You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય વાવાઝોડું : વાવાઝોડાની ચેતવણી આપતા ભયસૂચક સિગ્નલો શું છે?
દરિયામાં વાવાઝોડું ફૂંકાય ત્યારે તેની તીવ્રતા અંગે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટોર્મ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરાતો હોય છે.
ગુજરાતના કાંઠે પણ હાલ 'બિપરજોય વાવાઝોડા' સ્વરૂપે આવી આફત ખૂબ નજીક આવી ગઈ છે. ગુરુવારે સાંજે વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકે તેવી શક્યતા છે. ત્યારે દરિયા કાંઠે અને તેની આસપાસ રહેતા અને તેના પર નભતા લોકોને ચેતવવા માટે જે સિગ્નલોનો ઉપયોગ કરાય છે એ વિશે જાણવું એ ખૂબ જરૂરી બની જાય છે. સાથે એવું પણ કહેવું પણ કોઈ અતિશયોક્તિ ન કહેવાય કે આ પદ્ધતિ ખૂબ જ રસપ્રદ પણ છે.
હાલની આપત્તિને જોતાં પણ ગુજરાતનાં બંદરોએ પ્રવૃત્તિઓ મોકૂફ રાખવા માટે આવાં ભયસૂચક સિગ્નલો જાહેર કરાયા છે.
કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લૅગ એટલે કે ધ્વજનો ઉપયોગ કરતા હોય છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં આ માટે દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરાય છે.
દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ થાય છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.
સિગ્નલ નંબર અને તેનો અર્થ
સિગ્નલ નંબર 1:દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને પવન 60 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે.
સિગ્નલ નંબર 2: દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિ કલાક રહેશે. આ સિગ્નલ દરિયામાં જઈ રહેલાં વહાણો માટે મહત્ત્વનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિગ્નલ નંબર 3 : દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તેની અસર બંદર સુધી થઈ શકે છે. પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.
સિગ્નલ નંબર 4: સ્થાનિક વૉર્નિંગ - દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે.
આ સિગ્નલ બંદર પર લાંગરેલાં વહાણો માટે ભયજનક સ્થિતિ દર્શાવે છે. સિગ્નલ 3 અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે બંદરની સ્થિતિ ભયજનક છે.
સિગ્નલ નંબર 5: ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર 6: ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર 7 : ભયનો સંકેત છે. આનો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા તો બંદર પરથી પસાર થશે.
સિગ્નલ નંબર 8: ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની જમણી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર 9: ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની ડાબી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર 10: ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું અતિ ભયંકર છે અને તે બંદર પરથી અથવા પાસેથી પસાર થશે.
પવનની ગતિ 200 કિલોમિટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેશે. આ સુપર સાયક્લોનની ચેતવણી છે.
સિગ્નલ નંબર 11: વાવાઝોડાને પગલે આ બંદરનું તમામ કૉમ્યુનિકેશન પડી ભાંગ્યું છે. આ બંદરની વ્યવસ્થા પડી ભાંગી છે. બંદર ખતરામાં છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો