You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય વાવાઝોડું દરિયામાં આટલા લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહ્યું?
- લેેખક, જાહ્નવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠે ત્રાટકી ચૂક્યું છે, સાંજે લગભગ સાડા છ વાગ્યે આ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, પવનો પણ ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે બિપરજોય વાવાઝોડા અંગે પત્રકારપરિષદમાં લેટેસ્ટ માહિતી જાહેર કરતાં કહ્યું હતું કે, "હાલ વાવાઝોડું હાલ ઉત્તરપૂર્વ અરબ સાગરમાં છે. પરંતુ તે કચ્છ-સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પવનની ગતિ હાલ 115-125 કિમી પ્રતિ કલાકની છે, જે વધીને 140 કિમી પ્રતિ કલાક થઈ શકે છે."
અરબી સમુદ્રમાં લગભગ એક સપ્તાહથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું બિપરજોય આટલા લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહ્યું છે? વાવાઝોડાની શક્તિ અને અવધિ શા માટે વધી રહી છે? વાવાઝોડું સર્જાવાથી માંડીને તેના દરિયા કાંઠે ત્રાટકવા સુધીનો લાંબોલચક ગાળો ઘણા માટે કુતૂહલનો વિષય હોય એ વાત વાજબી છે.
હવામાન વિભાગે આ વર્ષની છઠ્ઠી જૂને જાહેરાત કરી હતી કે અરબી સમુદ્રમાં નીચા દબાણનો પટ્ટો સર્જાયો છે. તે પછીના થોડા કલાકોમાં બિપરજોય વાવાઝોડું રચાયું હતું.
સાતમી જૂને દિવસના અંત સુધીમાં બિપરજોય વાવાઝોડું તીવ્ર બન્યું હતું અને પછી અત્યંત તીવ્ર બન્યું હતું.
આ વાવાઝોડું માત્ર 24 કલાકમાં જે ઝડપે સર્જાયું તે આશ્ચર્યજનક છે. એટલું જ નહીં, આ વાવાઝોડાએ લાંબા સમયથી તેની તાકત જાળવી રાખી છે.
આ વાવાઝોડાની તાકત દસ દિવસ સુધી યથાવત્ રહેશે એવું લાગે છે, પરંતુ આટલો લાંબો સમય ચાલ્યું હોય તેવું 2023નું આ પહેલું વાવાઝોડું નથી.
વિશ્વવિક્રમ સર્જક હરિકેન ફ્રેડી
આ વાવાઝોડું આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં દક્ષિણ હિંદ મહાસાગરમાં ત્રાટક્યું હતું. હરિકેન ફ્રેડી ઑસ્ટ્રેલિયાની ઉત્તરે ઇન્ડોનેશિયા નજીક રચાયું હતું અને હિંદ મહાસાગર પાર કરીને આફ્રિકા સુધી પહોંચ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રેડી પાંચ સપ્તાહ અને બે દિવસ સુધી સક્રિય રહ્યું હતું. તેણે વિશ્વવિક્રમ સર્જ્યો હતો. ફ્રેડીનો માર્ગ અમેરિકન અવકાશ સંસ્થા નાસાના સાયન્ટિફિક વિઝ્યુલાઈઝેશન સ્ટુડિયોએ ટ્રેક કર્યો હતો. તે અહીં જોઈ શકો છો.
એ અગાઉ 1994માં હરિકેન જ્હોનનો પ્રકોપ 31 દિવસ સુધી યથાવત્ રહ્યો હતો. 1989માં હરિકેન સાન સિરિયાકો 28 દિવસ ચાલ્યું હતું, જ્યારે 1992માં હરિકેન ટીના 24 દિવસ ચાલ્યું હતું.
લાંબા અંતર સુધી પ્રવાસ કરતાં આવાં તોફાનો કોઈ નવી વાત નથી. કેટલીક વાર વાવાઝોડાના અવશેષો બીજાં તોફાન સર્જતાં હોય છે. 2021ના ગુલાબ તથા શાહીનના કિસ્સામાં આવું થયું હતું.
ગુલાબ ચક્રવાત 2021ની 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં રચાયો હતો અને દક્ષિણ ભારતના દરિયા કાંઠે ત્રાટક્યો હતો.
તેના અવશેષમાંથી ચક્રવાત શાહીન રચાયું હતું અને ભારતીય દ્વીપકલ્પને પાર કરીને અરબી સમુદ્રમાં પ્રવેશ્યું હતું તથા ત્યાંથી આગળ વધીને ઓમાનમાં ત્રાટક્યું હતું.
લાંબો સમય ટકી રહેલાં વાવાઝોડાં
2018માં બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું વાવાઝોડું ગજા ભારતીય દ્વીપકલ્પને પાર કરીને અરબી સમુદ્રમાં પ્રવેશ્યું હતું. વાવાઝોડાની સિસ્ટમ લગભગ દસ દિવસ આગળ વધતી રહી હતી, પરંતુ પછી એ સમુદ્રમાં વિખેરાઈ ગયું હતું.
બીજી તરફ આ પ્રદેશમાં ત્રાટકેલા કેટલાંક અન્ય વાવાઝોડાં સપ્તાહમાં સમેટાઈ ગયાં હતાં. જોકે, તેમની વિનાશક શક્તિ અકબંધ રહી હતી.
ચક્રવાત આટલા લાંબા સમય સુધી ટકી રહે અથવા લાંબા અંતરનો પ્રવાસ કરે તે નવી વાત નથી, પરંતુ સવાલ એ થાય કે હાલના સમયમાં આવી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે?
આ સવાલ થવાનું કારણ એ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પાછલાં વર્ષોમાં એવાં ઘણાં વાવાઝોડાં નોંધાયાં છે, જે છ દિવસ સુધી સક્રિય રહ્યાં હોય.
2019માં સર્જાયેલું વાયુ વાવાઝોડું આઠ દિવસ ચાલ્યું હતું. 2014માં વાવાઝોડું ઓખી સાત દિવસ સક્રિય રહ્યું હતું. 2019નું વાવાઝોડું ફાની સાત દિવસ અને વાવાઝોડું ક્યાર છ દિવસ સક્રિય રહ્યું હતું. 2020માં ત્રાટકેલું સુપર સાયક્લોન એમ્ફાન લગભગ છ દિવસ સક્રિય રહ્યું હતું.
વાવાઝોડાં લાંબો સમય શા માટે સક્રિય રહે છે?
પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી (આઈઆઈટીએમ) દ્વારા 2021માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં તેની વિગત જાણવા મળી હતી.
તે રિપોર્ટ મુજબ, ઉત્તર હિંદ મહાસાગર એટલે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતની કાલાવધીમાં છેલ્લાં 40 વર્ષમાં 80 ટકા વધારો થયો છે, જ્યારે ગંભીર ચક્રવાતના સક્રિય રહેવાના પ્રમાણમાં 260 ટકા વધારો થયો છે.
વાવાઝોડાં લાંબો સમય સક્રિય રહે ત્યારે તેની સીધી અસર દરિયામાં માછીમારી કરતા લોકોને થાય છે. તેમના માછીમારીના દિવસો ઓછા થાય છે તેમજ આવા તોફાનને કારણે મોટું નુકસાન થવાની શક્યતા વધે છે.
વાવાઝોડાની સક્રિયતાની અવધિ શા માટે વધી રહી છે તે સવાલનો જવાબ તેની રચનાની પ્રક્રિયામાં રહેલો છે.
ટૂંકમાં સમજીએ તો સમુદ્રના કોઈ વિસ્તારમાં તાપમાન વધે છે ત્યારે ત્યાંની હવા ઉપર જાય છે અને ત્યાં નીચા દબાણનો પટ્ટો સર્જાય છે અને તેમાંથી ચક્રવાત રચાય છે.
તેનો અર્થ એ થાય કે દરિયાની સપાટીનું તાપમાન જેટલું ઊંચું હશે, તેટલી જ વધારે ઊર્જા તોફાનને મળશે અને તોફાન જેટલું વધારે મજબૂત બનશે તેટલું વધારે ચાલશે અને લાંબુ અંતર કાપી શકશે.
તેનાથી વિપરીત ચક્રવાત જમીન પર ત્રાટકે છે અથવા ઠંડા પાણીના પ્રદેશ તરફ સરકે છે ત્યારે તેને ઓછી ઊર્જા મળે છે અને તે વિખેરાઈ જાય છે.
ભારતીય હવામાન વિભાગના 2019ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અરબી સમુદ્રનું તાપમાન છેલ્લા કેટલાક દાયકાથી સતત વધી રહ્યું છે. 1981-2010ની સરખામણીએ 2019માં અરબી સમુદ્રની સપાટીના તાપમાનમાં 0.36 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આવું થઈ રહ્યું હોવાનું વિજ્ઞાનીઓનું કહેવું છે.
તેનો અર્થ એ થાય છે કે આપણે જે કાર્બન ઉત્સર્જન કરીએ છીએ તેને ચક્રવાતની તીવ્રતા સાથે સીધો સંબંધ છે.