You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે ભારતના યુવાનોનું હૃદય નબળું કેમ પડી રહ્યું છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2016ના ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો સમય ચાલી રહ્યો હતો. 29 વર્ષના અમિત દિલ્હીમાં પોતાના ઘરે આરામથી ઊંઘી રહ્યા હતા.
સવારે ચાર વાગ્યે અચાનક તેમને હૃદયમાં દુખાવો થયો. પીડા એટલી પ્રચંડ હતી કે તેમની ઊંઘ ઊડી ગઈ.
આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું, ત્યારે ઘરે પણ કોઈ ન હતું કે તેમને દવાખાને લઈ જાય.
અમિતે મક્કમ મને પીડાને સહી. એક કલાકમાં પીડા થોડી ઓછી થઈ અને ફરીથી તેમને ઊંઘ આવી ગઈ. સૂઈને ઉઠ્યા તો તબિયત થોડી સારી લાગી એટલે તેમણે દવાખાને જવાનું ટાળ્યું.
તમે આ વાંચ્યું કે નહીં?
પરંતુ બીજા દિવસે ચાલવાથી લઈને દિનચર્યાના કામ કરવામાં પણ તેમને તકલીફ પડી, એટલે તેમણે ડૉક્ટર પાસે જવાનો નિર્ણય કર્યો.
અમિતની વાત સાંભળીને ડૉક્ટરે તેમને ઇકો-કાર્ડિયોગ્રામ કરાવવાની સલાહ આપી. આ તપાસમાં સામે આવ્યું કે 36 કલાક પહેલાં અમિતને જે દુખાવો થયો હતો, તે હાર્ટ ઍટેક હતો.
ડૉક્ટરની વાત સાંભળીને અમિતના હોશ ઊડી ગયા, તેઓ માનાવા તૈયાર જ નહોતાં કે આટલી ઉંમરમાં તેમને હાર્ટ ઍટેક આવે કેવી રીતે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્ટ ઍૅટેકના કિસ્સા વધ્યા
આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં હાર્ટ ઍટેકના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 24 મેના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ બંડારુ દત્તાત્રેયના મોટા દીકરા વૈષ્ણવનું હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ, રાત્રે જમ્યા બાદ વૈષ્ણવને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને ગુરુ નાનક હોસ્ટિપટલ લઈ ગયા ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
યુવાનોમાં હૃદયની બીમારી
અમેરીકામાં રિચર્ચ જનરલમાં છપાયેલા અહેવાલ અનુસાર, વર્ષ 2015 સુધીમાં ભારતમાં 6.2 કરોડ લોકોને હૃદયની બીમારીનો ભોગ બન્યા છે. તેમાં લગભગ 2.3 કરોડ લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી છે .
મતલબ કે 40 ટકા હૃદયની બીમારીઓના દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે. ભારત માટે આ આંકડાઓ ચોંકાવનારા છે.
જાણકારોનું માનવું છે કે આખી દુનિયામાં ભારતમાં આ આંકડાઓ ઝડપથી વધી રહ્યા છે. Healthdata.org મુજબ, અકાળ મૃત્યના કારણોમાં વર્ષ 2005માં દિલની બીમારીનું સ્થાન ત્રીજું હતું.
પરંતુ વર્ષ 2016માં હૃદયની બીમારી અકાળ મૃત્યુનું પહેલું કારણ બની ગઈ હતી.
10-15 વર્ષ પહેલાં હૃદયની બીમારીને મોટી ઉંમરના લોકો સાથે જોડીને જોવામાં આવતી હતી, જોકે છેલ્લા એક દાયકાથી હૃદયની બીમારીના આંકડાઓ કંઈક જૂદું જ પ્રતિબિંબ રજૂ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડિસઑર્ડરના પાંચ કારણો
દેશના જાણીતા કોર્ડિયોલૉજિસ્ટ અને પદ્મ શ્રી ડૉ. એસ. સી. મનચંદા મુજબ દેશના યુવાનોનું હૃદય નબળું પડી રહ્યું છે.
ડૉ. મનચંદા હાલમાં દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ પહેલાં એઇમ્સ હોસ્પિટલમાં કાર્ડિયો વિભાગના હેડ રહી ચૂક્યા છે.
તેમનાં અનુસાર, નબળાં હૃદયનું કારણ નવા જમાનાની જીવન શૈલી છે.
દેશના યુવાનોમાં ફેલાયેલા 'લાઇફ સ્ટાઇલ ડિસઑર્ડર' માટે તેઓ પાંચ કારણોને જવાબદાર માને છે.
•જીવનમાં તણાવ
•ખાવાની ખોટી ટેવ
•કમ્પ્યુટર/ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર મોડે સુધી કામ કરવું
•સ્મૉકિંગ, તંબાકુ, દારૂની લત
•પર્યાવરણ પ્રદુષણ
ડૉ. મનચંદા મુજબ, 29 વર્ષના અમિત હોય કે 21 વર્ષના વૈષ્ણવ તેમના બંનેમાં આ પાંચમાંથી એક કારણ હાર્ટ ઍટેક માટે જવાબદાર છે.
અમિતે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ 22 વર્ષની ઉંમરથી સિગરેટ પીવે છે.
29 વર્ષની ઉંમરે તેઓ ચેન સ્મોકર બની ગયા હતા.
પરંતુ હાર્ટ ઍટેક આવ્યાના બે વર્ષ બાદ તેમણે સિગરેટ પીવાનું છોડી દીધું છે. દિલની બીમારી માટે આજે પણ તેમને રોજ દવા લેવી પડે છે.
વૈષ્ણવ માટે આવી કોઈ જાણકારી નથી, પરંતુ અભ્યાસની ઉંમરમાં આજકાલ બાળકોમાં તણાવ સામાન્ય છે.
હાર્ટ ઍટેકનાં લક્ષણો
ડૉક્ટરોના કહેવા પ્રમાણે, હાર્ટ ઍટેકનું સૌથી મોટું લક્ષણ હૃદયમાં દુખાવો થવાનું છે. સામાન્ય રીતે ફિલ્મના દ્રશ્યમાં કોઈને હાર્ટ ઍટેક આવે તો તેઓ પોતાની છાતી પકડી લે છે.
જ્યારે હૃદય સુધી પૂરતું લોહી ના પહોંચે ત્યારે ઍટેક આવે છે. સામાન્ય રીતે આપણી ધમનીઓના રસ્તામાં કોઈ અડચણ આવવાને કારણે લોહી હૃદય સુધી નથી પહોંચી શકતું. એટલા માટે હૃદયમાં તીવ્ર પીડા થાય છે.
પરંતુ ક્યારેક હાર્ટ ઍટેકમાં પીડા થતી પણ નથી. તેને સાઇલન્ટ હાર્ટ ઍટેક કહેવાય છે.
વર્ષ 2016માં અલગઅલગ બીમારીઓથી મરનારની સંખ્યામાં 53 ટકા લોકોના મૃત્યુ હૃદયની બીમારીથી થયા છે.
કેવી મહિલાઓને હાર્ટ ઍટેકનો ખતરો છે?
ઇન્ડિય મેડિકલ એસોશિયેશનના ડૉક્ટર કે. કે. અગ્રવાલના મુજબ, "મહિલાઓમાં પ્રી-મેનોપૉઝ હાર્ટની બીમારી નથી થતી."
તેની પાછળ મહિલાઓમાં જોવા મળતું સેક્સ હોર્મોન જવાબદાર છે, જે તેમને હૃદયની બીમારીથી બચાવે છે, પરંતુ મહિલાઓમાં પણ હવે આ બીમારી જોવા મળી રહી છે.
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના ડૉ. શ્રીનાથ રેડ્ડી મુજબ, "જો કોઈ મહિલા સ્મૉકિંગ કરે અથવા લાંબા સમય સુધી ગર્ભનિરોધક દવાનું સેવન કરે તો તેમનાં શરીરમાં હાર્ટ ઍટેકથી લડવાની ક્ષમતા ઘટી જાય છે.
"મેનપૉઝના પાંચ વર્ષ બાદ મહિલાઓમાં પણ હાર્ટ ઍટેકનો ભય પુરુષો જેટલો જ વધી જાય છે."
હાર્ટ ઍટેકથી બચવા શું કરવું જોઈએ?
ડૉ. મનચંદા મુજબ હાર્ટ ઍટેકથી બચવા યુવાનોએ પોતાની લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવો જોઈએ. તેઓ યોગને હાર્ટ ઍટેકથી બચવાનો સૌથી કારગર ઉપાય માને છે.
હાર્ટ ઍટેકથી બચવું હોય તો ટ્રાંસ ફેટથી બચો
ડૉ.મનચંદા કહે છે કે યુવાનોને હૃદયની બીમારીથી બચાવવા માટે સરકારે મદદ કરવી જોઈએ.
સરકાર કેવી મદદ કરી શકે એ સવાલનો જવાબ આપતાં તેઓ કહે છે, "જંક ફૂડ પર સરકારે વધુ ટૅક્સ લગાવવો જોઈએ. સાથે મોટા અક્ષરોએ ચેતવણી પણ લખેલી હોવી જોઈએ."
સામાન્ય રીતે એવું સાંભળવા મળે છે કે હાર્ટ ઍટેકનો સીધો સંબંધ શરીરના કોલેસ્ટ્રૉલ લેવલ સાથે હોય છે. એટલા માટે વધુ તેલવાળું ખાવાનું ટાળો, પરંતુ આ વાત કેટલી સાચી છે?
એ અંગે ડૉ. મનચંદા કહે છે કે કોલેસ્ટ્રૉલથી નહીં, પરંતુ ટ્રાંસ ફેટથી હાર્ટ ઍટેકમાં મુશ્કેલી વધુ આવી શકે છે.
ટ્રાંસ ફેટ શરીરમાં રહેલા સારા કોલેસ્ટ્રૉલને ખતમ કરે છે.
વનસ્પતિ અને ડાલ્ડા ટ્રાંસ ફેટના મુખ્યો સ્ત્રોતો છે એટલા માટે તેનાથી બચવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો