You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભારતમાં ધર્મ પણ ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યો છે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ મુંબઈના ભીડભાડ ધરાવતા ઝવેરી બજાર વચ્ચે શહેરનાં સૌથી પ્રાચીન ધાર્મિક સ્થળો પૈકી એક મુમ્બા દેવી મંદિર આવેલું છે, જ્યાં હંમેશાં ભક્તોની ભીડ જોવા જેવી હોય છે.
સવાર હોય કે સાંજ, મુમ્બા દેવીનાં દર્શન કરવા માટે સેંકડો શ્રદ્ધાળુઓ અહીં આવે છે.
દિવસમાં અનેક વખત આરતી થતી હોય છે, જેમાં યુવાનો, વડીલો, પુરુષો અને સ્ત્રીઓ તમામ સામેલ હોય છે.
તેઓ ત્યાં આદ્યાત્મિક સંતોષ મેળવવા માટે જતા હોય છે. ફક્ત પૂજાપાઠ જ નહીં, શ્રદ્ધાળુઓ વાતાવરણની પણ મજા માણે છે.
જો તમે ઇચ્છો તો આ મંદિરમાં થતી પૂજા અને આરતીનાં દર્શન ઘરે બેઠાં મોબાઇલ ફોનની સ્ક્રીન પર પણ કરી શકો છો.
મુમ્બા દેવી મંદિરના સંચાલક હેમંત યાદવ કહે છે, "આજે દુનિયા એટલી ઝડપથી આગળ વધે છે કે લોકોને દરેક ચીજ ઝટપટ જોઈએ છે. તો ઍપ દ્વારા લોકોને જો માતાજીનાં દર્શન કરવા હોય તો એ પણ તેમને મળવું જોઈએ."
જો તમે ધાર્મિક છો તો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને દેવળમાં ગયા વગર પોતાના મોબાઇલ, ડેસ્કટૉપ કે પછી ટીવી સ્ક્રીન પર ધાર્મિક બાબતો જોઈ શકો છો. કેટલાંક લાઇવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો.
તમારા મોબાઇલ ફોનની સ્ક્રીન પર તમે ભગવદ્ ગીતાના પાઠ જોઈ શકો છો. ગુરુ ગ્રંથસાહેબ, બાઇબલ અને કુરાનના પાઠ પણ સાંભળી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશમાં પૂજા, વિદેશમાં દર્શન
ભારતીય સમાજ ધાર્મિક ગણાય છે, અહીં તમામ ધર્મના હજારો ધાર્મિક સ્થળો છે. મંદિરો અને મસ્જિદોમાં ભીડ થવી એ સામાન્ય બાબત છે. પણ હવે આ સમાજ બદલાઈ રહ્યો છે. ધાર્મિક રીતિ-રિવાજો પણ બદલાયા છે.
કેટલાંક મંદિરોમાં લાઇવ પૂજાના પ્રસારણનો સમય એ રીતે નક્કી કરવામાં આવે છે કે અમેરિકા અને યૂરોપમાં રહેતા હિંદુ લોકો લાઇવ જોઈ શકે.
શેમારુ ઍન્ટર્ટેઇનમેન્ટ કંપનીના સીઈઓ હિરેન ગડા કહે છે કે નવી મોબાઇલ ઍપ લોકોને ધર્મથી જોડવાનું અથવા દૂર કરવાનું કામ પણ કરી રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સ્માર્ટફોન અને ડિજિટલ પ્લૅટફૉર્મ બદલાતી રુચિ માટે જવાબદાર છે. ભારતમાં મોબાઇલ ફોનના ગ્રાહકોની સંખ્યા આશરે 100 કરોડ છે.
જેમાંથી 35 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ પર ફિલ્મ અને સીરિયલ જોવાનું ચલણ પણ વધ્યું છે.
મુંબઈના યુવાન અમય પ્રભુને પૂજાપાઠમાં વિશ્વાસ છે પણ આખો દિવસ ઓફિસમાં જ રહેતા હોવાથી સવારે મંદિર જવાનું શક્ય બનતું નથી.
મોબાઇલના યુગમાં તેમની આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે.
અનેક ઍપ
તેમણે થોડા સમય પહેલાં શેમારુ ઍન્ટર્ટેઇનમેન્ટ કંપનીની ઍપ 'હરી ઓમ' પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી અને પછી પૂજા-પાઠ જોવાનું શરૂ કરી દીધું.
તેઓ કહે છે, "ઑફિસના કારણે મંદિર નથી જઈ શકતો પણ સવારે ચાર વાગ્યાની જે આરતી હોય છે, તે હું મારા ફોન પર જોઈ લઉં છું. એવું લાગે છે કે સાચે જ હું ત્યાં છું. લાઇવ દર્શન જોઈને સારું લાગે છે."
ભારતના લોકો આવી અનેક ઍપની મદદથી મોબાઇલ ફોન પર લાઇવ આરતી જોતા હોય છે. ઍપનું ચલણ હિંદુ ધર્મ પૂરતું સીમિત નથી, અન્ય ધર્મોના લોકો પણ આ પ્રકારની ઍપનો ઉપયોગ કરતા હોય છે.
શેમારુએ થોડાંક સપ્તાહ પહેલાં રમઝાનમાં મુસ્લિમ સમાજ માટે ઇબાદત નામની ઍપ લૉન્ચ કરી હતી.
આ ઍપ ઍન્ડ્રોઇડ મોબાઇલ માટે બનાવાઈ હતી. યુવતી ફૈકાહ શેખે રમઝાનમાં આ ઍપનો પૂરતો ઉપયોગ કર્યો હતો.
તેમણે કહ્યું, "આ ઍપના લૉન્ચનો વીડિયો યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર જોયો હતો. એની ઘણી ચર્ચા થઈ હતી. તો મેં પણ આ ઍપ ડાઉનલોડ કરી લીધી."
"આ બહું આકર્ષક છે. આ ઍપમાં હું મક્કાનું લાઇવ પ્રસારણ જોઈ શકું છું. રમઝાન દરમિયાન આ ઍપ પર મેં ઘણાં વીડિયો જોયા હતાં."
એક અંદાજ પ્રમાણે દેશમાં ઍન્ડ્રોઇડ અને આઈઓએએસ પ્લેટફૉર્મ પર 100થી વધારે ઍપ લૉન્ચ થઈ ચૂકી છે. આ બે ઍપ ઉપરાંત હાઉસ ઑફ ગૉડ, માઈ મંદિર અને મંગલદીપ ભક્તોમાં લોકપ્રિય છે.
નવો અનુભવ
મોબાઇલ ઍપનું બજાર નવું છે. પણ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર અને અજમેરની દરગાહ જેવા લોકપ્રિય ધાર્મિક સ્થળોથી ઑનલાઇન પૂજા અને હવન જેવી સેવાઓ પહેલાંથી જ મળે છે.
સ્કાઇપની મદદથી મંદિરના પૂજારી અને ભક્તો વચ્ચે ધાર્મિક સંસ્કારનું આદાન-પ્રદાન પણ થાય છે.
ધાર્મિક મોબાઇલ ઍપની શરૂઆત તાજેતરમાં જ થઈ છે પણ તેના વધી રહેલાં યૂઝર્સના કારણે મોટી-મોટી કંપનીઓ પણ ઍપ બનાવી રહી છે.
શેમારુ ફિલ્મ અને મનોરંજન માટે કન્ટેન્ટ બનાવતી એક જૂની કંપની છે, પણ થોડાં વર્ષોથી ધાર્મિક કન્ટેન્ટ બનાવવાનું પણ શરૂ કર્યું છે.
આ કન્ટેન્ટ તેઓ પોતાની ઍપ થકી ભક્તો સુધી પહોંચાડે છે. મોબાઇલ ઍપની મદદથી મંદિર, મસ્જિદ અને દરગાહનાં દર્શન લોકો માટે નવો અનુભવ છે.
ધાર્મિક સામાનોનું બજાર
આ ઉદ્યોગના જાણકારો પ્રમાણે ભારતમાં ધાર્મિક અને આદ્યાત્મિક વસ્તુઓનું બજાર આશરે 40 અબજ ડૉલરનું છે. ઈ-કૉમર્સ આ વેપારનો મોટો ભાગ છે.
મોબાઇલ ઍપ લૉન્ચ કરવા પાછળ પૈસા કમાવવાનો હેતુ પણ હોય છે.
હિરેન ગડા કહે છે, "અમારા બિઝનેસ મૉડલ પ્રમાણે ઍપ પર કન્ટેન્ટ ફ્રી રાખીએ છીએ. એમાં અન્ય સેવાઓ પણ છે. જેમકે મન્નત સેવા, પૂજા સેવા, પ્રસાદ અથવા દાન સેવા. આ બધા માટે લોકોએ પૈસા આપવાના હોય છે."
અજમેર શરીફ દરગાહ થી માંડીને મુમ્બા દેવી મંદિરના અધિકારીઓને ઍપ પર પ્રસારણ કરવા માટે તૈયાર કરવું કેટલું મુશ્કેલ હતું?
હિરેન ગડા કહે છે કે તેમણે બહુ મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો, કારણકે ધાર્મિક સ્થળોના અધિકારીઓ પાસે પણ મોબાઇલ ફોન હોય છે.
મુમ્બા દેવી મંદિરના પ્રબંધક હેમંત યાદવ કહે છે કે તેમણે ઍપ પર પ્રસારણનો પ્રસ્તાવ તરત સ્વીકારી લીધો હતો.
શું ધાર્મિક સ્થળોએ જઈને પૂજા કરવી અને ઍપ પર પૂજા કરવામાં સરખો જ અનુભવ થાય છે?
હેમંત યાદવ કહે છે, "ના, મંદિરમાં આવીને દર્શન કરવામાં અને ઍપ પર દર્શન કરવામાં બહુ અંતર છે."
મુમ્બા દેવીમાં આઈ સુષમા બાદગત કહે છે કે મંદિરમાં આવવાનો એક અલગ પ્રકારનો અનુભવ છે.
તેઓ કહે છે, "તમે ઍપ પર ગમે એટલાં દર્શન કરી લો, પણ તમે માતા સામે ઊભા હોવ તો અલગ અનુભવ થાય છે."
હિરેન ગડા પણ આ તર્કને માને છે પણ તેમનું કહેવું છે કે આજની દોડધામથી ભરપૂર જિંદગીમાં મંદિર અથવા દરગાહમાં નિયમિત જવું બધા માટે મુશ્કેલ છે.
હજ કરવા માટે બધાં પાસે પૌસા નથી હોતા, ધાર્મિક ઍપની મદદથી મંદિરો અને ધાર્મિક સ્થળો માટેની શ્રદ્ધા જીવંત રાખી શકાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો