ઇમરાન ખાન : ક્રિકેટરથી લઈને વડા પ્રધાનપદ સુધી

ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનને શુક્રવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ નવા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે.

જુલાઈમાં થયેલી ચૂંટણીમાં તેમના પક્ષને સૌથી વધારે બેઠકો મળી હતી. જે બાદ અન્ય પક્ષોએ ઇમરાન ખાનને ટેકો આપ્યો છે.

ઇમરાન ખાને પાકિસ્તાનના 22મા વડા પ્રધાન તરીકે આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા.

66 વર્ષના ઇમરાન ખાન પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 176 મતે વડા પ્રધાન પદે ચૂંટાયા હતા.

જ્યારે તેમના હરીફ ઉમેદવાર અને મુસ્લિમ લીગ-નવાઝના નેતા શાહબાઝ શરીફને 96 મતો મળ્યા હતા.

ભારતમાંથી પૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને હાલ પંજાબમાં કોંગ્રેસની સરકારમાં મંત્રી પદે રહેલા નવજોત સિધુ ઇમરાન ખાનની શપથવિધિમાં હાજર રહ્યા હતા.

ઇમરાન ખાન એટલે સેલિબ્રિટી

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે ઇમરાન ખાનનો દબદબો હતો. દેશમાં તેના વિશાળ ચાહકવર્ગના કારણે તેઓ દેશમાં સેલિબ્રિટી બની ગયા છે.

1992માં ક્રિકેટ વર્લ્ડ કપ પાકિસ્તાન જીત્યું તે માટે આજે પણ ઇમરાન ખાનને જશ મળે છે. પાકિસ્તાનના સૌથી સફળ ક્રિકેટ કૅપ્ટન તરીકે તેમની ગણના થાય છે.

1996માં પીટીઆઈની સ્થાપના કરીને ઇમરાને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

તે પછી 2013ની રાષ્ટ્રવ્યાપી ચૂંટણીમાં પીટીઆઈને સાચા અર્થમાં સફળતા મળી.

બે મુખ્ય રાજકીય પક્ષો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) પછી ત્રીજા નંબરના સૌથી મહત્ત્વના રાજકીય પક્ષ તરીકે પીટીઆઇ ઉપસી આવ્યો.

એવું સતત કહેવાતું આવ્યું છે કે પાકિસ્તાની સેના ખાનગીમાં ઇમરાન ખાનનું સમર્થન કરી રહી છે. તેમના રાજકીય હરિફો એટલે જ તેમને કટાક્ષમાં ઘણીવાર 'લાડલા' એવું કહીને બોલાવે છે.

જોકે, ઇમરાન કહે છે કે તેમના પક્ષની લોકપ્રિયતાનું કારણ સૈન્યનું સમર્થન નથી.

2018ની ચૂંટણીમાં તેમનો પક્ષ જીતી ગયો તે માટે રસ્તો ચોખ્ખો કરવામાં આવી રહ્યો છે તેવી વાતનો પણ તેઓ ઇનકાર કરી રહ્યા છે.

રાજકારણમાં પ્રવેશ્યા પહેલાં ઇમરાન ખાન યૂકેમાં રહીને બિનધાસ્ત જીવન જીવવા માટે જાણીતા હતા.

ત્રણ વાર લગ્ન કરનારા ઇમરાનના અંગત જીવનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાને હંમેશાં રસ પડતો રહ્યો છે.

હવે તેમની છાપ પીટીઆઈના લોકપ્રિય નેતા અને ધાર્મિક માણસ તરીકેની ઉપસી રહી છે.

65 વર્ષના ઇમરાન સામાજિક સેવાના કાર્યો પણ કરે છે. પોતાની માતાના નામે મફતમાં કેન્સરની સારવાર આપતી હૉસ્પિટલ ઊભી કરી છે.

મહત્ત્વના મુદ્દા પર રાજકીય વલણ

ઇમરાન ખાને ચૂંટણી પ્રચાર દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.

ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચારના કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા, તેમાં વિપક્ષના મુખ્ય નેતા તરીકે ઇમરાન પણ જોડાયા હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પક્ષે આ મુદ્દો બરાબર ઉછાળ્યો હતો.

શરીફ સામે ભ્રષ્ટાચારનો કેસ સાબિત થયો છે અને જુલાઈમાં તેમને જેલમાં જવું પડ્યું છે.

આ વાતનો ઉલ્લેખ વારંવાર ચૂંટણી પ્રચાર દરમિયાન થતો રહ્યો હતો.

પાકિસ્તાનના રાજકારણમાં કૌટુંબિક વારસાનો દબદબો છે તે વાતનો પણ તેમણે વારંવાર ઉલ્લેખ કર્યો હતો.

તેના કારણે જ પાકિસ્તાનમાં કુશાસન અને નબળું તંત્ર વિકસ્યું હોવાની તેઓ ટીકા કરે છે.

દેશના રાજકારણમાં સેનાની ભૂમિકાનો ઇમરાન ઇન્કાર કરતા નથી.

નાગરિક અને સૈનિક સત્તાધીશો વચ્ચેના સંબંધોમાં સંતુલન જાળવવા માટે સુશાસન જ એક માત્ર ઉપાય હોવાનું તેઓ કહે છે.

તેઓ કહે છે, "લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર સારું કામ કરી દેખાડે ત્યારે તે તેની તાકાત બની જાય છે."

"પાકિસ્તાનના રાજકારણમાં સેનાનો પ્રભાવ રહ્યો છે, કેમ કે આપણે ત્યાં આવેલી રાજકીય સરકારો નકામી સાબિત થતી આવી છે."

"હું એમ નથી કહેતો કે આ વાત બરાબર છે, પણ જો વૅક્યૂમ ઊભું થાય તો કોઈ તેને ભરી જ દે." એમ ડોન અખબાર સાથેના એક ઇન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું હતું.

પાકિસ્તાનની વિદેશ નીતિની પણ ઇમરાન ટીકા કરી હતી.

ભારત સાથેના સંબંધોની બાબતમાં તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દોષ આપતા કહ્યું હતું બંને દેશો વચ્ચે તણાવનું કારણ તેમની નીતિઓ છે.

ઇમરાનને 'ડૉન' અખબાર સાથેના આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "મને લાગે છે કે નરેન્દ્ર મોદી સરકારની નીતિ પાકિસ્તાનને એકલું પાડી દેવાની છે."

"તે લોકો આક્રમક રીતે પાકિસ્તાનવિરોધી પ્રચાર કરે છે, કેમ કે કાશ્મીરમાં તેઓ જે બર્બરતા કરી રહ્યા છે. તે માટે તેઓ પાકિસ્તાનને દોષિત ઠેરાવવા માગે છે."

ઇસ્લામી ઉદ્દામવાદીઓ વિશેના 'ઢીલાં' વલણ બદલ ખાનની ટીકા થતી રહી છે, કેમ કે તેઓ માને છે કે ઉગ્રવાદી જૂથો સાથે વાતચીત કરવી જોઈએ.

તેમના વિરોધીઓ તેને 'તાલિબાન ખાન' કહીને પણ બોલાવે છે.

જોકે, આવા આક્ષેપોને નકારી કાઢીને ઇમરાન ખાન કહે છે કે ઉગ્રવાદીઓ સાથે વાતચીત કરીને પાકિસ્તાનની ત્રાસવાદની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

આ માટે તેઓ અફઘાન પ્રમુખ અશરફ ઘનીનો દાખલો આપે છે, જેમણે તાલીબાન સાથે વાતચીત કરવાની ઑફર કરી છે.

ઇમરાન ખાનના પક્ષે કરેલા વાયદા

ઇમરાન ખાને વચન આપ્યું છે કે પાકિસ્તાનને 'મુસ્લિમ કલ્યાણ રાજ્ય' બનાવવામાં આવશે.

પીટીઆઈના ચૂંટણી ઢંઢેરામાં 'નયા પાકિસ્તાન'ની વાત કરવામાં આવી હતી.

નવા પાકિસ્તાનમાં વહીવટી સુધારા, ભ્રષ્ટાચાર નાબુદી અને 'સાચા અર્થમાં જવાબદારી' લાવવાની વાત ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓમાં પીટીઆઈ છવાયેલી રહે છે, કેમ કે તેના ટેકેદારોમાં મોટો વર્ગ પાકિસ્તાનના યુવાનો છે.

ગત વખતની 2013ની ચૂંટણીમાં પીટીઆઈના ઢંઢેરાના ચાર ટોચના મુદ્દાઓમાં એક મુદ્દો ભારત સાથેની 'કાશ્મીરની સમસ્યાના ઉકેલ'નો પણ હતો.

જોકે, પાંચ વર્ષ પછી હવે આ મુદ્દો પક્ષના ઢંઢેરામાં બહુ પાછળ જતો રહ્યો છે.

ચૂંટણી ઢંઢેરામાં આ વખતે વચન આપવામાં આવ્યું હતં કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ કરેલા ઠરાવના આધારે કાશ્મીર સમસ્યાના ઉકેલનો મુસદ્દો તૈયાર કરાશે. જે વલણ પાકિસ્તાનના પરંપરાગત સ્થાપિત વલણ જેવું જ છે.

બળવાખોરી અને ઉગ્રવાદથી ઘેરાયેલા બલુચિસ્તાન વિશે ઢંઢેરામાં જણાવાયું હતું કે રાજકીય અને આર્થિક સશક્તિકરણ દ્વારા બલોચ નેતાગીરી અને નિરાશ થયેલા જુદાજુદા બલોચ જૂથો અને ખાસ કરીને યુવાનોને મનાવવામાં આવશે.

ચીન સાથેના સંબંધો વધારે ગાઢ કરવાના તથા ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કૉરિડૉર (CPEC) પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવાના વચનો પણ આપવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો