બિપરજોય વાવાઝોડું: કાંઠાના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર, દરિયો તોફાની બન્યો

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટકશે, ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં તકેદારીનાં પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે.

સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વાવાઝોડાથી લોકોની સુરક્ષા અને ઓછામાં ઓછું નુકસાન સુનિશ્ચિત કરવા માટેનાં પગલાં લેવાઈ રહ્યાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 જૂને સવારે 5.30 કલાકે બિપરજોય છેલ્લા 6 કલાકમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતના દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની પણ ચેતવણી આપી છે.

14 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને કેટલાક છૂટાછવાયાં સ્થાને ભારેથી ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ સાથે 15 જૂને વરસાદમાં વધારો થશે અને જેમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની સાથે સાથે કેટલાંક સ્થાને અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.

દરિયાકિનારા તરફના વિસ્તારોમાં જતી ટ્રેન રદ્દ

પશ્ચિમ રેલવે મુંબઈના જનરલ મૅનેજર અશોકકુમાર મિશ્રાએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલી માહિતી મુજબ, બિપરજોયને લઈને સતત મૉનિટરિંગ ચાલુ છે. પશ્ચિમ રેલવેએ ભુજ, ગાંધીધામ, પોરબંદર અને ઓખામાં વડા મથક પર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સ્થાપિત કરી દીધા છે. સોમવારે પોરબંદરમાં પવનની ગતિ વધતા અમુક ટ્રેન પણ રદ્દ કરી દેવામાં આવી છે. મંગળવારથી ગુજરાતના દરિયાકિનારા તરફના વિસ્તારોમાં જતી તમામ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે.

ગીર સોમનાથમાં મંગળવાર અને બુધવાર એટલે કે 13-14 જૂને તલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી સાથે માણસોની અવરજવર તેમજ યાર્ડને લગતું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે.

બીજી બાજુ હવામાન ખાતાના અહેવાલ મુજબ આગામી તારીખ 15 તથા 16 જૂનના રોજ અમદાવાદ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાને લઈને ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા જિલ્લા ખેતીવાડી વિભાગ, અમદાવાદ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

વરસાદના દિવસો દરમ્યાન ઊભા પાકોમાં પિયત ટાળવું તથા યુરિયા જેવા રાસાયણિક ખાતરો આપવાનું ટાળવું એવી સલાહ અપાઈ છે. સાથે જ ઊભા પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવો નહીં તેવી સલાહ આપવામાં આવી છે.

કેવી ચાલી રહી છે તૈયારીઓ?

બિપરજોય વાવાઝોડાની ગુજરાતનાં વિવિધ શહેરો પર અસર થવાની ચાલુ થઈ ગઈ છે, ત્યારે ઘણાં શહેરોમાં વરસાદ પણ પડી રહ્યો છે.

બિપરજોય વાવાઝોડાને લઈને દ્વારકાના ઓખામાં 10 નંબર, 8 બંદરો પર 9 નંબર તેમજ કચ્છ, સૌરાષ્ટ્રના બંદરો પર અતિભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

15 જૂનને બિપરજોય વાવાઝોડાની શક્યતાને કારણે કચ્છમાં ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં 2 એનડીઆરએફની ટીમ કચ્છ, એક માંડવી અને એક ટીમ અબડાસા મોકલાશે. આ સાથે કચ્છને વધુ એક એસડીઆરએફની ટીમ ફાળવવાની સાથે 2 ટીમ તૈનાત પણ રાખવામાં આવશે.

બીબીસીના સહયોગી રાજકોટથી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં પણ NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે, જે તમામ પ્રકારનાં આધુનિક સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય છે. હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, દીવ, પોરબંદર, ગીર-સોમનાથ સહિતના દરિયાકાંઠે NDRFની ટીમ તહેનાત છે.

NDRF ટીમના ઇન્સ્પેક્ટર વિજયકુમારે જણાવ્યું હતું કે, "વાવાઝોડા સામે બાથ ભીડવા માટે અમારી પાસે પૂરતાં સાધનો છે. અમે બને એટલી કોશિશ કરીશું કે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી શકીએ. ભારે વરસાદમાં પાણી ભરાય એવા વિસ્તારોમાં બચાવકાર્ય હાથ ધરી લોકોને બચાવીશું."

અમરેલી જિલ્લાથી મળતી માહિતી અનુસાર સોમવારે બપોર બાદ દરિયો તોફાની બન્યો હતો. જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં દરિયાનાં મોજાંઓ 20થી 25 ફૂટ જેટલાં ઊછળીને કિનારા સાથે ધડાકાભેર અથડાઈ રહ્યાં છે.

ગીર સોમનાથથી મળતી માહિતી અનુસાર, માઢવાડ કિનારે દરિયો તોફાની બન્યો છે. વાવાઝોડાના લીધે દરિયાનાં મોજાં ભયનજક રીતે ઊછળી રહ્યાં છે. અહીં છ મકાનો ધરાશાયી થઈ ગયાં છે. જ્યારે અન્ય 23 મકાનો જે દરિયાકાંઠે આવેલાં છે તેને તંત્ર દ્વારા ખાલી કરાવી ત્યાં વસતા 160 લોકોનું સ્થળાંતર કરી તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ ગુજરાત સરકારના સહકારમંત્રી જગદીશ પંચાલે રાજ્યમાં 'બિપરજોય વાવાઝોડા'ની સંભવિત અસરોને ધ્યાને લઈ ખેડૂતોની ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને સતર્ક રહેવા સૂચન કર્યું છે.

તો ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓને પગલે સાવચેતીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકાની સૂચનાથી શહેરમાં 300 જેટલાં હોર્ડિંગ અને જાહેરાતના બોર્ડને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યાં છે.

જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીએ બીબીસીના સહયોગી દર્શન ઠક્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "વાવાઝોડાના જોખમને લઈને નાગરિકોને બે દિવસ કામ સિવાય બહાર ન નીકળવાની સૂચના આપી છે અને 14 અને 15 જૂને હાઈઍલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

જામનગરના બંદર પર રહેતા લગભગ 15 હજાર લોકોમાંથી રોજ 5 હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાઈ રહ્યા છે, ત્યારે સ્કૂલ અને કૉલેજોમાં રજા આપી દેવાઈ છે."

બિપરજોય વાવાઝોડાને પગલે મરીન પોલીસ સહિતની અલગ-અલગ ટીમો દરિયાઈ વિસ્તારમાં સતર્ક રાખવામાં આવી છે, ત્યારે ઘણાં શહેરોમાં હોર્ડિંગ ઉતારવાની કામગીરી પણ શરૂ કરાઈ છે.

આ અતિ પ્રચંડ વાવાઝોડાની અસર થાય તો સ્થાનિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

મોરબીથી બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા અનુસાર, વાવાઝોડાને કારણે મોરબી શિક્ષણ વિભાગ દ્વારા 14 અને 15 જૂને સ્કૂલો અને 13, 14 અને 15 જૂને પોલીપેક ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકો સુરક્ષિત સ્થળે કરી રહ્યા છે સ્થળાંતર

બીબીસીના સહયોગી સચીન પીઠવાએ પણ માહિતી આપી હતી કે, ગુજરાતના દ્વારકામાં પણ આ સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ત્યારે દ્વારકામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે.

આ વાવાઝોડાની અસર શરૂ થઈ જવાને કારણે રૂપેણ બંદરથી 2500 અને ડાલડા બંદરથી 800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ જવાને કારણે વેરાવળ બંદર પર ભય સૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ સાથે ગીરસોમનાથ, વેરાવળ, સૂત્રાપાડા, તલાલા, કોડીનાર અને ગીરગઢડા સહિતના તાલુકાઓમાં પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. આ વાવાઝોડાને કારણે દ્વારકામાં કેટલાક પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અમરેલીથી બીબીસીના સહયોગી ફારુક કાદરીના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોની સમીક્ષા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર પીપાવાવ પોર્ટ કિનારે પહોંચ્યા હતા. આ સાથે દરિયાઈ સુરક્ષા કરતા જવાનોને પોલીસ તંત્રે ઍલર્ટ કરીને અસરગ્રસ્ત થઈ શકે તેવાં ગામડાંઓમાં પોલીસ સાથે મેડિકલ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય વાવાઝોડા વિશે કરી સમીક્ષા બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય વાવાઝોડા માટે ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા બાદ 12 જૂન બપોરે 1 વાગ્યે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાગ લઈને વડા પ્રધાનને ગુજરાતમાં આવનારા વાવાઝોડાની સ્થિતિ અને રાહત તથા બચાવકાર્યોની તૈયારીની વિગતો પૂરી પાડી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો