You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : તમે ડાયમંડમાંથી બનેલા આ ગણપતિ જોયા?
હિંદુ દેવોમાં જો કોઈ દેવને સૌથી વધારે અલગ અલગ સ્વરૂપે અને આકારમાં દર્શાવવામાં આવ્યા હોય તો તે છે ગણપતિ. તમે ગણેશ મહોત્સવમાં કેળાના, ચોકલેટથી બનાવેલા ગણપતિ જોયા હશે, પણ કદી હીરાથી બનેલા ગણપતિ જોયા છે?
ડાયમંડ પ્રોસેસિંગ માટે વિશ્વની રાજધાની ગણાતા સુરતના કતારગામ વિસ્તારમાં એક રફ ડાયમંડ (કાચો હીરો) જ ગણપતિના આકારનો છે.
મૂર્તિની સ્થાપના કરનાર પરિવાર અનુસાર હીરાની ખાણમાંથી ડાયમંડ નીકળ્યો ત્યારથી જ આવા આકારનો છે. આથી તેને દર વર્ષે ગણેશચતુર્થીમાં પૂજવામાં આવે છે.
આ પ્રકારનો હીરો ક્યાંથી મળ્યો અને તેની વિશેષતા શું છે તે જાણવા માટે બીબીસીએ ગણપતિના આકારના કાચા હીરાની માલીકી ધરાવતા પરિવાર સાથે વાત કરી.
તમે આ વાંચ્યું કે નહીં?
સુરતના પાંડવ પરિવારે પોતાના ત્યાં રફ ડાયમંડની ગણપતિની મૂર્તિ તરીકે સ્થાપના કરી છે.
આ પરિવાર તેને ગણપતિનું સ્વરૂપ માને છે અને તેની પૂજા કરે છે. શહેરમાં ગણપતિ આકારનો આ રફ ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
'27.74 કૅરેટનો ડાયમંડ'
બીબીસી સાથેની વાતચીતમાં પરિવારના રાજુભાઈ પાંડવે કહ્યું, "અમારા માટે આ માત્ર એક ડાયમંડ નથી. તે ગણપતિનું સ્વરૂપ છે. આ અમારી આસ્થાનો વિષય છે."
આ ડાયમંડ ક્યાંથી આવ્યો અને તે કેવી રીતે ગણેશ ઉત્સવનો ભાગ બની ગયો તે વિશે જણાવતા તેમણે કહ્યું,"વર્ષ 2005માં અમારી પાસે આ રફ ડાયમંડ આવ્યો હતો. એક નજરે જોતા તે ગણપતિના આકાર જેવો લાગ્યો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“આથી અમે નાણાંકીય વ્યવસ્થા કરીને તેને ખરીદી લીધો હતો."
"આ માટે અમે બૅન્કમાં રાખેલી ફિક્સ્ડ ડિપૉઝિટ પણ તોડાવી નાખી હતી. ખરેખર પરિવારને પ્રકૃતિએ આપેલી આ એક ભેટ છે."
ડાયમંડની આ મૂર્તિ વિશે વધુ જણાવતા તેમણે કહ્યું, "દક્ષિણ આફ્રિકાના કોંગોના મ્યુઝીમાઇનથી આ રફ ડાયમંડ સુરતમાં વેચાણ માટે આવ્યો હતો."
"તેના પર અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સમારકામ કે પ્રોસેસ કરવામાં આવી નથી. તેની ઊંચાઈ 24.11 મિલીમીટર જ્યારે પહોળાઈ 16.49 સેન્ટિમીટર છે. તે 27.74 કૅરેટનો ડાયમંડ છે."
દર વર્ષે ગણપતિની મૂર્તિ તરીકે સ્થાપના
તેની બજાર કિંમત વિશે પૂછતા પરિવારના સભ્યએ કહ્યું કે, "અમારા માટે આ આસ્થાનો વિષય છે અમે તેને માત્ર એક ડાયમંડ તરીકે નથી જોતા. આથી કિંમત નથી લગાવતા."
"વળી અમારી પાસે તેનું કાયદેસરનું બિલ અને ડાયમંડનું સર્ટિફિકેટ પણ છે. પરંતુ કિંમત લગાવવાની અમારી ઇચ્છા નથી. છેલ્લાં દસ વર્ષથી દર વર્ષે અમે ગણેશ ઉત્સવમાં આ ગણપતિની સ્થાપના કરીએ છીએ."
"આ ડાયમંડ હીરાની ખાણમાંથી નીકળ્યો ત્યારથી જ આવા આકારનો છે. તેનો રંગ પીળા અને ગ્રે કલરનું મિશ્રણ ધરાવે છે.
ડાયમંડની બજાર કિંમત અને તેને કઈ રીતે ગણપતિ ગણી શકાય તે મામલે સુરતના વરિષ્ઠ પત્રકાર ગૌરવ ખરાએ જણાવ્યું કે, ખરેખર આ ડાયમંડ તેના આકારની દૃષ્ટિએ દુર્લભ છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "27.74 કૅરેટના આ રફ ડાયમંડની કિંમત અંગે હીરા ઉદ્યોગમાં અલગ અલગ ચર્ચા છે. જોકે યલો અને ગ્રે ટોન કલરથી પણ તેની વેલ્યુએશન વધી જાય છે."
"ઉપરાંત ડાયમંડ ગણેશજીના આકારનો છે, તેથી તે દુર્લભ કેટેગરીમાં પણ આવી જાય છે, એટલે તેની કિંમત કરોડોમાં ગણવામાં આવે છે."
"આમ પણ આવા ડાયમંડની કિંમત વેચનાર નક્કી કરતો હોય છે, સુરતના હીરા ઉદ્યોગમાં આ ડાયમંડની કિંમત કરોડો રૂપિયાની આંકવામાં આવી રહી છે."
વધુમાં તેમણે કહ્યું કે, "રફ ડાયમંડ કુદરતી પ્રક્રિયાથી બનતો પદાર્થ છે. આ પ્રકારના આકારને ખરીદદારો તેમની આસ્થા સાથે જોડીને તેને ખરીદવામાં વધુ રસ લેતા હોય છે."
"ઉપરાંત વર્ષ 2005 પહેલાંનો આ ડાયમંડ હોવાથી તેની બજાર કિંમત એમ પણ વધી જાય છે."
'ગણપતિની મૂર્તિ તરીકે પૂજવું આસ્થાનો વિષય'
ગૌરવ ખરા વધુમાં જણાવે છે, "જેમ વિદેશમાં ક્રોસના આકારના ડાયમંડને વધુ મહત્ત્વ મળી શકે એમ આ પ્રકારના આકારના ડાયમંડને ભારતમાં વધુ મહત્ત્વ મળે એ સ્વાભાવિક બાબત છે."
"ઉપરાંત ડાયમંડ તેની ક્વૉલિટીને કારણે પણ દુર્લભ પ્રકારનો છે. ઉપરાંત એ વેચાણ માટે ઉપલબ્ધ નહીં હોવાથી પણ કિંમત આપોઆપ વધારે આંકવામાં આવે છે."
"જ્યાં સુધી તેને ગણપતિની મૂર્તિની જેમ પૂજવાની વાત છે, તો આ વ્યક્તિની આસ્થાનો વિષય છે. અને તેનો દેખાવ પણ ગણપતિ જેવો હોવાથી એ સ્વાભાવિક બાબત છે."
'રફ ડાયમંડની કિંમત વેચનાર-લેનાર પર આધાર રાખે છે'
દરમિયાન, સુરત ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખ દિનેશ નાવડિયા અનુસાર આ રફ ડાયમંડ હોવાથી તેની ચોક્કસ બજાર કિંમત નક્કી કરવી મુશ્કેલ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "રફ ડાયમંડની કિંમત ખરીદનાર અને વેચનાર પર આધાર રાખતી હોય છે. વધુમાં રફ ડાયમંડમાંથી કેટલો ભાગ વેસ્ટમાં નીકળે તે પણ મહત્ત્વનું પરિબળ હોય છે."
"જોકે, આ ડાયમંડ વ્યક્તિની આસ્થાનો વિષય છે. આથી કિંમત પણ તે જ નક્કી કરી શકે છે. અલબત્ત આ પરિવાર તેને વેચવા માટે તૈયાર નથી આથી કિંમતનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો."
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનું સર્ટિફિકેટ
ભારત સરકારની કૉમર્સ મિનિસ્ટ્રી દ્વારા સ્પૉન્સર્ડ જેમ ઍન્ડ જ્વેલરી ઍક્સ્પૉર્ટ પ્રમોશન દ્વારા સંચાલિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સમીર જોશીએ જણાવ્યું કે, "મોટાભાગે અમારી લૅબોરેટરીમાં 15 કૅરેટના હીરા આવતા હોય છે. પરંતુ આટલા કૅરેટના હીરા વધુ નથી આવતા."
"આ ડાયમંડને અમારી સંસ્થાએ જ સર્ટિફિકેટ આપ્યું છે. તે સાચો છે. અને તેની ક્વૉલિટી-ક્લેરિટી પણ ચકાસવામાં આવેલી છે."
"તેના આકારના કારણે તે ખાસ આકર્ષણ ધરાવે છે. અમે હીરાની કિંમત નક્કી નથી કરી શકતા. એ વેચનાર વ્યક્તિ પર જ આધાર રાખે છે."
"વળી તે રફ ડાયમંડ છે, પ્રોસેસ થયેલો નથી. આથી કિંમત આંકી નથી શકતા."
'જ્યારે ગણપતિ દૂધ પીતા હોવાની વાત ફેલાઈ'
ભૂતકાળમાં મૂર્તિ સંબંધિત એક રસપ્રદ કિસ્સો બન્યો હતો. દેશમાં વર્ષ 1995ના સપ્ટેમ્બર મહિનામેં લાખો ભારતીય હિંદુઓ એક કથિત ચમત્કારથી અભિભૂત થઈ ગયા હતા.
દિલ્હીના દુર્ગા વૈષ્ણો મંદિરમાં ગણેશની મૂર્તિ દૂધ પીતી હોવાની વાત ફેલાઈ ગઈ હતી.
ઘટના એવી હતી કે એક દિવસે બપોરે એક વ્યક્તિએ પૂજારીને કહ્યું કે ગણપતિ દૂધ પી રહ્યા છે.
આથી પૂજારીએ તપાસ કરી અને નિષ્કર્ષ આપી દીધો હતો કે આ વાત સાચી છે.
સમગ્ર ઘટનાની જાણ લોકોને થતાં લાખો લોકોની મંદિરની બહાર લાઈન લાગી ગઈ હતી.
મામલો એટલો ગંભીર બની ગયો હતો કે સરકારે સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગને તપાસ પણ સોંપી હતી. જેમાં ગણપતિની મૂર્તિના મટિરિયલના કારણે આવું થયું હોવાનું તારણ આવ્યું હતું.
દેશમાં ત્યાર પછી પણ આવા કેટલાક બનાવ મીડિયામાં પ્રકાશમાં આવ્યા હતા, પરંતુ તેને આ ઘટનાને મળ્યું એટલું મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો