You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગણેશચતુર્થી અને અમદાવાદી હોલીવૂડનો અનોખો સંબંધ
- લેેખક, જેમ્સ હેમિગ્ટન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગણેશચતુર્થી દરમિયાન ધમધમી ઉઠતો અમદાવાદનો ગુલબાઈ ટેકરા વિસ્તાર 'હોલીવૂડ'ના નામે જાણીતો છે.
લગભગ દસ હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ દેવીદેવતાઓની મૂર્તિઓ બનાવવા અને વેચવા માટે પ્રખ્યાત છે.
પણ, આ વિસ્તારનું નામ 'હોલીવૂડ' પડ્યું કેવી રીતે? એ સવાલનો જવાબ રસપ્રદ છે.
ગુલબાઈ ટેકરામાં મુખ્યત્વે 'બાવરી' સુમદાય વસવાટ કરે છે.
લગભગ દોઢસો વર્ષ પહેલાં રાજસ્થાનના પાલ જિલ્લામાંથી આ સમુદાય રોજીરોટીની શોધમાં અહીં આવીને વસ્યો હોવાનું અહીંના વડીલો જણાવે છે.
બાવરી સમુદાયનાં લોકો મૂળ પશુપાલક છે. એક સમયે આ સમુદાય અહીં પશુપાલનના વ્યવસાય સાથે જ સંકળાયેલો હતો.
એ વખતે પુરુષો પશુપાલન અને પશુ વેચાણનું કામ કરતા અને મહિલાઓ પશુને બાંધવાનાં દોરડાં વણી અને વેચીને ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી.
સુરતમાંથી મળી મૂર્તિ બનાવવાની તાલીમ
પોતાની ત્રણ પેઢીથી 'હોલીવૂડ'માં રહેતા કિશન સોલંકી જણાવે છે, ''મારા પિતાએ મને કહ્યું હતું કે અંગ્રેજોએ જ્યારે લક્કડિયો પુલ (એક સમયે ઍલિસ બ્રિજ તરીકે ઓળખાતો હાલનો વિવેકાનંદ પુલ) બાંધ્યો ત્યારે મારા દાદા ગોમદાસ મહારાજે તેમાં કામ કર્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દાદાને સ્ટીલનો સામાન ખસેડવાનું કામ સોંપવામાં આવ્યું હતું.''
સોલંકી ઉમેરે છે, ''ત્યારબાદની અમારી પેઢીઓએ પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો.''
તમે આ વાંચ્યું કે નહીં?
બાવરી સમુદાયને સુરતમાંથી મૂર્તિ બનાવવાની તાલીમ મળી હોવાનું જણાવતા સોલંકી ઉમેરે છે, ''વર્ષ 1980થી 1982 દરમિયાન સુરતની ભાગળ વિસ્તારની ગલીમાં મૂર્તિ બનાવવા માટે અમને બોલાવાયા હતા.''
''ત્યાં આવેલાં મહારાષ્ટ્રના શિલ્પકારોએ રબ્બરની ડાય બનાવી, પીઓપી (પ્લાસ્ટર ઑફ પેરિસ) ઓગાળી મૂર્તિને આકાર આપવાની કળા શીખવી."
"જે ગુલબાઈ ટેકરા આવીને અમે અજમાવી. ધીમેધીમે આખા સમુદાયે એ કળા અપનાવી લીધી.''
'બાવરી સુમદાયના લોકો ઊંચા દરજ્જાના કલાકારો'
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઇતિહાસકાર રિઝવાન કાદરીએ જણાવ્યું, "આ જ્ઞાતિ લગભગ 80 વર્ષથી અહીં રહેતી હોવી જોઈએ. કારણકે સ્વતંત્રતા પહેલાંથી તે લોકો ત્યાં રહે છે તેનો મને ખ્યાલ છે."
"બીજું કે આ લોકો ઊંચા દરજ્જાના કલાકારો છે. તે પછી ઍક્ટિંગમાં હોય કે બીજા કોઈ કામમાં. આ કારણસર એ જગ્યાનું નામ હોલીવૂડ પડ્યું હતું."
હત્યાના કેસમાં જેલની સજા કાપી રહેલા ગણેશ પન્ના ભાટી હાલમાં 70 દિવસના પેરોલ પર ઘરે આવ્યા છે અને મૂર્તિ બનાવવાના કામમાં જોતરાયેલા છે.
તેઓ દર ગણેશચતુર્થી દરમિયાન પેરોલ મેળવે છે અને પોતાના પરંપરાગત વ્યવસાયમાં ઓતપ્રોત થઈ જાય છે. ગણેશનો આખો પરિવાર પણ આ જ કામ કરે છે.
જ્યારે મૂર્તિ બનાવવાની ના હોય ત્યારે તેઓ શું કરે છે? ત્યારે અહીંના લોકો અમદાવદની 'સેન્ટર ફોર ઍન્વાયરમૅન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેક્નૉલૉજી' (સેપ્ટ) યુનિવર્સિટીની સામે ભરાતા બજારમાં કપડાં વેચે છે.
મૂર્તિ બનાવવાનું કામ અહીં માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ કરે છે.
આ અંગે વાત કરતા પ્રેમીબહેન સોલંકી જણાવે છે, ''અમે નાનપણથી આ કામ કરીએ છીએ. જેમ પોતાને શણગારીએ એ જ રીતે મૂર્તિને પણ શણગારીએ છીએ.''
'હોલીવૂડ' નામ કઈ રીતે પડ્યું?
આ અંગે વધુ વાત કરતા કિશન સોલંકી જણાવે છે, ''કોઈ પણ અશક્ય લાગતું કામ ગુલબાઈ ટેકરા પર શક્ય બની જતું."
"નાટક માટે કલાકાર જોઈતા હોય કે કોઈ ખાસ મૂર્તિ બનાવવી હોય, તમામ અહીં દોડી આવતા. કદાચ એટલે જ આ વિસ્તારનું નામ હોલીવૂડ પડ્યું છે.''
વધુમાં આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર મન્વિતા બારાડીનું કહેવું છે કે આ વિસ્તારને હોલીવૂડ નામ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું, "મારી જાણકારી મુજબ આ નામ આર્કિટેક્ટચરના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું હતું."
"વર્ષ 1986માં મેં આ સ્થળનો અભ્યાસ પણ કર્યો હતો, ત્યારે તેને હોલીવૂડ તરીકે જ ઓળખવામાં આવતું."
"ખરેખર આ લોકોના કામના ઉપહાસ તરીકે આ નામનો ઉપયોગ થતો હોય એવું લાગે છે. જોકે, તેઓ ઘણા સારા લોકો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો