બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા ગુજરાત કેટલું તૈયાર?

ગુજરાતના કાંઠે ‘અતિ ગંભીર સાયક્લોનિક સ્ટોર્મ’ બિપરજોય ત્રાટકી ચૂક્યું છે. વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વૃક્ષો અને કાચાં મકાનો-ઇમારતોને નુકસાન થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે વાવાઝોડા અને તેની અસરો અંગે પત્રકારપરિષદમાં આપેલી લેટેસ્ટ માહિતી અનુસાર, “વાવાઝોડાની સિસ્ટમને સંપૂર્ણપણે પસાર થતાં મધ્ય રાત્રિ સુધીનો સમય લાગશે. સમય સાથે વાવાઝોડા સાથે આવી રહેલા પવનોની ગતિ વધશે. લોકોને સાવચેત અને સલામત સ્થળે રહેવાની સલાહ છે.”

હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને પગલે ગુજરાતના કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ અને ભારે પવનને લઈને 15 જૂનના રોજ રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

વાવાઝોડાના 'લૅન્ડફૉલ' વખતે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

વાવાઝોડાની વિપત્તિને જોતાં રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે વાવાઝોડાને લઈને તકેદારીનાં પગલાં ભરાઈ રહ્યાં હોવાની માહિતી આપી હતી.

સેના, એનડીઆરએફ અને એસડીઆરએફ તહેનાત

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, "વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં એનડીઆરએફની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. એનડીઆરએફની કચ્છમાં છ, દેવભૂમિ દ્વારકામાં ત્રણ, રાજકોટમાં બે, જામનગરમાં બે અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે."

"જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે."

વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા માટે રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ, બોર્ડર સિક્યૉરિટી ફોર્સના અધિકારી રવિ ગાંધીએ ભૂજના દરિયા કિનારા નજીકના વિસ્તારોની મુલાકાત લીધી હતી. સાથે જ કટોકટીની સ્થિતિમાં તામામ સાધનસામગ્રી મળી રહે તેના જ્થ્થાની પણ સમીક્ષા કરી હતી.

બુધવારે કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ ઍડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને ઍરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 50 જવાનો 13 વાહનો મારફતે રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા પહોંચી ગયા હતા.

ભૂજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગર તથા નલીયા,દ્વારકા અને અમરેલી ખાતે ભારતીય સેનાએ પૂરની સ્થિતિને પહોંચીવળવા માટેની તાલિમનું નિરિક્ષણ કર્યું હતું. સાથે જ ભારતીય સેનાએ સિવિલ ઍડમિનિસ્ટ્રેશન અને એનડીઆરએફ સાથે મળીને કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વળવાની યોજના તૈયાર કરી છે.

હજારોનું સ્થળાંતર અને આશ્રય સ્થાનની વ્યવસ્થા

14 જૂને બપોરે બીબીસી ગુજરાતી સંવાદદાતા સાથે વાતચીતમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "દેવભૂમિ દ્વારકામાંથી કુલ્લે 5,535 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે."

"રાહત છાવણીમાં લોકો માટે ભોજનને લઈને પણ બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે જ તેમના સ્વાસ્થ્યને લઈને પણ કાળજી રાખવામાં આવી છે."

"જિલ્લાની કુલ મળીને 138 ગર્ભવતીઓની પ્રસૂતિની તારીખ 20 જૂન પહેલાં હોય તેમને હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે."

"બીજી બાજુ યાત્રિકોને વિનંતી પણ કરી છે કે 14થી 16 જૂન સુધી દ્વારકાધીશના દર્શન કરવાનું ટાળે કારણ કે અહીં ભારે પવન અને વરસાદ હશે જેથી યાત્રિકો કે તેમના પરિવારને કોઈ તકલીફ ના પડે. અને અન્ય તમામ લોકોને પણ સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવશે."

રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, "સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે."

"રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને આઠ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થવાનો અંદાજ છે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, “અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17739, જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે જાફરાબાદ, શિયાળબેટ, ચાંચ બંદર, વિકટર સહિતનાં બંદરો અને ટાપુ પર પોલીસ, મેડિકલ ટીમ સાથે ખડેપગે તહેનાત રાખવામાં આવી છે.

રાજુલા-જાફરાબાદમાં 29 જેટલાં ગામડાંમાં દરિયાઈ વાવાઝોડાના જોખમને પગલે સલામતી અને સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.

શિયાળબેટની 10 હજારની વસ્તી ધ્યાનમાં રાખીને રાજુલા અને જાફરાબાદમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જામનગર શહેરમાં પણ સાવચેતીના ભાગરૂપે કાચાં મકાનોમાં રહેનાર લોકોને આશ્રયસ્થાનો પર ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

શહેરની 44 શાળાઓને આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર 600 લોકોને આ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે.

જામનગરમાં નાગરિક પ્રશાસન અને આર્મી બંને દ્વારા વાવાઝોડું બિપરજોયની તૈયારીઓ ચાલી રહી છે.

જામનગરના દરીયાકાંઠાના ગામોમાં દરિયાની નજીકનાં કાચાં મકાનો કે ઝૂ૫ડાઓમાં રહેતા લોકો તથા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 8542 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાયું છે. તેમજ દરિયાકાંઠાનાં ગામોમાં રાહત અને બચાવની અસરકારક કામગીરી થઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર તરફથી બે એસડીઆરએફ તથા બે એનડીઆરએફની ટીમો ફાળવવામાં આવી છે.

આ ટીમ પોતાના નિયત સ્થળે પહોંચી ગઈ છે.દરિયાકાંઠાના શૂન્યથી પાંચ તથા છથી 10 કિમીનાં 36 ગામોમાં આશ્રયસ્થાનો નક્કી કરી દેવામાં આવ્યાં છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, અલંગ, સરતાનપર, મહુવા બંદર અને જિલ્લાના તમામ દરિયાકિનારા પર તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જિલ્લાના ઘોઘા ખાતે સમુદ્રકિનારે વસતા 250 જેટલા પરિવારોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાની અસરને પગલે સલામત સ્થળે ખસેડી જવા સૂચનાઓ આપવામાં આવી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ મંગળવાર સુધીમાં ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાંથી 21 હજાર લોકોનું કામચલાઉ છાવણીમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દરિયાકિનારાના 10 કિલોમિટર વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાંતર કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે.

મંગળવાર સુધીમાં 21 હજારમાંથી 6500 લોકો કચ્છ જિલ્લામાંથી, 5000 દ્વારકામાંથી, 4000 રાજકોટમાંથી, 2000 મોરબી, 1500થી વધુ લોકો જામનગરમાંથી, જ્યારે 550 પોરબંદર અને 500 લોકોનું જૂનાગઢમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં ઊભા કરાયા કંટ્રોલ રૂમ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. આ સિવાય સરકાર તરફથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 ડાયલ કરીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.

રાજ્ય સરકારની લોકોને અપીલ

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તેમજ જનતાની સલામતી અને રાહત-બચાવ કામગીરીમાં સહયોગ કરવા અપીલ કરી હતી.

મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, "ઝીરો કેઝ્યુઆલિટીના ઍપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પુન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે."

બીજી બાજુ સરકાર તરફથી મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અન્ય અધિકારીઓ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સતત ગુજરાતની સંભવિત સ્થિતિ માટેના આયોજનની સમીક્ષા કરી રહ્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓને જ મોકલી દેવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં સતત ત્રણ દિવસથી સાંસદો, ધારાસભ્યો, કલેક્ટર દ્વારા કોઇ પણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવાની તમામ વ્યવસ્થાઓ થઇ ચૂકી છે.

રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, "સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લાઓમાં ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે."

વાવાઝોડું ત્રાટકે એ અગાઉ અને એ દરમિયાન શું કરવું?

  • વાવાઝોડા પહેલાં તમારા ઘરની તપાસ કરાવવી જોઈએ અને જરૂર જણાય તો તેનું સમારકામ પણ કરાવવું જોઈએ.
  • રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વાવાઝોડા પૂર્વે અફવાઓથી દૂર રહીને શાંત રહેવું જોઈએ. ગભરાવવું જોઈએ નહીં.
  • બાળકો સાથે વાત કરો અને તેમને ડરાવ્યા વિના વાવાઝોડા વિશે માહિતી આપવી જોઈએ.
  • વાવાઝોડની જાગૃતિ માટે પરિવાર સાથે વાવાઝોડાની અસરો વિશે ચર્ચા કરો, જેથી દરેકને ખબર પડે કે ઇમર્જન્સીમાં શું કરવું અને શું ન કરવું જોઈએ. તેનાથી તમે ભય અને ચિંતા દૂર કરી શકો છો અને લોકો ઇમર્જન્સી સમયે શું કરવું તેના માટે નિશ્ચિત રહે છે.
  • તમારા જરૂરી દસ્તાવેજો અને કિંમતી સામાન એવા ડબ્બામાં રાખો જેથી પાણીથી નુકસાન ન થાય.
  • તમારું બ્લડગ્રૂપ કયું છે તેની માહિતી પણ સાથે રાખવી જોઈએ.
  • ઘરમાં રેડિયો, ટોર્ચ, ફાનસ સાથે રાખવા ઉપરાંત બૅટરી સેલ પણ રાખવા જોઈએ.
  • બીમાર કે ડાયાબિટીસના દરદી કે બાળકો કે વૃદ્ધો માટે અલાયદું આયોજન કરો.
  • આ સાથે સાત દિવસ ચાલી શકે તેટલી ખાદ્યસામગ્રી, દવા અને પાણી સ્ટોર કરી રાખવું જોઈએ.
  • ઉપરાંત ધાબળા અને કપડાં પણ તૈયાર રાખવાં જોઈએ તેમજ પરિવારના ફોટોની અમુક કૉપી સાથે રાખવી જોઈએ, જેના કારણે વાવાઝોડા બાદ ઓળખ કરવા માટે તે કામ લાગી શકે.
  • આ સિવાય વાવાઝોડાની સ્થિતિમાં બચાવ સુનિશ્ચિત કરવા માટે બારીઓને ઢાંકવા માટે કેટલાક લાકડાના બોર્ડનો સંગ્રહ પણ કરવો જોઈએ.
  • વૃક્ષોનો ખરાબ થઈ ગયેલો ભાગ કાપી નાખો, જેનાથી નુકસાન થવાની શક્યતા ઓછી રહે છે.
  • બારી-બારણાં સાચવીને ખોલવાં જોઈએ તેમજ વધારાનું પાણી સંગ્રહ કરીને રાખવું જોઈએ.
  • આ સાથે સમાચારો અને માહિતીથી સતત અપડેટ રહેવું જોઈએ. અસરગ્રસ્ત વિસ્તારોમાં હોઈએ ત્યારે પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી લેવું જોઈએ.
  • માછીમારે દરિયો ન ખેડવો અને સામાન્ય નાગરિકે કાંઠા વિસ્તારની મુલાકાત ન લેવી જોઈએ.
  • રાજ્ય સરકાર અનુસાર, વાવાઝોડા સમયે ઘરમાં જ રહેવું. બહાર જવાનું સાહસ ન કરવું. શક્ય હોય તો ગૅસ, વીજ કનેક્શન બંધ રાખવા જોઈએ.

વાવાઝોડા સમયે શું ન કરવું જોઈએ?

  • વાવાઝોડા સમયે જ્યાં સુધી સ્થળાંતર કરવાની સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર નીકળવું ન જોઈએ.
  • તમારી પાસે વાહન હોય અને તમે બહાર જવા ઇચ્છતા હો, તો વાવાઝોડું શરૂ થતા પહેલાં ઘરે પાછા આવી જવું જોઈએ, કારણ કે વાવાઝોડા સમયે ઘરમાં રહેવું હિતાવહ છે.
  • મકાનના ઉપરના માળે રહેવાનું ટાળો. શક્ય એટલું જમીનની નજીક રહો.
  • માછીમારોએ તેમની બોટ સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ.
  • જૂનાં મકાનો અને બિલ્ડિંગ તેમજ ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળો.
  • પ્લમ્બિંગ કે ધાતુની પાઇપને અડશો નહીં.