You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના થયો હોય એને વર્ષો પછી પણ અચાનક હાર્ટ ઍટેક આવી શકે?
- લેેખક, ગિયરમો લોપેઝ લુક
- પદ, પ્રોફેસર અને સંશોધક
ભારતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયની બીમારીઓને કારણે મૃત્યુની ઘણી ઘટનાઓ બની છે. લોકોને અચાનક બેઠાં-બેઠાં, નાચતાં, કસરત કરતી વખતે હાર્ટ ઍટેક આવ્યાના વીડિયો જોવા મળ્યા છે.
વીડિયોમાં દેખાય છે કે લોકો હાર્ટ ઍટેકને કારણે અચાનક પડી જાય છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે. કેટલાક લોકોને અગાઉથી જ હૃદય સંબંધિત બીમારીઓ થવાની વાતો સામે આવી છે.
તાજેતરમાં જ નીચે દર્શાવેલી ઘટનાઓ જોવા મળી છે:
- દેવગઢ બારિયામાં આદિવાસી સમાજના એક અગ્રણી લગ્નપ્રસંગે ગરબા રમતાં રમતાં અચાનક જ ઢળી પડ્યા. તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો
- 46 વર્ષના કન્નડ અભિનેતા પુનીત રાજકુમારને હાર્ટ ઍટેક
- 41 વર્ષના ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ ઍટેક
- 59 વર્ષના કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં કસરત કરતી વખતે હાર્ટ ઍટેક
- જમ્મુ-કાશ્મીરમાં 21 વર્ષનો એક છોકરો નાચતાં નાચતાં મંચ પર પડી ગયો. તેને હાર્ટ ઍટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું
- મુંબઈમાં ગરબા રમતાં એક 35 વર્ષની વ્યક્તિનું હાર્ટ ઍટેકથી મૃત્યુ થઈ ગયું
જોકે, આ ઘટનાઓમાંથી કોઈ પણ ઘટના કોવિડથી જોડાયેલી હોવાનાં પ્રમાણ નથી મળ્યાં, પરંતુ કેટલાક લોકો હાર્ટ ઍટેકને કોરોના મહામારીના પ્રભાવરૂપે જોઈ રહ્યા છે.
આ સમયે ભારતમાં કોરોના સંક્રમણના આંકડા તો ઘણા ઓછા થઈ ગયા છે, પરંતુ તેની દૂરગામી અસરો વિશે ડૉક્ટરો પહેલાં પણ જણાવતા રહ્યા છે.
આ સ્થિતિમાં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે કોરોનાના ચેપ અને હૃદય સંબંધિત બીમારીઓ વચ્ચે શું સંબંધ છે?
આ ઉપરાંત વૅક્સિન પણ કેવી રીતે અસર કરે છે.
સામાન્ય શ્વસન સંબંધિત સમસ્યાઓ (શરદીથી લઈ ન્યૂમોનિયા સુધી) સિવાય એ વાત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે કોવિડ-19 અને શ્વસન સંબંધિત અન્ય વાઇરસથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ વધી શકે છે.
અન્ય મહામારીઓ બાદ મળેલી માહિતીથી જાણવા મળે છે કે આ લક્ષણો સંભવિત આયુષ્યને ઘટાડી દે છે, એટલે કે સમય પહેલાં લોકોનું મૃત્યુ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પેનિશ ફ્લૂથી શું જાણવા મળે છે?
વર્ષ 1918માં ફેલાયેલી સ્પેનિશ ફ્લૂની મહામારી બાદ એ સમયના વૈજ્ઞાનિક સાહિત્યમાં બ્રેન ફોગ અને સતત થાકના દુર્લભ કેસ વિશે જણાવવામાં આવ્યું હતું.
બ્રેન ફોગનો અર્થ છે કે વ્યક્તિના વિચારવાની પ્રક્રિયામાં શિથિલતા આવવી. તેને યાદ રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી. આ બન્ને લક્ષણો કોવિડ-19માં પણ જોવાં મળ્યાં છે.
પરંતુ સ્પેનિશ ફ્લૂનાં સામાન્ય લક્ષણો સિવાય તેની કેટલીક દૂરગામી અસરો પણ જોવા મળી. એ મહામારી બાદ સતત હાર્ટ ઍટેકના કેસ જોવા મળ્યા. વર્ષ 1940થી 1959 વચ્ચે હાર્ટ ઍટેકના કેસની એવી લહેર આવી હતી જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું.
હાર્ટ ઍટેકના આટલા કેસ આવવા એ ખૂબ જ વિચિત્ર હતું અને તેને સમજવું અઘરું હતું. જોકે, આજે આપણે જાણીએ છીએ કે તેનું કારણ ફ્લૂની મહામારી હતી. એક રીતે વાઇરસે સાજા થઈ ચૂકેલા લોકોમાં ટાઇમ બૉમ્બ છોડી મૂકી દીધો હતો. એ લોકો સાજા થયા બાદ પણ સંપૂર્ણપણે સ્વસ્થ નહોતા.
હૃદય સાથે જોડાયેલી આ બીમારીઓથી ખાસ કરીને પુરુષોને વધુ અસરગ્રસ્ત થયા હતા, જેમ કે ફ્લૂની મહામારી અને કોવિડ-19માં થયું છે. તેનાં સંભવિત કારણોમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 1918માં 20થી 40 વર્ષની ઉંમરના પુરુષોમાં રોગપ્રતિકારક ક્ષમતાની અસામાન્ય પ્રતિક્રિયાને કારણે સમય જતા એ સમસ્યા જોવા મળી છે.
આ ઉપરાંત એમ પણ જાણવા મળ્યું છે કે જન્મ પહેલાં 1918ના ફ્લૂ વાઇરસથી સંક્રમિત થવાને કારણે 60 વર્ષ બાદ પણ હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે.
ત્યાર બાદ થયેલા વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું કે ઇન્ફ્લુએન્ઝા વાઇરસના ચેપથી ઍથરોસ્કૅરૉટિક પ્લેક્સનો વિકાસ વધી જાય છે. આ પ્લેક્સ રક્તવાહિનીઓમાં જામી જાય છે અને રક્તપ્રવાહ અવરોધાઈ જાય છે. તેનાથી હાર્ટ ઍટેક આવી શકે છે.
ઉપરાંત રક્તવાહિનીઓમાં રહેલા એન્ડોથિલિયમને નુકસાન થવાથી પણ પ્લેક્સ બને છે અને હાર્ટ ઍટેકનું જોખમ વધી જાય છે.
કોરોના મહામારી અને હૃદય સંબંધિત બીમારીઓ
મહામારીના પ્રારંભિક મહિનાઓમાં એકઠા કરવામાં આવેલા ડેટાથી જાણવા મળે છે કે કોરોના વાઇરસના ચેપ બાદ હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓમાં વધારો થયો છે.
તેને કારણે હાર્ટ ફેલ્યોર, માયોકાર્ડિયલ ડૅમેજ, એરિથમિયાસ અને એક્યૂટ કોરોનરી સિંડ્રોમ જેવી બીમારીઓ વધવા લાગી છે.
કોરોનાને કારણે હૃદયની બીમારીઓ પાછળ બે સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને બન્ને પુરાવા પર આધારિત છે:
- વાઇરસનો ચેપ લાગવાથી જ્યારે શરીર અસામાન્ય રીતે રોગપ્રતિકારક પ્રતિક્રિયા આપે છે તો તેનાથી હૃદયને નુકસાન પહોંચી શકે છે
- તેનાથી રક્તવાહિનીઓ જાડી થઈ જાય છે, આથી તેમનામાં રક્તપ્રવાહ માટેની જગ્યા ઓછી થઈ જાય છે અને પ્રવાહ અવરોધાય છે. જેને વાસ્ક્યૂલર ઇંફ્લેમેશન કહેવાય છે
- એટલા માટે જે લોકોને પહેલાંથી જ હૃદય સંબંધિત બીમારીઓ હોય તેમનામાં આ સમસ્યા વધુ ગંભીર થઈ ગઈ
- કોરોના વાઇરસ એસીઈ-2 પ્રોટીનનો ઉપયોગ કરીને શરીરમાં પ્રવેશે છે, જે એંડોથિલિયલ કોષોમાં પ્રચૂર માત્રામાં હોય છે. એ કોષો રક્તવાહિનીઓમાં હોય છે
- એ પ્રોટીન હૃદયનાં કામ કરવાં, બ્લડપ્રેશર સામાન્ય રાખવું, ઇલેક્ટ્રોલાઇટનું નિયમન અને નસોની મરામત માટે જરૂરી હોય છે
ગર્ભપાતના કેસ વધ્યા
જેમ કોવિડ-19 એંડોથિલિયમને પ્રભાવિત કરે છે તેનાથી પ્લેસેંટા (ગર્ભનાળ)ને નુકસાન પહોંચી શકે છે અને ગર્ભપાત થઈ જાય છે.
એટલે સુધી કે કોવિડ-19ને કારણે ગર્ભવતી મહિલાઓની રક્તવાહિનીઓમાં થયેલી ક્ષતિ, એવા કેસ સાથે સમાનતા ધરાવે છે, જેમાં બ્લડપ્રેશરમાં અસંતુલનને કારણે રક્તવાહિનીઓને નુકસાન અને ગર્ભપાત થાય છે.
આ ઉપરાંત અન્ય અભ્યાસ દર્શાવે છે કે પ્રારંભિક ગર્ભધારણમાં આ વાઇરસ ભ્રૂણનાં અંગોને હાનિ પહોંચાડે છે, જે અસામાન્ય રોગપ્રતિકારક પ્રતિક્રિયાનાં પરિણામોને કારણે હોય છે.
હાર્ટ ઍટેકનાં લક્ષણો
- છાતીમાં દુખાવો - હૃદય બિલકુલ વચ્ચેથી દબાતું અનુભવાય
- શરીરના બીજા ભાગોમાં દુખાવો (છાતીથી હાથ, જડબાં, ગળું, પીઠ અને પેટની તરફ જતો હોય તેવો દુખાવો અનુભવાય)
- મન અશાંત લાગે અથવા ચક્કર આવે
- પરસેવાથી પલળી જવાય
- શ્વાસ લેવામાં તકલીફ
- ઊબકા આવવા, ઊલટી જેવો અનુભવ થવો
- બેચેની થવી
- ખાંસીનો હુમલો આવવો, જોર જોરથી શ્વાસ લેવો
- હૃદયરોગના હુમલામાં મોટા ભાગે છાતીમાં તીવ્ર દુખાવો થાય છે, પરંતુ કેટલાક લોકોને માત્ર હળવા દુખાવાની ફરિયાદ રહે છે. કેટલાક કેસમાં ખાસ કરીને મહિલાઓ, વડીલો અને ડાયાબિટીસના દર્દીઓને છાતીમાં દુખાવો પણ નથી થતો
વૅક્સિન અને માયોકાર્ડિટિસ?
એંડોથિલિયમ પર પ્રોટીન એસના પ્રભાવને રક્તવાહિનીઓને થયેલા સંભવિત નુકસાન સાથે સાંકળવામાં આવે છે. એમઆરએનએ આધારિત વૅક્સિનને તેનું કારણ ગણવામાં આવે છે.
આ વૅક્સિનમાં રહેલા એમઆરએનએ આ પેશીઓમાં પ્રોટીન એસ બનાવે છે, જેથી રોગપ્રતિકારક પ્રણાલી તેને ઓળખે અને તેના વિરુદ્ધ સક્રિય થઈ જાય. પરંતુ આ ક્ષતિને દેખાડી શકાઈ નથી.
જોકે, રક્તવાહિનીઓને વૅક્સિન સાથે જોડાયેલા નુકસાન બાબતે સાવધાન કરવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક ડેટા તેનું સમર્થન નથી કરતો.
મેડિકલ જર્નલ જેએએમએના તાજેતરના પ્રકાશનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં 19 કરોડ 25 લાખ લોકોને વૅક્સિન આપવામાં આવી છે. જેમાંથી 84 લાખ લોકોમાં માયોકાર્ડિટિસ (હૃદયની નસોમાં સોજા)નાં લક્ષણો જોવાં મળ્યાં અને તેમાંથી 92 લોકોને ખાસ પ્રકારની સારવારની જરૂર પડી હતી, પરંતુ કોઈનું મૃત્યુ નથી થયું.
આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોમાં વૅક્સિન લીધા પછીના થોડા દિવસો બાદ માયોકાર્ડિટિસનાં હળવાં લક્ષણો જોવાં મળ્યાં છે તેમનામાં એ સંભવતઃ વધારે ઇન્ફ્લેમેટ્રી પ્રક્રિયાનો ઇશારો કરે છે. પરંતુ પ્રોટીન એસને સીધા નુકસાનની ખબર નથી પડતી.
એટલે સુધી કે વૅક્સિનેશન બાદ લોહીમાં પ્રોટીન એસનું સ્તર ખૂબ ઓછું હોય છે અને એંડોથિલિયમ પર તેની અસર કેટલાક દિવસોમાં સમાપ્ત થઈ જાય છે.
રક્તવાહિનીઓને નુકસાનથી બચાવવા માટે વૅક્સિન
અત્યાર સુધી મળેલા ડેટા અને અગાઉની મહામારીઓના ઉદાહરણથી આપણે કહી શકીએ કે શ્વસન સંબંધી અન્ય ચેપની સરખામણીએ કોવિડ-19 હૃદયની બીમારીના જોખમને વધારી દે છે. જેમાં રક્તવાહિનીઓને અગાઉ થયેલા નુકસાનને વધારીને અથવા તો નવું નુકસાન કરીને સંભવિત આયુષ્ય ઓછું કરી દે છે. તેને કારણે ચેપના મહિનાઓ અને વર્ષો બાદ પણ મૃત્યુ થઈ શકે છે.
જોકે, સારી વાત એ છે કે વૅક્સિનેશન આ અસરો અને કોવિડ-19 વિરુદ્ધ અસરકારક સાબિત થયું છે. એનું કારણ એ છે કે જો વાઇરસ લોહીમાં ભળી જ નહીં શકે તો હૃદયને કેવી રીતે અસર કરશે.
વધુ એક કારણ એ પણ છે કે કોરોના વાઇરસના ચેપથી બચવું. વૅક્સિનેશન જીવન બચાવે છે, વર્ષો બાદ પણ.
(આ લેખ મૂળ સ્વરૂપે બીબીસીની સ્પેનિશ ભાષાની વેબસાઇટ બીબીસી મુંડોમાં પ્રકાશિત થયો છે.)
(ગિયરમો લોપેઝ લુક એંડાલુસિયન સેન્ટરમાં ડૅવલપમૅન્ટર બાયૉલૉજીના પ્રોફેસર અને સંશોધક છે. તેઓ સવિલમાં પાબ્લો દ ઓલાવાઇડ યુનિવર્સિટીમાં મેટાબૉલિઝમ, એજિંગ, ઇમ્યૂન અને એંટીઑક્સિડેન્ટ સિસ્ટમના સંશોધક છે. એમનો આ લેખ 'ધ કનવર્સેશન'માં પ્રકાશિત થયો હતો, મૂળ આવૃત્તિ તમે અહીં જોઈ શકો છો.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો