You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘હજારો ઑપરેશન’ કરનારા જામનગરના યુવાન કાર્ડિયોલૉજિસ્ટનું ‘હૃદયરોગના હુમલામાં’ નિધન કેવી રીતે થયું?
મંગળવારે વહેલી સવારે જામનગરના ‘જાણીતા’ કાર્ડિયોલૉજિસ્ટ ગૌરવ ગાંધીનું 41 વર્ષની યુવાન વયે ‘હૃદયરોગના હુમલા’માં નિધન થયું હતું.
હૃદયના ‘હજારો ઑપરેશન’ કરનારા કાર્ડિયોલૉજિસ્ટના અકાળ મૃત્યુની ઘટનાએ યુવાન વયે હૃદયરોગના હુમલામાં થતાં મૃત્યુને લઈને ‘ચિંતા જન્માવી છે.’
નોંધનીય છે કે ડૉ. ગૌરવ ગાંધીએ પોતાની કારકિર્દીમાં '16 હજાર' જેટલાં ઑપરેશન કર્યા હોવાનું કહેવાય છે. જોકે, બીબીસી ગુજરાતી આ દાવાની પુષ્ટિ નથી કરતું.
ગુજરાત સહિત ઘણાં અન્ય સ્થળોએ નાચતાં-ગાતાં, રમતાં, ચાલતાં ચાલતાં પણ કેટલાક યુવાનોને હૃદયરોગના હુમલામાં જીવ ગુમાવ્યો હોય એવી ઘટનાઓ તાજેતરમાં સામે આવી છે.
આ કેસમાં આવા જ એક ‘નિષ્ણાત’ આ સમસ્યાનો ‘ભોગ બની જતાં’ યુવાનોમાં પોતાના હૃદયને લગતી સમસ્યાઓ અંગે ‘ચિંતા જન્મે’ એ સ્વાભાવિક છે.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલામાં શું બન્યું અને આખરે એક નિષ્ણાત ડૉક્ટરનું મૃત્યુ કેવી રીતે થયું અને યુવાન વયે હાર્ટ ઍટેકના કિસ્સા સાથે સંબંધિત કારણો અને તેનાથી બચાવના ઉપાયો જાણવા માટે નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાત કરી હતી.
છાતીનો દુખાવો થયા બાદ હૉસ્પિટલ ગયા પછી...
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ડૉ. ગાંધી જામનગરની જી. જી. હૉસ્પિટલમાં કૉન્ટ્રેક્ટ પર પ્રૅક્ટિસ કરતા હતા. સાથે જ તેઓ ખાનગી હૉસ્પિટલમાં પણ પ્રૅક્ટિસ પણ કરતા હતા.
અખબાર સાથેની વાતચીતમાં જામનગરની એમ. પી. શાહ મેડિકલ કૉલેજનાં ડીન ડૉ. નંદિની દેસાઈએ કહ્યું હતું કે, “મંગળવારે સવારે ચાર વાગ્યે ડૉ. ગાંધીને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તેમને તેઓ જ્યાં પ્રૅક્ટિસ કરે છે એ જ હૉસ્પિટલે લઈ જવાયા હતા. કાર્ડિયોગ્રામ બાદ તેમની એસિડિટી માટે સારવાર કરાઈ હતી. તે બાદ તેમને ઠીક અનુભવાતાં તેમને ઘરે પાછા લઈ જવાયા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીના પરિવાર અનુસાર, સારવાર લીધાના બે કલાક બાદ જ્યારે તેઓ ઘરે હતા ત્યારે તેઓ બાથરૂમ પાસે પડી ગયા અને તેમને જી. જી. હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં શિફ્ટ કરાયા હતા.
ડૉ. દેસાઈએ કહ્યું કે, “તેઓ હૉસ્પિટલે પહોંચ્યાની 45 મિનિટમાં જ મૃત્યુ પામ્યા હતા. પોસ્ટમૉર્ટમ થયું છે, જેના રિપોર્ટો આવવાના બાકી છે. પરંતુ પ્રાથમિક નિરીક્ષણથી લાગે છે કે ડૉ. ગાંધીને કાર્ડિયાક અરેસ્ટ થયું હતું.”
તેમની સાથે કામ કરતા લોકો અનુસાર તેઓ સોમવારે ‘એકદમ સ્વસ્થ’ લાગી રહ્યા હતા, તેમજ તેમણે એ દિવસે પોતાનું કામ પણ ચાલુ રાખ્યું હતું.
‘સાવ સ્વસ્થ લાગી રહેલા’ ડૉક્ટરના મૃત્યુથી દાક્તરી આલમમાં ‘આશ્ચર્યનું મોજું’ ફરી વળ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરે આ સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું કે, “ડૉ. ગૌરવ ગાંધી પોતાની કારકિર્દીમાં 16 હજાર ઑપરેશન કરી ચૂક્યા હતા. તેમના મૃત્યુનું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી શકશે.”
દર્શન ઠક્કર પ્રમાણે, “ડૉ. ગાંધી સોમવારે રાત સુધી દર્દીઓના ઇલાજમાં લાગેલા હતા. તે બાદ તેઓ પૅલેસ રોડ ખાતેના પોતાના ઍપાર્ટમૅન્ટમાં જઈને તેમણે ભોજન લીધું અને સૂઈ ગયા.”
“સવારે છ વાગ્યે તેઓ બેહોશ મળી આવતાં તેમને હૉસ્પિટલ ખસેડાયા પરંતુ ઇલાજ છતાં તેમને બચાવી ન શકાયા.”
દર્શન ઠક્કરના જણાવ્યાનુસાર, “સોમવારે જ્યારે જામનગરની સરકારી હૉસ્પિટલના નોડલ અધિકારી અને એડિશનલ ડીન ડૉ. એસ. એસ. ચેટરજીએ ડૉ. ગૌરવ ગાંધીને એક દર્દી વિશે જણાવ્યું હતું એ સમયે પણ તેઓ સાવ ઠીક હતા.”
ડૉ. ગાંધીના પરિવારમાં પત્ની, બે બાળકો અને માતાપિતા છે.
ઓછી ઉંમરે હાર્ટ ઍટેક કેમ આવે છે?
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર ઓછી ઉંમરે હાર્ટ ઍટેક આવવાનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, “આના માટે સૌથી મોટું કારણ બદલાતી જતી લાઇફસ્ટાઇલ, કુટેવો, કસરતનો અભાવ અને વધુ પડતું વજન વગેરે હોઈ શકે.”
“પરંતુ અહીં એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એવું નથી કે જે વ્યક્તિ આ બધી બાબતોનું ધ્યાન રાખે છે, એ સંપૂર્ણપણે બધા રોગોથી મુક્ત રહેશે. આવી વ્યક્તિને પણ આરોગ્ય સંબંધિત હાર્ટ ઍટેક સહિતની તકલીફો થઈ શકે છે.”
ડૉ. માવળંકર આ માટેના ઉપાયો સૂચવતાં કહે છે કે, “ઓછી ઉંમરે થતાં મૃત્યુનાં કારણો જાણવા માટે સરકાર અને તંત્ર તરફથી યોગ્ય વિશ્લેષણ થવું જોઈએ અને જરૂર હોય ત્યાં પોસ્ટમૉર્ટમ થવું જોઈએ. તો જ આ પ્રકારનાં મૃત્યુનાં ખરાં કારણો સામે આવી શકે. અને તેનો અભ્યાસ લોકોને મદદરૂપ પણ થઈ શકે.”
તેઓ વધુમાં કહે છે કે અમુક બનાવ પરથી કોઈ કારણ કે બાબતને વ્યાપક સમસ્યા ન ગણી શકાય. અમુક દૃષ્ટાંતોથી સામાન્ય વલણ સ્થાપિત ન કરી શકાય.
ડૉ. માવળંકર આ વાત સાથે સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ને વધુ સંશોધન આધારિત અપ્રોચ અપનાવવાની વાત કરે છે.
તેઓ ‘કોરોના બાદ લૉન્ગ કોવિડની સ્થિતિ અને કોવિડની રસીને કારણે’ સર્જાતી ‘સમસ્યાઓ’ સંદર્ભે પણ અભ્યાસ કરવાની વાત કરે છે.
ડૉ. ગાંધી સ્વસ્થ હતા અને તેઓ હૃદય સંબંધિત સમસ્યાઓના નિષ્ણાત હતા છતાં તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું એ બાબત અંગે ડૉ. માવળંકર કહે છે કે, “વ્યક્તિને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાની સારી કે નિષ્ણાત કક્ષાની જાણકારી હોવું એ એ સમસ્યાથી બચાવ માટેની ગૅરંટી નથી. આ પ્રકારની સમસ્યાઓમાં ઘણી બધી વાતો અસર કરતી હોય છે, જેના પર ધ્યાન આપવાની જરૂર હોય છે.”
અમદાવાદની ચૌધરી હૉસ્પિટલના નિષ્ણાત એમ. ડી. ડૉક્ટર મુકેશ ચૌધરી પણ માને છે કે ઓછી ઉંમરે ‘હાર્ટ ઍટેક આવવા માટે ખાનપાનની આદતો અને લાઇફસ્ટાઇલ સંબંધિત ટેવો મોટો ભાગ ભજવે છે.’
તેઓ કહે છે કે, “ઘણી વખત ખાનપાન સાથે વિટામિનની ઊણપ પણ હૃદય સંબંધિત સમસ્યા માટે કારણભૂત બની શકે છે. તેમજ ઘણી વખત શરૂઆતમાં હૃદય સંબંધિત સમસ્યા જોખમરૂપ સાબિત થશે તેવું દર્દીને નથી લાગતું અને આવી પરિસ્થિતિમાં ઇલાજ મળવામાં કે શરૂ થવામાં મોડું થઈ જાય છે.”
“ઉપરાંત ઘણી વખત કાર્ડિયોગ્રામ નૉર્મલ આવે એવું પણ બની શકે છે. હૃદય સંબંધિત સમસ્યાના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એન્જિયોગ્રાફી છે. પરંતુ આ બધું સમયસર શરૂ થાય એ પણ જરૂરી છે. ઘણી વખત હૃદયરોગનો હુમલો એટલો તીવ્ર હોય છે કે એન્જિયોગ્રાફી કરાવાનો પણ સમય નથી મળતો. હૃદયરોગ સંદર્ભે યોગ્ય સમયે યોગ્ય ઇલાજ એ ખૂબ જ જરૂરી બની જાય છે.”
કાર્ડિયોલૉજિસ્ટમાં તણાવનું પ્રમાણ વધુ?
એક વૈશ્વિક સરવેનાં પરિણામો અનુસાર એક ચતુર્થાંશ કરતાં વધુ કાર્ડિયોલૉજિસ્ટ માનસિક સ્વાસ્થ્યસંબંધિત, પ્રાથમિક ચિંતા અને તાણથી ગ્રસ્ત હોય છે.
નોંધનીય છે કે હૃદયરોગનાં ઘણાં કારણોમાં ઉપરોક્ત સમસ્યાઓ પણ સામેલ છે.
આ સરવેનાં વરિષ્ઠ લેખિકા લક્ષ્મી એસ. મહેતા કૉલમ્બસમાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી વેક્સનર મેડિકલ સેન્ટર સાથે સંકળાયેલાં છે ડૉક્ટર છે. તેમણે આ સરવેનાં તારણો વિશે કહ્યું હતું કે, “આ પ્રમાણ માટે આપણે કાર્ડિયોલૉજી સાથે સંકળાયેલા માનસિક આરોગ્યનાં પાસાં અંગે વિચારતા નથી એ જવાબદાર હોઈ શકે.”
સરવેનાં તારણો અનુસાર આ મામલામાં માનસિક આરોગ્ય, મનોવૈજ્ઞાનિક તાણ સંબંધિત મામલા 76 ટકા હતા. આ મામલામાં મોટા ભાગે કારકિર્દીની શરૂઆત કરનારા લોકો અને મહિલાઓ સામેલ હતાં.
સરવેનાં તારણો મુજબ ઘણા કાર્ડિયોલૉજિસ્ટ આ સમસ્યાને લઈને વાત કરતા ન હોવાનું પણ સામે આવ્યું હતું.
ડૉ. ગાંધીના કિસ્સાને ધ્યાને રાખીને ડૉ. દિલીપ માવળંકર કહે છે કે, “ડૉ. ગાંધી એક કાર્ડિયોલૉજિસ્ટ હોવાના કારણે તેમની કામની પરિસ્થિતિ વધુ તાણ સર્જે તેવી જરૂર હતી. ઘણા ડૉક્ટરોને પણ પોતાના કામની રોજબરોજ સ્થિતિનો સામનો કરવાના કારણે સ્ટ્રેસમાં વધારો થવાની સમસ્યાથી પીડાતા હોય છે.”
ડૉ. મુકેશ ચૌધરી પણ હૃદયરોગના હુમલા માટે ‘સ્ટ્રેસને મોટું કારણ’ ગણાવે છે.