ખાંસીની પ્રાથમિક સારવાર માટે મધને પ્રાથમિકતા આપવા ભલામણ

લંડનની જાહેર આરોગ્યની સંસ્થાએ ખાંસીના પ્રાથમિક ઉપચાર માટે સૌપ્રથમ મધ-દવાને મહત્ત્વ આપવા માટે માર્ગદર્શિકામાં ભલામણ કરી છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓ અનુસાર તબીબોએ કફ-ખાંસીની સારવાર માટે ઍન્ટિબાયૉટિક્સ દવાઓ ખાસ જરૂર હોય ત્યારે જ લખી આપવા કહ્યું છે. કેમ કે, ઍન્ટિબાયૉટિક્સ દવાઓ મોટાભાગે ખાંસીના લક્ષણો ઘટાડવા ઓછી અસર કરતી હોય છે.

મોટાભાગે ખાંસી બે ત્રણ સપ્તાહમાં તેની જાતે જ મટી જતી હોય છે.

આ નવી માર્ગદર્શિકા ડૉક્ટરોને એટલા માટે આપવામાં આવી છે કેમ કે ઍન્ટિબાયૉટિક્સ દવાઓ સામે પ્રતિકાર કરવાની વિવિધ રોગની ક્ષમતામાં વધારો જોવા મળી રહ્યો છે.

ઍન્ટિબાયૉટિક્સ દવાઓના વધુ પડતા ઉપયોગથી ઇન્ફૅક્શનની સારવાર વધુ કઠિન બની જાય છે. કેમ કે તેનાથી ઍન્ટિબાયૉટિક્સ દવાઓ સામે પ્રતિકાર કરતા સુપરબગ્સ પેદા થઈ જાય છે.

ક્યારે ડૉક્ટરની સલાહ લેવી?

ગળામાં તકલીફ કે ખાંસી માટે ઘણી વાર ગરમ પાણી સાથે મધ અથવા લિંબુ-આદુનો પ્રાથમિક ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ હવે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ ઍન્ડ કેર ઍક્સેલેન્સ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, ખાંસી મટાડવા માટે ઍન્ટિબાયૉટિક્સ દવાઓ મદદરૂપ થાય છે તે વિના પુરાવા મર્યાદિત છે.

ખાંસીની દવાઓમાં પેલાર્ગોનિયમ, ગૌફેન્શીન અથવા ડેક્ષ્ટ્રોમીથોર્ફાન હોવાથી તે કદાચ મદદ કરી શકતું હોવાનું તેમાં કહેવામાં આવ્યું છે.

આપને આ પણ વાંચવું ગમશે

દર્દીઓને આ સારવાર લેવા માટેની સલાહ આપવામાં આવી રહી છે અને લક્ષણોમાં જાતે જ સુધારો થાય તે માટે રાહ જોવાનું પણ કહેવામાં આવે છે. ડૉક્ટર પાસે જતાં પહેલા આ પ્રકારની પ્રાથમિક સારવાર કરવાનું કહેવામાં આવે છે.

મોટાભાગની ખાંસી વાઇરસને કારણ થતી હોય છે. આથી તેનો ઍન્ટિબાયૉટિક્સ દવાઓ દ્વારા ઇલાજ નથી થઈ શકતો. તે તેની જાતે જ મટે છે.

આમ છતાં સંશોધકોના અગાઉના તારણો-સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે, યુ.કે.માં 48 ટકા ડૉક્ટર્સ ખાંસી માટે ઍન્ટિબાયૉટિક્સ દવાઓ પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. સુસેન હોપકિંસે જણાવ્યું, "ઍન્ટિબાયૉટિક્સ દવાઓની વધતી જતી રોગ સામેની પ્રતિકાર શક્તિ ઘણી મોટી સમસ્યા છે."

"તેના ઉપયોગને ઘટાડવા માટે મજબૂત પગલાં લેવાની જરૂર છે."

"નવી માર્ગદર્શિકા જનરલ ફિઝિશિયન્સને ઍન્ટિબાયૉટિક્સ દવાઓના પ્રિસ્ક્રિપ્શનમાં ઘટાડા માટે મદદ કરશે."

"અમે દર્દીઓને જનરલ ફિઝિશિયનની સેલ્ફ-કેરની સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ."

જોકે, માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગંભીર પ્રકારની બીમારીમાં ઍન્ટિબાયૉટિક્સ દવાઓ કદાચ જરૂરી હોઈ શકે છે.

વળી જો દર્દીની બીમારીમાં સમસ્યા વધુ વકરવાનું જોખમ હોય અને રોગપ્રતિકાર શક્તિ અત્યંત ઘટવાની શક્યતા હોય ત્યારે તેનો પ્રયોગ કરી શકાય છે.

ઉપરાંત એક વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મધના વપરાશની સલાહ નથી આપવામાં આવી કેમ કે, તેમાં બૅક્ટેરિયા હોવાથી તે નુકસાન કરી શકે છે.

લક્ષણો ચકાસવા

એન્ટિમાઇક્રોબિયલ પ્રિસ્ક્રિપ્શન માર્ગદર્શિકા સંબંધિત સમૂહના અધ્યક્ષ અને જનરલ ફિઝિશિયન ડૉ. ટેસ્સા લૂઇસે જણાવ્યું,"લોકો આરોગ્ય સંબંધિત સેન્ટરથી તેમની ખાંસીના લક્ષણો જાણી શકે છે. અથવા ફાર્માસિસ્ટની સલાહ પણ લઈ શકે છે."

"જો ખાંસી સારી થવાની જગ્યાએ વધતી જાય અથવા વ્યક્તિ વધુ બીમાર થઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તેમણે તેમના જનરલ ફિઝિશિયનનો સંપર્ક કરવો જોઈએ."

પ્રસ્તુત ભલામણો નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ ઍન્ડ કેર એક્સેલેન્સ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી માર્ગદર્શિકાનો ભાગ છે.

ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રો. ડેમ સેલી ડેવિસ અગાઉ ઍન્ટિબાયૉટિક્સ દવાઓની વધતી જતી રોગ સામેની પ્રતિકાર ક્ષમતા મામલે ચેતવણી આપી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, જો દવાઓ ઇલાજ કરવા માટે સક્ષમ નહીં રહે, તો રોગની સારવાર કરવું ઘણું મુશ્કેલ બની જશે.

કૅન્સર અને ટ્રાન્સપ્લાન્ટ પ્રકારની મેડિકલ સારવાર પણ જોખમી બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો