સાંભળી નથી શકતાં છતાં છે નંબર વન ભારતીય ગોલ્ફર

    • લેેખક, ગુરપ્રીત કૌર
    • પદ, બીબીસી સંવાદદાતા

દીક્ષાના પિતાએ કાગળ અને પેન પકડી અને કઈક લખી દીક્ષાને આપ્યુ. હાથમાં ગોલ્ફ સ્ટિક પકડેલી દીક્ષાએ કાગળમાં લખેલો મૅસેજ વાંચ્યો અને મેદાન પર રાખેલા નાનકડા બૉલ તરફે એકીટસે ધ્યાન લગાવીને કાગળ પર લખેલા શૉટને બિલકુલ એવી જ રીતે મારી બતાવ્યો.

શૉટ મારતા જ અવાજ આવ્યો... ખટૈક!!! જેવો શૉટ પત્યો કે તુરંત જ આસપાસના લોકોએ તાળીઓનો ગડગડાટ બોલાવ્યો, પરંતુ દીક્ષાને ના તો શૉટનો અવાજ સંભળાયો ન તો તાળીઓની ગડગડાટનો.

હકીકતે દીક્ષા જન્મથી સાંભળી શકતા નથી. સાંભળવા માટે તેમણે પોતાના કાનમાં એક મશીન લગાડવું પડે છે જેનાથી તેઓ 60થી 70 ટકા સાંભળી શકે છે.

તે દિવસે મેદાનમાં ધુમ્મસના કારણે એ મશીન કામ કરતું ન હતું.

પરંતુ તેમની આ શારીરિક અસક્ષમતા તેમને જીતથી અથવા તો આગળ વધવાથી અટકાવી શકી નથી.

પોતાના આ જ મક્કમ મનોબળના અન જીતના ઉત્સાહ સાથે દીક્ષા જકાર્તામાં ચાલી રહેલ એશિયન ગેમ્સમાં પહોચ્યાં છે.

દિલ્હીના રહેવાસી દીક્ષા આજથી 26 ઑગસ્ટ સુધી ગોલ્ફના મેદાનમાં ઉતરશે.

ટીમ ઇવેન્ટ સાથે સાથે તેઓ સિંગલ મુકાબલાઓમાં પણ ભારતને મહિલા ગોલ્ફનો પ્રથમ મેડલ અપાવવાનો પ્રયાસ કરશે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ મુકાબલાઓમાં તેમની સામે જાપાન, સાઉથ કોરિયા, ચીની તાઇપે, અને થાઇલેન્ડ જેવી ટીમનો પડકાર હશે.

છ વર્ષની ઉમરે પિતાએ ગોલ્ફ શિખવાડ્યુ

દીક્ષાના મોટા ભાઈ યોગેશ પણ સાંભળવામાં અસક્ષમ છે. જેના કારણે દીક્ષાના જન્મ પહેલાંથી જ તેમના માતા પિતાને શંકા હતી.

દીક્ષાના જન્મ પહેલાં તેમણે તમામ માનતાઓ રાખી હતી, પરંતુ દીક્ષા જન્મના ત્રણ વર્ષ બાદ થયેલી તપાસમાં સાંભળવામા અસક્ષમ સાબિત થયાં.

તેમના પિતા નરેન્દ્ર ડાગર કહે છે કે “ અમારા પરિવારને જાણીને ખુબ જ દુ:ખ થયું હતું, પરંતુ મેં અને દીક્ષાના માતાએ નક્કી કર્યું હતું કે આ સમસ્યાને બાળકોની નબળાઈ બનવા દઈશું નહીં”

કર્નલ નરેન્દ્ર ડાગર પોતે પણ ગોલ્ફર હતા. સેનામાં હતા ત્યારે તેમણે આ રમત શીખી હતી.

પોતાના પિતાને રમતા જોઈને દીક્ષાને પણ ગોલ્ફ પ્રત્યે આકર્ષણ થયું.

છ વર્ષની ઉમરે તેમણે પહેલી વાર ગોલ્ફ સ્ટિક પકડી હતી. તેમના પિતાએ જ તેમને ટ્રેનિંગ આપી હતી.

ઑપરેશનની મદદથી દીક્ષાના કાનમાં એક મશીન લગાડવામાં આવ્યું હતું જેના દ્વારા દીક્ષા 60 થી 70 ટકા જેટલું સાંભળી શકે છે.

સ્પીચ થેરપીની મદદથી દીક્ષા બોલતા શીખ્યા છે. તેમના પિતા કહે છે "દીક્ષા મશીનની મદદથી અવાજ સાંભળી શકે છે પરંતુ તેની કેટલીક મર્યાદા છે.”

“જો સામેની વ્યક્તિ સાથે તેમનો આઈ કૉન્ટેક્ટ ન રહે તો સાંભળવામાં સમસ્યા થાય છે."

"કોઈ સામાન્ય બાળક 10 ડગલાં આગળ જતું રહે તો તેને બૂમ પાડીને બોલાવી શકાય છે, પરંતુ દીક્ષા આગળ નીકળી જાય તો તેને હાથ પકડીને જ રોકવી પડે છે."

12 વર્ષની ઉમરમાં પહેલી મેચ

દીક્ષાએ પોતાની આ મર્યાદાને ક્યારેય નબળાઈ બનવા દીધી નહીં. તેમણે હંમેશા શારીરિક રીતે સામાન્ય બાળકો સાથે જ અભ્યાસ કર્યો અને ગોલ્ફ પણ સામાન્ય લોકો સાથે જ રમ્યાં.

કારકિર્દીની સૌથી પહેલી મેચ તેમણે 12 વર્ષની ઉમરે ઇન્ડિયન ગોલ્ફર યુનિયન નેશનલ સબ જુનિયર સર્કિટમાં રમી હતી. ત્યાર બાદ તેમની કૅરિયરે ફુલ સ્પીડમાં પકડી હતી.

ગોલ્ફમાં સારું પ્રદર્શન કરવાના લીધે તેઓ અન્ડર 15 અને અન્ડર 18 સ્તર પર નંબર વન ઍમેચ્યોર ગોલ્ફર બની ગયાં. લેડીઝ ઍમેચ્યોર ગોલ્ફરની યાદીમાં પણ તેઓ વર્ષ 2015થી સતત પહેલા ક્રમે છે.

ઘરેલું ટુર્નામેન્ટ સિવાય તેમણે અનેક આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો. તેમણે દેશની બહાર પ્રથમ ટુર્નામેન્ટ સિંગાપોરમાં રમી હતી.

જ્યાં લેડીઝ ઍમેચ્યોર ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ જીતી અને દીક્ષા સિંગલ કૅટેગરીમાં અવ્વલ રહ્યાં હતાં.

કોઈ પણ આંતરાષ્ટ્રીય મેદાનમાં ભારતીય મહિલા ગોલ્ફ ટીમની આ પ્રથમ જીત હતી.

બે મેચને બાદ કરતા તમામ મેચ દીક્ષાએ શારીરિક રીતે સામાન્ય ખેલાડીઓ સાથે રમી છે. તુર્કીમાં રમાયેલી ડૅફ ઓલિમ્પિકમાં તેમણે દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

દીક્ષા 'યુએસ ઓપન ગોલ્ફર્સ પ્લે ઓફ'ના ફાઇનલ સુધી પહોચ્યાં હતાં. આ વર્ષે જ યોજાયેલ મલેશિયા લેડીઝ ઓપનમાં તેઓ ત્રીજા ક્રમે પહોચ્યા હતા. જ્યારે ટીમ સાથે તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

એશિયન ગેમ્સ બાદ દીક્ષા આયર્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનીપ 2018માં ભાગ લેશે.

ગોલ્ફ સાથે પ્રેમ

દીક્ષા ટેનિસ, બેડમિન્ટન, અને સ્વિમિંગ જેવી રમતો પણ રમે છે પરંતુ ગોલ્ફ સાથે તેમને વિશેષ પ્રેમ છે. આ જ કારણ છે કે તેમણે કૅરિયર તરીકે ગોલ્ફની પસંદગી કરી છે.

તેઓ પોતાના ગોલ્ફ પ્રેમ વિશે કહે છે "ગોલ્ફ શાંતિની રમત છે અને દિમાગથી રમવામાં આવે છે. તેથી મને ખૂબ જ પસંદ છે.”

“દૂર દૂર સુધી ફેલાયેલા ગોલ્ફનાં લીલાં મેદાનો મને ખૂબ જ ગમે છે. રમતમાં જ્યારે પડકાર હોય છે ત્યારે વધુ મજા આવે છે."

પડકારો

રમત અને જીવનના અન્ય મેદાનો પર પડકારો હજુ પણ છે.

દીક્ષા ઍમેચ્યોર ગોલ્ફર છે. કોઈ પણ પ્રૉફેશનલ ગોલ્ફની જેમ મેચ જીત્યા બાદ તેમને પૈસા નથી મળતા.

પરંતુ ઇન્ડિયન ગોલ્ફ યુનિયન અને આર્મી તેમની મદદ કરે છે.

પરંતુ આ મદદ પૂરતી નથી કારણ કે ગોલ્ફ મોંધી રમત છે. દેશમાં યોજાતી કોઈ પણ ટુર્નામેન્ટ માટે ઓછામાં ઓછો 35થી40 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને વર્ષમાં આ પ્રકારની 20 ઇવેન્ટ થાય છે.

પૈસા ઉપરાંત દીક્ષા સામે વધુ એક પડકાર છે, આ પડકાર એવો છે કે દીક્ષા ડાબોડી ખેલાડી છે.

અને ગોલ્ફ રમતા ડાબોડીઓના ગોલ્ફ ઇક્વીપમેન્ટ ખૂબ મોંઘા મળે છે અને સરળતાથી ઉપ્લબ્ધ પણ થતા નથી. એક ગોલ્ફ કિટની કિંમત 3 લાખ રૂપિયા જેટલી હોય છે.

કાનનું મશીન

હવે દીક્ષા પાસે સાંભળવા માટે સારી ટૅકનીકવાળું મશીન છે. પરંતુ આ મશીન પણ કેટલીક મર્યાદાઓ છે.

જેમ કે બૅટરી ડિસ્ચાર્જ થઈ જતા દીક્ષાના જીવનમાં સૂનકાર છવાઈ જાય છે. તેઓ કંઈ જ સાંભળી શકતાં નથી.

આવા જ એક કિસ્સાને યાદ કરતા પિતા કર્નલ ડાગર કહે છે કે કોઈ વાતના લીધે તેઓ દીક્ષાથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા.

નારાજગીમાં તેઓ દીક્ષાને ખૂબ જ ખીજાયા હતા પરંતુ દીક્ષા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી.

ત્યાર બાદ તેમને ખબર પડી કે દીક્ષાનાં મશીનની બૅટરી સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે તે ઠપકાનો એક પણ શબ્દ સાંભળી શક્યાં ન હતાં.

કર્નલ ડાગર હસતા હસતા કહે છે "ગુસ્સો ઊતર્યા બાદ મેં વિચાર્યુ કે એણે સાંભળ્યું નહોતું એ યોગ્ય જ હતું. કેટલીક વાર આપણે એક જ વાત વારંવાર કહીએ છે ત્યારે તે અકળાઈને કહે છે કેટલી વાર કહેશો પપ્પા મેં સાંભળી લીધુ છે."

અભ્યાસમાં વિક્ષેપ

દીક્ષા ધોરણ 12નાં વિદ્યાર્થિની છે, પરંતુ ટુર્નામેન્ટના લીધે તેમણે અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે જેના કારણે તેઓ કાયમ સ્કૂલે જઈ શકતાં નથી.

આજ કારણ છે કે દીક્ષા તેનો અભ્યાસ સમાપ્ત કર્યા બાદ ગોલ્ફર બનવા માંગે છે.

18 વર્ષની ઉંમરે તેઓ પ્રૉફેશનલ ગોલ્ફર બની શકે છે.

દીક્ષાએ સાબિત કર્યુ છે કે તેઓ પ્રૉફેશનલ ગોલ્ફર બરાબર છે.

કર્નલ ડાગરની ઇચ્છા છે કે તેમના દીકરી એશિયન ગેમ્સ સાથે સાથે આગામી ઓલિમ્પિકમાં પણ દેશ માટે ગોલ્ડ મેડલ લાવે.

તેઓ ઇચ્છે છે કે લોકો દીક્ષાની શારીરિક નબળાઈની નહીં પરંતુ તેમની ક્ષમતાની ચર્ચા કરે.

તઓ અન્ય માં-બાપને પણ સલાહ આપે છે કે બાળક પાસેથી અપેક્ષા રાખતાં પહેલાં તેમને સક્ષમ બનાવવામાં મદદ કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો