You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય વાવાઝોડું : ગુજરાતના કાંઠે ક્યારે ત્રાટકશે, પાંચ સવાલ અને જવાબ
અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતનું હવામાન બદલાઈ રહ્યું છે. દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.
ભારતીય હવામાન વિભાગની અંતિમ અપડેટ અનુસાર 'અતિ પ્રચંડ સાયક્લોનિક સ્ટોર્મ' બિપરજોય બુધવારે વહેલી સવાર સુધીમાં દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર, પોરબંદરથી 350 કિલોમિટર, નલીયાથી 300 કિલોમિટર, કચ્છના જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર તેમજ પાકિસ્તાનના કરાચી બંદરથી 340 કિલોમિટર દૂર છે.
વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્ર દ્વારા 15 તારીખે ગુજરાતમાં ત્રાટકનારા બિપરજોય વાવાઝોડા અંગે બુધવારે પત્રકારપરિષદ યોજી મહત્ત્વપૂર્ણ જાણકારી આપતાં કહ્યું હતું કે, "વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરેલી આગાહીમાં હાલ કોઈ પરિવર્તન નથી.
હવામાન વિભાગના અમદાવાદ ચૅપ્ટરનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પણ વાવાઝોડાની અસરો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "વાવાઝોડાને પગલે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે."
સમુદ્રકિનારે ન જવા લોકોને કહેવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આવો જાણીએ આ વાવાઝોડા અંગેના પાંચ સવાલ અને તેના જવાબ.
કેટલું ખતરનાક છે આ વાવાઝોડું?
બિપરજોય પાછલા છ કલાકથી ત્રણ કિલોમિટરની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયા કાંઠેથી પસાર થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.
હવામાન વિભાગ મુજબ આ વાવાઝોડાની ઝડપ 125થી 135 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે હોઈ શકે છે.
વાવાઝોડાની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડું ‘અત્યંત પ્રચંડ’ છે. વાવાઝોડાના વર્ગીકરણની સરખામણીએ ગંભીરતાની બે નંબરની શ્રેણીમાં આવે છે.
ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં 14થી 15 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
સરકાર શું તૈયારીઓ કરી રહી છે?
વડા પ્રધાનના કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 24 કલાક સ્થિતિની સમીક્ષા કરે છે.
કેન્દ્ર સરકાર આ મામલે રાજ્ય સરકાર અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે.
એનડીઆરએફ દ્વારા 12 ટીમો તૈનાત કરાઈ છે, જે નાવડીઓ, વૃક્ષો કાપનારાં, દૂરસંચારનાં ઉપકરણો વગેરેથી સજ્જ છે.
આ ઉપરાંત 15 ટીમો કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.
ભારતીય કોસ્ટગાર્ડ અને નેવીએ રાહત, શોધ અને બચાવકામગીરી માટે જહાજો અને હેલિકૉપ્ટર તૈનાત કર્યાં છે.
વિમાન અને હેલિકૉપ્ટર કિનારા પર નજર રાખી રહ્યા છે.
આર્મી ઍરફોર્સ અને એન્જિનિયર ટાસ્ક ફોર્સનાં એકમો, બોટ અને બચાવ સાધનો સાથે સ્ટૅન્ડબાય પર છે.
આપત્તિ રાહત ટીમો અને આર્મી, નેવી અને કોસ્ટગાર્ડની તબીબી ટીમો પણ મદદ માટે તૈયાર છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં મુખ્ય મંત્રી સ્તરે જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે અને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર કોઈ પણ કટોકટીને પહોંચી વળવા તૈયાર છે.
આ સાથે જ કૅબિનેટ સચિવ અને ગૃહસચિવ ગુજરાતના મુખ્ય સચિવ અને સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો, એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.
આ વાવાઝોડાનો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલાં ઉપાયો વિશે પણ વડા પ્રધાનને માહિતી આપવામાં આવી છે.
આ બેઠકમાં ગૃહ પ્રધાન, વડા પ્રધાનના મુખ્ય સચિવ, કૅબિનેટ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
વડા પ્રધાન મોદીએ બેઠક બાદ એક ટ્વીટમાં લખ્યું હતું કે, “આપણી ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરી રહી છે અને આવશ્યક સેવાઓની જાળવણી સુનિશ્ચિત કરી રહી છે.”
પાકિસ્તાનમાં કેટલી અસર થશે?
પાકિસ્તાનમાં બિપરજોય વાવાઝોડાના પગલે એક લાખ લોકોના સ્થળાંતર માટે સેના તહેનાત કરવામાં આવી છે.
પાકિસ્તાનના કરાચી તરફ બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેને લીધે કિનારાના વિસ્તારોમાં એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સરકારે સેનાને તહેનાત કરી દીધી છે.
આ વાવાઝોડું દક્ષિણના સિંધ વિસ્તાર તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.
પાકિસ્તાનના હવામાન ખાતાના કહેવા પ્રમાણે, 17-18 જૂન સુધી આની તીવ્રતા ઘટે તેવી સંભાવના છે.
કેન્દ્રમાં પવનની ગતિ 170 કિલોમિટર પ્રતિ કલાક અને જમીન પર 14-150 કિલોમિટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આનાથી દરિયામાં જે મોજાં ઊછળશે તેની વધુમાં વધુ 30 ફૂટની ઊંચાઈ હોઈ શકે છે.
સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદઅલી શાહે મીડિયાને જણાવ્યું કે આ વિસ્તારમાં કટોકટીની ઘોષણા કરી દેવામાં આવી છે અને સેના અને નૌકાદળને 80 હજાર લોકોને જોખમકારક જગ્યાઓથી ખસેડવા માટે કામે લગાવી દેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે અમે અપીલ નથી કરી રહ્યા પણ આદેશ આપી રહ્યા છીએ. અને આના માટે સોશિયલ મીડિયા, મસ્જિદ અને રેડિયો સ્ટેશનોની મદદ લઈ રહ્યા છીએ.
શાહે જણાવ્યું કે ઠટ્ટા, કેટી બંદર, સુજાવલ, બદીન, થારપાકર અને ઉમેરકોટ જિલ્લામાં પહેલેથી જ મોટી સંખ્યામાં લોકોને ખસેડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અન્ય બીજા વિસ્તારોમાં પણ 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને ઇમારતો અને અન્ય જરૂરી સુવિધાઓ પર પણ તેની અસર થશે.
હવામાનશાસ્ત્રી ડૉ. સરદાર સરફરાજ અનુસાર, બિપરજોય 1999ના વાવાઝોડાનું ઍક્શન રિપ્લે છે.
તેમણે બીબીસીને કહ્યું કે, આ વાવાઝોડું 1999માં જે માર્ગે આવ્યું હતું, એ જ માર્ગ પરથી હાલ પસાર થઈ રહ્યું છે અને તેની ઝડપ પણ એટલી જ છે.
1999ના વાવાઝોડાને આપણા ઇતિહાસનું સૌથી ખરાબ વાવાઝોડું ગણવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, એ સમયે 189 લોકો માર્યા ગયા, 150 ગુમ થયા અને 138,000 લોકો બેઘર થઈ ગયા હતા.
આ વાવાઝોડાને કારણે 2,56,000 હૅક્ટર ખેતીની જમીન નાશ પામી હતી અને પીડિતોને લાંબા સમયસુધી અસ્થાયી રાહત શિબિરોમાં રહેવું પડ્યું હતું.
બિપરજોય નામ કેમ પડ્યું?
બિપરજોયનો અર્થ બંગાળી ભાષામાં આફત થાય છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. જોકે બિપરજોય સંસ્કૃતના શબ્દ પરથી ઊતરી આવ્યો છે.
1953થી માયામી નેશનલ હરિકૅન સેન્ટર અને વર્લ્ડ મેટીરિયોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (ડબ્લૂએમઓ) વાવાઝોડા અને ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના નામ રાખે છે.
ડબ્લૂએમઓ જેનેવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર સંઘની એજન્સી છે.
પરંતુ ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉદભવતા વાવાઝોડાના કોઈ પણ નામ રાખવામાં આવ્યાં ન હતાં. એ પાછળનું કારણ એ હતું કે આવું કરવું ખૂબ વિવાદાસ્પદ હતું.
તેની પાછળનું કારણ એ હતું કે જાતીય વિવિધતા ધરાવતા આ વિસ્તારમાં ખૂબ સાવધાન અને નિષ્પક્ષ રહેવાની જરૂર હતી, જેથી એ લોકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે.
વર્ષ 2004માં જ્યારે ડબ્લૂએમઓની આગેવાનીવાળી આંતરરાષ્ટ્રીય પૅનલનો ભંગ કરવામાં આવ્યો ત્યારે આ સ્થિતિ બદલવામાં આવી હતી અને સંબંધિત દેશોને તેમના વિસ્તારમાં આવનારા વાવાઝોડાના નામ તેઓ પોતે જ રાખે તેમ કહેવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, શ્રીલંકા અને થાઈલૅન્ડ મળીને કુલ આઠ દેશોએ એક બેઠકમાં ભાગ લીધો હતો.
આ દેશોએ 64 નામોની એક યાદી આપી હતી. દરેક દેશે આવનારા વાવાઝોડા માટે આઠ નામ સૂચવ્યાં હતાં. આ યાદી દરેક દેશના મૂળાક્ષરના ક્રમમાં છે.
વાવાઝોડા નિષ્ણાતોની પૅનલ દર વર્ષે યોજાય છે અને જરૂર પડે આ યાદી ફરી ભરવામાં આવે છે.
શું કોઈ નુકસાન થયું છે?
બિપરજોય વાવાઝોડના લીધે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. સંભવિત જોખમને લીધે સાવધાની રખાઈ રહી છે.
મીડિયા અહેવાલો મુજબ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયાકિનારાના જિલ્લાના કલેક્ટરોએ પરિસ્થિતિને જોતાં યોગ્ય પગલાં લઈ તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાંથી 21 હજાર લોકોનું કામચલાઉ છાવણીમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાની આગાહીના પગલે રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલ તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે.
વાવાઝોડાની આગાહીના લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન માટે ન આવવા અપીલ કરી છે.
મોરબીમાં પણ મચ્છુ નદીના પટમાં રહેતા 400 જેટલા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક રહેતા કુલ 3,200 લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું છે.
25 હજાર જેટલાં ફૂડ પૅકેટ પણ તૈયાર કરી પહોંચાડવામાં આવ્યાં છે. લોએજમાં એસડીઆરએફની એક ટીમ અને માંગરોળમાં એનડીઆરએફની એક ટીમ તહેનાત કરવામાં આવી છે.
વાવાઝોડાની અસરના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. મુંબઈમાં પણ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ બીએમસીને ટાંકીને કહ્યું છે કે સોમવારે મુંબઈના જુહૂ બીચ પર છ લોકો દરિયામાં ડૂબી ગયા હતા.
અધિકારીઓએ કહ્યું છે કે તેમાંથી બે લોકોને બચાવ દળે બહાર કાઢી લીધા હતા, પરંતુ ચાર લોકો હજુ પણ ગુમ હતા..
સાથે મુંબઈ ઍરપૉર્ટ પરનો એક રનવે બંધ કરવો પડ્યો હતો.
વિમાનોના આવન-જાવન પર અસર પડી છે, કેટલીક ફ્લાઇટ મોડી ઊડી રહી છે અને કેટલાક રોડ બંધ કરવા પડ્યા છે.
સોશિયલ મીડિયા વેબસાઇટ પર લોકો તેને લઈને સતત ફરિયાદ કરી રહ્યા છે.