You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવ્યાંગ મહિલાઓને રમતે આપ્યું નવજીવન આપ્યું પણ...
દક્ષિણ ભારતનાં ચેન્નઈ શહેરની એક કોલેજના વિશાળ કોર્ટમાં વ્હીલચેરમાં બેઠેલી મહિલાઓ એકમેકને મોટા અવાજે સૂચના આપતી બાસ્કેટબોલ રમી રહી છે.
થાઇલેન્ડમાં આ વર્ષના માર્ચમાં યોજાનારી એશિયન પેરા ગેમ્સના ક્વૉલિફાયર્સની ટ્રાયલ્સમાં આ મહિલાઓ ભાગ લઈ રહી છે.
ભારતીય મહિલાઓની વ્હીલચેર બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવવા માટે આ ખેલાડીઓ મહેનત કરી રહી હતી ત્યારે ફોટોગ્રાફર હરિ અદિવારેકરે તેમની સાથે થોડા દિવસો ગાળ્યા હતા.
ભારતીય મહિલાઓની બાસ્કેટબોલ ટીમ આ વખતે પહેલીવાર ઇન્ટરનેશનલ પેરા-ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે.
ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયામાં રમાનારી ફાઇનલ્સ સુધી પહોંચશે તો 2020માં યોજાનારી આગામી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાની તક તેમને મળશે.
નવ દિવસ સુધી ચાલેલી ટ્રાયલ્સમાં મહિલાઓએ રોજના સાત કલાક પ્રેકટિસ કરી હતી.
શારીરિક ક્ષમતા વધારવાની કવાયતના ભાગરૂપે એક પ્લેયર અન્ય ત્રણ ખેલાડીઓને ખેંચે તેવી એક્સર્સાઇઝ પણ કરાવવામાં આવી હતી.
વ્હીલચેરના પૈડાંને દોડતાં રાખવાના પ્રયાસોને કારણે કઠોર અને મલિન થયેલા હાથ વ્હીલચેર બાસ્કેટબોલનો એક ભાગ છે, એવું ખેલાડીઓએ જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ખેલાડીઓ માટે ખાસ પ્રકારના ટૉઇલેટ્સની સુવિધા ન હોવાથી તેમણે મેલા હાથ પાણી ભરેલી બાલદીમાં જ સાફ કરવા પડે છે.
માત્ર નામથી જ ઓળખાવાનું પસંદ કરતાં 16 વર્ષનાં રેખા રાષ્ટ્રીય ટીમ માટેની ટ્રાયલ્સમાં ભાગ લેનારા સૌથી નાની વયનાં ખેલાડી છે.
રેખા એક વર્ષનાં હતાં ત્યારે વિકલાંગ થઈ ગયાં હતાં પણ તેમણે ત્રણ વર્ષની વયથી જ વ્હીલચેરનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.
રેખાને ઊભરતા અને સૌથી ઝડપી ખેલાડી પૈકીનાં એક ગણવામાં આવે છે.
રેખાએ કહ્યું હતું, "અમારા માટે કશું જ અશક્ય નથી."
ભારતીય સૈન્યના નિવૃત ઈજનેર એન્થની પરેરા 68 વર્ષનાં છે અને તેઓ પુરુષો તથા મહિલાઓની વ્હીલચેર બાસ્કેટબોલ ટીમના હેડ કોચ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં એન્થની પરેરા ઘવાયા હતા. તેઓ 1971થી પેરા-એથ્લેટ છે.
એન્થની પરેરાએ કહ્યું હતું, "હું કંઈક કરવા ઇચ્છતો હતો. તેથી બાસ્કેટબોલ પ્લેયર તરીકે મેં નવી ઇનિંગ્ઝ શરૂ કરી હતી."
"મારી વય વધવાની સાથે મને મારા જેવા લોકો માટે કંઈક કરવાની ઇચ્છા થઈ હતી. તેથી મેં કોચિંગ શરૂ કર્યું હતું."
ભારતમાં વ્હીલચેર બાસ્કેટબોલ એક નવી રમત છે. આ માટેના રાષ્ટ્રીય સંઘ - ધ વ્હીલચેર બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રચના 2014માં કરવામાં આવી હતી.
ફેડરેશનનાં પ્રમુખ માધવી લતાએ કહ્યું હતું, "રમતે મારી જિંદગી ઉજાળી છે."
માધવી લતા માને છે કે દિવ્યાંગો માટેની રમતો વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવી જરૂરી છે કારણ કે જાગૃતિના અભાવે દિવ્યાંગોની રમતગમત માટે જરૂરી ભંડોળ પર માઠી અસર થાય છે.
દિવ્યાંગોની રમતગમત માટે જરૂરી ભંડોળના અભાવથી માધવી લતા ચિંતિત છે.
15 સભ્યોની ટીમને થાઇલેન્ડ મોકલવા માટે પ્લેનની ટિકીટ ખરીદવા સાડા ચાર લાખ રૂપિયા એકઠા કરવાના છે. એ નાણાં એકઠા કરવા માટે ફેડરેશન હાલ સંઘર્ષ કરી રહ્યું છે.
પ્રેકટિસમાં વિરામ દરમિયાન ગમ્મતભરી વાતો કરીને તામિલનાડુનાં પ્લેયર્સ હળવા થાય છે.
બાસ્કેટબોલને કારણે મળેલી તક બદલ મહિલા ખેલાડીઓ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે પણ ખેલાડી તરીકે તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.
વ્હીલચેરનો ઉપયોગ કરતાં લોકો માટે ભારતીય હૉટેલ્સ, વાહનો અને ટૉઇલેટ્સમાં આસાન પ્રવેશની સુવિધાનો અભાવ છે.
ફેડરેશન પાસે પર્યાપ્ત ભંડોળ ન હોવાથી આ ખેલાડીઓએ હલકી કક્ષાની સ્પોર્ટ વ્હીલચેર્સનો ઉપયોગ કરવો પડે છે.
અત્યાધુનિક વ્હીલચેર્સ કે તેના ચોક્કસ પુર્જાઓની આયાત કરવાનું બહુ ખર્ચાળ છે.
હિમા કલ્યાણી (ડાબે) અને મનિશા પાટીલ બન્ને કર્ણાટકનાં ખેલાડી છે. તેમણે તેમની હૉસ્ટેલથી બાસ્કેટબોલ કોર્ટ સુધી પહોંચવા માટે એક કિલોમીટર લાંબો પંથ કાપવો પડે છે.
એ માર્ગ પર સંખ્યાબંધ ખાડાઓ છે અને વાહનો પૂરઝડપે દોડતાં હોય છે.
2016ની વસતી ગણતરી અનુસાર ભારતમાં મોબિલિટી સંબંધી અક્ષમતા ધરાવતા આશરે 55 લાખ લોકો છે. તેમાં 21 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે.
34 વર્ષનાં કાર્તિકી પટેલ ટીમનાં કેપ્ટન છે. 2008માં થયેલા કાર એક્સિડેન્ટમાં કાર્તિકીની કરોડરજ્જૂમાં સખત ઇજા થઈ હતી.
કાર્તિકી પટેલે કહ્યું હતું, "એક્સિડેન્ટ પહેલાં પણ હું બાસ્કેટબોલ પ્લેયર હતી પણ મેં શરૂઆત કરી ત્યારે બહુ ઓછી મહિલાઓ બાસ્કેટબોલ રમતી હતી. તેથી હું બૅડ્મિન્ટન રમવા લાગી હતી. ત્યાર બાદ હું બાસ્કેટબોલમાં પાછી ફરી હતી."
વ્હીલચેર બાસ્કેટબોલને કારણે પોતાના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તેની વાતો ખેલાડીઓ, વહીવટકર્તાઓ અને કોચ બધાએ કરી હતી.
આ રમતને લીધે તેઓ સ્વતંત્ર અને સ્વમાનભેર જિંદગી જીવતા થયા છે, પણ કાર્તિકી પટેલે જણાવ્યું હતું કે અમને વધારે સારી વ્હીલચેર્સની જરૂર તો છે જ.
(હરિ અદિવારેકર બેંગલુરુ અને મુંબઈસ્થિત સ્વતંત્ર ફોટોજર્નલિસ્ટ છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો