નિસર્ગ : અલગ-અલગ જગ્યાએ વાવાઝોડાં અલગ-અલગ નામથી કેમ ઓળખાય છે?

    • લેેખક, નવીન સિંહ ખડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

ગુજરાત પર હાલ 'નિસર્ગ' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના છ જિલ્લાને સીધી અસર કરે તેવી શક્યતા છે. લગભગ 129 વર્ષ બાદ કોઈ ચક્રવાત મુંબઈના દરિયાકિનારે ત્રાટકશે.

2020માં અરબ સાગરમાં આવેલું આ પહેલું મોટું વાવાઝોડું છે. જોકે, વાવાઝોડું આવવું એ વિશ્વ માટે કોઈ નવી વાત નથી.

2019માં 'ફ્લૉરેન્સ' નામના હરિકૅને અમેરિકામાં તબાહી મચાવી હતી. બીજી તરફ સુપર ટાયફૂન 'મંગખૂટ'એ ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યો હતો.

અવકાશમાંથી આ વાવાઝોડાંની તસવીરો પણ લેવામાં આવી હતી. જોકે, બન્નેની તસવીર તો એકસમાન જ લાગતી હતી.

તો પછી આપણે એક વાવાઝોડાને 'હરિકૅન' કહીએ છીએ અને એકને 'ટાયફૂન' કહીએ એવું કેમ? વળી, 'ચક્રવાત' નામની આ આફત છે શું?

બધાં પ્રકારનાં ઉષ્ણકટિબંધીય તોફાન

આ બધાં વાવાઝોડાં ઉષ્ણકટિબંધીય તોફાન છે, પરંતુ વિસ્તારની દૃષ્ટિએ તેમને અલગઅલગ નામ આપવામાં આવ્યાં છે.

જ્યારે ઉત્તર ઍટલાન્ટિક સમુદ્ર અને ઉત્તર પૂર્વી પ્રશાંતની વાત આવે તો ત્યાં તોફાનને 'હરિકૅન' નામ અપાય છે.

પરંતુ જ્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ઊભી થાય ત્યારે તેને 'ટાયફૂન' કહેવામાં આવે છે.

જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં તોફાન ઊઠે તો તેને 'ચક્રવાત' કહેવામાં આવે છે.

વાવાઝોડાની તીવ્રતા

'ઉષ્ણકટિબંધીય તોફાન' એ એવો શબ્દ છે કે જેનો વપરાશ સામાન્યપણે હવામાનશાસ્ત્રીઓ કરે છે.

નેશનલ ઑશનિક ઍન્ડ ઍટમૉસ્ફિયરિક ઍડમિનિસ્ટ્રેશન ઑફ અમેરિકાના આધારે વાદળોની સંગઠિત સિસ્ટમથી ઉષ્ણકટિબંધ અથવા ઉષ્ણકટિબંધના લક્ષણ ધરાવતું વાતાવરણ ઊભું થાય છે.

"જ્યારે ઉષ્ણકટિબંધ વાવાઝોડું 119 કિલોમિટર પ્રતિ કલાક અથવા તો તેના કરતાં વધારે ઝડપ સુધી પહોંચે, ત્યારે તેને 'હરિકૅન', 'ટાયફૂન' અથવા તો 'ચક્રવાત' કહેવામાં આવે છે. આ વાવાઝોડું દુનિયાના કયા ખૂણામાં સર્જાયું તે જગ્યાને હિસાબે તેનું નામ નક્કી થાય છે."

હરિકૅનને હવાની ઝડપના હિસાબે પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

તોફાન ક્યારે આવે છે?

ઍટલાન્ટિક મહાસાગરમાં 'હરિકૅન' પહેલી જૂનથી 30 નવેમ્બરની વચ્ચે ત્રાટકે છે. 95% કરતાં વધારે વાવાઝોડાં આ સમયગાળા દરમિયાન જ આ વિસ્તારમાં ત્રાટકતાં હોય છે.

ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગર વિસ્તારમાં મોટાભાગે મેથી ઑક્ટોબર વચ્ચે 'ટાયફૂન' આવે છે. જોકે તે આખા વર્ષ દરમિયાન પણ ગમે ત્યારે આવી શકે છે.

આ તરફ દક્ષિણ પ્રશાંત વિસ્તારમાં 'વાવાઝોડું' મોટાભાગે નવેમ્બરથી એપ્રિલની વચ્ચે ત્રાટકતું હોય છે.

વાવાઝોડાને નામ કેવી રીતે અપાય છે?

દુનિયાના હવામાન વિભાગ અને UN દુનિયામાં આવતા વાવાઝોડાંના નામની યાદી બનાવે છે.

જે દેશો 'હરિકૅન', 'ટાયફૂન' કે 'ચક્રવાત'થી પ્રભાવિત હોય છે તેઓ નામનાં સૂચનોની યાદી 'ગ્લૉબલ મૅટ ઑથૉરિટી'ને મોકલે છે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "આપણા વિસ્તારમાં આવતા આઠ દેશ કે જે બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રની હદમાં આવે છે તેમણે 2000ની સાલમાં WMOને યાદી મોકલી આપી હતી."

"આ વિસ્તારોમાં જે નામો પર સહમતી બની હતી તેમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કોઈ પણ દેશની ધાર્મિક ભાવના દુભાય નહીં."

મે-2020માં પશ્ચિમ બંગાળ તથા ઓડિશાના દરિયાકિનારે ત્રાટકેલું 'અંફન' વાવાઝોડું એ જૂની યાદી પ્રમાણેનું છેલ્લું નામ હતું.

મે-2020ના અંતભાગમાં WMO દ્વારા વાવાઝોડાંનાં નામોની નવી યાદી બહાર પાડવામાં આવી હતી, ગુજરાત-મહારાષ્ટ્રના સમુદ્રકાંઠે ત્રાટકનારું 'નિસર્ગ' નામ નવી યાદી મુજબનું પહેલું નામ છે.

'નિસર્ગ' નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું હતું.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ વાવાઝોડું કેવી રીતે સર્જાય છે?

સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે.

હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.

આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે.

આ જ મોજાં દરિયા ઉપરાંત શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતા હોય છે.

જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં 'હરિકૅન'નું જોખમ વધી ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો