જાપાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પૈસા નથી અટકાવ્યા

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બ્રેક લાગી હોવાના અહેવાલો નોંધાયા હતા. જેમાં કહેવાયું હતું કે, જાપાન સરકારની આંતરારાષ્ટ્રીય નાણાકીય એજન્સી જિકા (જાપાન ઇન્ટરનેશનલ કૉ-ઑપરેશન એજન્સી)એ બુલેટ ટ્રેન માટેની આર્થિક મદદ અટકાવી દીધી છે. જોકે આ સમાચાર સાચા નથી. જિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, પ્રોજેક્ટ માટે કોઈ પણ પ્રકારનું ભંડોળ અટકાવવામાં નથી આવ્યું.

બીબીસીએ આ વાત સાચી છે કે નહીં તે જાણવા માટે જિકાનો સંપર્ક કર્યો હતો. જિકાએ બીબીસીને ઇ-મેલ દ્વ્રારા આ સમગ્ર મામલે માહિતી આપી.

'જિકા'ના આસિસ્ટંટ પીઆર ઓફિસર વીનિ શર્માએ બીબીસીને જણાવ્યું કે," જિકાએ અમદાવાદ-મુંબઈ હાઈસ્પિડ રેલ માટે તાલીમ ઇન્સ્ટિટ્યૂટ બાંધવાના પ્રોજેક્ટ માટે 10,453 જાપાનીઝ યેનનો લોન ઍગ્રીમેન્ટ થયો છે. આ પ્રોજેક્ટ માટે અમે કોઈ પણ પ્રકારનું ભંડોળ અટકાવ્યું નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

વધુમાં તેમણે જણાવ્યું, "અમદાવાદ-મુંબઈ હાઈસ્પિડ રેલ પ્રોજેક્ટ માટે હજુ લોન ઍગ્રીમેન્ટ જ નથી થયો. જ્યાં સુધી વિરોધ પ્રદર્શનની વાત છે, તો અમને કેટલાક આર્ટિકલ્સ દ્વારા આ વાત જાણવા મળી છે."

"પરંતુ કાર્યકારી એજન્સી સાથે અમે આ બાબતની પુષ્ટિ કરવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છીએ. જમીન સંપાદનની જવાબદારી ભારત સરકારની છે. વળી લોનમાં હેઠળ જમીન સંપાદનનું ભંડોળ સામેલ નથી."

જિકાના આ જવાબને આધારે એમ કહી શકાય કે જાપાને બુલે ટ્રેન માટેનું ભંડોળ અટકાવ્યું નથી.

કેમ થયો વિવાદ?

વાત એવી છે કે, ગુજરાતના એક હજાર ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં અને જિકા (જાપાન ઇન્ટરનેશનલ કૉ-ઑપરેશન એજન્સી)ને સોગંદનામું રજૂ કરાયું હતું. ત્યારબાદ જિકાએ ભારતને નાણાકીય મદદ અટકાવી દીધી હોવાના સમાચાર જોવા મળ્યા હતા.

જિકાનું કહેવું છે કે, ભારત સરકાર પ્રથમ ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધનું સમાધાન લાવે, પછી પ્રોજેક્ટ આગળ વધશે.

ખેડૂતોનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર ગેરકાયદે રીતે તેમની જમીનનું સંપાદન કરવા માગે છે.

શું છે સમગ્ર મામલો?

ખેડૂતોનો અવાજ બનેલા અને આ મુદ્દે સરકારને કાયદાકીય લડત આપી રહેલા વકીલ આનંદ યાજ્ઞિકે બીબીસી સાથે વાતચીત કરી અને સમગ્ર મામલો સમજાવ્યો.

યાજ્ઞિક કહે છે, "બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 398 કિલોમીટરનો વિસ્તાર જરૂરી છે."

"વર્ષ 2007-08માં યુપીએ-2 સરકારે તેમના રેલ બજેટમાં દેશમાં હાઈસ્પીડ રેલ કૉરિડૉર બનાવવાની રજૂઆત કરી હતી."

"આ પ્રોજેક્ટ માટે ભારત સરકાર અને જાપાન સરકારે 2009થી 2015 માટે સરવે કર્યો હતો. આ બાદ સપ્ટેબર 2015માં ભાજપ સરકારના શાસનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1.10 લાખ કરોડ રૂપિયાનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લૉન્ચ કર્યો."

"આ કરાર અંતર્ગત જાપાન સરકાર ટેકનૉલૉજી અને આર્થિક મદદ કરશે એવું નક્કી થયું. જાપાન સરકારની એજન્સી 'જાપાન ઇન્ટરનેશનલ કૉ-ઑપરેશન એજન્સી' (જિકા) એ પોતાની ગાઇડ લાઇનનું અનુસરણ થશે એ વિશ્વાસ હેઠળ ભારત સરકારને મદદ કરવા બાંહેધરી આપી."

ઉલ્લેખનીય છે કે 'જિકા'એ જાપાન સરકારની એક એવી એજન્સી છે જે દુનિયાના અન્ય દેશોમાં વિકાસ માટે આર્થિક સહાય કરવાનું કાર્ય કરે છે.

'ખેડૂતોની જમીન નહીં, જીવન સંપાદન થઈ રહ્યું છે'

યાજ્ઞિકે જણાવ્યું કે કોંગ્રેસ સરકારે વર્ષ 2013માં ભાજપના સહકાર સાથે સર્વાનુમતે ખેડૂતો માટે 'જમીન અધિગ્રહણ કાયદો 2013' પસાર કર્યો હતો.

"આ કાયદામાં એવું લખ્યું હતું કે કોઈપણ ખેડૂતની જમીન લેતાં પહેલાં તેમની પરવાનગી લેવી જરૂરી છે. સાથે જ જો કોઈ ખેડૂતની જમીન લેવામાં આવે, તો તેમના સામાજિક જીવન પર શું અસર થશે એ પણ જણાવવું જરૂરી બને છે."

"આ કાયદામાં એવું પણ લખ્યું હતું કે ખેડૂતને હાલના બજાર ભાવ પ્રમાણે જંત્રી નક્કી કરી જમીન સંપાદન કરવામાં આવે."

"સાથે જ જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવે તેમનું પુન:સ્થાપન અને પુનર્વસવાટ માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરી આપવી."

"આ કાયદામાં ફૂડ સિક્યૉરિટી (ખોરાક સુરક્ષા) બાબતનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. મતલબ કે આટલી બધી જમીન બિનખેતી થશે તો ખોરાક માટે સ્વાયત્તાનો શું વિકલ્પ હોઈ શકે એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો હતો."

યાજ્ઞિકનું કહેવું છે કે જે વિસ્તારોની જમીન એક કરતાં વધુ પાક લેવા સક્ષમ છે તેમનું સંપાદન કરવામાં આવે તો તે ખેડૂતો માટે ગંભીર બાબત ગણાય. ભરૂચ, વાપી, સુરત, નવસારી, વાપી અને વલસાડ વચ્ચે રહેતા ખેડૂતો આ પ્રકારનો પાક લે છે.

યાજ્ઞિકના મતે આ પ્રકારની જમીનનું સંપાદન ના કરી શકાય એવો ભારત સરકારનો નિયમ છે. તેઓ ઉમેરે છે, ''જો આવી જમીન સંપાદિત કરવામાં આવે તો એ ખેડૂતોનું જીવન સંપાદન કરવા સમાન બાબત છે.''

'ખેડૂતલક્ષી કાયદામાં ફેરફાર'

યાજ્ઞિક કહે છે કે ભાજપે સર્વાનુમતે કોંગ્રેસને સમર્થન આપી વર્ષ 2013-14માં ખેડૂતલક્ષી કાયદાને પસાર કર્યો હતો. પરંતુ ભાજપની સરકાર આવતા તેમણે એક વટહૂકમ લાવી આ કાયદો વિકાસ વિરોધી હોવાનું જણાવી બદલવાનો પ્રયાસ કર્યો.

કાયદો બદલવા માટે સરકારની એવી દલીલ હતી કે જમીન સંપાદન માટે ખેડૂતોની સંમતિ જરૂરી નથી.

બીજું કે જમીન સંપાદનથી ખેડૂતોના સામાજિક જીવન પરની અસરનું આકલન કરવામાં ઘણો સમય લાગે છે, એટલા માટે એ કરી શકાય એમ નથી.

સાથે જ પુન:વસવાટ અને પુનર્વસનની જગ્યાએ ખેડૂતોને પૈસા આપી દેવાની વાત કરાઈ.

પરંતુ રાષ્ટ્રીય સ્તરે આ વાતનો વિરોધ થતાં ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2015-16માં રાજ્ય સ્તરે આ કાયદો બદલી નાખ્યો.

યાજ્ઞિકનું કહેવું છે કે સમગ્ર દેશમાં એક સરખો કાયદો હોય અને માત્ર બે રાજ્યમાં અલગ કાયદો હોય તે બંધારણીય રીતે યોગ્ય નથી. મતલબ કે તે ગેરકાયદે છે.

શા માટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો?

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "જે જગ્યાએથી આ કૉરિડૉર પસાર થઈ રહ્યો છે ત્યાં 17.5 મીટર પહોળાઈ અને 508 કિમીની લંબાઈ એટલે કે લગભગ 950 હેક્ટર જમીનનું સંપાદન થવાનું છે."

"જેમાં 28 કિલોમિટર અન્ડરગ્રાઉન્ડ છે અને 480 કિમી ઑવરબ્રિજ બનાવવાની યોજના છે. જે ખેડૂતની જમીનમાંથી આ રસ્તો પસાર થશે તેમની 17.5 મીટર જમીન સંપાદન કરવામાં આવશે."

"જોકે, જમીન સંપાદન કાયદામાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે એક કરતાં વધુ રાજ્યોને આવરી લેતો કોઈપણ પ્રોજેક્ટ હોય, એ માટે જમીન સંપાદન કરવાનો હક માત્ર કેન્દ્ર સરકારને જ હોય છે."

"આમ છતાં, ગુજરાત સરકાર તેમણે બદલેલા કાયદા અંતર્ગત જમીનનું સંપાદન કરી રહી છે. એટલા માટે અમારે કાયદાનો સહારો લેવો પડ્યો અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા."

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થાય છે.

જાપાન સમક્ષ સોગંદનામું કેમ?

મોદી સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 'જાપાન ઇન્ટરનેશનલ કૉ-ઑપરશન એજન્સી'(જિકા) નાણાકીય મદદ કરી રહી છે.

આ અંગે યાજ્ઞિક કહે છે, "જિકાની પોતાની ગાઇડલાઇન્સ છે અને તેમાં ઉલ્લેખ કરાયો છે કે વિકાસના કોઈપણ કામ માટે ખેડૂતો, આદિવાસીઓ કે અન્ય કોઈ વ્યક્તિની જમીન લેતાં પહેલાં તેમની સંપૂર્ણ બાંહેધરી લેવી જરૂરી છે."

યાજ્ઞિકે ઉમેર્યું, ''પરંતુ ગુજરાત સરકાર આ સંદર્ભે કેન્દ્ર સરકારનો 'જમીન સંપાદન કાયદો 2013' અને જિકાની ગાઇડલાઇન્સનો ભંગ કરી રહી છે. એટલા માટે જાપાન સરકારને પણ આ અંગે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.''

શું કહે છે સરકાર?

ગુજરાત સરકારના પબ્લિક રિલેશન ઑફિસર ધનંજયકુમારે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી અને આ સમગ્ર મામલે સરકારનો પક્ષ જણાવ્યો.

એક હજાર ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરાયું તે અંગે સરકારનું શું માનવું છે આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે એક હજાર ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે તે વાત ખોટી છે.

તેમણે કહ્યું, "જો એક હજાર ખેડૂત દ્વારા અરજી થઈ હોય તો અમારી પાસે પણ તેની કૉપી આવવી જોઈએ. અમારી પાસે આવી કોઈ કૉપી નથી આવી. માત્ર પાંચ ખેડૂતો દ્વારા બે કે ત્રણ મહિના પહેલાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાલમાં આ મામલો કોર્ટમાં હોવાથી હું આ અંગે વધુ જણાવી શકું એમ નથી."

કોર્ટમાં કેસ હોવા છતાં ગુજરાતમાં જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે એ મુદ્દે વાત કરતા કુમારે જણાવ્યું કે કોર્ટે આ મામલે કોઈપણ જાતનો સ્ટે આપ્યો ન હતો. એટલા માટે કામગીરી ચાલુ છે.

પરંતુ કુમારે એવું કહ્યું કે તેઓ ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ખેડૂતો દ્વારા જિકાને સોગંદનામું મોકલાયું હોવાની વાત અંગે કુમારનું કહેવું છે કે લોકતાંત્રિક દેશમાં દરેક લોકોને વિરોધ કરવાનો હક છે. એટલા માટે ખેડૂતો ઇચ્છે તેને રજૂઆત કરી શકે છે.

'ખેડૂતોનો વિરોધ યોગ્ય છે'

ગુજરાતના ખેડૂતો સરકારનો વિરોધ શા માટે કરી રહ્યા છે એ સવાલનો જવાબ આપતા કુમાર કહે છે, "જો તમારી જમીન જતી હોય, તો તમે પણ વિરોધ કરો."

"ખેડૂતોની માગ યોગ્ય છે પરંતુ તેમના દિમાગમાં અમુક ગેરસમજ છે. અમે તે દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ."

કુમારે કહ્યું, ''આ પ્રોજેક્ટ માટે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી 7 હજાર પ્લૉટ્સની જરૂરિયાત છે. જે અંતર્ગત 7500 પરિવારને અસર થઈ શકે છે.''

''પરંતુ 55 ટકા ખેડૂતો તેમની જમીન આપવા રાજી થઈ ગયા છે. બાકી બચેલા ખેડૂતોને સરકાર મનાવી રહી છે.''

શું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્જો આબે દ્વારા ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લૉન્ચ કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત અને મુંબઈ વચ્ચે 320થી 350 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેનને દોડાવવાનું આયોજન છે. જેમાં 12 સ્ટેશનનોને આવરી લેવામાં આવશે.

જેમાં અમદાવાદ, સાબરમતી, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે. આ સાથે આ ટ્રેન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પણ પસાર થશે.

આ પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રની લગભગ 1400 હેક્ટર જમીનનું અધિગ્રહણ કરવામાં આવશે. જેમાં ગુજરાતના 184 ગામડાંઓ અને મહારાષ્ટ્રનાં 50 ગામડાંનો સમાવેશ થાય છે.

મોદીનો સરકારનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્ષ 2022માં પૂર્ણ થવાનું મનાઈ રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો