You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સમુદાયમાં નારાજગી; પ્રચાર માટે સારો આઈડિયા : કંપની
ભગવાન ગણેશને ક્યો પ્રસાદ ધરવામાં આવે છે? એવો સવાલ કોઇ પૂછે તો તેના જવાબમાં તમે કહેશો કે મોદક, લાડુ, ફળો. તેમાં કમસેકમ માંસ તો ન જ હોય.
પરંતુ એક ઓસ્ટ્રેલિયન જાહેરાતમાં ભગવાન ગણપતિને માંસ ખાતા દર્શાવવામાં આવ્યા છે. તેથી ત્યાંનો હિન્દુ સમુદાય નારાજ થયો છે અને એ જાહેરાતનો વિરોધ થઈ રહ્યો છે.
આ જાહેરાત પાછી ખેંચી લેવાની માગણી કંપની સમક્ષ કરવામાં આવી છે.
આ જાહેરાતની ટેગલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે 'ધ મીટ મોર પીપલ કેન ઈટ, યુ નેવર લેમ્બ અલોન.' (ઘેંટાનું માંસ વધુમાં વધુ લોકો ખાઈ શકે છે. તેથી તેને ખાતી વખતે તમે ક્યારેય એકલા નથી હોતા.)
આ જાહેરાતમાં ગણેશ, જીસસ, બુદ્ધ, થોર અને ચીની દેવી ગુઆનયિન જેવા અલગ-અલગ ધર્મોનાં દેવી-દેવતાઓ પૌરાણિક પાત્રો સાથે બેસીને પાર્ટી કરતાં જોવા મળે છે.
આ જાહેરાત બાબતે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા જોવા મળી.
તન્મય શંકર સિંહે લખ્યું હતું કે 'હબીબ પછી હવે ઓસ્ટ્રેલિયામાં 'મીટ એન્ડ લાઇવસ્ટોક' ભગવાન ગણેશને માંસ ખાતા અને દારૂ પી રહેલા દેખાડી રહ્યું છે. હિન્દુ દેવી-દેવતાઓ સાથે છેડછાડ કરવી એ તો જાણે ફેશન બની ગઈ છે.'
એડિલેડમાં રહેતા ઉમંગ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'મને આ જાહેરાત બિલકુલ ગમી નથી. એકદમ બકવાસ છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધુલિકાએ લખ્યું હતું કે 'આ જાહેરાત બહુ જ વાંધાજનક છે. તેમાં ગણેશને માંસ ખાતા અને દારૂ પીતા દેખાડવામાં આવ્યા છે. મેડમ સુષ્મા સ્વરાજ, આ જાહેરાત સામે પગલાં લો.'
ઈન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા(આઈએસડબલ્યુએ)ના પ્રવક્તા નિતિન વશિષ્ઠે બીબીસીને જણાવ્યું, "આ જાહેરાતને પાછી ખેંચાવી લેવા માટે અમે ઓસ્ટ્રેલિયાના એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ બ્યુરોને પત્ર લખ્યો છે. ગણેશજીને આ રીતે દેખાડવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે."
નિતિન વશિષ્ઠે જણાવ્યું હતું કે 'કંપનીની ટીમે થોડી રિસર્ચ કરી હોત તો તેમને ખબર પડી હોત કે ગણેશજીને પ્રસાદ સ્વરૂપે માંસાહાર ધરવાનું પણ વર્જિત છે. કંપની પોતાના વેપારી ફાયદા માટે એક ખાસ ધર્મને નિશાન બનાવી રહી છે, જેને કોઇ પણ રીતે યોગ્ય ઠરાવી ન શકાય.'
જોકે, કેટલાક લોકોને આ જાહેરાતમાં કંઈ જ વાંધાજનક જણાતું નથી. મેલબર્નમાં રહેતી સેજલ જામે કહ્યું, "આ જાહેરાતમાં કંઇ ખોટું હોય એવું મને નથી લાગતું. આ તો ઓસ્ટ્રેલિયામાં ભારતીયોના મહત્વને દર્શાવે છે. ગણેશજીને માનતા લોકો પણ ઘેંટાનું માંસ ખાતા હોય છે."
ઉજાસ પંડ્યા પણ આવું જ માને છે. તેમણે કહ્યું, "જે ભારતીયો લાંબા સમયથી ઓસ્ટ્રેલિયામાં રહે છે તેમને આ જાહેરાત સામે કોઇ ફરિયાદ નહીં હોય."
અનુભવ શ્રીવાસ્તવે કહ્યું, "આ જાહેરાતથી ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના લોકોને ખાસ કોઇ ફરક પડતો હોય એવું મને નથી લાગતું. ઘણા લોકોએ તો આ જાહેરાત જોઇ પણ નહીં હોય."
બીજી તરફ કંપનીના ગ્રૂપ માર્કેટિંગ મેનેજર એન્ડ્રુ હોવીએ જણાવ્યું હતું કે તમે ભલે ગમે તે ધર્મ કે સમુદાયના હો, ઘેંટાનું માંસ બધાને સાથે લાવી શકે છે. એવું દર્શાવવાનો હેતુ આ એડ કૅમ્પેનનો છે.
તેમણે કહ્યું, "ઘેંટાનું માંસ દાયકાઓથી લોકોને એક કરવામાં સફળ રહ્યું છે ત્યારે અમારી પ્રોડક્ટના પ્રચાર માટે આનાથી વધારે સારી યુક્તિ કઈ હોઈ શકે?"