ભારતની આ છોકરીએ એવું નિશાન લીધું કે બની ગઈ 'ગોલ્ડન શૂટર'

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મનુ 18 વર્ષની થશે ત્યાં સુધીમાં મારી નોકરી તો છૂટી જ સમજો."

મેક્સિકોમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડ કપમાં ભારત માટે બે સુવર્ણચંદ્રક જીતી લાવેલી મનુ ભાકરના પિતા રામકિશન આ શબ્દો કહીને જોરથી હસી પડે છે.

રામકિશન ભાકર કહે છે, "હું વ્યવસાયે મરીન એન્જિનિયર છું, પણ છેલ્લાં બે વર્ષમાં માત્ર ત્રણ મહિના માટે શિપ પર ગયો છું."

રામકિસન ભાકરના હાસ્યમાં એક ગર્વનો અહેસાસ હતો પણ નોકરી છૂટવાનો રંજ જરાય ન હતો.

સૌથી નાની વયની મહિલા ખેલાડી

મનુએ પહેલો ગોલ્ડ 10 મીટર એર પિસ્તોલ (મહિલા) કેટેગરીમાં જીત્યો છે અને બીજો ગોલ્ડ 10 મીટર એર પિસ્તોલ (મિક્સ ઇવેન્ટ) હાંસલ કર્યો છે.

16 વર્ષની મનુએ એક દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતીને નવો વિક્રમ સર્જ્યો છે. તે આવો વિક્રમ સર્જનારી સૌથી નાની વયની મહિલા ખેલાડી છે.

રામકિશન ભાકરે બીબીસી સાથેની વાતચીતમાં તેમની નોકરી છૂટવાનું કારણ પણ જણાવ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર, અનેક રમતોમાં હાથ અજમાવ્યા બાદ મનુએ 2016માં શૂટિંગ એટલે કે નિશાનબાજીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો.

વયની સમસ્યા

સ્કૂલની એક સ્પર્ધામાં મનુએ પહેલીવાર ભાગ લીધો અને સચોટ નિશાન લગાવ્યું ત્યારે તેના ટીચર્સ દંગ થઈ ગયા હતા.

એ પછી થોડી પ્રેકટિસ તથા ટ્રેનિંગ બાદ ઠેકઠેકાણે યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો સિલસિલો શરૂ થયો હતો.

સમસ્યા એ હતી કે મનુ લાયસન્સવાળી પિસ્તોલ સાથે જાહેર પરિવહનના વાહનોમાં પ્રવાસ કરી શકતી ન હતી.

એ ઉપરાંત સગીર વયની હોવાને કારણે મનુ કાર ચલાવીને શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા પણ જઈ શકતી ન હતી.

આ સમસ્યાનું નિરાકરણ રામકિશન ભાકરે આગવી રીતે કર્યું હતું.

દીકરી માટે નોકરી છોડી

દીકરીનાં સપનાં સાકાર કરવા માટે રામકિશન ભાકરે પોતાનાં સપનાં સાકાર કરવાનું છોડી દીધું હતું.

રામકિશન ભાકર છેલ્લા દોઢ વર્ષથી નોકરી છોડીને દીકરી સાથે દરેક સ્પર્ધામાં જાય છે.

રામકિશન ભાકર કહે છે, "શૂટિંગ બહુ મોંઘી ઇવેન્ટ છે. એક-એક પિસ્તોલ ખરીદવા માટે બબ્બે લાખ રૂપિયા ખર્ચવા પડે છે."

"અમે અત્યાર સુધીમાં મનુ માટે ત્રણ પિસ્તોલ ખરીદી છે. વર્ષમાં લગભગ દસ લાખ રૂપિયા અમે માત્ર મનુની ગેમ માટે ખર્ચીએ છીએ."

નોકરી નથી તો પૈસાની વ્યવસ્થા કઈ રીતે કરો છો, એવા સવાલના જવાબમાં તેઓ કહે છે, "ક્યારેક દોસ્તો અને ક્યારેક સગાસંબંધીઓ પાસેથી મદદ મળી રહે છે."

મનુનો પરિવાર

મનુના મમ્મી સ્કૂલમાં ટીચર છે. પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમની થોડી મદદ મળી રહે છે.

હરિયાણાના જજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં રહેતી મનુના મોટાભાઈ હાલ આઈઆઈટી માટે તૈયારી કરી રહ્યા છે.

બહુ ઓછા લોકો જાણે છે કે જે પિસ્તોલ વડે નિશાન તાકીને મનુએ ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા છે એ પિસ્તોલનું લાઇસન્સ મેળવવા માટે મનુએ અઢી મહિના સુધી રાહ જોવી પડી હતી.

ખેલાડીઓને સામાન્ય રીતે એ લાઇસન્સ એક સપ્તાહમાં મળી જતું હોય છે.

વિદેશી પિસ્તોલ

એ ઘટનાને યાદ કરતાં રામકિશન ભાકર કહે છે, "2017ના મે મહિનામાં મેં વિદેશથી પિસ્તોલ મંગાવવા માટે અરજી કરી હતી, પણ જજ્જરના જિલ્લા વહીવટીતંત્રે મારી અરજી રદ્દ કરી હતી."

એ પછી આ મામલો મીડિયામાં ચમક્યો હતો. એ પછી ખબર પડી હતી કે અરજી કરતી વખતે લાઇસન્સની જરૂરિયાતના કારણમાં 'સેલ્ફ ડિફેન્સ' એવું લખવામાં આવ્યું હતું.

ત્યાર બાદ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ મામલાની તપાસ કરવામાં આવી હતી અને સાત દિવસમાં લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

રમતગમતમાં અગ્રેસર મનુને ભણવામાં પણ બહુ રસ છે. હાલ એ જજ્જરની યુનિવર્સલ સ્કૂલમાં ઇલેવન્થ-સાયન્સમાં અભ્યાસ કરી રહી છે.

મનુનું સપનું ડૉક્ટર બનવાનું પણ હતું પરંતુ શૂટિંગમાં બબ્બે ગોલ્ડ મેળવ્યા બાદ હવે મનુને અહેસાસ થઈ ગયો છે કે અભ્યાસ અને રમતગમત એકસાથે કરી શકાય નહીં.

જોકે, અભ્યાસમાં વિક્ષેપ ન પડે એ માટે મનુને તેની સ્કૂલ તરફથી ઘણી મદદ મળી છે.

'ઓલરાઉન્ડર'

મનુને સ્કૂલમાંના તેના દોસ્તો 'ઓલરાઉન્ડર' કહીને બોલાવે છે કારણ કે મનુએ બૉક્સિંગ, એથ્લેટિક્સ, સ્કેટિંગ, જૂડો, કરાટે એમ જાતજાતની રમતોમાં હાથ અજમાવ્યો છે.

તેથી મનુએ પિસ્તોલ ખરીદવા માટે પહેલીવાર જીદ કરી ત્યારે તેના પપ્પાએ સવાલ કર્યો હતો કે કમસેકમ બે વર્ષ તો શૂટિંગમાં ભાગ લઈશ ને?

જોકે, મનુ તરફથી કોઈ નક્કર ખાતરી મળી ન હતી. છતાં રામકિશન ભાકરે દીકરીને પિસ્તોલ ખરીદી આપી હતી.

એ સમયને યાદ કરતાં રામકિશન ભાકર ભાવુક થઈ જાય છે.

રામકિશન ભાકર કહે છે, "આ વર્ષે 24 એપ્રિલે મનુને શૂટિંગની એક સ્પોર્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં બે વર્ષ થશે. એ પહેલાં જ દીકરીએ આટલી મોટી સિદ્ધિ મેળવી છે અને એ સાથે મને મારા સવાલનો જવાબ મળી ગયો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો