બિપરજોય : ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું ગુજરાત તરફ કેમ ફંટાયું?

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અરબી સમુદ્રમાં 6 જૂનના રોજ બનેલું બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જ્યારે તે દરિયામાં સર્જાયું ત્યારે ઘણાં મૉડલ એવું દર્શાવતા હતા કે આ વાવાઝોડું ઓમાન કે મસ્કત તરફ ફંટાઈ જશે.

જે બાદ ફરી તેના માર્ગ વિશે અનિશ્ચિતતા સર્જાઈ અને કેટલાંક મૉડલ એવું દર્શાવતાં હતાં કે તે ઇરાક તરફ કે પાકિસ્તાન તરફ જઈ શકે છે.

11 જૂનના રોજ એ સ્પષ્ટ થઈ શક્યું છે કે વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર પર ટકરાશે અને સૌથી વધારે અસર ત્યાં કરશે. આ પહેલાં સતત તેના માર્ગ બદલાતા રહ્યા છે.

હવામાન વિભાગે પણ પ્રથમ અનુમાન કર્યું હતું કે તે ગુજરાત તરફ નહીં આવે, સ્કાયમેટનું અનુમાન પણ એવું હતું કે તે ઓમાન તરફ ફંટાઈ જશે. જોકે, આખરે તે ગુજરાત તરફ આવશે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં તેની વધારે અસર થાય તેવી શક્યતા છે.

બિપરજોય વાવાઝોડાનો ટ્રૅક નક્કી કરવામાં કેમ વાર લાગી?

મોખા વાવાઝોડા બાદ ભારતના દરિયામાં આ વર્ષનું સર્જાયેલું બીજું વાવાઝોડું છે. મોખા બંગાળની ખાડીમાં સર્જાયું હતું અને તે પણ અતિ પ્રચંડ બન્યું હતું. હવે બિપરજોય પણ અતિ પ્રચંડ બન્યું છે.

આ વાવાઝોડાંની દિશા નક્કી કરવાનું મુશ્કેલ કેમ રહ્યું તેના કારણો વિશે હવામાનનો અભ્યાસ કરતી ખાનગી સંસ્થા સ્કાયમૅટના હવામાન અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે બીબીસી ગુજરાતી સાથે વિસ્તારથી વાતચીત કરી.

તેમણે બિપરજોય વાવાઝોડાની દિશા પર અસર કરી રહેલાં પરિબળો વિશે કહ્યું, “જ્યારે કોઈ વાવાઝોડું આવે છે, બંગાળની ખાડી બને કે અરબી સમુદ્રમાં બને ત્યારે તેને 150 હેક્ટાપાસ્કલ એટલે કે 25 હજાર, 30 હજાર ફૂટની ખૂબ ઊંચાઈ પર જે પવનો વહેતા હોય છે તે પણ અસર કરે છે."

"તે ખૂબ જ મજબૂત પવન હોય છે અને એ પવનો જ આ વાવાઝોડાંની દિશા ફેરવતા હોય છે. જેને સ્ટિયરિંગ કરંટ કહેવામાં આવે છે. આ પવનો વાવાઝોડાંને જે દિશામાં લઈ જાય તે દિશામાં જ વાવાઝોડું ફંટાય છે.”

બિપરજોયના કિસ્સામાં આ પવનોને કારણે તેની દિશા નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. કારણ કે આ વાવાઝોડું બે અલગ દિશામાં પવનોમાં ફસાયેલું છે.

મહેશ પલાવતે જણાવ્યું કે, “હવે અત્યારે 25-30 હજાર ફૂટની ઊંચાઈએ આવેલા જે પવન છે, તે પૂર્વ તરફ વહી રહ્યા છે, જ્યારે એનાથી નીચેની ઊંચાઈ એટલે કે 10-15 હજાર ફૂટની ઊંચાઈએ હાલ પશ્ચિમી પવનો વહી રહ્યા છે. એટલે બે વિરુદ્ધ દિશામાં વહી રહેલા પવનો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. જેને કારણે એ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું હતું કે, કયા પવનો કોના પર હાવી થશે.”

પાકિસ્તાન પરના સૂકા પવનોએ કેવી અસર કરી?

યુનાઈટેડ કિંગડમની યુનિવર્સિટી ઑફ રીડિંગના સંશોધન વૈજ્ઞાનિક અક્ષય દેવરસે વેબસાઇટ ડાઉન ટુ અર્થ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય વાવાઝોડાંનાં વિવિધ મૉડલમાં થોડોઘણો તફાવત રહેતો હોય છે. પરંતુ આ વખતે આ તફાવતો ચોંકાવનારા છે.

તેમના કહેવા પ્રમાણે “આ વાવાઝોડાની દિશા નક્કી ન થઈ શકવાનું પહેલું કારણ છે કે અહીં પવનની પ્રકૃતિ આદર્શ નથી.”

અક્ષય દેવરસે મહેશ પલાવતની વાતને સમર્થન આપતાં તેમણે આ માટે બે કારણો આપ્યાં. તેમણે કહ્યું, “જો એકબાજુ ઊપરની તરફથી એક દિશામાં વહી રહેલા શક્તિશાળી પવનો હોય અને નીચેની તરફથી ઓછી શક્તિ ધરાવતા પવનો બીજી દિશામાં વહી રહ્યા હોય ત્યારે વાવાઝોડું નમી જાય છે. આવી સ્થિતિ વાવાઝોડાને મદદરૂપ નથી બનતી.”

તેમણે બીજું કારણ આપતા કહ્યું, “આ વાવાઝોડા માટે પ્રતિકૂળ હોય તેવી બીજી સ્થિતિ છે પાકિસ્તાન અને પશ્ચિમ એશિયાની સૂકી હવા, જે વિષુવૃત્તીય વાવાઝોડાં માટે ઝેર સમાન છે."

"જેમ-જેમ વાવાઝોડાં આગળ વધે છે, તેમ-તેમ તે વિવિધ ક્ષેત્રોમાંથી આવતી સૂકી હવા ખેંચે છે. દરિયાની સપાટીનું તાપમાન ઊંચું હોવાને કારણે તે વાવાઝોડાં માટે અનુકૂળ હોય છે.”

આથી અક્ષય દેવરસે જણાવ્યા અનુસાર આ બે કારણોથી વિવિધ મૉડલ વૃત્તીય વાવાઝોડાની દિશા અને તેમની સચોટ તીવ્રતાનું પૂર્વાનુમાન કરવામાં મુશ્કેલી અનુભવે છે.

દરિયાનું ગરમ પાણી કેવી રીતે વાવાઝોડા પર અસર કરે છે?

વાવાઝોડાની તાકાત અને ઝડપ પર દરિયાઈ સપાટીનું તાપમાન પણ અસર કરે છે. જેને કારણે પણ તેની દિશામાં ફેરફાર થઈ શકે છે.

મહેશ પલાવતે કહ્યું, “અત્યારે જે મહત્ત્વની વાત છે તે સમુદ્રની સપાટીનું ઉષ્ણતામાન 31 ડિગ્રીની આસપાસનું છે. જેમ-જેમ આ તાપમાન ઘટતું જાય તેમ-તેમ વાવાઝોડાની તાકાત ઘટતી જાય છે."

"વાવાઝોડું આગળ વધે અને દરિયાના પાણીનું ઉષ્ણતામાન ઘટતું જાય તો તેનો વર્ટિકલ શૅડ ઘટે. એટલે કે હવા નીચેથી જેમ જેમ ઉપર તરફ જાય ત્યારે તેની ઝડપ ઉપરનાં પવનો ઓછી કરી નાખે છે અને દિશા બદલી નાખે છે.”

દરિયામાં વાવાઝોડું બનવા માટે સામાન્ય રીતે જળસપાટીનું તાપમાન સામાન્ય રીતે 26.5 ડિગ્રી સેલ્સિયસ હોવું જરૂરી છે. હાલની સ્થિતિમાં એ તેના કરતાં ઘણું વધારે છે. જેમ જળસપાટી વધારે ગરમ તેમ વાવાઝોડાને વધારે ઊર્જા મળે છે.

જેને કારણે હવે ગુજરાત સરકારે આપત્તિ વ્યવસ્થાપન અને નિવારણના પગલાં હાથ ધર્યાં છે. નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફોર્સ (એનડીઆરએફ)ના દળોએ બચાવ અને રાહત કાર્યો હાથ ધરવાની તૈયારીઓ શરૂ કરી છે.

બિપરજોય અરબી સમુદ્રનું બીજું શક્તિશાળી વાવાઝોડું

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 11 જૂનના વહેલી સવારે 5.30 વાગ્યે બિપરજોય વાવાઝોડું અતીશય પ્રચંડ વાવાઝોડું બની ગયું છે. જે બાદ તેના પવનની ગતિ વધીને 195 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે.

હવામાન વિભાગના ડેટા અનુસાર એવું માનવામાં આવે છે કે બિપરોજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે બાદનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.

2021માં આવેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ નુકસાન કર્યું હતું. જે બાદ હવે બિપરજોય ગુજરાતના દરિયાકિનારા તરફ આવે તેવી શક્યતા છે.

બિપરજોય 15 જૂનની વહેલી સવારે કે બપોરની આસપાસ લૅન્ડફૉલ કરે તેવી શક્યતા છે. પવનની સાથે સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને મોરબી જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.