'શેરીમાં બધે ગારો હતો અને ગારામાં મૃતદેહો', કંડલામાં ત્રાટકેલા વાવાઝોડાએ કેવી તબાહી મચાવી હતી?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"એ દિવસે અચાનક દરવાજેથી પુષ્કળ પાણી ઘરમાં આવી ગયું. વાવાઝોડું છે એવું જણાતાં લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગવા માંડ્યા, પરંતુ ઘણા લોકો ડૂબીને મરી ગયા, કોઈ મકાન તૂટ્યાં એમાં મરી ગયા, તો કોઈ પતરા નીચે દબાઈ ગયા. કોઈને ભાગવાની તક ન મળી."

વર્ષ 1998માં કચ્છના કંડલામાં આવેલા વાવાઝોડાના કેર અને તે સમયની સ્થિતિ અંગે વાત કરતાં કંડલા પૉર્ટ પાસે આવેલાં ઝૂંપડાંમાં રહેતા અનવરભાઈ આ વાત કરે છે.

કંડલા પૉર્ટ પાસે રહેતા અને કંડલા વાવાઝોડાના કેરના સાક્ષી અલીભાઈએ એ સમયની ભયાનક યાદો વિશે વાત કરતાં કહ્યું હતું કે, “એ સમયે કેમિકલવાળું પાણી શેરીઓમાં ફરી વળ્યું હતું અને ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે તેના કારણે સમુદ્રનાં મોજાં ઇમારતોના ચોથા માળની ઊંચાઈ સુધી પહોંચી ગયાં. એ દૃશ્ય અત્યંત ખતરનાક હતું, ભગવાન આવું કોઈને ન દેખાડે.”

વાવાઝોડું પસાર થયા બાદ તેણે વેરેલા વિનાશનાં દૃશ્યો અંગે વાત કરતાં અનવરભાઈ કહે છે કે, “માંડમાંડ જીવ બચાવ્યાના બીજા દિવસે જ્યારે હું પાછો આવ્યો ત્યારે જોયું તો શેરીમાં બધે ગારો હતો. અને એ ગારામાં માણસની લાશો હતી. રેલવે સ્ટેશને અને રેલવે ટ્રૅક પર ઠેરઠેર માણસો પડ્યા હતા, જેમાંથી કેટલાય મરી ગયા.”

વાવાઝોડાને કારણે થયેલી લોકોની દયનીય સ્થિતિ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “એ સમય ખૂબ કપરો હતો, અમારી પાસે ખાવા માટે કંઈ નહોતું. લોકો ભૂખ્યા હતા, આ ભૂખ્યા લોકોએ બજારમાં મજબૂરીમાં દુકાનો તોડીને અનાજ કાઢવું પડ્યું હતું. એ વાવાઝોડાના કારણે આવેલા પૂરમાં મારા ભાઈના દીકરાનું પણ મૃત્યુ થયું હતું.”

અલીભાઈ વાવાઝોડા બાદનાં વિનાશક દૃશ્યો વિશે વાત કરતાં કહે છે કે, “એ આપત્તિ દરમિયાન અમે બચી ગયા, પરંતુ જ્યાં જઈએ ત્યાં માત્ર લાશોના ઢગલા હતા. એ દૃશ્ય જોઈને અમે બધા હેબતાઈ ગયા હતા. બીજી સવારે અહીં નજીકમાં જ ઝેરી ગૅસ લીક થયો, જે બાદ બધા પોતાનો જીવ બચાવવા અન્યત્રે ભાગી ગયા, થોડી વારમાં તો આખું કંડલા ખાલી થઈ ગયું.”

આવા જ એક રહેવાસી અને આપત્તિના સાક્ષી શબ્બીરભાઈ કહે છે કે, “એ વાવાઝોડામાં ઘણાનાં મૃત્યુ થયાં હતાં. લગભગ હજાર-1,100 જેટલા માણસોનાં મૃત્યુ તો અમે નજરે જોયાં છે. જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. બન્ની વિસ્તારમાં પણ ઘણાનાં મૃત્યુ થયાં હતાં.”

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા હાલ કચ્છમાં છે અને તેમણે વર્ષ 1998માં વાવાઝોડાએ જે વિસ્તારમાં તારાજી સર્જી હતી એની મુલાકાત લીધી હતી. એ સમયે લોકોએ તેમને એ સમયના વાવાઝોડાની ભયાનકતા જણાવી હતી.

અનામનો ઉદ્દભવ અને આંધી

બિપરજોયે સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓને બરાબર 25 વર્ષ પહેલાંની (9મી જૂન, 1998) યાદો તાજી કરાવી દીધી હતી. એ સમયે વાવાઝોડાએ પોરબંદરની નજીક લૅન્ડફૉલ કર્યું હતું અને જમીન ઉપર મહત્તમ 180 કીમી પ્રતિકલાકની ઝડપે પહોંચ્યું હતું.

વાવાઝોડા અંગે તત્કાલીન સરકારની સતર્કતા અને સજ્જતા અંગે સવાલ ઉઠવા પામ્યા હતા. કારણ કે તેમાં સત્તાવાર રીતે એક હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 1800 લોકો ગુમ થઈ ગયા હતા.

હૉસ્પિટલોમાં દર્દીઓને સમાવવાની અને શબઘરોમાં મૃતદેહોને રાખવાની જગ્યા ન હતી. સમૂહચિતા દ્વારા અનેક મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

એ વાવાઝોડાએ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં તબાહી મચાવી હતી અને પાકિસ્તાન તરફ આગળ વધ્યું હતું. જોકે, ગુજરાત અને દેશને ડિઝાસ્ટર મૅનેજમૅન્ટના અનેક પાઠ ભણાવી ગયું હતું.

તારીખ ચોથી જૂન 1998ના દિવસે પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતનું સર્જન થયું. અમેરિકાના જૉઇન્ટ ટાયફૂન વૉર્નિંગ સેન્ટરે તેની ચેતવણી ઉચ્ચારી હતી. ભારતીય હવામાન ખાતાએ તેને ARB 02 સંજ્ઞા આપી હતી. એ વર્ષો દરમિયાન વાવાઝોડાને નામ આપવાની પ્રણાલી નહોતી વિકસી એટલે બિપરજોયની જેમ તેને કોઈ ઔપચારિક નામ આપવામાં નહોતું આવ્યું.

અરબ સાગરમાં વાવાઝોડાં અંગે ભારતીય હવામાન ખાતાના વર્ષ 1998ના અહેવાલ (પેજનંબર 11થી 21) પ્રમાણે , તા. ચોથી જૂને 'ડિપ્રેશન'નો ઉદ્દભવ થયો અને સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ તે 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ ગયું હતું. બીજા દિવસે (પાંચમી જૂન) બપોરે અઢી વાગ્યા આસપાસ તેણે 'સાયક્લોનિક સ્ટોર્મ'નું સ્વરૂપ ધારણ કર્યું હતું.

લક્ષ્દ્વીપથી ગોવા તરફ આગળ વધતા તા છઠ્ઠીના 'સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ' બની ગયું હતું. બીજા દિવસે બપોરે તે મુંબઈથી 700 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું ત્યારે તેણે 'વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ'નું સ્વરૂપ ધારણ કર્યું. તેણે ઉત્તર તરફ આગળ વધતું રહ્યું અને આઠમી જૂને સવારે સાડા અગ્યાર વાગ્યા આસપાસ તે મુંબઈથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ કેન્દ્રિત હતું.

તારીખ 8મીની સાંજે તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિણામ્યું અને પોરબંદરથી 350 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું. લૅન્ડફોલ પહેલાં તેણે લગભગ 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી. સેટેલાઇટમાં 'વાવાઝોડાની આંખ' દેખાતી હતી, પરંતુ ઇન્ફારેડ તસવીરોમાં અને ભૂજ ખાતેના રડાર ડિકટેક્શન સેન્ટરમાં આંખ દેખાતી ન હતી અને ચારથી પાંચ વલય જ જોવા મળતા હતા. દરિયામાં તેણે મહત્તમ 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી.

તારીખ નવમી જૂનના સવારે સાડા પાંચથી સાડા છની વચ્ચે તેનું લૅન્ડફોલ થયું. દરિયામાં 16 ફૂટ સુધીના મોજાં ઉછળ્યાં હતાં. કલાકો સુધી ગુજરાતને ધમરોળ્યા બાદ અને જામનગરમાં 185 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યા બાદ તે પાકિસ્તાન તરફ આગળ વધ્યું હતું અને વિખેરાઈ ગયું હતું, એ પહેલાં તેણે રાજસ્થાનમાં પણ તારાજી ફેલાવી હતી.

એ પછી સૌથી ઘાતક વાવાઝોડું વર્ષ 2021માં તૌકતે સ્વરૂપે કંડલા પર ત્રાટક્યું હતું. તૌકતેએ તેની સમગ્ર અવધિ દરમિયાન મહત્તમ 210 કિમી પ્રતિકલાકની ઝડપ હાંસલ કરી હતી, જોકે આ ગતિ અરબ સાગરમાં જ હાંસલ કરી હતી. તેના કારણે દરિયામાં 13 ફૂટ સુધી ઊંચા મોજાં ઉછળ્યાં હતાં.

તૌકતેને કારણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

લાચાર સરકાર, નિસહાય જનતા

હજુ ત્રણ મહિના પહેલાં જ રાજ્યમાં પૂર્ણ બહુમતવાળી ભાજપની સરકાર બની હતી અને રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો. છેલ્લે વર્ષ 1982માં (5-8 નવેમ્બર) ગુજરાતે આ પ્રકારના વાવાઝોડાનો અનુભવ કર્યો હતો, એટલે વહીવટીતંત્રમાં પણ શિથિલતા હતી.

જૂનાગઢ, જામનગર, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લામાં હજારો નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને રાહતશિબિરો ખોલવામાં આવી હતી, પરંતુ સરકારના પ્રયાસો ઓછા પડ્યા હતા.

દરિયાકિનારે મીઠું પકવતા અગરિયાઓની સૌથી વધુ જાનહાનિ થઈ હતી. દરિયાએ માજા મૂકી હતી અને તેના પાણી કિનારાના વિસ્તારમાં 10-12 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. પાછળથી હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં માલૂમ પડ્યું હતું કે તંત્ર તેમના સુધી પહોંચી શક્યું ન હતું અને માહિતી તેમના સુધી પહોંચી ન હતી.

વાવાઝોડાને કારણે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીના વાવાવાઝોડાની તૈયારી અંગેના અહેવાલમાં (વર્ષ 2014, પેજનંબર 12) જણાવ્યા પ્રમાણે, એક હજાર 173 લોકોનાં મૃત્યુ થયા અને એક હજાર 774 લોકો ગુમ થઈ ગયા હતા. બિનસત્તાવાર રીતે આ આંકડો ચાર હજાર જેટલો હતો.

મીડિયામાં તત્કાલીન કેશુભાઈ સરકારની હવામાન ખાતાની ચેતવણીની અવગણના કરવા બદલ મીડિયામાં ઘણી ટીકા થઈ હતાં.

આ વાવાઝોડાને કારણે 18 અબજ 65 કરોડની સંપત્તિને નુકસાન થયું હતું અને એક લાખ 62 હજાર માળખાને નુકસાન પહોંચ્યું હતું.

ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે હૉસ્પિટલોમાં જગ્યા ખૂટી પડી હતી તો શબઘરોમાં મૃતદેહોને સાચવવા માટે જગ્યા ન હતી. ઍમ્બુલન્સના બદલે ટ્રકોમાં એકસાથે મૃતદેહોની હેરફેર કરવાની ફરજ પડી હતી અને મૃતદેહોને સડતા અટકાવવા માટે સામૂહિક ચિતા દ્વારા મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી હતી એટલે દરિયાકિનારે લાંગરવામાં આવેલી તેમની હોડીઓને એકબીજા સાથે ટકરાઈને કે ઉથલી જવાથી ભારે નુકસાન પહોંચ્યું હતું.

કંડલા બંદરે લગભગ દોઢ ડઝન જેટલા જહાજ ડૂબી ગયા હતા. ક્રેન, હાઈટેન્શન વાયર અને પવનચક્કી જેવા મજબૂત મનાતા માળખાનો કડૂસલો બોલી ગયો હતો તો માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઉથલી ગયા હતા.

અહીંથી મોટાપાયે દેશની પેટ્રોલિયમ પેદાશોની આયાત-નિકાસ થતી હોય છે જે ખોરવાઈ ગઈ હતી અને સરકારી તેલ ઉત્પાદક અને વિતરણ કરતી કંપનીઓને દેશમાં પુરવઠો જાળવી રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડીહતી.

રાહત અને બચાવ કામગીરીમાં સરકારી તંત્રની સાથે નાગરિકો, ઉદ્યોગગૃહો અને સ્વૈચ્છિક સંસ્થા પણ જોડાયા હતા. મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે લગભગ અઢી મહિના પહેલાં કેન્દ્રમાં બનેલી વાજપેયી સરકાર પાસે મદદ માટે ટહેલ નાખી હતી.

અને પછી....

ગુજરાત, ઓડિશા અને બંગાળમાં એક પછી એક તારાજી બાદ ભારતે પણ તેની નિરીક્ષણ ક્ષમતામાં વધારો કર્યો છે. આજે રાષ્ટ્રીય તથા રાજ્યસ્તરે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી કાર્યરત છે, જેને આપદાના સંજોગોમાં વિશેધાધિકર મળે છે.

અણુદુર્ઘટના, પૂર, વાવાઝોડાં, કેમિકલ દુર્ઘટના માટે આપદા પ્રબંધન યોજનાઓ અને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉસસિજર તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્યસ્તરથી લઈને સ્થાનિકસ્તર પર આપદા પહેલાં અને પછી કયો વિભાગ કયું કાર્ય સંભાળશે અને તેના માટે કેન્દ્રીયસ્તરે કઈ સંસ્થાનો સંપર્ક સાધવો તેનું વિવરણ છે. આ સિવાય સારામાઠાં અનુભવોના આધારે તેમાં સુધાર કરવામાં આવે છે. સમયાંતરે તેના માટે જરૂરી કવાયતો પણ યોજવામાં આવે છે.

વર્ષ 2006માં નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સનું ગઠન કરવામાં આવ્યું હતું. જેની ટુકડીઓને દેશભરના અલગ-અલગ રાજ્યોમાં તહેનાત કરવામાં આવે છે, જેથી કરીને આપદા પૂર્વે તૈયારીઓ કરવામાં અને અનપેક્ષિત આપદા પછી રાહત અને બચાવ કામગીરીનો સમય ઘટાડી શકાય.

આ દળમાં બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ), સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ), સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ), આઈટીપીબી (ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફૉર્સ), એસએસબી (સીમા સુરક્ષા બલ) અને આસામ રાયફલ જેવા અર્ધલશ્કરી દળોના જવાનો ફરજ બજાવે છે.

એક પછી એક ઈસરો દ્વારા અનેક સેટેલાઇટ છોડવામાં આવ્યાં છે, જેના કારણે આગાહી કરવાની હવામાન ખાતાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે. વાવાઝોડાં જેવી આપદા માટે બુલેટિન બહાર પાડવા, ચેતવણીઓ આપવી અને તેનો તેનો પ્રચાર-પ્રસાર કરવા અને આપદા પછી શું કરવું તેના માટેની યોજના તૈયાર રાખવામાં આવે છે.