ક્રિકેટર મોહમ્મદ શમીને આ કારણસર થઈ શકે છે જેલ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિરુદ્ધ તેમના પત્નીની ફરિયાદ બાદ કોલકાતા પોલીસે તેમની સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે.

પોલીસનું કહેવું છે કે 27 વર્ષીય ખેલાડી પર હત્યાનું કાવતરું અને ધમકી સહિતની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વળી બીસીસીઆઈ દ્વારા આઠ માર્ચે જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ટીમના કરારબદ્ધ ખેલીડીઓની યાદીમાં શમીને સામેલ નથી કરવામાં આવ્યા.

તેમણે આ સપ્તાહમાં જ પોતાની પત્નીના આરોપોને રદિયો આપ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

શમી 2012થી ક્રિકેટના દરેક ફોર્મેટમાં રમી ચૂક્યા છે. જેમાં ભારત તરફથી તેમણે કુલ 87 વખત મેચ રમી છે.

આ ખેલાડી વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તે જો પુરવાર થાય, તો તેમને દસ અથવા તેનાથી પણ વધુ વર્ષ માટે જેલની સજા થઈ શકે છે.

આ છે આરોપ

શમીના પત્ની હસીન જહાંએ સપ્તાહની શરૂઆતમાં તેમની પર લગ્નેત્તર સંબંધ રાખવાનો અને ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો.

ગયા મંગળવારે હસીને લગ્નના ચાર વર્ષમાં કથિતરૂપે શમીએ વિવિધ મહિલાઓને જે સંદેશા મોકલ્યા હતા તેને ફેસબુક એકાઉન્ટ પર મૂકી દીધા હતા.

તેમના આરોપ હતા કે શમીને કેટલીક મહિલાઓ સાથે પ્રેમ સંબંધો રહ્યા છે અને શમી તેમનું સતત શારીરિક-માનસિક શોષણ કરે છે.

બીજી તરફ શમીએ આ આરોપોનો ઇન્કાર કરી બાબતને એક ષડયંત્ર ગણાવ્યું અને તેમને બદનામ કરવાની કોશિશ થઈ રહી હોવાનો દાવો કર્યો.

તેમણે ટ્વીટ કર્યું, "મારા અંગત જીવન વિશે જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ ખોટું છે."

શમીના મોટા ભાઈ વિરુદ્ધ હસીને બળાત્કારની પણ ફરિયાદ પણ કરી છે.

ક્રિકેડ બોર્ડનું વલણ

બીબીસીઆઈની નિરીક્ષણ સમિતિએ કહ્યું કે આરોપોને પગલે તેઓ દુવિધામાં છે.

સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે ક્રિકેટ બેવસાઈટ ઇએસપીએન ક્રિકઇન્ફોને જણાવ્યું, "સામાન્યરીતે આપણે ભેદ કરતા હોઈએ છીએ કે આ એક વ્યક્તિગત મુદ્દો છે અને કરાર વ્યવસાયિક મુદ્દો છે."

"પરંતુ કોઈ પણ વ્યક્તિ સવાલ કરી શકે છે અને કહી શકે છે કે આરોપો ગંભીર છે અને તો પણ તમે તેમને પુરસ્કૃત કરી રહ્યા છો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો