ટી-20માં ચાર ઓવરમાં એક પણ રન આપ્યા વિના ઝડપી દસ વિકેટ

ઝહીર ખાન, જસપ્રીત બૂમરાહ, બ્રેટ લી અને શોએબ અખ્તરની પેસ બોલિંગ નિહાળીને મોટા થયેલા રાજસ્થાનના 15 વર્ષના આકાશ ચૌધરીએ ટી-20 મેચમાં એક પણ રન આપ્યા વિના દસ વિકેટ ઝડપવાનો વિક્રમ સર્જ્યો છે.

એ મેચ જયપુરમાં બુધવારે રમાઈ હતી. જેમાં આકાશ દિશા ક્રિકેટ એકેડમીની ટીમમાંથી રમ્યો હતો.

એ મેચમાં દિશા એકેડમીએ પહેલાં બેટિંગ કરી હતી અને 156 રન નોંધાવ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

એ પછી પર્લ એકેડમીની ટીમની બેટિંગ આવી. આકાશે પર્લ એકેડમીની આખી ટીમને 36 રનમાં આઉટ કરી દીધી હતી.

આકાશે કઈ રીતે ઝડપી વિકેટો?

આકાશે તેની પહેલી ઓવરમાં બે વિકેટો ઝડપીને પોતાની વેધક બોલિંગ વડે પર્લ એકેડમીની ટીમ પર ધાક જમાવવાનું શરૂ કર્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં આકાશે કહ્યું હતું, ''પહેલી ઓવરમાં મેં બે વિકટો ઝડપી હતી.

બીજી અને ત્રીજી ઓવરમાં પણ બે-બે વિકેટો ઝડપી હતી.

છેલ્લી ઓવરમાં ચાર વિકેટો ઝડપી હતી, જેમાં એક હેટ્રિકનો સમાવેશ થાય છે.

મેં છ ખેલાડીઓને બોલ્ડ અને ચારને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા.''

ક્રિકેટનો જબરો શોખીન

આકાશે કહ્યું હતું, ''મેં અત્યાર સુધીમાં 15થી વધુ વખત એક મેચમાં પાંચ વિકેટો અને ઘણી મેચોમાં સાત વિકેટો ઝડપી છે.

હું આખો દિવસ ક્રિકેટમય હોઉં છું. સવારે છ વાગ્યાથી એક સેશન શરૂ થાય છે. એ પછી ફીલ્ડિંગની પ્રેકટિસ કરું છું.

લંચ બાદ બપોરે ત્રણ વાગ્યાથી નેટ પ્રેકટિસ શરૂ થાય છે.''

શોએબ અખ્તર પસંદ, પણ તેની કોપી નહીં કરવાની

આકાશે કહ્યું હતું, ''મને શોએબ અખ્તર, જસપ્રીત બૂમરાહ અને બ્રેટ લીની બોલિંગ બહુ ગમે છે, પણ હું તેમની કોપી નથી કરતો.

કોઈની કોપી કરીએ તો આપણે આપણા રોલ મોડેલ જેવા પણ ન બની શકીએ અને જેવા બનવા ઈચ્છતા હોઈએ એ પણ ન બની શકીએ.''

ફૂલ પેકેજ બોલર

આકાશ સાથે રમતા પાર્થ ઉપાધ્યાયે બીબીસીને કહ્યું હતું, ''આકાશ આટલી નાની વયે શાનદાર બોલિંગ કરી રહ્યો હોવાથી એ રણજી ટ્રોફી રમશે એવી આશા છે.

સામાન્ય રીતે બોલરોનું મોટું હથિયાર સ્ટોપ બોલ હોય છે, પણ આકાશ ઈન સ્વીંગ અને આઉટ સ્વીંગ બન્ને કરી શકે છે.

ટી-20 માટે આકાશ ઘણો પ્રતિભાશાળી બોલર છે, કારણ કે એ સ્લોઅર વન અને કટર જેવા બોલ પણ ફેંકી શકે છે.''

બીબીસી સાથે વાત કરતાં આકાશના કોચ વિવેક યાદવે કહ્યું હતું, ''આકાશમાં ગજબની પ્રતિભા અને પોતાની ગેમને બહેતર બનાવવા માટે વધુ મહેનત કરવાનો જુસ્સો છે.''

વિવેક યાદવે કહ્યું હતું, ''આકાશ રોજ આઠ કલાક પ્રેકટિસ કરે છે. મહેનત કરવાનો તેનો જુસ્સો જોવાલાયક છે.

તેની વય માત્ર પંદર વર્ષની છે, પણ એ સરેરાશ 130 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે બોલિંગ કરે છે.''

ચુસ્ત ડાયેટ પ્લાન

વિવેક યાદવે કહ્યું હતું, ''આકાશને કંઈ કહેવું પડતું નથી.

આકાશ શારીરિક રીતે ઘણો સ્વસ્થ છે અને તેનો બાંધો ખડતલ રમતવીર જેવો છે.''

પાર્થ ઉપાધ્યાયે કહ્યું હતું, ''આકાશ અત્યંત ચુસ્ત ડાયેટ પ્લાનને ફોલો કરે છે.

અમે લોકો અન્ય શહેરોમાં મેચ રમવા જઈએ છીએ ત્યારે પણ આકાશ તેના ડાયેટને મેઈન્ટેઈન કરે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો