વિશ્વ આરોગ્ય દિવસ: દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના 'મોદીકેર' કામ કરશે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. દરેક વ્યક્તિ કે સમુદાયને આર્થિક ભારણ વગર આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (WHO) વર્ષ 2018 માટે 'યુનિવર્સલ હેલ્થ કવરેજ'ની થીમ આપી છે.

તમામ સભ્ય રાષ્ટ્રોએ સાતત્યસભર વિકાસના લક્ષ્યાંક હેઠળ 2030માં તમામ નાગરિકોને પરવડે તેવા દરે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું ધ્યેય સ્વીકાર્યું છે.

ભારત સરકાર દ્વારા પણ નાણાકીય વર્ષ 2018-19ના બજેટમાં 'નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ'ની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ દ્વારા આ યોજનાને 'મોદીકેર' તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ શું તે સફળ થશે?

લાખો લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે ભારત સરકારે જાહેર કરેલી નવી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમનો રસ્તો આસાન નથી.

જાહેર સ્વાસ્થ્યમાં ભારતનો રેકોર્ડ ખાસ વખાણવા લાયક નથી.

હાલમાં ભારત દ્વારા જાહેર આરોગ્ય સેવાઓ પાછળ જીડીપીના 1% થી થોડો વધારે ખર્ચ કરવામાં આવે છે, જે વિશ્વનાં સૌથી નીચલા સ્તરે છે.

નબળા સ્વાસ્થ્ય અને દવાઓની વધતી કિંમતના કારણે દેશની ત્રણથી પાંચ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવવા મજબૂર છે.

ગ્રામીણ પરિવારો તેમનાં સ્વાસ્થ્ય, સારવારના ઊંચા ખર્ચને પહોંચી વળવા ક્યારેક જમીન - મકાન જેવી તેમની સ્થાવર-જંગમ મિલકત પણ વેચી દેતા હોય છે.

ભારતમાં રોગોનું ભારણ

ભારતમાં ગરીબીના કારણે થતા રોગોની સંખ્યા બીજા દેશોની સરખામણીમાં વધારે છે. રાજ્યોમાં સારો ઉપચાર કરી શકે તેવી હોસ્પિટલો ઓછી છે.

પ્રાથમિક સાર સંભાળની સુવિધાઓ નબળી છે અને ખાનગી દવાખાનામાં સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે.

મોદી સરકારના બજેટમાં જાહેર કરાયેલી આરોગ્ય વીમા યોજના હેઠળ 50 કરોડથી વધુ ભારતીયોને આવરી લેવાશે.

દર વર્ષે દરેક કુટુંબ માટે સ્વાસ્થ્ય યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે.

તમને આ વાંચવું પણ ગમશે:

સરકારનો અંદાજ છે કે દરેક કુટુંબનું વીમાકરણ કરવા માટેનું પ્રીમિયમ લગભગ 1089 રૂપિયા થશે.

આ યોજનાને કારણે કેન્દ્ર અને રાજ્યના બજેટમાં 108 અબજ રૂપિયાનું ખર્ચ વધશે.

નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે તે "વિશ્વનો સૌથી મોટો સરકારી ભંડોળથી ચાલતો આરોગ્ય-સંભાળ કાર્યક્રમ" હશે.

આ યોજનામાં અત્યંત ગરીબ ભારતીયોને આવરી લેવામાં આવશે. દેશની 29% ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.

લોઅર મિડલ ક્લાસને પણ આ યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરવામાં આવી છે.

આ વર્ગ પાસે સ્થાયી નોકરી નથી હોતી. આ વર્ગમાં બેરોજગારી વધારે હોય છે. તેમની પાસે સંપત્તિ પણ થોડી હોય છે.

ઘણી વખત બીમારીને કારણે આ વર્ગના લોકો દેવાના ડૂંગર હેઠળ દબાઈ જાય છે.

તેથી આવા લોકોને વીમા અંતર્ગત તબીબી સારવાર આપવી નિર્વિવાદ રીતે યોગ્ય દિશામાં એક પગલું છે.

અમલીકરણ મોટો પડકાર

કે. સુજાથા રાવ, ભૂતપૂર્વ આરોગ્ય સચિવ કહે છે, "આ પ્રોગ્રામ બોલ્ડ અને વિચાર્યા વગરની મહત્ત્વકાંક્ષી યોજના છે.”

"આપણા આરોગ્ય ક્ષેત્રને લાંબા સમયથી અવગણવામાં આવ્યું છે. આ યોજનાનું અમલીકરણ મોટો પડકાર છે."

“તે ખરેખર, સૌથી મોટી ચિંતા છે.”

સેન્ટ્રલ હેલ્થકેર સ્કીમો અને તેના જેવી બીજી ડઝન તબીબી વીમા યોજનાઓ - વર્ષ 2007થી અમલમાં મૂકવામાં આવી છે.

પરંતુ તેમનું અમલીકરણ પ્રેરણાદાયક નથી.

તેરમાંથી નવ સંશોધનો એવું દર્શાવે છે કે આવી યોજનાઓ દ્વારા વીમા અંતર્ગત આવરી લેવામાં આવેલા લોકોનો ખર્ચ વીમાના કારણે ઘટતો નથી.

સ્વાસ્થ્ય સુવિધા પાછળ તેમનો જે ખર્ચ બચવો જોઇએ તે પણ બચતો નથી.

આવી જ એક યોજના 2008માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે પણ ગરીબો માટે સ્વાસ્થ્ય વીમા યોજના લાવવામાં આવી હતી.

જેમાં આશરે તેર કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા હતા, પરંતુ ગરીબ પરિવારોને કોઈ નોંધપાત્ર નાણાંકીય રક્ષણ મળ્યું નહોતું.

ગેરકાયદે ચૂકવણી

આવી જ એક યોજના છત્તીસગઢમાં ગરીબો માટે ચાલે છે. સુલક્ષણા નંદી દ્વારા તેનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

જેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 95 ટકા વીમાધારકો ખાનગી હોસ્પિટલમાં અને 65 ટકા વીમાધારકો સરકારી હોસ્પિટલમાં ઇલાજ કરાવવા ગયા હતા.

આમ છતાંય તેમણે આરોગ્ય સેવાઓ માટે તેમના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડતો હતો.

રાજ્યની હોસ્પિટલોમાં, જ્યાં સારવાર મોટેભાગે મફત મળતી હોવાનું માનવામાં આવે છે. ત્યાં દર્દીઓને દવા બહારથી ખરીદવી પડે છે.

કારણ કે હોસ્પિટલોમાં દવાનો પૂરતો પુરવઠો નથી હોતો. ઉપરાંત આરોગ્ય સેવાઓ મેળવવા માટે ડૉકટરો અને નર્સોને લાંચ આપવી પડે છે.

નંદીના અભ્યાસ પ્રમાણે, "ખાનગી હોસ્પિટલો દ્વારા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દરે આરોગ્ય સેવાઓ આપવામાં નથી આવતી. પેશન્ટ્સને 'તફાવતની રકમ' ચૂકવવા માટે ફરજ પાડવામાં આવે છે."

ભારતની ખાનગી હેલ્થકેર સિસ્ટમ મહદંશે બેફામ, અપારદર્શક અને ઘણીવાર અનૈતિક છે. તે દર્દીઓ પાસેથી વધારે કિંમત વસૂલે છે.

ઘણા માને છે કે પ્રાઇવેટ હોસ્પિટલની સેવાઓ ગરીબો માટે બિલકુલ ઉદાસીન છે. ત્યાં ગરીબોને નિયમ મુજબનો ફરજિયાત પ્રવેશ પણ નથી મળતો.

ભારતની અશોકા યુનિવર્સિટીના વડા પ્રતાપ ભાનુ મહેતા જણાવે છે, "સારી વાત એ છે કે આરોગ્ય હવે રાજનીતિમાં અનિવાર્ય અંગ બની ગયું છે. પરંતુ આ ક્ષેત્રમાં આપણે હજુ પા પા પગલી ભરી રહ્યા છીએ."

ગેમચેન્જર બનશે?

વળી, મોટાભાગનાં શહેરો અને નગરોમાં ગુણવત્તાવાળા પ્રાઇવેટ દવાખાના ઉપલબ્ધ છે.

હવે એ જોવાનું છે કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો સુધી આ યોજનાનો લાભ કેવી રીતે પહોંચી શકશે.

ગરીબ દર્દીઓને વાસ્તવમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ કરતાં રોગ નિદાન કરતા પરીક્ષણો, ડૉકટર ફોલો-અપ્સ, મૂળભૂત દવાઓ અને સારવાર પછીની ઘરે સારવારના ખર્ચનો બોજ વધારે ઉપાડવો પડે છે.

જેમાં ગરીબોનો ખર્ચ વધી જાય છે, તેથી માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને વીમા અંતર્ગત આવરી લેવામાં આવે તે પૂરતું નથી.

જો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો, વિશાળ આરોગ્યસંભાળ કાર્યક્રમ ગરીબો માટે પરિવર્તન લાવનારા સાબિત થઈ શકે છે.

ભૂતકાળના અનુભવો અને રેકોર્ડ જોતા, સરકારે તેને અમલીકરણ કરવા માટે ઘણાં પ્રયત્નો કરવા પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો