You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક મુસ્લિમ ધારાસભ્યે કહ્યું, ‘ગણપતિ બાપ્પા મોરયા’ પછી શું થયું?
- લેેખક, શ્રીકાંત બંગાલે
- પદ, બીબીસી મરાઠી
"મારાથી ભૂલ થઈ છે અને હું ફરીથી આવી ભૂલ નહીં કરું. હું પણ એક માણસ છું અને માણસથી આવી ભૂલ થઈ જતી હોય છે." વારિસ પઠાણ આવું બોલી રહ્યા છે એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
થોડા દિવસો પહેલાં એક ગણેશ મંડળના કાર્યક્રમમાં વારિસ 'ગણપતિ બાપ્પા મોરયા' બોલ્યા હતા.
આ અંગે માફી માગવાના કારણે વારિસ હવે વિવાદોમાં ઘેરાયા છે.
વારિસ પઠાણ એઆઈએમઆઈએમ પક્ષના નેતા છે અને ભાયખલા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય પણ છે.
આ અંગે વારિસ પઠાણે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "હું ગણપતિ મંડળમાં જે કાંઈ બોલ્યો તે વીડિયો અને ત્યારબાદનો વીડિયો ઉપલબ્ધ છે. હું આ વિશે વધારે બોલી શકું એમ નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
પણ વીડિયોમાં તમે માફી માગો છો, ગણપતિ મંડળના કાર્યક્રમમાં તમારી હાજરી અંગે જ આ વીડિયોમાં માફી માગી છે?
આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "હા આ વીડિયો એ સંદર્ભે જ છે."
'હું ગણપતિ બાપ્પા મોરયા બોલું છું'
કોલ્હાપુરની બાબુજમાલ દરગાહ ખાતે હિંદુ-મુસ્લિમ ધર્મના લોકો દરવર્ષે એકઠા થઈને ગણેશોત્સવની ઉજવણી કરે છે. જાવેદ સૈયદ આ દરગાહના મુજાવર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "હું મુસલમાન છું એમ છતાં દરવર્ષે ગણપતિની સ્થાપના કરું છું અને ગણપતિ બાપ્પા મોરયા પણ બોલું છું. વારિસ પઠાણની વર્તણૂક અયોગ્ય છે. તેમના આ વર્તનથી સમાજમાં વેર જન્મી શકે છે.”
“પ્રત્યેક માણસ પછી એ રાજકારણીઓ હોય કે અન્ય કોઈ હોય પોતાના ધર્મને ઘર પૂરતો સીમિત રાખવો જોઈએ. જો ધર્મને ઘરમાંથી બહાર લઈ આવો તો કોઈની લાગણી ન દુભાય એનું ધ્યાન રાખવું જોઈએ."
વારિસના વીડિયો અંગે વાત કરતા જાવેદ કહે છે, "વારિસે સામાજિક એક્તાને ધ્યાને રાખવી જોઈએ. કોલ્હાપુર અને મહારાષ્ટ્રની જનતા રાષ્ટ્રીય એક્તા માટે પ્રયત્નશીલ છે ત્યારે આ પ્રકારે ઊંધુંચતું નિવેદન આપવું એ યોગ્ય નથી."
જાવેદ વાત કરતા કહે છે, "નિર્માતા એક જ છે. પછી તમે એમને ગણપતિ કહો, અલ્લાહ કહો, ગૉડ કહો કે જિસસ કહો તેનાથી કોઈ ફરક નથી પડતો.”
“દરેકની પૂજવાની રીતભાત કે પદ્ધતિ અલગ હોઈ શકે, છેવટે જેની સામે માથું ઝુકાવીએ છીએ એ તો એક જ છે. તો પછી લોકોએ એકબીજાના તહેવાર ભેગા થઈને ઊજવવા જોઈએ."
વારિસ પઠાણ ગણપતિ બાપ્પા મોરયા કેવી રીતે કહી શકે? - નૌશાદ ઉસ્માન
ત્યારબાદ અમે મુસ્લિમ ધર્મના અભ્યાસુ નૌશાદ ઉસ્માનનો સંપર્ક સાધ્યો.
વારિસના વક્તવ્ય સંદર્ભે તેઓ કહે છે, "ઇસ્લામ સર્વમાનવસમભાવમાં માને છે, સર્વધર્મસમભાવમાં નહીં. વસુધૈવ કુટુંબકમની સંકલ્પના ઇસ્લામમાં માન્ય છે. પણ કોઈ જ ભેદ નથી અથવા કોઈ મતભેદ હોઈ ન શકે એવું અતાર્કિકપણું ઇસ્લામને સ્વીકાર્ય નથી. આ પ્રકારનો દેખાડો પણ ઇસ્લામને માન્ય નથી. કોઈને ખુશ કરવા માટે નાટક કરવું એ પણ ઇસ્લામને માન્ય નથી."
વારિસના વક્તવ્ય વિશે તેઓ કહે છે, "મારા માથા પર તલવાર મૂકો તો પણ હું ‘ભારત માતા કી જય’ નહીં બોલું એવું બોલનાર વારિસ પઠાણ ગણપતિ બાપ્પા મોરયા કેવી રીતે બોલી શકે?"
ઉસ્માન આગળ કહે છે, "અલ્લાહ સિવાય કોઈ જ સુખકર્તા દુઃખહર્તા નથી. એ જ અમે પાંચ વખત અજાનમાં કહીએ છીએ. ‘ગણપતિ બાપ્પા મોરયા’ બોલ્યા એ વિશે મારો વાંધો નથી.”
“પણ તે વીડિયોમાં વારિસ જે પ્રાર્થના કરે છે...હું ગણેશજીને પ્રાર્થના કરું છું કે તમને બધાને ખુશી આપે. ગણેશજી તમારાં સંકટ દૂર કરે, આ પ્રાર્થના અંગે મારો આક્ષેપ છે,"
"અલ્લાહ સિવાય કોઈનું પણ નામ લઈને પછી એ પયગંબરનું હોય તો પણ મને વાંધો છે. વારિસે પ્રાર્થના કર્યા બાદ માફી માગી, એ મારા પ્રમાણે બરાબર જ થયું છે. પણ આ પ્રકારે નાટક કરવાની કોઈ જરૂર નહોતી."
નેતાઓએ ધાર્મિક રાજકારણ ન કરવું જોઈએ - શમસુદ્દીન તાંબોલી
વારિસના વીડિયો સંદર્ભે 'મુસ્લિમ સત્યશોધક મંડળના' અધ્યક્ષ શમસુદ્દીન તાંબોલી કહે છે, "આજે લોકો મોહરમ અને ગણેશોત્સવ એક સાથે મનાવે છે. આ જોઈને એકબીજાનો આદર કરવો જોઈએ. આના દ્વારા પ્રેમ અને સદ્ભાવ વધે છે."
"આ સંદર્ભે એકાદ નેતા માફી માગે છે કે મારી ભૂલ થઈ ગઈ છે, આનાથી સમાજના લોકોને શું સંદેશ આપે છે એ પણ વિચાર કરવો જોઈએ. આ પ્રકારનું નિવેદન આપીને સમાજમાં ઝેર ઘોળવા જેવી વાત છે."
શમસુદ્દીન આગળ કહે છે, "મુસ્લિમ સમાજમાં બહુસાંસ્કૃતિકતા છે. કેટલાક લોકો દરગાહ સંસ્કૃતિમાં માને છે, તો કેટલાક લોકો નથી માનતા. શિયા અને સુન્નીમાં મોહરમની ઉજવણી કરવાની પદ્ધતિ અલગઅલગ છે."
"પણ મુઠ્ઠીભર લોકો આ પ્રકારનાં નિવેદન આપે છે અને તેનાં પરિણામ આખા સમાજે ભોગવવાં પડે છે. સમાજના નેતાઓએ આ પ્રકારે લોકોની પદ્ધતિ પર ધાર્મિક રાજકારણ ન કરવું જોઈએ."
શમસુદ્દીન તેમની ચિંતા વ્યક્ત કરે છે, "ભારતીય સમાજ ધાર્મિક છે. સામાજિક વાતાવરણ ન ડહોળાય એ માટે આ પ્રકારે સાથે મળીને તહેવારોની ઊજવવાની જરૂર છે."
"ડીજેનો ઉપયોગ કરવો, મોટા અવાજે અજાન કરવી જો આજના સમય સાથે સુસંગત ન હોય તો તેને સુસંગત કરતા આવડવું જોઈએ. સમય સાથે એમાં ફેરફાર થવો જોઈએ."
"હકીકતમાં નેતાઓનું વર્તન એવું હોવું જોઈએ કે લોકો ધાર્મિક તહેવારોમાં જોડાય, પણ તેઓ ઉન્માદી પદ્ધતિને વળગેલા હોય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો