પાકિસ્તાનના ગુજરાતીઓએ ઇમરાનને મત આપ્યા છે, પણ તેમની સ્થિતિ કેટલી બદલાશે

પાકિસ્તાનમાં ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે સવાલ એ છે કે પાકિસ્તાનમાં વસતા ગુજરાતીઓ અને હિંદુઓની સ્થિતિ નવી સરકારની રચના બાદ બદલાશે?

આ સવાલનો જવાબ મેળવવા બીબીસી ગુજરાતીનાં અર્ચના પુષ્પેન્દ્રએ કરાચીથી પ્રકાશિત થતા ગુજરાતી અખબાર 'ડેઈલી મિલ્લત'ના તંત્રી રઈસ ખાન સાથે વાત કરી હતી.

રઈસ ખાને કહ્યું હતું, "ઇમરાન ખાન પહેલાં જ કહી ચૂક્યા છે કે લઘુમતી કોમોની સિંધના અંદરના વિસ્તારોમાં જે રંજાડ થઈ રહી છે એ તેઓ તેમના કાર્યકાળમાં થવા નહીં દે.”

"તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે લઘુમતીની રંજાડ તો તેઓ નહીં જ થવા દે. હવે એમની સરકાર રચાય એ પછી જોઈએ કે વાસ્તવમાં શું થાય છે, કેમ કે સિંધમાં તો એમની સરકાર બનવાની નથી."

રઈસ ખાનના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં મોટાભાગના ગુજરાતીઓ, ભારતીયો સિંધમાં અને કરાચીમાં છે, પણ સિંધમાં પીપલ્સ પાર્ટીની સરકાર બનશે તે સ્પષ્ટ છે.

તેથી તેઓ કેવી નીતિ અપનાવશે અને એ બાબતે ફેડરલ ગવર્નમેન્ટનું વલણ શું હશે એ અત્યારે આપણે કહી શકતા નથી. એ સંજોગો પર આધારિત છે.

ગુજરાતીઓ ઈમરાન ખાન તરફ ઢળ્યા

પાકિસ્તાનમાં વસતા ગુજરાતીઓએ ચૂંટણીમાં અપનાવેલા વલણની વાત કરતાં રઈસ ખાને કહ્યું હતું "કરાચીમાં 30 લાખથી વધારે ગુજરાતીઓ છે. તેમાં મેમણ, બોરી અને આગાખાની છે.”

"એ બધાએ કરાચીમાં પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ને ટેકો આપ્યો છે, કેમ કે ગુજરાતીઓ બિઝનેસ કૉમ્યુનિટી છે અને બિઝનેસ કૉમ્યુનિટી પીટીઆઈ તરફ ઢળી છે.

શું તમે આ વાંચ્યું?

"આજના રિઝલ્ટના દિવસે મારી પાસે છેલ્લી માહિતી છે ત્યાં સુધી કરાચી સ્ટોક એક્સચેન્જના સૂચકાંકમાં 800 પોઈન્ટ્સનો વધારો થયો છે."

ભારત-પાકિસ્તાન સંબંધની વાત

ભારત પાકિસ્તાનના સંબંધ પર નવી સરકારની શું અસર થશે તેની વાત પણ રઈસ ખાને કરી હતી.

રઈસ ખાને કહ્યું હતું, "હું સમજું છું કે રાજકીય પક્ષો ભાષણો આપે છે ત્યારે ભારતવિરોધી વાતો કરે છે, પણ સત્તામાં આવે ત્યારે પરિસ્થિતિ અલગ હોય છે.”

"ઇમરાન ખાન વિદેશ નીતિ કેવી બનાવે છે તેના પર ઘણો આધાર છે. અનુકૂળ વિદેશ નીતિ બને તો પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં કોઈ ખાસ ફરક નહીં પડે એવું મને લાગે છે."

ચૂંટણીમાં ગોલમાલના આક્ષેપો

ચૂંટણીમાં ગોલમાલના અને તટસ્થ ચૂંટણી નહીં થયાના આક્ષેપ બાબતે રઈસ ખાને કહ્યું હતું, "ગોલમાલ થયાની વાત સાચી છે.”

"ચૂંટણી એકતરફી હતી. દરેક રીતે ઇમરાન ખાનનો માર્ગ મોકળો કરી દેવાયો હતો. તેમાં ન્યાયતંત્ર પણ સંકળાયેલું છે એમ પણ તમે કહી શકો છો. બીજી વાત એ છે કે યંગ જનરેશનમાં ઇમરાન ખાન તરફ ઝૂકાવ હતો.”

"આપણે જોઈએ છીએ કે ઇમરાન ખાન એક ત્રીજા પક્ષ તરીકે બહાર આવ્યા છે. તેઓ સારી રીતે શાસન ચલાવવામાં સફળ થશે તો અહીં ભ્રષ્ટાચાર ઓછો થાય એવું બની શકે અને એ પાકિસ્તાન માટે બહુ જરૂરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો