You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#BBCShe ‘છોકરીઓને ‘વસ્તુ’ની જેમ જુએ છે છોકરાઓ’
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
"આજકાલ માત્ર સ્ત્રીઓની જ વાત થાય છે. અમારા અધિકાર વિશે કોઈ બોલતું નથી."
"વીમેન્સ ડે પર આટલા કાર્યક્રમો થાય છે, પણ મેન્સ ડેનો તો ઉલ્લેખ સુદ્ધાં થતો નથી."
"હવે સ્ત્રીઓને બધા અધિકાર મળી ગયા છે. તેથી સ્ત્રી-પુરુષને એકસમાન ગણવા જોઈએ."
રાજકોટમાં BBCShe માટે છોકરીઓ સાથે વાતચીત પછી છોકરાઓ સાથે વાત કરવા વિચાર્યું અને તેમને મળી ત્યારે ફરિયાદોનો ઢગલો થઈ ગયો હતો.
છોકરાઓ જે માનતા હતા એ જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
છોકરાઓની છાપ બગડી
છોકરાઓની ચર્ચામાં કોઈ ઘટાડો થયો નથી. છોકરાઓ કોઈ સિદ્ધિ મેળવે છે ત્યારે તેમના પણ વખાણ થાય. છોકરાઓ પાસેથી કશું છીનવવામાં આવતું નથી, એવું મેં છોકરાઓને કહ્યું હતું.
છોકરાઓએ એવી દલીલ કરી હતી કે વખાણ તો ઠીક છે, પણ ટીકા બહુ વધુ કરવામાં આવી રહી છે. કેટલાક છોકરાઓને કારણે બધા છોકરાઓની છાપ બગડી ગઈ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે છોકરાઓની જિંદગી બહુ મુશ્કેલ બની ગઈ છે. કોઈ છોકરી સાથે વાત કરતાં પહેલાં, તેને માઠું ન લાગે એ અનેકવાર વિચારવું પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશે:
વાત તો સાચી છે. એ છોકરાઓ જે કોલેજમાં અભ્યાસ કરે છે એ જ કોલેજની છોકરીઓએ અમને જણાવ્યું હતું કે છોકરાઓની કેટલીક બાબતો તેમને ખરાબ લાગતી હતી.
"છોકરાઓ છેડછાડ કરે છે. મનાઈ કરીએ તો પણ પાછળ પડેલા રહે છે અને એવું વિચારે છે કે તેઓ હીરો છે તથા છોકરીઓને આ બધું પસંદ છે. હકીકતમાં આવું નથી."
બોલિવૂડ જવાબદાર?
રાજકોટ પ્રમાણમાં નાનું શહેર છે. અંદાજે વીસેક લાખ લોકોની વસતી છે. રસ્તા પર છોકરા-છોકરી સાથે ફરતાં ઓછા જોવાં મળે છે.
છોકરા-છોકરી કોલેજમાં સાથે ભણે છે જરૂર, પણ છોકરા-છોકરીનાં ટોળાં અલગ-અલગ જોવા મળે છે.
ઇન્ટરનેટની પહોંચ સારી છે. સોશિયલ મીડિયાની દુનિયામાં અહીં ઇસ્ટાગ્રામ બહુ લોકપ્રિય છે, પણ ફેસબૂક પર છોકરીઓ પોતાનું અકાઉન્ટ 'પ્રાઈવેટ' રાખે છે.
એક છોકરીએ અમને જણાવ્યું હતું કે એ બહુ સમજી-વિચારીને ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારે છે. તેમ છતાં અનેક વખત છેતરાઈ જવાય છે.
છોકરાઓને આ જણાવ્યું તો તેમણે કહ્યું હતું કે છોકરીની 'ના'ને પણ 'હા' ગણતા કેટલાક છોકરાઓને કારણે આવું થાય છે.
એક છોકરાએ આ માટે બોલીવૂડને જવાબદાર ઠેરવ્યું હતું.
તેણે કહ્યું હતું, "ફિલ્મોમાં વર્ષોથી એવું દેખાડવામાં આવે છે કે છોકરીની પાછળ પડી જાઓ. એ ન માને તો વધુ પાછળ પડો. આખરે એ માની જશે. પછી પ્રેમ કરવા લાગશે, પછી લગ્ન થશે, બાળકો થશે અને જીવન એકદમ સુંદર હશે."
બધા તેની સાથે સહમત થયા. મેં પૂછ્યું હતું કે છોકરાઓ તેને સાચું માને છે?
એ છોકરાએ કહ્યું હતું, "હા. એક સમય સુધી હું પણ તેને સાચું માનતો હતો. પછી એટલી બધી છોકરીઓએ મને રિજેક્ટ કર્યો કે છોકરીઓને બળજબરી પસંદ નથી એ મને સમજાઈ ગયું હતું."
સવાલ એ છે કે આ સમજવાનું આટલું મુશ્કેલ કેમ છે? થોડીવાર માટે બધા ચૂપ થઈ ગયા હતા.
પછી એક છોકરાએ દબાતા અવાજમાં કહ્યું હતું, "વાસ્તવમાં છોકરાઓ છોકરીઓને માણસની જેમ નહીં, પણ એક 'ઓબ્જેક્ટ'ની જેમ જુએ છે."
વખાણવાલાયક કબૂલાત
"બે છોકરાઓ સાથે બેઠા હોય અને એક છોકરી તેમની સામેથી પસાર થાય ત્યારે છોકરી વિશે શું કહે છે...શું વિચારે છે તેની તમને ખબર નથી."
મેં પૂછ્યુ, શું કહે છે...શું વિચારે છે?
મારા સવાલનો જવાબ એ છોકરાએ કદાચ નિખાલસતાથી આપ્યો હોત, પણ સાથે બેઠેલા તેના દોસ્તોએ ઇશારો કર્યો એટલે તેણે કહ્યું કે હવે રહેવા દો. કંઈ ન પૂછો.
હું તેમની વણકહેલી વાત સમજી ગઈ હતી એ તેઓ જાણતા હતા.
તેમણે તેમના મનોજગતમાં મને દાખલ થવા દીધી હતી, પણ હવે ચૂપ રહીને એમ જણાવવા ઇચ્છતા હતા કે એવું વિચારતા છોકરાઓ બદલ તેઓ શરમ અનુભવે છે.
એક સ્ત્રી સામે આટલી નિખાલસતા સાથે પોતાની સામે આંગળી ચીંધવાનું અને આટલી સ્પષ્ટ વાત કરવાનું, ભૂલ કબૂલવાનું મને વખાણવાલાયક લાગ્યું.
સહિયારી સમજણ
કમસેકમ એક છોકરો તો સમજતો હતો. બીજા પક્ષને સમજવાની એક સમજણ આકાર લેતી જોવા મળતી હતી.
આખરે એક છોકરાએ કહ્યું, "આપણે બેવડા માપદંડ ન રાખવા જોઈએ. એક છોકરાનું બ્રેક-અપ થાય અને એ બીજી ગર્લફ્રેન્ડ બનાવે તો યોગ્ય, પણ એક છોકરી બ્રેક-અપ બાદ બીજો સંબંધ બનાવે તો તેને ખરાબ કેરેક્ટરની ગણવામાં આવે છે."
બરાબર આ જ વાત નાગપુરમાં એક છોકરીએ અમને કહી હતી. તેણે કહ્યું હતું કે ઘણી છોકરીઓ સાથે દોસ્તી કરતા છોકરાને 'સ્ટડ', પણ ઘણા છોકરાઓ સાથે દોસ્તી કરતી છોકરીને 'સ્લટ' કહેવામાં આવે છે.
આખરે અમને લાગ્યું હતું કે છોકરીઓના અધિકારોની વાત કરવી શા માટે જરૂરી છે. છોકરાઓ સામે આ માટે કોઈ દલીલ કરવાની જરૂર પડી ન હતી.
સહિયારી સમજણ આકાર પામી રહી છે. આ શહેરોમાં તેઓ એકબીજા સાથે ભલે ઓછાં જોવા મળતાં હોય, પણ એકમેકને સમજવાનો પ્રયાસ જરૂર કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો