નિસર્ગ વાવાઝોડું : ગુજરાત માટે અરબ સાગરમાં બે વાવાઝોડાંની 'ઘાત' કેટલી ઘાતક?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતીય હવામાન ખાતા દ્વારા અરબ સાગરમાં પેદા થઈ રહેલાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેમાં વાવાઝોડું 'નિસર્ગ' બુધવાર સાંજ કે રાત્રિ સુધીમાં ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે.

અગાઉથી જ કોવિડ-19ને કારણે પીડિત ભારતના ટોપ-5 રાજ્યોમાં સમાવિષ્ટ ગુજરાત તથા મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સમાચાર છે.

વધુ ચિંતા ઉપજાવે તેવી બાબત એ કે અરબ સાગરમાં 'નિસર્ગ' સિવાય વધુ એક ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે, જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.

અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાવાની ઘટના બની રહી છે, ત્યારે મનમાં એક પ્રશ્ન જરૂર ઊઠે આ વાવાઝોડાં એકમેક સાથે ટકરાય તો?

જો આ બે વાવાઝોડાં એકબીજા સાથે અથડાય તો શું થશે? શું આ બંને વાવાઝોડાં એક સાથે મળીને એકીકૃત રીતે 'મહાવાવાઝોડા'નું નિર્માણ કરશે?

અનોખું ઐતિહાસિક આવર્તન

સામાન્ય રીતે ભારતીય દરિયાકિનારે દર વર્ષે સરેરાશ પાંચ વાવાઝોડા ત્રાટકે છે, ચાર બંગાળની ખાડીમાં અને એક અરબ સાગરમાં. 2019નું વર્ષ અપવાદરૂપ હતું, જ્યારે તેમાં પાંચ વાવાઝોડાં ('વાયુ', 'હિક્કા', 'ક્યાર', 'મહા' અને 'પવન') પેદા થયાં હતાં.

હાલમાં અરબ સાગરમાં દરિયાના પાણીનું તાપમાન વિશ્વના કોઈ પણ જળવિસ્તાર કરતાં વધુ છે, જે વાવાઝોડાંના સર્જન માટે આદર્શ સ્થિતિ માનવામાં આવે છે.

અરબ સાગરમાં વધુ એક ડિપ્રેશન આકાર લઈ રહ્યું છે, જે ઓમાનના દરિયાકિનારા કે આફ્રિકામાં યમનમાં એડનની તરફ વળે તેવી મહદંશે શક્યતા છે.

વર્ષ 2019માં અરબ સાગરમાં 'મહા' અને 'ક્યાર' એમ એક સાથે બે વાવાઝોડાં ઉત્પન્ન થયાં હતાં, જેની અસર ભારતના દરિયાકિનારાઓ પર જોવા મળી હતી. જ્યારે કે બંગાળની ખાડીમાં એકસાથે બે વાવાઝોડાં ઉત્પન્ન થવાએ અરબ સાગરની સરખામણીએ સામાન્ય બાબત છે.

હવામાનની આગાહી સાથે સંકળાયેલી વેબસાઇટ CMOKના અહેવાલ પ્રમાણે, 1972માં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું મદ્રાસ (હાલના ચેન્નાઈ) તથા દક્ષિણ ચીન સાગરમાંથી અંદમાન તરફ ધસી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરના વાવાઝોડાનું 'નિસર્ગ' નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે, જે વર્લ્ડ મેટ્રોલૉજિકલ ઑર્ગેનાઇઝેશનની નવી યાદી પ્રમાણેનું પહેલું નામ છે.

13 દેશોના સમૂહમાંથી દરેક દેશે 13-13 નામ સૂચવ્યા હતા, જેમાંથી અંતિમ યાદી તૈયાર કરવામાં આવી હતી, જે મે-2019ના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવી હતી.

નિયમ પ્રમાણે, કોઈ પણ દેશ આઠ કરતાં વધુ કૅરેક્ટરનું નામ સૂચવી ન શકે. 2004માં વાવાઝોડાના નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં છેલ્લું નામ 'અંફન' હતું, જે મે-2020માં ઓડિશા અને પશ્ચિમ બંગાળની ઉપર ત્રાટકેલાં વાવાઝોડાને આપવામાં આવ્યું હતું.

ગરબા દ્વારા 'ફુજીવારા ઇફેક્ટ'

કલ્પના કરો કે નવરાત્રિના એરિનામાં બે ખેલૈયા એકબીજાથી થોડાં અંતરે ગરબે ઘૂમી રહ્યાં છે. ત્યારબાદ તેઓ સંગીતના તાલે પોત-પોતાના સ્થળે વર્તુળાકાર ઘૂમવા લાગે છે, થોડીક્ષણોમાં તેઓ ઘૂમતાં-ઘૂમતાં એકબીજાની નજીક સરી જાય અને આપણને એમ થાય કે હમણાં ટક્કર થઈ જશે.

પરંતુ બંને કુશળ ખેલૈયાઓ એકબીજાનો હાથ પકડી લે ઘૂમતાં રહે. હવે તેમની દિશા અગાઉ જેવી નથી રહી, પરંતુ તેમના બંનેના જોડાયેલા હાથ એ કેન્દ્રબિંદુ છે. સંયુક્ત રીતે તેઓ વધુ ગતિમાન નથી બનતા.

આને વાવાઝોડાના સંદર્ભમાં સમજીએ. 20મી સદી દરમિયાન જાપાનિઝ સંશોધક ડૉ. સાખેઉ ફુજીવારાએ (Dr. Sakuhei Fujiwhara) 1921માં એક સંશોધનપત્ર રજૂ કર્યું, જે મુજબ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉત્પન્ન થતાં બે વાવાઝોડા એકબીજાથી એક હજાર કે તેથી ઓછા કિલોમીટરના અંતરે આવી જાય, ત્યારે બંને વચ્ચે એક સામાન્ય કેન્દ્રબિંદુ સર્જાય છે અને વાવાઝોડાં તેની આસપાસ ફરવા લાગે છે.

આ ઘટનાને 'ફુજીવારા ઇફેક્ટ' કે 'ફુજીવારા ડાન્સ' પણ કહે છે. આગળ જતાં ડૉ. ફુજીવારા જાપાનના હવામાન ખાતાના વડા પણ બન્યા.

વાવાઝોડા ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની દિશા મુજબ, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાથી વિપરીત દિશામાં ઘૂમે છે.

ઘાતવધે કે ઘટે?

જોકે, આ ઘટનાના કારણે બંને પૈકી મોટા વાવાઝોડાની શક્તિમાં થોડો વધારો થતો હોવાનો મત કેટલાક નિષ્ણાતો જરૂર વ્યક્ત કરે છે.

આ ઘટના બંને વાવાઝોડાં પૈકી નાનાં (કદ,અંતર, ગતિ અને આકારમાં) માટે ઘાતક પુરવાર થાય છે, કારણે મોટું વાવાઝોડું નાનાને પોતાની અંદર સમાવી લે છે.

આ ઘટનાના કારણે આવા એકીકૃત વાવાઝોડાની દિશા અમુક અંશે બદલાઈ જાય છે

આ સિવાય નોંધનીય છે કે વાવાઝોડું ક્યારેય પરિભ્રમણ કરવા જેટલું મજબૂત નથી હોતું, જ્યારે બંને વાવાઝોડાં એક કેન્દ્રબિંદુને અનુસરીને તેની ફરતે ઘુમવા લાગે છે, ત્યારે દરિયાનું પાણી પણ તેમની સાથે ગોળ ફરવા લાગે છે, આ ઘટનાને કારણે વાવાઝોડાંનાં મૂળમાં ટાઢું પાણી આવી જાય છે.

કોઈપણ વાવાઝોડાને પોતાની તીવ્રતા વધારવા કે બરકરાર રાખવા માટે સમુદ્રના અમુક અંશે ગરમ પાણીની દરકાર હોય છે.

સાયક્લોન, કોવિડ અને વરસાદ

કોવિડ-19ને કારણે મુંબઈને ભારે અસર પહોંચી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં સોમવાર બપોરની સ્થિતિ પ્રમાણે, લગભગ 67 હજાર કેસ નોંધાયેલા છે, જેમાંથી 50 હજાર કરતાં વધુ મુંબઈ (તથા તેના પરા વિસ્તારમાં) નોંધાયેલા છે. આ સિવાય વાવાઝોડું ત્રાટકશે.

1891થી વાવાઝોડા અને ડિપ્રેશનની માહિતીનો સંચય આઈ.એમ.ડી. દ્વારા 'ઈ-એટલાસ'માં કરવામાં આવ્યો છે. જેને ટાંકતા અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ' નોંધે છે કે 1891 બાદ પહેલી વખત કોઈ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકશે. સાથે ભારે વરસાદ પણ પડશે.

1948 તથા 1980માં મુંબઈ નજીક દરિયાકિનારામાં ડિપ્રેશન ઊભાં થયાં હતાં, પરંતુ તે વાવાઝોડામાં પરિવર્તિત થયા ન હતા.

ભારતીય હવામાન ખાતા દ્વારા સાયક્લોનનું આઠ શ્રેણીમાં વિભાજન કરવામાં આવે છે, જેમાં લૉ-પ્રેશર તથા ડિપ્રેશનએ પ્રારંભિક તબક્કા છે, જ્યારે આઠમો અન અંતિમ તબક્કો 'સુપર સાયક્લોન'નો હોય છે.

દર વર્ષે વરસાદ મુંબઈને મોટા પાયે ધમરોળે છે, જેનાથી બચવા માટે ઉનાળામાં રેલવે, બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તથા પરાવિસ્તારની મહાનગરપાલિકાઓ દ્વારા સંયુક્તપણે કામગીરી હાથ ધરવામાં આવે છે.

ચાલુ વર્ષે તેમાં ઢીલ થઈ હતી અને એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાથી આ કામગીરી હાથ ધરાઈ હતી. ભારે વરસાદ અને દરિયામાં ભરતીને કારણે મુંબઈની સ્થિતિ કપરી બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો