BBC TOP NEWS - સરહદ પર 'કંઈક મોટું' થયું છે : રાજનાથસિંહ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ, અનુસાર ગૃહ મંત્રી રાજનાથસિંહે શુક્રવારે સંકેત આપ્યા કે, તાજેતરમાં પાકિસ્તાન સાથેની સરહદ પર બીએસએફ જવાનના મોત બાદ 'કંઈક મોટું' થયું છે.

સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફ જવાન નરેન્દ્ર સિંહના મૃત્યુ મામલે રાજનાથસિંહે કહ્યું, "કંઈક થયું છે. હું જણાવીશ નહીં. બરાબર થયું છે. વિશ્વાસ રાખો, બે-ત્રણ દિવસ પહેલાં કંઈક થયું છે. ભવિષ્યમાં પણ જોતા રહેજો કંઈક થશે."

અહેવાલ અનુસાર, રાજનાથસિંહે આ વાત ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કહી હતી. અહીં તેઓ ભગતસિંહની પ્રતિમાનું ઉદ્ધાઘટન કરવા આવ્યા હતા.

તેમણે કહ્યું,"મેં બીએસએફ જવાનોને કહ્યું હતું કે, પહેલા ગોળી ન ચલાવશો કેમ કે પાકિસ્તાન આપણું પાડોશી છે. પરંતુ જો સરહદ પારથી ગોળી ચલાવવામાં આવે, તો જરૂરથી ગોળી ચલાવજો અને ગણતા નહીં કે કેટલી ગોળી ચલાવી."

બીજી તરફ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બીએસએફના ડાયરેક્ટર કે. કે. શર્માએ આ મામલે એક નિવેદનમાં કહ્યું,"અમે અમારા સૈનિકના મોતનો બદલો લેવા માટે એલઓસી (લાઇન ઑફ કંટ્રોલ) પર પૂરતી કાર્યવાહી કરી છે."

ગુજરાના 12 હજારથી વધુ તલાટીઓની હડતાળ

'સંદેશ'ના અહેવાલ અનુસાર ગુજરાતનૃં પંચાયતી રાજની સંસ્થાઓમાં ફરજ બજાવતા 12 હજારથી વધુ તલાટી કમ મંત્રીઓ શનિવારે હડતાળ પર છે.

અગાઉ પગાર વિસંગતતાના મુદ્દે અગાઉ કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

અહેવાલ અનુસાર રાજ્ય સરકારે આ મામલે કોઈ ઉકેલ નહીં લાવતા તલાટીઓએ હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું.

જેને પગલે તેમામે એક દિવસે માસ સીએલ (કેઝ્યુઅલ લિવ) ઉપર ઉતરીને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે?

'પીટીઆઈ'ના અહેવાલ અનુસાર, એમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવે એવી શક્યતા છે.

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તેઓ ભારત આવે એવી શક્યતા છે.

ટ્રમ્પ આ માટે ઉત્સુક હોવાનું પણ અહેવાલમાં કહેવાયું છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ આપ્યું છે.

જોકે, અધિકારીને જ્યારે પ્રવાસની તારીખો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એવું જાણવા મળ્યું કે, આ મામલે હાલ કોઈ માહિતી નથી.

ઉપરાંત સોમવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ ઍસેમ્બ્લીના કાર્યક્રમ દરમિયાન મુલાકાત કરી હતી.

મોદીના કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા વિદ્યાર્થીઓને આદેશ?

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારના કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આદેશ આપવામાં આવ્યો છે.

સરકારના ફરમાનને પગલે યુનિવર્સિટીના સંલગ્ન વિભાગો અને કોલેજને ફરજિયાત વિદ્યાર્થીઓને હાજર રહેવાનું કહેવાયું છે.

અહેવાલ અનુસાર, ગેરહાજર રહેનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

30મી સપ્ટેમ્બરના રોજ તમામે કોલેજમાં હાજર રહેવાનું તેમાં કહેવાયું છે.

અત્રે નોંધવું કે, રવિવારે વડા પ્રધાન દૂધ ઉત્પાદક મંડળ અમૂલના એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવવાના છે.

સાર્ક સંમેલન : સુષમા સ્વરાજે પાક.ના વિદેશ મંત્રીનું ભાષણ ન સાંભળ્યું

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ યુ.એનની જનરલ ઍસેમ્બ્લી દરમિયાનની 'સાર્ક' બેઠક વેળાએ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ એમ કુરેશીના ભાષણ પહેલાં જ સભાખંડમાંથી નીકળી ગયા હતા.

ઇસ્લામાબાદમાં નવી સરકાર રચાયા બાદ કુરેશી અને સુષમા સ્વરાજ પ્રથમ વખત આમને-સામને થયા હતા.

અહેવાલ અનુસાર, તેમણે પ્રાદેશિક સહકાર અને પ્રગતિ તથા આર્થિક સમૃદ્ધિ માટે શાંતિમય અને સુરક્ષિત વાતાવરણ પર ભાર મૂકવાની વાત કહી હતી. ભાષણ બાદ તરત જ તેઓ રવાના થઈ ગયાં હતાં.

આ મામલે અધિકારીઓનું કહેવું હતું કે સુષમાએ અન્ય બેઠકમાં હાજરી આપવાની હોવાથી તેઓ પાકિસ્તાનના વિદેશ પ્રધાનના ભાષણ સાંભળવા રોકાયા નહોતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો