You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘વાવેતર કરવામાં આવે છે દીકરાઓનું અને ઊગે છે દીકરીઓ’
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
'વાવેતર કરવામાં આવે છે દીકરાઓનું
અને ઊગે છે દીકરીઓ
ખાતર-પાણી દીકરાઓમાં
અને લહેરાય છે દીકરીઓ.'
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોઈ મહિલા ખેલાડી ભારતને વધુ એક મેડલ અપાવે છે કે તરત જ મને નંદકિશોર હટવાલની આ કવિતા આપોઆપ યાદ આવી જાય છે.
ભારત જેવા દેશમાં આવું થવું ખાસ છે, કારણ કે ભારત એ દેશ છે, જ્યાં દીકરાના જન્મની ઇચ્છામાં દીકરીઓ જન્મે છે.
2017-18ના આર્થિક સર્વેક્ષણના અહેવાલ અનુસાર, દેશમાં 2.1 કરોડ 'અવાંછિત' છોકરીઓ જન્મી હતી.
સર્વેક્ષણનો આ અનુમાનિત આંકડો એ છોકરીઓને છે, જે દીકરાના જન્મની ઇચ્છા છતાં જન્મી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે વાવેતર દીકરાનું કરવામાં આવ્યું હતું, પણ જન્મી દીકરી.
એ છોકરીઓ માત્ર જન્મી નહીં, સુંદરતાથી નિખરી પણ છે. દીકરાઓને ખાતર-પાણી આપવામાં આવ્યા છતાં આ દીકરીઓ નિખરી છે.
આ વખતની કોમનવેલ્થ ગેમ્સના અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો મહિલાઓની સામે ભારતીય પુરુષો ફિક્કા લાગે છે.
રિયો ઓલિમ્પિક્સમાં ભારતના હિસ્સામાં બે ચંદ્રક આવ્યા હતા. એ પણ મહિલા ખેલાડીઓને કારણે.
પી. વી. સિંધુએ બેડમિંગ્ટનમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને સાક્ષી મલિકે કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
અગણિત નિયંત્રણો
દીપા કર્માકર જિમ્નાસ્ટિક્સમાં મેડલ જીતી શક્યાં ન હતાં, પણ તેમના શાનદાર પ્રદર્શનથી બધા અભિભૂત જરૂર થઈ ગયા હતા.
એ અગાઉ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ અને 2017ની એશિયન ગેમ્સમાં પણ મહિલા ખેલાડીઓ સામે પુરુષો હાંફતા જણાયા હતા.
અહીં મહિલાઓ અને પુરુષોની તુલના કરવાનો હેતુ નથી. મહિલા હોવા 'છતાં' આટલું બધું કરી શકવા બદલ મહિલાઓને શાબાશી આપવાનો ઉપક્રમ પણ નથી.
આ વાત કરવી એટલા માટે જરૂરી છે કે ભારતમાં સ્ત્રીઓ પર અગણિત નિયંત્રણો છે. તેમની સામે ચારગણા પડકારો છે. બમણું દબાણ છે.
તેમની પાસેથી બમણી અપેક્ષા રાખવામાં આવે છે અને તેમની સાથે ભેદભાવ પણ બમણો આચરવામાં આવે છે.
સ્કૂલના દિવસોની યાદ
ગોલ્ડ કોસ્ટથી મળતા સમાચારોએ મને મારા સ્કૂલના દિવસોની યાદ અપાવી હતી.
મેં ઉત્તર પ્રદેશની એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
સોનભદ્ર જિલ્લાની અમારી સ્કૂલમાં રમવા માટે બે મોટાં મેદાન હતાં, પણ એ બન્નેમાં છોકરાઓ જ રમતા દેખાતા હતા.
તેનું કારણ એ હતું કે છોકરીઓ રમે તે અમારા પ્રિન્સિપાલને પસંદ ન હતું.
ફ્રી પીરિયડમાં છોકરીઓ અભ્યાસ કરતી હતી અથવા તો અંતાક્ષરી રમતી હતી.
માહોલ જ એવો બનાવવામાં આવ્યો હતો કે મેદાનમાં જઈને રમવાનો વિચાર છોકરીઓ કરતી જ ન હતી.
હું પણ એવું કરતી હતી. અમે કદાચ એ ભૂલી ગયાં હતાં કે છોકરાઓ માટે મેદાનમાં જઈને રમવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી અમારા માટે પણ છે.
પાર્વતીનો જુસ્સો
પરિસ્થિતિ હંમેશા આવી રહી નહીં એ સારી વાત છે. થોડા વર્ષો પછી બીજા પ્રિન્સિપાલ આવ્યા હતા અને તેમણે બધું બદલી નાખ્યું હતું.
એ પછી છોકરાઓ અને છોકરીઓ મેદાનમાં સાથે રમતા હતા અને સ્કૂલમાં 'સ્પોર્ટ્સ ડે'ની ઊજવણી કરવામાં આવતી હતી.
છોકરીઓ એક પછી એક ઈનામો જીતવા લાગી તેમ મારી આંખો આશ્ચર્ય અને ખુશીને લીધે પાંપણ પટપટાવવાનું ભૂલી ગઈ હતી.
મારી બેસ્ટ ફ્રેન્ડ પાર્વતીના પીરિયડ્ઝ ચાલતા હતા છતાં એ 100 મીટરની રેસ અને રિલે રેસ જીતી હતી.
મેં વારંવાર અટકાવી છતાં એ દોડી હતી. એટલું જ નહીં, વિજેતા પણ બની હતી.
અત્યારે વિચારું છું કે ટેકો મળ્યો હોત તો પાર્વતી કદાચ ગોલ્ડ કોસ્ટમાં પણ મેડલ જીતી લાવી હોત.
છોકરીઓ ઘરમાં જ રમે
હું જે મહોલ્લામાં રહેતી હતી ત્યાં મેં કોઈ છોકરીને બહાર રમતી જોઈ ન હતી. છોકરીઓ ક્યારેય રમતી જ ન હતી એવું ન હતું.
છોકરીઓ બાળકીઓ હતી ત્યાં સુધી જ રમતી હતી. કિશોરવયની થતાં સુધીમાં છોકરીઓ ઘરકામમાં તેમની મમ્મીઓને મદદ કરવા લાગતી હતી.
ઘરમાં લૂડો અને કેરમ રમવા લાગતી હતી.
મને સ્પોર્ટ્સમાં રસ ન હતો. તેથી મને ખાસ અસર થઈ ન હતી, પણ બીજી ઘણી છોકરીઓને મોટું નુકસાન થયું હતું.
કેટલીક છોકરીઓ કંટાળે ત્યારે ઘરની બહાર બેડમિંગ્ટન રમતી હતી અને આવતા-જતા લોકોને તેમને ઘૂરીને જોતા રહેતા હતા.
એક છોકરાએ તો મારી સામે એવી કમેન્ટ કરી હતી કે આ શું, બેડમિંગ્ટન રમીને સેક્સી દેખાવા ઇચ્છો છો?
પ્રકૃતિદત્ત પ્રક્રિયા
આજે જે છોકરીઓ ચંદ્રકો જીતી રહી છે એ પૈકીની ઘણીએ આવી પરિસ્થિતિનો સામનો કર્યો હશે, પણ તેઓ તેમના પ્રતિસ્પર્ધીઓને આજે હરાવી રહી છે એવી જ રીતે તેમણે એ સંજોગોને હરાવ્યા હશે.
સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે આકરી મહેનત અને સતત પ્રેક્ટિસની જરૂર હોય છે.
દર મહિને પાંચ દિવસના પીરિયડ્ઝ, પ્રેગ્નેન્સી અને એવી બધી કુદરતી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને છોકરીઓ તેમની મંઝિલ પર પહોંચતી હોય છે.
મેરી કોમની વાત
'મેરી કોમ' ફિલ્મ જોઈ હશે તો તમને યાદ હશે કે જોડિયાં બાળકોની માતા બન્યા બાદ મેરી કોમે બોક્સિંગ કરવાનું કઈ રીતે પડતું મૂકવું પડ્યું હતું.
ફિલ્મના એક દૃશ્યમાં તેમના પતિ તેમને કહે છે કે ફરી બોક્સિંગ શા માટે શરૂ નથી કરતી?
તેના જવાબમાં મેરી કોમ સવાલ કરે છે કે મા બન્યા પછી સ્ત્રીનું શરીર કેટલું બદલી જાય છે એ તમે જાણો છો?
આવા અનેક સંઘર્ષ ઉપરાંત સ્ત્રીઓ પરંપરાથી હટીને કોઈ નિર્ણય કરે છે ત્યારે તેમના પર કાબેલિયત સાબિત કરવાનું દબાણ હોય છે.
પુરુષોની માફક ભૂલ કરવાની લક્ઝરી તેમની પાસે નથી હોતી, કારણ કે સ્ત્રીઓ ભૂલ કરે ત્યારે 'અમે તો પહેલાં જ કહ્યું હતું' એવું કહેવા લોકો તૈયાર જ હોય છે.
ખુદને પુરુષોથી બહેતર સાબિત કરવાનું દબાણ પણ તેમના પર હોય છે. સ્ત્રીઓ બમણી મહેનત કરીને એ સાબિત પણ કરે છે કે તેઓ પુરુષોથી ઉતરતી નહીં, બહેતર છે.
પુરુષોની સરખામણીએ મામૂલી ફી
આટઆટલી તકલીફોનો સામનો કર્યા બાદ મહિલા ખેલાડીઓને શું મળે છે? પુરુષ ખેલાડીઓની સરખામણીએ મામૂલી પૈસા.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આગલા દિવસે જ નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમની જાહેરાત કરી હતી.
એ સિસ્ટમ અનુસાર, પુરુષોની ક્રિકેટ ટીમના ટોપ પ્લેયર્સને ફી પેટે સાત કરોડ રૂપિયા મળશે, જ્યારે મહિલા ટીમની ટોપ પ્લેયર્સને 50 લાખ રૂપિયા.
તેનો અર્થ એ થયો કે મહિલાઓની સરખામણીએ પુરુષ ખેલાડીઓને 14 ગણા વધુ નાણાં મળશે.
સ્કર્ટ અને ગ્લેમર
ભેદભાવ માત્ર નાણાં પૂરતો મર્યાદિત નથી. મહિલા ખેલાડી સ્કર્ટ પહેરે તો તેની સામે ફતવો જાહેર કરવામાં આવે છે અને મહિલા ખેલાડીઓ ગ્લેમર વધારવા સ્કર્ટ પહેરતી હોવાનું પણ કહેવામાં આવે છે.
ટેનિસમાં ભારતનું નામ વિશ્વમાં જાણીતું કરનારાં સાનિયા મિર્ઝા સ્કર્ટ પહેરી રમે છે એટલે તેમની સામે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.
'સાનિયા મિર્ઝા કે નથુનિયા જાન મારેલા' (સાનિયા મિર્ઝાની નથણી મારો જીવ લઈ લેશે) જેવાં ગીતો બનાવવામાં આવ્યાં હતાં.
પાકિસ્તાની ક્રિકેટર સાથે સાનિયાએ લગ્ન કર્યાં એટલે તેમની ભારતીયતા બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
બીજી તરફ બેડમિંગ્ટન વર્લ્ડઝ ફેડરેશને આદેશ બહાર પાડ્યો હતો કે મહિલા ખેલાડીઓ શોર્ટ્સ પહેરીને નહીં, સ્કર્ટ પહેરીને રમશે.
આ માટે દલીલ એ હતી કે છોકરીઓ સ્કર્ટ પહેરીને રમશે તો રમતમાં ગ્લેમર આવશે અને ગ્લેમર આવશે તો લોકો બેડમિંગ્ટન નિહાળતા થશે.
પછી વિવાદ થયો એટલે ફેડરેશને એ નિર્ણય પાછો ખેંચ્યો હતો.
આટઆટલા ભેદભાવ અને વિરોધાભાસ પછી પણ મહિલાઓ પુરુષ ખેલાડીઓને પછાડી રહી હોય તો વિચારવા જેવી વાત એ છે કે બરાબરીના માહોલમાં મહિલાઓ શું કરી દેખાડશે?
ભણવામાં પણ સ્માર્ટ
સ્પોર્ટ્સ જ શા માટે, ભણવામાં પણ છોકરાઓની સરખામણીએ છોકરીઓ વધારે સ્માર્ટ છે.
દર વર્ષે બોર્ડ એક્ઝામનું પરિણામ જાહેર થાય છે અને 'છોકરીઓએ ફરી મેદાન માર્યું' એવી હેડલાઇનો અખબારોમાં જોવા મળે છે.
આ સંબંધે ફેસબૂક પર થોડા વર્ષો પહેલાં જોયેલી એક મીમ યાદ આવે છે.
તેમાં એક છોકરો પૂછતો હતો કે એપલના સીઈઓ (ટીમ કૂક) પુરુષ છે, ફેસબૂકની સીઈઓ (માર્ક ઝકરબર્ગ) પુરુષ છે અને ગૂગલના સીઈઓ (સુંદર પિચાઈ) પણ પુરુષ છે તેમ છતાં છોકરીઓ ટોચ પર પહોંચવાની મહેનત શા માટે કરે છે?
તેના જવાબમાં એક છોકરીએ લખ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેન્કનાં સીઈઓ (ચંદા કોચર) મહિલા છે, એક્સિસ બેન્કનાં સીઈઓ (શિખા શર્મા) મહિલા છે અને એસબીઆઈનાં ચેરપર્સન (અરુંધતી ભટ્ટાચાર્ય) પણ મહિલા છે, જે પુરુષોને લોન આપે છે.
એ મીમ ઇન્ટરનેટ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી હતી અને એ બાબતે જોરદાર ચર્ચા પણ થઈ હતી.
પુરુષ અને સ્ત્રીની તુલના
પુરુષોના જીવનમાં કોઈ તકલીફ કે મુશ્કેલી જ નથી એવું પણ નથી.
તેમની જિંદગીમાં તેમના પોતાના પડકારો છે, પણ નિષ્પક્ષ રીતે વિચારીએ તો એ સ્વીકારવામાં તકલીફ નહીં થાય કે મહિલાઓ સામે વધુ પડકારો છે.
તેથી મહિલાઓની દરેક જીત, દરેક સિદ્ધિ ખાસ પણ છે.
આ બધી વાતો પછી એક જરૂરી સવાલ એ છે કે મહિલાઓની સફળતાની તુલના પુરુષો સાથે કરવી જ શા માટે જોઈએ? એ સફળતા પોતાની રીતે પૂરતી નથી?
એ સરખામણી જરૂરી છે, કારણ કે આપણા સમાજમાં મહિલાઓને આજે પણ ઉતરતી ગણવામાં આવે છે.
સરખામણી બિનજરૂરી લાગે એવા સ્તરે ભારતીય સમાજ કમનસીબે પહોંચ્યો નથી, પણ જે રીતે છોકરીઓ આગળ વધી રહી છે તેને ધ્યાનમાં લેતાં લાગે છે કે એ સમય આવવામાં બહુ વાર નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો