છે.
23-25 મે વચ્ચે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મ્યાંમારથી પસાર થવાની સંભાવના છે.
સ્કાયમેટ વેધરે ટ્વીટ કરીને જણાવ્યું કે બંગાળની ખાડીમાં ‘યાસ’ વાવાઝોડું સર્જાઈ શકે છે.
સ્કાયમેટ વેધરના ઉપપ્રમુખ મહેશ પાલાવતે ટ્વીટ કર્યું છે કે બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની રહ્યો છે, જે 23 મે સુધી યાસ વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશ થઈને મ્યાંમાર તરફ જશે.
ભારતીય હવામાન વિભાગ ભુવનેશ્વર દ્વારા પણ તેની પુષ્ટી કરવામાં આવી છે.
વાવાઝોડું સર્જાશે તો યાસ નામ અપાશે
જો આ વાવાઝોડું સર્જાયું તો તેને ‘યાસ’ નામ આપવામાં આવશે અને યાદી પ્રમાણે યાસ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડા માટેની જે નવી યાદી છે, તેમને એપ્રિલ 2020માં મંજૂરી આપવામાં આવી હતી.
એશિયા અને પ્રશાંત વિસ્તાર માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક કમિશન (ઈએસસીએપી) અને વિશ્વ ઋતુ સંગઠન (ડબ્લુએમઓ) દ્વારા 2000ની સાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે નામ આપવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી.
આ અંતર્ગત બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલૅન્ડ જેવા દેશોના એક જૂથ દ્વારા બંગાળની ખાડી અને આરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે 13 નામોની યાદી સોંપવામાં આવી હતી.
2018માં આ જૂથમાં ઈરાન, કતાર, સઉદી આરબ, સંયુક્ત આરબ અમીરાત અને યમન પણ જોડાઈ ગયાં. આ પેનલ ચક્રવાતને નામ આપવાનું કામ કરે છે.
આ દેશો દ્વારા સૂચવવામાં આવતાં નામોની યાદી દેશોનાં નામોની વર્ણમાળા પ્રમાણે બનાવાવમાં આવે છે. આ યાદીની શરૂઆત બાંગ્લાદેશથી થાય છે.
જે બાદ ભારત, ઈરાન, માલદીવ, ઓમાન અને પાકિસ્તાનનું નામ આવે છે. આ ક્રમ પ્રમાણે ચક્રવાતનું નામ રાખવામાં આવે છે.
તાજેતરના તૌકતે વાવાઝોડાનું નામ મ્યાંમાર દ્વારા અપાયું હતું, યાસનું નામ ઓમાને સૂચવ્યું છે અને હવે પછીના વાવાઝોડાને ગુલાબ નામ અપાશે, જે પાકિસ્તાને સૂચવ્યું છે.
વાવાઝોડું કઈ રીતે સર્જાય છે?
સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠાનાં શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતાં હોય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં વાવાઝોડાનું જોખમ વધી જાય છે.
વાવાઝોડા પહેલાં શું કરવું?
રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વાવાઝોડા પૂર્વે અફવાઓથી દૂર રહીને શાંત રહેવું જોઈએ. ગભરાવું જોઈએ નહીં.
વળી સમાચારો અને માહિતીથી સતત અપડેટ રહેવું. અસર થનારા વિસ્તારમાં હોઈએ તો પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત સ્થળાંતર કરી લેવું.
રેડિયો, ટોર્ચ, ફાનસ સાથે રાખવા ઉપરાંત બૅટરીસૅલ પણ રાખવા. માછીમારે દરિયો ન ખેડવો અને સામાન્ય નાગરિકે કાંઠા વિસ્તારની મુલાકાત ન લેવી જોઈએ.
વાવાઝોડા સમયે શું કરવું?
રાજ્ય સરકાર અનુસાર વાવાઝોડા સમયે ઘરમાં જ રહેવું. બહાર જવાનું સાહસ ન કરવું. શક્ય હોય તો ગૅસ, વીજ કનેક્શન બંધ રાખવા.
સમાચારોથી સતત અપડેટ રહેવું અને માહિતી મેળવતું રહેવું.
વાવાઝોડા બાદ શું કરવું?
નુકસાનગ્રસ્ત મકાનોની અંદર પ્રવેશવાનું સાહસ ન કરવું. તૂટેલા વીજતાર, મકાનો, થાંભલાથી દૂર રહેવું. જો સ્થળાંતર કરેલ હોય તો નિવાસસ્થાને પરત ફરવા તંત્ર સૂચના આપે પછી જ જવું અને તે કહે તે જ માર્ગથી જવું.
ઉપરાંત વહીવટીતંત્રએ આપેલા નંબરો સાચવીને રાખવા અને મદદ જોઈએ તો તુરંત સંપર્ક કરવો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો