You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હીરાના શહેરમાં કેમ ચર્ચાઈ રહી છે આ સોનેરી મીઠાઈ
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
સુરતમાં વેચાઈ રહેલી એક મીઠાઈ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મીઠાઈનો ભાવ કિલોગ્રામના નવ હજાર રૂપિયા છે. તેને 'ગોલ્ડન સ્વીટ' નામ આપવામાં આવ્યું છે.
મીઠાઈ વેચનારી શૉપમાં આ ખાસ મીઠાઈને જોવા માટે લોકો ઘણો રસ લઈ રહ્યા છે.
પરંતુ આ મીઠાઈની વિશેષતા શું છે અને તે આટલી મોંઘી કેમ છે? તે વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો.
'ડાયમંડ હબ' તરીકે ઓળખાતું સુરત શહેર તેના વિવિધ પ્રકારના સ્ટ્રીટ ફૂડથી લઈને ઇન્ટર-કોન્ટિનેન્ટલ ફૂડ માટે જાણીતું છે.
ભોજન માટે સુરતીઓના શોખ એ ગુજરાતી સાહિત્યમાં 'સુરતનું જમણ અને કાશીનું મરણ' એવી ઉક્તિથી નોંધાયેલો છે.
સુરતમાં 24 કૅરેટ્સ નામની મીઠાઈની શૉપ ધરાવતા રોહન મીઠાઈવાલાએ આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે આવી પાંચ પ્રકારની મીઠાઈ બનાવી છે. તેમાં ઉત્તમ પ્રકારની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે."
આપને આ પણ વાંચવું ગમશે
આ મીઠાઈની વિશેષતાશું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીઠાઈની વિશેષતા વિશે તેમણે કહ્યું,"આ મીઠાઈ બનાવવા માટે સ્પેનથી ખાસ કેસર મંગાવવામાં આવ્યું છે."
"તેમાં ઉત્તમ પ્રકારના 180 નંબરના કાજુ છે તથા સૌથી મહત્ત્વની વસ્તુ શુદ્ધ સોનાનું વરખ લગાડવામાં આવ્યો છે."
"આ રીતે અમે કાજુકતરી, નરગિસ કલમ, પિસ્તા બાદશાહ, ડ્રાયફ્રૂટ બહાર અને કેસર કુંજ નામની વેરાઇટી તૈયાર કરાઈ છે."
રોહનનો પરિવાર લગભગ આઠ દાયકાથી મીઠાઈ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
અલગ પ્રકારનું સોનું
વધુમાં આ ગોલ્ડન સ્વીટ આટલી મોંઘી હોવાના કારણો વિશે જણાવતા રોહન મીઠાઈવાલાએ કહ્યું, "ઘરેણાં માટેના સોના કરતાં આ સોનું મોંઘુ હોય છે."
"કેમ કે તેને ખાદ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે પ્રોસેસ કરવું પડે, આથી તે વધુ મોંઘું પડે છે."
ગુજરાત સહિત ભારતભરમાં મીઠાઈઓની ઉપર સોના કે ચાંદીનો વરખ લગાડવાનું સદીઓથી ચલણ છે. તેને વૈભવ અને સમૃદ્ધિનાં પ્રતીક તરીકે જોવામાં આવે છે.
ગોલ્ડન સ્વીટ બનાવવાનો આઇડિયા ક્યાંથી આવ્યો?
આટલી મોંઘી મીઠાઈ બનાવવાનો આઇડિયા કેમ અને ક્યાંથી આવ્યો તે પ્રશ્નના જવાબમાં રોહને કહ્યું કે, તાજેતરમાં જ એક શૉપની સિલ્વર જ્યૂબિલી હતી. આથી કંઈક વિશેષ બનાવવાનો વિચાર આવ્યો હતો.
રોહને વધુમાં કહ્યું, "પાર્લે પૉઇન્ટ બ્રાન્ચની સિલ્વર જ્યૂબલીના પ્રસંગે કંઈક ઇનોવેટિવ કરવાનો વિચાર આવ્યો."
"અમારા માટે આ ઘણી મહત્ત્વપૂર્ણ પળો હોવાથી મેં અને મારા ભાઈ બ્રિજ બન્નેએ સાથે મળીને ગોલ્ડન સ્વીટ તૈયાર કરી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો