You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીના આયુષ્માન ભારતમાં કેટલો છે દમ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત’ની શરૂઆત કરી. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું કે ગરીબોમાં ગરીબ અને સમાજના પછાત વર્ગોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા અને સારવાર પૂરી પાડવાના હેતુસર આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
આ યોજના હેઠળ દર વર્ષે દરેક પરિવારને 5 લાખ રૂપિયાના આરોગ્ય વીમાની વાત કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આનાથી 10 કરોડ કુટુંબોને એટલે કે 50 કરોડ કરતાં વધુ લોકોને ફાયદો થશે.
વડા પ્રધાનના જણાવ્યા મુજબ 5 લાખની રકમમાં તમામ તપાસ, દવા, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ પણ સામેલ કરાશે. એમાં કૅન્સર અને હૃદય સબંધી બીમારી સહિત 1300 બીમારીઓનો સમાવેશ થાય છે.
પણ આ સાથે જોડાયેલા બીજા કેટલાંક સવાલો પણ છે. આયુષ્માન ભારતના કાર્યક્રમ દ્વારા શું ભારત સરકાર આખા ભારતમાં આરોગ્ય વીમો ઉપલબ્ધ કરાવી શકશે?
જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત જ સારી નથી ત્યાં આનો કેટલો ફાયદો ખાનગી હોસ્પિટલોને થશે એ પણ એક સવાલ છે. આ તમામ મુદ્દે અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ સાથે બીબીસીનાં સંવાદદાતા માનસી દાશે વાતચીત કરી.
મને લાગે છેકે વડા પ્રધાન આજે દેશને છેતરી રહ્યા છે.
સૌથી પહેલી વાત તો એ કે હવે 10 કરોડ પરિવારોને પાંચ લાખ સુધીનો આરોગ્ય વીમો મળશે પણ એના માટે તેમણે અત્યાર સુધી એક પણ પૈસાની ફાળવણી કરી નથી.
શું તમે આ વાંચ્યું?
આ આયુષ્માન ભારતનું આ વર્ષનું બજેટ છે 2000 કરોડ રૂપિયા. હવે આ 2000 કરોડમાંથી 1000 કરોડ રૂપિયા તો રાષ્ટ્રીય સ્વાસ્થ યોજનાની રકમ છે. જે પહેલાં પણ હતી અને આજે પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાકીના 1000 કરોડ રૂપિયા છે, તે કથિત રીતે હેલ્થ એન્ડ વૅલનેસ સૅન્ટર માટે મૂકવામાં આવ્યા છે. એટલે કે રૂપિયા 80 હજાર પ્રતિ સૅન્ટર.
તમે સમજી શકો કે આમાંથી કેટલું કામ થઈ શકે.
વડા પ્રધાનની જાહેરાત પ્રમાણે આવતાં ચાર વર્ષોમાં સરકાર આ યોજના હેઠળ દોઢ લાખ આરોગ્ય કેન્દ્રો ઊભાં કરશે.
એનો અર્થ એ કે જૂનાં પીએચસી, સીએચસી અને પ્રાથમિક સ્વાસ્થ કેન્દ્રો જે પહેલેથી જ અસ્તિત્વમાં હતાં એમનાં નામ બદલી એને હેલ્થ એન્ડ વૅલનેસ સૅન્ટર ગણાવીને કહેવાઈ રહ્યું છે કે દોઢ લાખ કેન્દ્રો ખોલવામાં આવશે.
આ એકદમ પબ્લિક રિલેશન્સ છે. હજુ સુધી સ્વાસ્થ વીમા માટે એક પણ પૈસાની ફાળવણી કરાઈ નથી.
મારી ગણતરી પ્રમાણે જ્યાં સુધી તમે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી નથી ત્યાં સુધી 10 કરોડ પરિવારોનો આરોગ્ય વીમો કરી ના શકાય.
મોદીએ જાહેરાત કરતા કહ્યું, “આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાના આરોગ્ય વીમાની કલ્પના કરવામાં આવી છે અને આ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ વીમા યોજના છે.”
જો 10 કરોડ પરિવારો એટલે કે 50 કરોડ લોકોને પ્રતિ વર્ષ પ્રતિ પરિવાર સ્વાસ્થ વીમો પૂરો પાડવા માટે આટલી રકમ પૂરતી છે? શું આનો ફાયદો ખાનગી હૉસ્પિટલ સુધી પહોંચી શકશે ખરો?
ના, આ શક્ય નથી. પહેલી વાત તો એ કે સરકાર પ્રતિ વર્ષે પ્રતિ પરિવાર માટે આમ કરી શકે તેમ નથી.
માની લો કે એક અંદાજ પ્રમાણે વીમા હેઠળ આવરી લેવાયેલા પરિવારો પાંચ લાખ રૂપિયાના માત્ર એક ટકાનો એટલે કે પાંચ હજાર રૂપિયાનો ઉપયોગ કરે તો, 10 કરોડ પરિવારો માટે તમારી પાસે વર્ષે 50 હજાર કરોડ રૂપિયા હોવા જરૂરી છે.
માટે જ મારું કહેવું છે કે સરકાર પહેલાં નાણાં રજૂ કરે પછી અમે હેલ્થ કેરની વાત કરીશું.
બીજી વાત એ કે ‘સૌને માટે સ્વાસ્થ્ય’ સેવાનું સોશિયલ ઇન્શ્યોરન્સનું મૉડેલ ખપમાં આવી શકે છે. પણ આ માટે સૌથી પહેલા તો ગામડાં અને તાલુકામાં ઉપલબ્ધ સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી પડશે.
નહીંતર લોકો પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો છોડીને સીધા જ ખાનગી હૉસ્પિટલમાં પહોંચી જશે અને ત્યાં સ્વાસ્થ્ય વીમા પર જ નિર્ભર બની જશે.
ખાનગી હૉસ્પિટલમાં કેટલો ખર્ચ થશે તે તો તમે સમજી જ શકો છો. આનાથી સ્વાસ્થ્ય પર થનારો ખર્ચ તો વધી જશે પણ સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તામાં કોઈ ઝાઝો ફરક નહીં પડે.
માટે જ મૂળભૂત સગવડોમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. તેને ગેટકીપિંગ કહેવામાં આવે છે.
આનો અર્થ એ થયો કે પહેલાં લોકો પોતાના સ્થાનિક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર જાય અને ત્યાં પોતાની બીમારી અંગે જાણ્યા બાદ રેફરલ કરાયા પછી જ મોટાં સરકારી દવાખાનાં કે પછી ખાનગી દવાખાનાંમાં પહોંચે અને પોતાના વીમાનો ઉપયોગ કરે.
ગેટકીપિંગના કામમાં લાગેલી વ્યવસ્થાને મજબૂત કરવી એ ખૂબ જરૂરી પગલું છે.
ઓડિસા, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં સ્વાસ્થ્ય કેન્દ્રોની હાલત ઘણી સુધરી છે. છતાં એમાં હજીય સુધારાની જરૂરિયાત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જે ક્ષમતા છે, તેનો હજી સુધી પૂરેપૂરો ઉપયોગ કરવામાં નથી આવ્યો.
ઑલ ઇન્ડિયા એમ્બુલન્સ સેવા 108 વિશે તો બધા જાણતા જ હશે. ઘણાં રાજ્યોમાં અત્યારે મફત દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
આ એક સારી શરૂઆત છે. જોકે એ કેન્દ્રો પર ડૉક્ટર્સ ઉપલબ્ધ હોવા એ હજુ પણ મોટો પડકાર છે, પણ આમાં સુધારણા કરવી કાંઈ ખાસ મુશ્કેલીભર્યું કામ નથી.
ડૉક્ટર્સની હાજરી પર નજર રાખવાની રીતો અમલી બનાવવામાં આવે તો નિરાકરણ લાવી શકાય.
મારું માનવું છે કે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોની હાલત સુધાર્યા બાદ જ ધીમે ધીમે સોશિયલ ઇન્શ્યોરન્સ તરફ આગળ વધવું જોઈએ.
ડિજિટલ ઇન્ડિયાના નામે ઘણી નવી ટેકનોલોજી લાવવામાં આવી રહી છે જે ક્યારેક મદદરૂપ પણ બની શકે છે અને ક્યારેક નુકસાનકારક પણ.
જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આયુષ્માન ભારતની વાસ્તવિકતા એ છે કે સ્વાસ્થ્ય સેવાને બહાને સ્વાસ્થ્ય સંબંધી ડેટા એકઠા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આને આઈ સેક્ટરવાળા લોકો દ્વારા આને પબ્લિક ડેટા પ્લેટફોર્મ કહેવામાં આવે છે.
2000 કરોડ રૂપિયાના ખર્ચે 50 હજાર કરોડ લોકોનો ડેટા સરકાર પાસે હશે અને તમે જાણો છો કે આજકાલ ડેટા ભેગા કરી કેટલી કમાણી કરી શકો છો?
મને હાલમાં તો આ સ્વાસ્થ્ય યોજના કરતાં ડેટા કલેક્શન વધારે લાગે છે. પણ સરકારે આવું કશું જ કહ્યું નથી.
આયુષ્માન ભારતના નામે જે દસ્તાવેજ સામે આવ્યો, તે હતો નેશનલ હેલ્થ . જોકે આ કન્સલ્ટેશન પેપર છે પણ નીતિ આયોગના આ દસ્તાવેજને જોઈએ તો આમાં માત્ર ડેટા તેમજ આઈટી અને ડેટા કલેક્શનની વાત કહેવામાં આવી છે.
આ દસ્તાવેજ જોતાં તમને જાણવા મળશે કે આ સ્વાસ્થ્ય યોજના કરતાં ડેટા કલેક્શન પ્લેટફોર્મ ઊભું કરવાનું કામ વધારે જણાઈ રહ્યું છે.
સરકારનું કહેવું છે કે ખાનગી હૉસ્પિટલ્સ પણ યોજનાનો એક ભાગ હશે. તો શું આનો અર્થ એ હશે કે જે વીમો સરકાર પોતાના ખજાનામાંથી કરવાની છે તેનો એક ભાગ એમની પાસે પણ જઈ શકે છે.
ખાનગી હૉસ્પિટલ્સ ને તો ફાયદો થશે જ પણ મેં વાંચ્યું છે કે આયુષ્માન ભારતમાં દરેક પ્રકારનાં ઑપરેશન અને સારવારની જે કિંમતો મૂકવામાં આવી છે તેનાથી ખાનગી હૉસ્પિટલ્સ ખુશ નથી.
તેમનું કહેવું છે કે આ ઘણી ઓછી રકમ છે અને એનાથી એમને કમાણીની પૂરતી તક નહીં મળે.
જો એમની કિંમતો કવર નહીં થાય તો તેઓ એમાં નહીં જોડાય. જે હૉસ્પિટલ્સને લાગે છે કે તે કિંમતો પર કામ કરીને પણ નફો મેળવી શકે તેમ છે તે હૉસ્પિટલ્સ જ આમાં જોડાઈ રહી છે.
જોકે હૉસ્પિટલ્સ એ પણ પ્રયાસ કરશે કે તેઓ વધારે સસ્તામાં કામ કરી શકે અને વધારે નફો રળી શકે. અને આની સીધી અસર સારવારની ગુણવત્તા પર પડશે.
આ બધા પર ચાંપતી નજર ગોઠવી આને રોકી શકાય તેમ છે પણ આટલા વિશાળ પાયે આવું કરી શકવું સંભવ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો