રફાલ વિશેના પ્રશ્નો સામે ભાજપ, કોંગ્રેસના પાપ કેમ ગણાવે છે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

“એક એવો વ્યક્તિ કે જેના આખા કુટુંબે લાંચ લઈને બોફોર્સ મુદ્દે ભ્રષ્ટાચારની હદ વળોટી દીધી હતી. એમનું આખું કુટુંબ આ દેશમાં ભ્રષ્ટાચારની જનેતા છે અને રાહુલ ગાંધી આપણા વડા પ્રધાન વિશે આવી ઊતરતી કક્ષાની વાતો કરે છે.”

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એ બધીજ વાતો યાદ દેવડાવાનો પ્રયાસ કર્યો કે જેના આધારે એ તારણ કાઢી શકાય કે રાહુલ ગાંધી રફાલ ડીલ મુદ્દે વડા પ્રધાન પર આંગળી ચીંધી શકે એટલા નિષ્પાપ નથી.

રાહુલ ગાંધીએ શનિવારે જ પ્રેસ કૉન્ફરન્સ કરી રફાલ ડીલ મુદ્દે વડા પ્રધાનને પોતાનું મૌન તોડવા જણાવ્યું હતું.

ગાંધી કુટુંબને કેમ કહ્યું ભ્રષ્ટાચારી?

સૌથી રસપ્રદ વાત તો એ છે કે જ્યારે રાહુલ ગાંધી રફાલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે ત્યારે પોતાની વાતની સ્પષ્ટતા કરવાને બદલે કોંગ્રેસને પોતાનો જ ઇતિહાસ યાદ અપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એનું કારણ અને અર્થ શું હોઈ શકે છે.

રવિશંકર પ્રસાદે જે રણનીતિ અપનાવી છે તેને તર્કશાસ્ત્રની ભાષામાં ‘વૉટઅબાઉટરી’ કહેવામાં આવે છે. એનો અર્થ થાય કે 'એ સમયે તમે શું કરતા હતા કે ક્યાં હતા?'

શું તમે આ વાંચ્યું?

આ એક ઘાતક શસ્ત્ર છે. આનો ઉપયોગ કરવાથી કોઈ પણ વાત વકરી શકે છે અને ચર્ચા ક્યાંયની ક્યાંય પહોંચી શકે છે. અને અગાઉ કરવામાં આવેલી દલીલો કે તર્કનો કોઈ જ અર્થ સરતો નથી.

આનો સૌથી મોટો લાભ એ છે કે જો તમને કોઈ અઘરો સવાલ પૂછવામાં આવે તો તમે પૂરઝડપે સવાલને જ રફેદફે કરી નાખીને અને પ્રશ્ન પૂછનારને જ આરોપીના પાંજરામાં લાવી દો છો.

ટીવી પર જોવા મળતી ચર્ચાઓ કે વાટાઘાટોમાં ખાસ કરીને આવું જોવા મળે છે. આનું કારણ એ છે કે પ્રવક્તાઓ સામે દરરોજ એવા સવાલ ઊઠાવવામાં આવે છે કે એને સરળતાથી ટાળી દેવાથી જ પ્રવક્તાઓની પ્રગતિ થાય છે.

‘વૉટઅબાઉટરી’ શબ્દ ક્યાંથી આવ્યો?

રાજકારણની ચર્ચાઓમાં સવાલોનો જવાબ આપવાની આ રીત હાલની સરકારની શોધ નથી.

જાણકારોનાં જણાવ્યા અનુસાર, વૉટઅબાઉટરી શીતયુધ્ધના સમયની ઊપજ છે.

જ્યારે અમેરિકા અને સોવિયત સંઘ વૈશ્વિક સ્તરે એકબીજાને નીચા દેખાડવાના પ્રયાસો કરતા હતા, ત્યારે આ હથિયારનો ઉપયોગ ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવ્યો હતો.

આ એ સમયગાળો હતો જ્યારે મૂડીવાદી અને સામ્યવાદી શક્તિઓ કોઈ પણ ભોગે પોતાની જાતને એકબીજા કરતાં ઉમદા સાબિત કરવાની હોડમાં હતી.

એવામાં જ્યારે અમેરિકા, સોવિયત સંઘ પર માનવ અધિકારના ઉલ્લંઘનનો આરોપ મૂકતું હતું. ત્યારે સોવિયત સંઘ એના જવાબમાં કહેતો હતો - “એન્ડ યૂ આર લિંચિંગ નીગ્રોઝ” એનો અર્થ એ કે 'તમે તો આફ્રિકાના અમેરિકનોને સામૂહિક રીતે ઘેરીને મારો છો.'

અગ્રણી પત્રકાર મધૂસુદન આનંદ જણાવે છે, “પહેલાંની દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લોકલાજની બીક રહેતી હતી. પણ શીતયુધ્ધ બાદ પરિસ્થિતિ ઝડપભેર બદલાઈ ગઈ.”

“ક્યૂબા મિસાઈલ સંકટ પહેલાં અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે આ પ્રકારની દલીલબાજી કરવામાં આવી હતી.''

વૉટઅબાઉટરીનો ઇતિહાસ મહર્ષિ વ્યાસના મહાકાવ્ય મહાભારતમાં પણ મળે છે.

મહાભારતમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ભીમે જ્યારે દુર્યોધનની જાંઘ તોડી તે વખતે બલરામ ગુસ્સે થયા હતા.

આ અંગે ભીમનો પક્ષ લેતા કૃષ્ણએ એમને દુર્યોધનનાં પાપ ગણાવતાં કહ્યું હતું કે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી.

બલરામ કૃષ્ણનાં આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ થયા નહોતાં અને ગુસ્સે થઈ દ્વારકા જતા રહ્યા હતા.

‘વૉટઅબાઉટરી’ શબ્દનો અર્થ શું થાય?

પણ સવાલ એ છે કે આવા તર્ક અથવા કુતર્ક આપવાનું પ્રયોજન શું છે?

મનોવિજ્ઞાન જણાવે છે કે વૉટઅબાઉટરીનો ઉપયોગ કરનારી વ્યક્તિને એ તો ખબર છે તે તે ખોટો છે પણ પોતાની ભૂલનો એને કોઈ ખેદ નથી.

કારણ કે તે સવાલ પૂછનાર વ્યક્તિને એનું પાપ યાદ દેવડાવી પોતાની સમકક્ષ લાવી મૂકે છે. અને આ રીતે ગુનો કરવો સરળ બની જાય છે.

ઑસ્ટ્રેલિયાની યૂનિવર્સિટીના પ્રોફેસર મેરૉલ્ડ વેસ્ટફલ પોતાના પુસ્તક ગૉડ ગિલ્ટ એન્ડ ડેથમાં આને સમજાવતા જણાવે છે, “જે જાણે છે કે પોતે ખોટા છે માત્ર એ જ લોકો તર્કની મદદ વડે એવું દેખાડવાનો પ્રયાસ કરતા હોય છે કે સવાલ પૂછનાર વ્યક્તિ પોતાના કરતાં લાખ ગણો વધારે ગુનેગાર છે. અને આ રીતે તેઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે.”

દાખલા તરીકે જ્યારે રાહુલ ગાંધીના આરોપો પર રવિશંકર પ્રસાદ સ્પષ્ટીકરણ આપી રહ્યા હતા ત્યારે તેમણે આકરા સ્વરમાં રાહુલ અને એમના પરિવારના કથિત ગુના ગણાવ્યા હતા.

આમ કરી તેમણે એ પૂરવાર કરવાનો પ્રયાસ કર્યો કે જ્યારે સવાલ પૂછનાર જ આરોપી છે તો પછી બીજી કોઈ સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર જ નથી રહેતી.

યુનિવર્સિટી ઑફ કેંસાસમાં ભણાવતા અમેરિકન સામાજિક મનોવૈજ્ઞાનિક ડૅનિયલ વેટસને પોતાના પુસ્તક ‘વૉટ્સ રૉન્ગ વિથ મૉરાલિટી’માં જણાવે છે, “લોકો એ જાણે છે કે નૈતિક હોવાનો પોતાનો આગવો લાભ છે, તમે તપાસ અને અપરાધ બોધથી બચી જતા હોવ છો. પણ નૈતિક હોવા કરતાં નૈતિક દેખાવામાં ફાયદો વધારે છે કારણ કે તેમાં તમારે નૈતિક હોવાની કોઈ કિંમત ચૂકાવવાની જરૂર પડતી નથી.''(પાન નંબર 97)

પ્રોફેસર બેટસને જે વાત કહી છે તે ભારતના અનુસંધાનમાં વધારે લાગુ પડે છે. ગાંધીના સમયથી માંડી ભારતમાં નૈતિકતાથી મોટી કોઈ રાજનૈતિક મૂડી નથી.

પણ એવું નથી કે આ શસ્ત્રનો ઉપયોગ 2014 પછીથી કરવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદી પણ આનો ઉપયાગ કરી ચૂક્યા છે.

વર્ષ 2012માં જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી પર આરોપ મૂકતા કહ્યું હતું કે ગુજરાતામાં માત્ર એક જ અવાજ સાંભળવામાં આવે છે તે છે નરેન્દ્ર મોદીનો.

હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે જવાબમાં ટ્વીટ કરતા કહ્યું હતું , “રાહુલ બાબાના પાખંડે માઝા મૂકી છે, તેઓ એમ જણાવે છે કે ગુજરાતમાં માત્ર એક જ અવાજ સાંભળવામાં આવે છે પણ એ પાંચ હજાર યોજનાઓનું શું જે તેમના પરિવારના નામે છે.”

ભાજપ અને એની સાથે જોડાયેલા તમામ બીજા નેતાઓ જેમ કે રાકેશ સિન્હા (રાજ્યસભાના સભ્ય) અને વિનય સહસ્ત્રબુધ્ધે પણ વિવિધ પ્રસંગે આનો પ્રયોગ કરી ચૂક્યા છે.

‘વૉટઅબાઉટરી’ના જોખમો શું છે?

આ સવાલનો જવાબ સરળ નથી. ભારત એક ડૅમોક્રેસી એટલે કે લોકશાહી છે. ત્યાં સર્વસંમતિનું મહત્ત્વ છે.

તેના માટે સંવાદ અને વાતચીત કરવી જરૂરી છે. સરકારી પદો પર બેઠેલા લોકોને પોતાના પદ અંગે જવાબદારીનું ભાન હોય તે જરૂરી છે.

મધુસૂદન આનંદ જણાવે છે, “પહેલાં તો એમ પણ વિચારવામાં આવતું કે જો આમ બોલીશું તો દુનિયા શું કહેશે. પણ હવે આ શરમ રહી નથી.”

“હવે તાકાતનો જમાનો છે અને સવાલ પૂછવાનો કોઈ જ અર્થ નથી. કારણ કે જે પણ પક્ષનું શાસન હોય છે તેને હવે એ વાતથી કોઈ જ ફર્ક નથી પડતો કે કોઈ એમની વાત પર શું પ્રતિક્રિયા આપશે.”

વાસ્તવમાં વૉટઅબાઉટરી એટલે કે સવાલનો જવાબ આપવાની આ પ્રકિયાથી તમે તમારી જવાબદારીમાંથી સરળતાથી છટકી જાવ છો.

આવામાં આ શસ્ત્રની હાજરીમાં કોઈ પણ સરકારને કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી લગાડવાની જરૂર જ નથી રહેતી.

કારણ કે વૉટઅબાઉટરી એટલે આ પ્રકારની જવાબદારીની છટકબારી. એની હાજરીમાં સરકારો તો આવતી જતી રહે છે, પણ સવાલોના જવાબો આવતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો