શ્રીલંકામાં હિંદુ મંદિરોમાં બલિ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

શ્રીલંકાની સરકાર હિંદુ મંદિરોમાં પશુ-પક્ષીની બલિ પર પ્રતિબંધ લગાડશે. સરકારના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે હિંદુ ધાર્મિક બાબતોનાં મંત્રાલયે આ પ્રસ્તાવને આગળ વધાર્યો છે અને મોટા ભાગનાં ઉદારવાદી જૂથોએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે.

કેટલાક હિંદુઓ પોતાના દેવી દેવતાઓને રાજી કરવા માટે મંદિરોમાં બકરી, ભેંસ કે મરઘીની બલિ ચડાવતા હોય છે.

પણ શ્રીલંકામાં બહુમતી સંખ્યામાં વસતા બૌદ્ધ લોકો આનો વિરોધ કરી રહ્યા છે. ટીકાકારો આ પ્રથાને ક્રૂર ગણાવે છે.

હિંદુઓ સિવાય મુસલમાનો પણ પોતાના ધાર્મિક પ્રસંગોમાં પશુઓની બલિ આપતા હોય છે. પશુઓનાં અધિકારો માટે કામ કરનારા અને બૌદ્ધ સંગઠનો તેનાથી નારાજ છે.

જોકે, બધા હિંદુઓ પશુઓની બલિ ચઢાવતા નથી. પણ બલિ આપનારાની દલીલ એ છે કે પ્રતિબંધને કારણે એમની ધાર્મિક સ્વતંત્રતા સમાપ્ત થઈ જશે.

પશુ બલિનું સમર્થન કરનારાઓનું કહેવું છે કે આ એમની શ્રધ્ધાનો વિષય છે. જે પ્રથા પ્રાચીન કાળથી ચાલતી આવી છે એને આગળ પણ ચાલુ રાખવી જોઈએ.

શ્રીલંકાનાં મુદ્દે એવું લાગી રહ્યું છે કે બલિ પર પ્રતિબંધને લગતા કાયદાનાં દાયરામાં, દેશની કુલ વસ્તીનો ત્રીજો ભાગ ધરાવતા મુસલમાનોને આવરી લેવામાં નહીં આવે.

શ્રીલંકામાં હાલનાં વર્ષોમાં ઘણી ધાર્મિક હિંસાઓ થઈ છે. માર્ચમાં મુસલમાન વિરોધી રમખાણમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને જેનો સંબંધ મુસલમાનો સાથે હોય એવા લગભગ 450 ઘરો અને દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો