You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભારતની આરોગ્ય સુવિધાનો અભાવ 'મોદીકૅર'થી દૂર થશે?
- લેેખક, દેવીના ગુપ્તા
- પદ, બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ, દિલ્હી
આ વર્ષની 15મી ઑગસ્ટે હરિયાણાની કલ્પના ચાવલા ગર્વનમેન્ટ મેડિકલ કૉલેજમાં કરિશ્મા નામની બાળકીનો જન્મ થયો હતો. કરિશ્માનાં મમ્મી પુષ્પા ભારતની નવી આરોગ્ય વીમા યોજનાનો લાભ લેનારી પ્રથમ પ્રસૂતા બન્યાં હતાં.
હરિયાણા રાજ્યમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી યોજનામાં નોંધણી કરાવનારા પરિવારોમાં પુષ્પાના પરિવારનો પણ સમાવેશ થતો હતો.
પુષ્પાએ બીબીસીને જણાવ્યું, "મારા પ્રથમ બાળકનો જન્મ ખાનગી હૉસ્પિટલ થયો હતો. તે વખતે નિદાન, દવાઓ અને ડૉક્ટરની ફી પાછળ અમારે દોઢ લાખનો ખર્ચ કરવો પડ્યો હતો."
પણ આ વખતે બાળકના જન્મ પહેલાં મેં વીમા યોજના માટેનું ફોર્મ ભરી દીધું હતું. મારી પ્રસૂતિ દરમિયાન સરકારી હૉસ્પિટલમાં અમારે કશી ચૂકવણી કરવી પડી નહોતી,
સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે કોઈ ફી લેવામાં આવતી નથી, પણ પરિવારે દવા, આવવા-જવાનો ખર્ચ તથા બાદમાં શિશુની સંભાળનો ખર્ચ ભોગવવો પડતો હોય છે.
પણ આ પોલીસી હેઠળ પુષ્પાએ કોઈ જ ખર્ચ કરવાનો નહોતો. તેની જગ્યાએ સરકારના મોદીકૅર ભંડોળમાંથી 9000 રૂપિયા હૉસ્પિટલને ચૂકવી દેવાયા હતા.
"અમે સિસ્ટમમાં અમારી વિગતો અપલૉડ કરી એ સાથે જ અમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા હતા.''
''આયુષ્યમાન ભારત ટીમ સતત અમારું ફૉલૉઅપ લઈ રહી હતી. સરકાર અમને વાર્ષિક ફંડ આપતી હતી, તેનાથી આ અલગ જ રીત હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો અમને સર્જરી માટેનો ખર્ચ પણ સાથે આપી દેવાય તો એનાથી અમે દર્દીઓને વધારે સારી સારવાર આપી શકીશું,' એમ ડૉ. સુરેન્દ્ર કશ્યપ કહે છે.
તેઓ કલ્પના ચાવલા ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના ડિરેક્ટર છે.
તમે આ વાંચ્યું કે નહીં?
1995ને યાદ કરો. ભારતીય સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો.
અબરખના કારખાનામાં કામ કરતાં કામદારોને વ્યવસાય લક્ષી આરોગ્યની સમસ્યા થતી હતી તે વિશે આ ચુકાદો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે આરોગ્ય અને તબીબી સુવિધા મેળવવી એ બંધારણીય અધિકાર છે.
હવે 23 વર્ષ આગળ વધીને 2018ની વાત કરો. ભારત સૌથી મોટી મહત્ત્વાકાંક્ષી આરોગ્ય યોજના શરૂ કરી રહ્યું છે. બે છેડા ભેગા કરવા મુશ્કેલ હોય તેવા લોકોને પણ સારામાં સારી સારવાર મળે તેવા હેતુ સાથેની આ યોજના છે.
નવા જાહેર થયેલા આયુષ્યમાન ભારત મિશન - નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન - હેઠળ ભારત સરકારે 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' શરૂ કરી છે.
'મોદીકૅર' તરીકે પ્રચારિત કરાઈ રહેલી આ યોજના હેઠળ દેશની 40 ટકા વસતિને આવરી લેવાની યોજના છે.
અગાઉથી ચાલતી કેન્દ્રની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના અને જુદાજુદા રાજ્યોમાં ચાલતી આરોગ્યલક્ષી યોજનાઓને આમાં સમાવી લેવામાં આવશે.
શું છે આ વીમા યોજના?
દેશના 50 કરોડ ગરીબ લોકોને આ યોજના હેઠળ વર્ષે પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે. 2011ની સામાજિક આર્થિક અને જ્ઞાતિ વસતિ ગણતરી (SECC) હેઠળ લાભકર્તાની પસંદગી કરવામાં આવી છે.
બધા જ ડેટાને ઓનલાઇન એકઠા કરી લેવામાં આવ્યા છે અને આ યોજનામાં પૅનલમાં જોડાયેલી 8000 હોસ્પિટલો સાથે તે ડેટા શેર પણ કરવામાં આવ્યા છે.
આ યોજનામાં સહભાગી બનેલી દરેક હૉસ્પિટલમાં 'આયુષ્યાન કેન્દ્ર' ખોલવામાં આવ્યાં છે.
આર્થિક રીતે નબળા વર્ગના લોકો આ કેન્દ્રમાં જઈને ઓળખનો પુરાવો આપે, એટલે કેન્દ્રના અધિકારી SECC ડેટામાં તેમનું નામ છે કે કેમ તેની ચકાસણી કરશે.
જો ડેટામાં તેમનું નામ હશે તો તેમને આયુષ્યમાન કાર્ડ અથવા તો ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે. લાભકર્તા પોતાના પરિવારના સભ્યોના નામ કૅશલેસ સારવાર માટે પણ નોંધાવી શકે છે.
આ પોલીસીમાં સર્જરી, કૅન્સર, બૉન ઇમ્પ્લાન્ટ સહિતના 1350 પૅકેજને સમાવી લેવાયા છે.
જોકે, સામાન્ય તાવ, ફ્લુ વગેરેની સારવાર કે જેમાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર ના પડી હોય, તેમાં આ કાર્ડ હેઠળ કોઈ લાભ મળશે નહીં.
આ યોજનાનો ખર્ચ કોણ ભોગવે છે?
કેટલાક રાજ્યોએ નૉન-પ્રૉફિટ ટ્રસ્ટ ઊભાં કર્યા છે, જેમાં પોતાના બજેટમાં આરોગ્ય માટે ફાળવાતી રકમને ટ્રાન્સફર કરી છે.
કેન્દ્ર સરકાર તેમાં 60 ટકા જેટલો ફાળો આપશે. લાભકર્તાની સારવાર હૉસ્પિટલમાં થાય ત્યારે આ ટ્રસ્ટમાં જમા થયેલી રકમમાંથી સીધી હૉસ્પિટલને ચૂકવણી કરવામાં આવશે.
બીજું એક મોડેલ એવું છે, જેમાં રાજ્ય સરકાર ખાનગી વીમા કંપની સાથે ભાગીદારીમાં યોજના કરી શકે છે.
કેટલાક રાજ્યોએ આ બંને મોડલ અપનાવ્યાં છે. જેમાં નાની રકમ ચૂકવવાની આવશે, તે ખાનગી વીમા કંપનીઓ ચૂકવશે, જ્યારે બાકીની ચૂકવણી સરકારી ટ્રસ્ટના ફંડમાંથી થશે.
શું હૉસ્પિટલો ધસારાને પહોંચી શકશે?
સરકારનો દાવો છે કે આ યોજનાને કારણે ગરીબ લોકો માટે સરકારી અને ખાનગી હૉસ્પિટલોની 2.65 પથારીઓ ઉપલબ્ધ થશે, પણ શું વાસ્તવિકતામાં તેવું શક્ય બનશે ખરું?
"અમારી ધારણા છે કે દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો થશે અને તેના કારણે ચોક્કસ અમારે વધારે ડૉક્ટર્સ અને સ્ટાફની જરૂર પડશે.''
હૉસ્પિટલમાં પથારીઓ પણ મર્યાદિત સંખ્યામાં છે, તેથી બધા દર્દીઓને કેવી રીતે દાખલ કરી શકીશું?" એવો સવાલ KCGMCના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જગદીશ દુરેજા પૂછી રહ્યા છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આ વર્ષે જૂનમાં જાહેર કરેલા ડેટા પ્રમાણે દેશમાં દર 11,082 લોકોએ માત્ર એક ઍલૉપથી ડૉક્ટર છે અને દર 1844 લોકો વચ્ચે એક જ પથારી છે.
જ્યારે દર 55,591 લોકો વચ્ચે એક જ સરકારી હૉસ્પિટલ છે.
મોટા ભાગના ડૉક્ટરો ખાનગી મોંઘી હૉસ્પિટલો સાથે જોડાઈ ગયા છે, જ્યાં સારવાર લેવી ગરીબો માટે શક્ય નથી.
અત્યાર સુધીમાં માત્ર 4000 ખાનગી હૉસ્પિટલોએ મોદીકૅર માટે નોંધણી કરાવી છે.
મોટા ભાગની હૉસ્પિટલ સર્જરી માટે નક્કી કરવામાં આવેલી ઓછી રકમથી નાખુશ છે અને તેથી યોજનામાં જોડાઈ રહી નથી.
'ખાનગી પ્રૅક્ટિશનર તરીકે અમારે માત્ર સર્જરી વખતે જરૂર પડે તે વસ્તુનો જ ખર્ચ નથી કરવાનો હતો.''
''અમારે ઉપકરણો, તેની જાળવણી, માણસોના પગાર, મકાનનું ભાડું વગેરે પાછળ પણ ખર્ચ કરવો પડતો હોય છે.''
આ બધાની ગણતરી કરીએ તો હાલમાં સર્જરી માટે જે પૅકેજ આપવામાં આવ્યું છે તે પરવડે તેવું નથી', એમ મુંબઈની આઈ ઍન્ડ આય (Eye and I) હૉસ્પિટલના સ્થાપક ડૉ. ધવલ હરિયા કહે છે.
ભવિષ્યમાં વધુ ખાનગી હૉસ્પિટલોને આ યોજનામાં જોડી શકાય તે માટે પેકેજના દર માટે પુનઃવિચાર કરવા પોતે તૈયાર છે એમ સરકારે જણાવ્યું છે.
"50 કરોડ લોકો એટલે અમેરિકા, કેનેડા અને મૅક્સિસોની કુલ વસતિ થઈ. તેથી આંકડાની દૃષ્ટિએ બહુ મહત્ત્વાકાંક્ષી યોજના છે.''
''ભૂતકાળમાં આપણે ક્યારેય ના કર્યું હોય તેનાથી મોટું આ કાર્ય છે. ખાનગી હૉસ્પિટલોમાં ઘણી બધી વધારાની ક્ષમતા ઉપલબ્ધ હોય છે.''
''તે લોકોએ મોટી સંખ્યામાં દર્દીઓ આવશે, તેથી ઓછા દરે પણ સારું વળતર મળે તેની ગણતરી કરવી જોઈએ.''
''અમારા દરોમાં તે બાબતની ગણતરી કરવામાં આવી છે. દરોની બાબતમાં કેટલીક ફરિયાદો મળી છે અને અમે તે વિશે તપાસ કરી રહ્યા છીએ.''
''અમારા પાસે પૂરતા પ્રમાણમાં ડેટા આવી જશે તે પછી ભવિષ્યમાં દરો વિશે પણ અમે નવેસરથી વિચારીશું", એમ આયુષ્યમાન ભારતના સીઈઓ ઇન્દુ ભૂષણે બીબીસીને જણાવ્યું હતું.
બીજા કયા દેશોમાં આવી યોજના?
બીજા દેશો કરતાં એક ફરક વસતિના કયા લોકોને આવરી લેવાયા તેનો છે.
દાખલા તરીકે યુકેમાં બધા જ નાગરિકોને 'નેશનલ હેલ્થ સર્વિસ'માં આવરી લેવાયા છે અને સરકારી હૉસ્પિટલોમાં મોટા ભાગની સારવાર મફતમાં થાય છે. પરંતુ ભારતમાં માત્ર ગરીબોને જ તેમાં આવરી લેવાયા છે.
અમેરિકામાં 'ઓબામાકૅર' શરૂ થઈ ત્યારે તેમાં દરેક નાગરિક માટે વીમો ફરજિયાત બનાવાયો હતો.
બાદમાં સરકાર નાગરિકોને પ્રિમિયમ ચૂકવીને તેમાં રાહત આપતી હતી. હાલમાં આ વ્યવસ્થા વિશે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે.
તેના કારણે ચૂકવવા પડતા પ્રિમિયમના ખર્ચના મામલે ટ્રમ્પ વહીવટીતંત્રમાં ચર્ચા ચાલી રહી છે. આ યોજનામાં કેટલું વીમા કવચ લેવું તેની કઈ મર્યાદા નથી.
ભારતમાં 'પીએમ-જય' વીમા યોજનામાં જોડાવું ફરજિયાત નથી અને વીમા કવચની મર્યાદા પાંચ લાખની છે.
આયુષ્યમાન યોજનામાં આગળ શું?
ભાજપ સિવાયના પક્ષોનું શાસન જ્યાં છે તેમાંનાં કેટલાક રાજ્યો હજી આમાં જોડાયા નથી. કેન્દ્ર સરકાર તેમને પણ જોડાઈ જવા માટે સમજાવવા કોશિશ કરી રહી છે.
આ યોજનાના નાણાંનો દુરુપયોગ ના થાય કે છેતરપિંડી ના થાય તેના પર નજર રાખવી તે બીજી એક મોટી સમસ્યા ભવિષ્યમાં થઈ શકે છે.
આ માટે સરકાર ડિજિટલ ટેક્નોલૉજી પર તથા બિલ અને લાભકર્તાઓ ખોટા નથી તેની જાણકારી માટે સ્થળ પરના સ્ટાફ પર મદાર રાખી રહી છે. ઇન્દુ ભૂષણ કહે છે, ''અમે મજબૂત આઈટી બૅકઅપ તૈયાર કર્યું છે, જેમાં લાભકર્તાની ઓળખ સહિત દરેક બાબતની ચકાસણી થઈ શકે. એવું નથી કે કોઈ પણ વ્યક્તિ જઈને તેનો લાભ ઊઠાવી જાય,''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો