11 વર્ષે નિર્દોષ છૂટનારા અસીમાનંદ કોણ છે?

હૈદરાબાદની એક સ્થાનિક કોર્ટે 11 વર્ષ પહેલા થયેલા મક્કા મસ્જિદ બ્લાસ્ટના તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.

18 મે, વર્ષ 2007માં અહીંના ચાર મિનાર વિસ્તારમાં આવેલી મક્કા મસ્જિદના વજુખાનામાં આ વિસ્ફોટ થયો હતો. જેમાં 16 લોકો મૃત્યુ પામ્યા હતા.

આમાં એ પાંચ લોકો પણ સામેલ હતા કે જેમનાં મૃત્યુ વિસ્ફોટની ઘટના બાદ થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં થયા હતા.

શરૂઆતમાં આ વિસ્ફોટ પાછળ અંતિમવાદી સંગઠન હરકતુલ જમાત-એ-ઇસ્લામી એટલે કે હુજી પર શંકાની સોય તાકવામાં આવી હતી.

તપાસ અંતર્ગત 50થી વધુ મુસ્લિમ યુવકોની અટકાયત પણ કરાઈ હતી.

'અભિનવ ભારત'

આંધ્ર પ્રદેશમાં આતંકવાદી વિરોધી દળ સહિત નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી(એનઆઈએ) અને સીબીઆઈએ મામલાની અલગ અલગ તપાસ કરી હતી.

જોકે, ત્રણ વર્ષ બાદ એટલે કે 2010માં પોલીસે 'અભિનવ ભારત' નામના સંગઠન સાથે સંકળાયેલા સ્વામી અસીમાનંદની ધરપકડ કરી.

પણ, ધરપકડ બાદ અસીમાનંદે એવું નિવેદન આપ્યું કે સૌ ચોંકી ગયા.

શું તમે આ વાંચ્યું?

તેમણે વિસ્ફોટ મામલે પકડવામાં આવેલા મુસ્લિમ યુવકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે એ તમામ નિર્દોષ છે.

આ મામલે ધરપકડ કરાયેલા યુવકો જાગીરદાર, અબ્દુલ નઇમ, મોહમ્મદ ઇમરાન ખાન, સઇદ ઇમરાન, જુનૈદ અને રફિઉદ્દીન અહમદને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

કોણ છે અસીમાનંદ?

પોલીસના દાવા અનુસાર અસીમાનંદ મૂળ પશ્ચિમ બંગાળના હુબલીના રહેવાસી છે.

ઉચ્ચ શિક્ષણ મેળવનારા અસીમાનંદનું મૂળ નામ નબકુમાર હતું.

વર્ષ 1990મથી 2007 સુધી તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા 'વનવાસી કલ્યાણ આશ્રમ'ના પ્રાંત પ્રચારક હતા.

તેઓ લગભગ બે દાયકા સુધી મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સક્રીય રહ્યા. તેમણે પુરૂલિયામાં પણ કામ કર્યું છે.

પોલીસના મતે, અસીમાનંદ વર્ષ 1995માં ગુજરાતના ડાંગ જિલ્લાના વડા મથક આહવા આવ્યા હતા અને હિંદુ સંગઠનો સાથે 'હિંદુ ધર્મ જાગરણ અને શુદ્ધિકરણ' નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.

અહીં જ તેમણે શબરીનું મંદિર બાંધ્યું અને શબરીધામની સ્થાપના પણ કરી.

વિસ્ફોટમાં નામ

પોલીસનો દાવો છે કે આ એ જ શબરીધામ છે કે જ્યાં અસીમાનંદે વર્ષ 2006માં વિસ્ફોટ પહેલાં શબરી કુંભનું આયોજન કર્યું હતું.

વિસ્ફોટમાં સામેલ લોકો એ કુંભમાં શબરીધામમાં 10 દિવસ સુધી રોકાયા હતા.

અંતિમવાદી ઘટનાઓમાં તેમનું નામ પ્રથમ વખત ત્યારે આવ્યું કે જ્યારે અજમેર દરગાહ વિસ્ફોટ કેસમાં દેવેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરાઈ.

વર્ષ 2014માં અસીમાનંદનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું કે જ્યારે 'ધ કારવાં' સામયિકે જેલમાં જઈને તેમનો ઇન્ટરવ્યૂ કર્યો.

ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું અને બાદમાં પલટ્યા

સામયિકે દાવો કર્યો હતો કે વર્તમાન સરસંઘ ચાલક મોહન ભાગવત સહિત આરએસએસના ટોચના નેતૃત્વએ ચરમપંથી હુમલા માટે લીલી ઝંડી આપી હતી.

જોકે, અસીમાનંદે આ વાતનું ખંડન કર્યું હતું પણ સામયિકે તેમના ઇન્ટરવ્યૂની ઑડિયો ટૅપ જાહેર કરી હતી.

તેમના પર વર્ષ 2006થી 2008 દરમિયાન ભારતના કેટલાય સ્થળોએ બૉમ્બ વિસ્ફોટ કરાવવાનો આરોપ લાગ્યો હતો.

અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ મામલે તેમને ઑગષ્ટ 2014માં જામીન મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો