You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનાં કૃષ્ણા કોહલી : હિંદુ મજૂરના દીકરી બન્યાં સેનેટ ઉમેદવાર
- લેેખક, સહર બલોચ
- પદ, બીબીસી ઉર્દૂ, કરાંચી
પાકિસ્તાનમાં ઉચ્ચ હોદ્દાઓ પર હિંદુ ચહેરા ઓછા જોવા મળે છે. તેમાં પણ મહિલાઓની હાજરી તો નહીવત્ પ્રમાણમાં છે.
પરંતુ કદાચ હવે આ યાદીમાં કૃષ્ણા કોહલીનું નામ જોડાઈ જાય. તેઓ અલ્પસંખ્યક સમુદાય તરફથી સેનેટની મેમ્બરશીપ માટે દાવો કરી રહ્યાં છે.
પાકિસ્તાનના થરપારકર સાથે સંબંધ ધરાવતાં કૃષ્ણા કોહલીએ 7 ફેબ્રુઆરીએ સેનેટની ચૂંટણી માટે પાકિસ્તાની ચૂંટણી પંચમાં પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કૃષ્ણા કોહલીને સિંધ ક્ષેત્રથી સામાન્ય શ્રેણીમાં ઉમેદવાર ઘોષિત કર્યા છે.
કૃષ્ણા જ્યારે પોતાના દસ્તાવેજ જમા કરવવા ચૂંટણી પંચની ઑફિસમાં દાખલ થયા તો તેઓ થોડાં અલગ જોવા મળી રહ્યાં હતાં.
થરપારકર વિસ્તાર
કૃષ્ણા કોહલીએ બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાનના ઇતિહાસમાં તેઓ થરપારકર વિસ્તારનાં પહેલા મહિલા છે કે જેમને સંસદ સુધી પહોંચવાની તક મળી છે.
તેઓ કહે છે, "આ સમયે હું બિલાવલ ભુટ્ટોનો જેટલો ધન્યવાદ વ્યક્ત કરું તેટલો ઓછો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૃષ્ણા કોહલી થરપારકર વિસ્તારના એક ગામડાં સાથે સંબંધ ધરાવે છે. તેમનાં દાદા રુપલો કોહલીએ વર્ષ 1857માં અંગ્રજો વિરુદ્ધ સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો હતો.
સ્વતંત્રતાની આ લડાઈ પૂર્ણ થયા બાદ તુરંત થોડા મહિના બાદ તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.
બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે થરપારકરમાં જીવન વિતાવવું ખૂબ અઘરું છે. કેમ કે ત્યાં દર વર્ષે દુષ્કાળ પડે છે અને તેના કારણે ઘણું બધું સુકાઈ જાય છે.
16 વર્ષની ઉંમરે લગ્ન
કૃષ્ણા કોહલીનો સંબંધ એક ગરીબ પરિવાર સાથે છે.
તેમનાં પિતા જુગનૂ કોહલી એક જમીનદારને ત્યાં મજૂરી કરતા હતા. કામ ન હોવાના કારણે ઘણી વખત અલગ અલગ વિસ્તારમાં કામની શોધમાં જતા હતા.
કૃષ્ણા કોહલી જણાવે છે, "મારા પિતાને ઉમરકોટના જમીનદારે કેદ કરી લીધા અને અમે ત્રણ વર્ષ તેમની કેદમાં રહ્યાં. તે સમયે હું ત્રીજા ધોરણમાં ભણતી હતી."
"અમે કોઈ સંબંધી પાસે જઈ શકતા ન હતા કે કોઈની સાથે વાત પણ કરી શકતા ન હતા. બસ તેમના કહેવા પ્રમાણે કામ કરતા હતા અને તેમના આદેશ પર કેદમાં પરત ફરી જતા હતા."
કૃષ્ણા કોહલી કેશુબાઈના નામે પણ ઓળખાય છે.
તેમનાં લગ્ન 16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. પરંતુ તેઓ જણાવે છે કે તેમના પતિએ શિક્ષણ મેળવવામાં ખૂબ મદદ કરી.
છોકરીઓનું શિક્ષણ અને સ્વાસ્થ્ય
કૃષ્ણાએ સિંધ યુનિવર્સિટીથી સમાજશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે અને તેઓ વીસ વર્ષોથી થરપારકરમાં છોકરીઓનાં શિક્ષણ તેમજ તેમનાં સ્વાસ્થ્ય માટે મહેનત કરી રહ્યાં છે.
તેઓ કહે છે, "થરપારકરમાં ગર્ભવતી મહિલાઓનું જીવન ખૂબ મુશ્કેલ છે. હું સંસદમાં આવ્યા બાદ તેમનાં માટે કામ કરવા માગું છું."
ઉમેદવારીના દસ્તાવેજ જમા કરવા અંગે તેઓ જણાવે છે કે તેમને પીપીપીના નેતા સરદાર શાહે સલાહ આપી હતી કે તેઓ દસ્તાવેજ જમા કરે.
કૃષ્ણા જણાવે છે, "મેં પહેલા પણ પીપીપી સાથે કામ કર્યું છે. 2010ના જાતીય હિંસા વિરુદ્ધ બિલથી માંડીને 18માં સંશોધનની સ્વીકૃતિ સુધી એક સાથે ઘણી જગ્યાએ કામ કર્યું છે."
"હું મહિલાઓનાં સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે જે પ્લેટફોર્મ ઇચ્છતી હતી, તે મને અંતે મળી ગયું છે. મારું સપનું છે કે હું લોકોની આશાઓ પર ખરી ઉતરું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો