You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ગણપતિની પશુ સાથે ‘તુલના’થી સર્જાયો વિવાદ
ભારતમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમેરિકામાં ગણેશને લઈને વિવાદ સર્જાયો છે.
અમેરિકાના ટૅક્સાસમાં રહેતા હિંદુઓનું કહેવું છે કે ત્યાંના એક રાજકીય પક્ષે તેમના ભગવાનની મજાક ઉડાવી છે.
વાસ્તવમાં પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીએ ટેક્સાસના એક અખબારમાં જાહેરાત પ્રકાશિત કરાવી હતી. તેમાં ગણપતિના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એ જાહેરાતમાં સવાલ કરવામાં આવ્યો હતોઃ "તમે ગધેડાની પૂજા કરશો કે હાથીની? પસંદગી તમારે કરવાની છે."
રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી પ્રતિક હાથી છે, જ્યારે તેની પ્રતિસ્પર્ધી ડેમૉક્રેટિક પાર્ટીનું ચૂંટણી પ્રતિક ગધેડો છે.
વિવાદ વકર્યો એટલે માગી માફી
હિંદુઓના દેવતા ગણેશના ચિત્રનો ઉપયોગ પરદેશમાં કોઈ જાહેરાતમાં કરવામાં આવ્યો હોય અને એ બાબતે વિવાદ સર્જાયો હોય તેવી આ પહેલી ઘટના નથી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ ઑસ્ટ્રેલિયાના એક માંસ ઉત્પાદક જૂથે માંસ ખાઈ રહેલા ગણેશને એક જાહેરાતમાં દેખાડ્યા હતા.
તેની સામે સ્થાનિક હિંદુઓએ વાંધો લીધો હતો. ભારત સરકારે પણ ઑસ્ટ્રેલિયા સમક્ષ સત્તાવાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં ભગવાન ગણેશ સાથેની જાહેરાત વિશેનો વિવાદ વકર્યા બાદ રિપબ્લિકન પાર્ટીએ માફી માગી લીધી હતી.
પક્ષે લેખિત માફીનામામાં જણાવ્યું હતું, "જાહેરાતનો હેતુ પૂજા પહેલાં લોકોને શુભેચ્છા આપવાનો હતો. હિંદુઓની લાગણી અને તેમની સંસ્કૃતિની મજાક ઉડાવવાનો ન હતો."
"કોઈની લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએ."
ભારતીયો માટેના અખબારમાં જાહેરાત
ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં એટલે કે 12 સપ્ટેમ્બરે 'ઇન્ડિયા હેરાલ્ડ' અખબારમાં આ વિવાદાસ્પદ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી.
અમેરિકામાં સક્રીય હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જાહેરાત સામે વાંધો લીધો હતો. એ રાજકીય જાહેરાત બાબતે સ્પષ્ટતા અને માફીની માગણી ફાઉન્ડેશને કરી હતી.
ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર ઋષિ ભૂતડાએ કહ્યું હતું, "હિંદુઓના મહત્વપૂર્ણ તહેવાર અને તેમના સુધી પહોંચવાના રાજકીય પક્ષોના પ્રયાસની અમે સરાહના કરીએ છીએ, પણ ભગવાન ગણેશને એક પશુના સ્વરૂપે દર્શાવીને રાજકીય પક્ષની પસંદગી કરવાની અપીલ અયોગ્ય હતી."
તેમણે કહ્યું હતું, "ધર્મનાં પ્રતિકો અને તેના આધારે મતની અપીલને તમામ રાજકીય પક્ષોએ નજરઅંદાજ કરવી જોઈએ."
એશિયન લોકોની વસતી 20 ટકા
ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવાર પ્રેસ્ટન કુલકર્ણીએ પણ ભગવાનની તુલના પશુ સાથે કરવા સામે વાંધો લીધો હતો. તેમણે એ જાહેરાત પાછી ખેંચવા રિપબ્લિકન પાર્ટીને જણાવ્યું હતું.
આ વિવાદ ટૅક્સાસની ફૉર્ટ બૅન્ડ કાઉન્ટીમાં સર્જાયો હતો. એ વિસ્તારની કુલ વસતીમાં એશિયન લોકોનું પ્રમાણ 20 ટકા જેટલું છે. એ લોકો હિંદી, ગુજરાતી અને ઉર્દૂભાષી છે.
આ જાહેરાતને હિંદુઓને પોતાની તરફે લાવવાનો રિપબ્લિકન પક્ષનો પ્રયાસ ગણવામાં આવી રહી છે.
પ્રમુખપદની ચૂંટણી વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પનો હિંદુપ્રેમ જોવા મળ્યો હતો. ન્યૂ જર્સીમાં એક પ્રચાર રેલીમાં ટ્રમ્પે કહ્યું હતું, "હું હિંદુઓનો મોટો પ્રશંસક છું અને ભારતનો પણ મોટો પ્રશંસક છું."
જાહેરાતમાં હતું શું?
એ જાહેરાતમાં ગણપતિનાં શારીરિક અંગોની વ્યાખ્યા કરવામાં આવી હતી.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે ગણેશનું મસ્તક બહુ મોટું હોવાથી તેઓ કંઈક અલગ વિચારી શકે છે.
તેમની મોટી આંખો કંઈક અલગ નિહાળી શકે છે. તેમના મોટા કાન બીજાની વાતો ધ્યાનથી સાંભળે છે. તેમનો એક તૂટેલો દાંત ત્યાગ દર્શાવે છે.
ભગવાન ગણેશનું મોટું પેટ સારી અને ખરાબ ચીજોને સારી રીતે પચાવી શકે છે.
એ જાહેરાતના નીચલા હિસ્સામાં રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી પ્રતિક હાથી હતું અને ગણેશની તુલના તેની સાથે કરતાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભગવાનને પસંદ કરશે કે ગધેડાને?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો