You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્યારેય જોઈ છે પાકિસ્તાનની ગણેશચતુર્થી?
- લેેખક, શુમાઇલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા કરાચીથી
કરાચીના ક્લિફટન વિસ્તારમાં આવેલા એક નાનકડા દેવ આનંદ સંદિકરના એપાર્ટમેન્ટમાં રોજ કરતાં અલગ જ માહોલ હતો
દેવ આનંદ પાકિસ્તાનના મહારાષ્ટ્ર પંચાયતના વડા છે. જે દેશમાં મરાઠી વંશનો ખૂબ જ નાનો સમુદાય છે.
પ્રાર્થના વિસ્તાર તરીકે અલાયદા રખાયેલા એક ભાગમાં રંગબેરંગી સાડીઓ અને થોડાક સુવર્ણ અલંકારોથી સુસજ્જ થોડી સ્ત્રીઓ, ફ્લોર ઉપર બેસીને 'મોદક' નામની સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં વ્યસ્ત હતી.
પાકિસ્તાનમાં આ ગણેશચર્તુર્થીની શરૂઆત છે. હિંદુ ધર્મના સૌથી માનીતા ભગવાન ગણેશને સમર્પિત આ તહેવાર છે.
દેવના પત્ની મલકાએ વર્ણન કરતા જણાવ્યું, "અમે ભગવાન ગણેશને ધરાવવા માટે ઘણી બધી વિવિધ વાનગીઓ બનાવીએ છીએ પરંતુ મોદક તેમની સૌથી પ્રિય વાનગી છે."
તમે આ વાંચ્યું કે નહીં?
"પરંપરાગત રીતે તો મોદક ચોખાનો લોટ, નારિયેળ, ગોળ અને સોજીથી બનાવવામાં આવે છે."
"હવે, લોકો આમાં બધી જાતના પ્રયોગો કરે છે. કોઈકને ત્યાં ચોકલેટ, પિસ્તા અને વેનીલા સ્વાદવાળા મોદક પણ હોઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નારંગી અને સોનેરી રંગના સુંદર સુતરાઉ કપડાથી સજાવેલું એક ખાલી ટેબલ ત્યાં નજીકમાં મૂકેલું હતું.
મોટી ઉજવણી માટે ગણેશજીને મંદિરમાં લઈ જતાં પહેલાં ગણેશજીની મૂર્તિ થોડા સમય માટે ત્યાં રાખવામાં આવે છે.
મલકા ખૂબ જ ઉત્સાહમાં લાગતાં હતાં. તેઓ ઘરને ફૂલો, મીણબત્તી, અને રંગોથી સજાવી રહ્યાં હતાં.
દેવના સ્વાગતમાં તેઓએ સુગંધિત અગરબત્તી પણ પ્રગટાવી હતી.
જોકે, દેવ થોડા તણાવમા હતા. તેઓ છેલ્લાં થોડાં વર્ષોથી ગણેશની મૂર્તિ ભારતથી વાયા દુબઈ થઈને કરાચીમાં મંગાવતા રહ્યા છે.
તેમણે કહ્યું, "અમારા માટે મૂર્તિ ખૂબ જ અગત્યની છે, આ ગણેશજીને સમર્પિત તહેવાર છે એટલે અમે તે શક્ય હોય તેટલાં વધુ સુંદર દેખાય એવું ઇચ્છીએ છીએ."
"અહીંયા પણ મૂર્તિઓ બનાવવામાં આવે છે પરંતુ તેનું ફિનિશીંગ ભારતની મૂર્તિઓ જેવું નથી હોતું."
"એટલે, અમારા ભારતમાં વસતા સ્વજનો દર ગણેશચતુર્થીના અવસરે અમને ભારતથી વાયા દુબઈ અહીંયા પાકિસ્તાનમાં ગણેશજીની મૂર્તિ મોકલે છે."
આ વર્ષે થોડી વાર લાગી હતી અને થોડી કસ્ટમની ઔપચારિકતાઓને લીધે મૂર્તિ ફસાઈ હતી આથી દેવે પ્લાન 'બી' ઉપર કામ કર્યું.
તેઓએ તેમના દુબઈમાં સ્થિત પિત્રાઈ ભાઈને ત્યાંથી એક મૂર્તિ ખરીદીને પોતે મૂર્તિ લઈને કરાચી આવવા જણાવ્યું હતું.
બીજા દિવસે વહેલી સવારમાં તેમના પિત્રાઈ ભાઈ મૂર્તિ સાથે આવ્યા હતા.
પરિવારને રાહત થઈ અને તમામ પરંપરાગત ભવ્યતા અને રંગોથી ઉજવણી શરૂ થઈ.
ગણેશજીને મોદક અને મોતીચુરના લાડુ સહીત અન્ય વાનગીઓ ધરાવવામાં આવી.
આરતી અને પૂજા કરવામાં આવી અને પછી પરિવારજનો અને મિત્રો ભેગા મળીને સરઘસ સાથે કરાચીના શ્રી રત્નેશ્વર મહાદેવના મંદિરે મૂર્તિને લઈ ગયાં.
આ મંદિર કરાચીના ક્લિફટન વિસ્તારમાં દરિયાકિનારે એક કુદરતી ગુફામાં આવેલું છે.
જે જમીનની સપાટીથી લગભગ 70 ફૂટ નીચે છે. આ મંદિર સદીઓ પુરાણું હોવાનું મનાય છે. જ્યાં ગણેશચતુર્થીની મુખ્ય ઉજવણી થાય છે.
દેવ કહે છે, "અહીંયા અમે લગભગ 500 લોકો મરાઠા વંશનાં છીએ પરંતુ હિંદુઓ પણ આમાં ભાગ લે છે."
"તેઓ અમારી સાથે ઉજવણી કરે છે, કોઈ પણ રહેવાસીઓ માટે કોઈ બંધનો નથી."
ત્યારબાદ, ગણેશની મૂર્તિને એક વિશાળ ખુલ્લા હૉલમાં લઈ જવામાં આવી અને સમુદ્ર તરફ તેનું મુખ રહે તેમ ગોઠવવામાં આવી.
બારીઓમાંથી ઠંડી હવા આવી રહી હતી. આશરે ડઝન જેટલાં માણસો સ્ટેજ બનાવવામાં વ્યસ્ત હતા.
જેઓ સાંજની ભવ્ય ઉજવણી માટે હૉલને શણગારી રહ્યા હતા.
તે પહેલાં એક ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. મંદિરની સંભાળ રાખનાર મહારાજ રવિ રમેશે પ્રાર્થનાની આગેવાની લીધી.
ગણેશની મૂર્તિને ફૂલો અને સુગંધ અર્પણ કરાયાં. ત્યારબાદ ગણેશજીને વિવિધ પ્રકારનાં ફળો, મીઠાઈઓ, મધ અને દૂધ ધરાવવામાં આવ્યાં હતાં.
મહારાજ રવિ રમેશે કહ્યું, "દર વર્ષે અમે આ પ્રસંગને ખૂબ જ પ્રેમ અને ભક્તિભાવથી ઉજવીએ છીએ."
"આખા સિંધ પ્રાંતમાંથી લોકો આવે છે અને અમારી સાથે જોડાય છે."
"આ આનંદ અને આશીર્વાદની આપ-લેનો તહેવાર છે અને અમે ક્યારેય કોઈ નિયંત્રણો અને અવરોધમાં નથી હોતા.”
“અમે સૌ આ તહેવાર હૃદયપૂર્વક અને સંપૂર્ણ આઝાદીથી ઉજવીએ છીએ."
સાંજ સુધીમાં હૉલ તૈયાર થઈ ગયો હતો. રોશની ઝળહળી રહી હતી. સંગીતના વાદ્યોની સજાવટ થઈ ગઈ હતી અને ઉજવણી શરૂ થઈ.
એકાદ ડઝન જેટલા ભક્તજનો રંગીન વસ્ત્ર પરિધાનમાં પ્રવેશ્યા.
તેઓ સૌ તેમની સાથે ભગવાન ગણેશને ભોગ ધરવા માટે વાનગીઓ પણ લઈને આવ્યા હતા.
તેઓએ ભગવાન સમક્ષ નત મસ્તકે હાથ જોડ્યા. ભગવાનને રીઝવવા ભજન કીર્તનમાં ભાગ લીધો.
પ્રસાદ ગ્રહણ કર્યો અને સંગીત અને નૃત્ય સાથે તહેવારની ઉજવણી કરી.
આ ઉજવણી સવાર સુધી ચાલી. ત્યારબાદ સૌ ફરી સાંજે તહેવારના અંતિમ પડાવમાં દરિયામાં ગણેશ વિસર્જન માટે ભેગા થવા માટે છૂટા પડ્યા.
લક્ષ્મી નારાયણ મંદિર, કરાચીનું એકમાત્ર મંદિર છે. જે અરબી સમુદ્રના કાંઠે આવેલું છે.
તેથી અહીંયા સમગ્ર શહેરમાંથી હિંદુઓ સાંજે ગણેશચતુર્થીના સમાપન સમારંભ માટે ભેગા થાય છે.
આથી, દેવ આનંદ અને અન્ય ડઝન જેટલા પરિવારો નાના સરઘસ રૂપે નાચતાં ગાતાં તેમના ગણેશની પ્રતિમાઓને લક્ષ્મી નારાયણ મંદિર લઈ આવ્યા.
અંતિમ વિધિ પહેલાં એક આરતી થઈ. આખું મંદિર આયા આયા ગણપતિ આયા, એક દો તીન ચાર, ગણપતિ કી જયજયકાર અને મોર્રીયા રે બાપા મોર્રીયા રે જેવા નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
છેલ્લે મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરી દેવાયું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો