You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ખતરનાક વાવાઝોડું, જે 34 દિવસ ફૂંકાયું અને ત્રણ-ત્રણ દેશ પર ત્રાટક્યું
અરબી સમુદ્રની અંદર સર્જાયેલું અતિ પ્રચંડ વાવાઝોડું બિપરજોય છેલ્લા 6 કલાકથી 12 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
આજે વાવાઝોડું થોડું પશ્ચિમ તરફ જશે, એટલે કે ગુજરાતથી દૂર આગળ વધશે. જે બાદ તે ફરી વળાંક લેશે અને પૂર્વ તરફ આગળ વધશે એટલે કે ગુજરાત તરફ આવશે.
હાલ આ વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 280 કિલોમીટર, પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌ બંદરથી 310 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાચીથી 450 કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જૂન રાત્રી સુધી તે ઉત્તર દિશા તરફ આગળ વધશે. જે બાદ તે વળાંક લેશે અને ઉત્તર- ઉત્તરપૂર્વ બાજુ આગળ વધશે અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાના કિનારા તરફ આવશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 જૂન સવારે વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધશે. ત્યારબાદ તે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી પસાર થઈ પાકિસ્તાનના દરિયાકિનારા અને માંડવી તથા કરાચીની વચ્ચેથી 15મી જૂને સાંજ સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડા સાથે પસાર થશે.
ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હશે. જે વધીને 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના છે.
જેના કારણે 15 તારીખના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જ્યારે પ્રતિ કલાક 100 કિલોમીટર કરતાં પણ વધારે ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
પરંતુ કેટલાક વાવાઝોડાં ખૂબ ભયાનક તાકાતવાળા હોય છે અને તે જાનમાલનું ખૂબ નુકસાન કરીને જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં જ એક ‘ફ્રેડી’ નામનું વાવાઝોડું આવ્યું હતું જે સતત 34 દિવસ સુધી સક્રિય રહ્યું હતું અને આફ્રિકાના દક્ષિણી તટ સાથે ટકરાયું હતું. 'ફ્રેડી'એ આફ્રિકાના દક્ષિણ-પૂર્વીય તટ પર આવેલા દેશોમાં તારાજી સર્જી હતી.
કેટલું તાકાતવાળું હતું ‘ફ્રેડી’ વાવાઝોડું?
‘ફ્રેડી’ વાવાઝોડું એ ઉષ્ણકટિબંધીય વાવાઝોડું હતું, જે એક મહિનાથી પણ વધુ સમય સુધી સક્રિય રહ્યું હતું. આ વાવાઝોડાંએ એકસાથે અનેક રેકર્ડ તોડ્યા છે.
સંચિત ચક્રવાત ઊર્જા (Accumulated Cyclone Energy) એ વાવાઝોડું સક્રિય હોય તે દરમિયાન કેટલી ઊર્જાથી ત્રાટકે છે તેને માપવા માટેનો વૈશ્વિક ઉપક્રમ છે. જેને ACE તરીકે ઓળખવામાં આવે છે.
વર્લ્ડ મેટેરિયોલોજિકલ ઑર્ગેનાઇઝેશન અનુસાર, 2006માં આવેલા હરિકેન અને ટાયકૂન 'લોકે'ના નામે આ રેકર્ડ હતો, જેની ઊર્જા 85 ACE માપવામાં આવી હતી. જ્યારે ‘ફ્રેડી’ ના કિસ્સામાં એ 86 ACE છે.
આ સિવાય તે સૌથી લાંબા સમય માટે સક્રિય રહેલું વાવાઝોડું છે.
અત્યાર સુધી આ રેકર્ડ 1994માં આવેલ હરિકેનના નામે હતો જે 31 દિવસ સુધી સતત સક્રિય રહ્યું હતું.
‘ફ્રેડી’ વાવાઝોડું 6 ફેબ્રુઆરી, 2023 થી 11 માર્ચ, 2023 એમ કુલ 34 દિવસ સુધી સક્રિય રહ્યું હતું.
તે ઉપરાંત આ વાવાઝોડાના નામે ત્રીજો રેકર્ડ પણ સર્જાયો છે.
આ રેકર્ડ દર કલાકે તેના પવનની ઝડપ કેટલી વધે છે તેનો છે. આ રેકોર્ડ માટે 24 કલાકનો સમયગાળો ધ્યાનમાં લેવાય છે.
એવું નોંધવામાં આવ્યું છે કે ‘ફ્રેડી’ વાવાઝોડામાં ફૂંકાતા પવનની ઝડપ દર કલાકે 35 માઈલની ઝડપથી વધતી જતી હતી.
જો કે વર્લ્ડ મિટિયૉરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે આ રેકર્ડને પ્રમાણિત કરવા તેઓ એક કમિટીનું ગઠન કરશે અને તે કમિટી ચકાસણી કરશે.
‘ફ્રેડી’ વાવાઝોડું કેમ વિશેષ?
‘ફ્રેડી’ વાવાઝોડું ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી કિનારે સર્જાયું હતું અને તે સમગ્ર દક્ષિણી હિન્દ મહાસાગર પાર કરીને છેક દક્ષિણ-પૂર્વી આફ્રિકાના મડાગાસ્કર અને મોઝામ્બિકમાં ટકરાયું હતું.
આ વાવાઝોડાએ અંદાજે 8000 કિલોમિટર જેટલી સફર ખેડી હતી અને છતાં પણ તે નબળું પડ્યું ન હતું.
વર્ષ 2000થી અત્યાર સુધીમાં માત્ર ચાર વાવાઝોડાઓએ આ રીતે હિન્દ મહાસાગરને પૂર્વથી પશ્ચિમ સુધી પાર કર્યો છે.
વર્લ્ડ મિટિયૉરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર સમગ્ર ઉત્તરી અમેરિકામાં હરિકેન સિઝનમાં આવતાં તમામ વાવાઝોડાંની ઊર્જાને જોડવામાં આવે ત્યારે ‘ફ્રેડી’ વાવાઝોડું બને એટલી તાકાત તેમાં હતી.
સૌપ્રથમવાર તે ફેબ્રુઆરી મહિનામાં મડાગાસ્કર અને મોઝામ્બિકમાં ટકરાયું હતું અને બે અઠવાડિયા પછી તે ફરીથી મોઝામ્બિકમાં ટકરાયું હતું. જે બહુ જૂજ બનતી ઘટના છે.
વાવાઝોડાએ કેટલી તારાજી સર્જી?
મોઝામ્બિકમાં એક જ અઠવાડિયા જેટલા સમયગાળામાં સમગ્ર વર્ષમાં જરૂરી કુલ વરસાદ કરતાં પણ વધુ વરસાદ વરસી ગયો હતો.
મડાગાસ્કરમાં વરસાદની માસિક સરેરાશ કરતા ત્રણ ગણો વરસાદ એક જ અઠવાડિયામાં વરસી ગયો હતો.
ધી ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે આ વાવાઝોડાને કારણે 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં, 700થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે 40થી વધુ લોકો લાપતા છે અને 80 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.
વાવાઝોડાને કારણે ઉત્તરી ઝિમ્બાબ્વે, દક્ષિણ-પૂર્વી ઝામ્બિયા, મલાવી અને મોઝામ્બિક જેવા દેશોમાં અતિભારે વરસાદ વરસ્યો હતો.
ઉષ્ણકટિબંધીય વાવાઝોડા શું છે?
ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં એ મોટેભાગે ગરમ મહાસાગરોમાં સર્જાતાં વાવાઝોડાં છે. તેના કેન્દ્રમાં હળવું દબાણ સર્જાય છે અને વાવાઝોડાની આંખ ફરતે વાદળો ભેગાં થાય છે.
તેનો વ્યાસ અંદાજે 200 થી 500 કિલોમિટરનો હોય છે પરંતુ તે 1000 કિલોમિટર જેટલા મોટા પણ હોઈ શકે છે.
આ પ્રકારનાં વાવાઝોડાં ખૂબ ભયંકર પવનો, અતિભારે વરસાદ અને ક્યારેક સમુદ્રમાં અચાનક ભરતી સર્જે છે. જેના કારણે સમુદ્રકિનારાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય છે.
ઉષ્ણકટિબંધીય વાવાઝોડા દરમિયાન 119 કિલોમિટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. અતિ ભયાનક પરિસ્થિતિઓમાં આ પવનની ઝડપ 240 કિમિ/કલાકથી લઈને 320 કિમિ/કલાક સુધી પણ પહોંચી શકે છે.
શું આ વાવાઝોડા કલાઇમેટ ચેન્જનું પરિણામ?
એજન્સી ફ્રાંસ પ્રેસ દ્વારા છપાયેલા એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રની કલાઇમેટ ચેન્જ પરની ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલના સભ્ય લેઝનબે એ જણાવ્યું હતું કે, ‘અમારા રિપોર્ટ પ્રમાણે આ પ્રકારનાં વાવાઝોડાં આશ્ચર્ય પમાડે તેવી વસ્તુ નથી. કારણ કે પહેલેથી જ અમે આગાહી કરી હતી કે વાવાઝોડાં હજુ વધારે તીવ્ર બનશે.’
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર એલિસન વિંગ પણ જણાવે છે કે, ‘હવામાનમાં થઈ રહેલા બદલાવો ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને વધુ મજબૂત બનાવી રહ્યા છે. દરિયાની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેનાથી સમુદ્રી કિનારા પર રહેતા લોકો માટે વધુ જોખમ ઊભું થઈ રહ્યું છે.’
વધુમાં તેઓ કહે છે કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં વધું તીવ્ર બની રહ્યાં છે અને જે મજબૂત અને તીવ્ર વાવાઝોડાં હતાં તે વધુમાં વધુ તીવ્ર બની રહ્યાં છે.