રાજ્યસભા ચૂંટણી : ગુજરાતમાં કૉંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં ભાજપને કેટલો લાભ કરાવશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે મોટો રાજકીય વળાંક આવ્યો છે. કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ તેમના પદ પરથી રાજીનામાં ધરી દીધાં છે.

શુક્રવારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધું. આ વાતની ધોરાજીના કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી.

અગાઉ ગુરૂવારે વડોદરા જિલ્લાની કરજણ (નંબર 147) બેઠક ઉપરથી ધારાસભ્ય અક્ષય પટેલ તથા વલસાડ જિલ્લાના કપરાડાની (નંબર 181) બેઠક ઉપરથી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામાં આપ્યાં હતા.

ઉલ્લેખનીય છે બ્રિજેસ મેરજા સાથે અત્યાર સુધી કૉંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.

ભાજપે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર નેતા નરહરિ અમીનનું નામ જાહેર કરતા જ 'નવાજૂની' થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી.

કૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને પક્ષના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થનાર છે.

ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સભ્યો ચૂંટણી માટે તા. 19મી જૂને મતદાન યોજાશે અને એજ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે.

કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત મુજબ, ગુજરાત ઉપરાંત છ રાજ્યમાં ઉપલાગૃહની 18 બેઠક માટે જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં ચૂંટણી યોજાશે.

ખરીદ-વેચાણ વિરુદ્ધ જૂથબંધી

પટેલે રાજીનામું આપવા પાછળ પક્ષમાં પ્રવર્તમાન આંતરિક જૂથબંધીને જવાબદાર ઠેરવી હતી. કૉંગ્રેસ ભાજપની ઉપર ધારાસભ્યોનું ખરીદ-વેચાણ કરવાનો આરોપ મૂક્યો છે.

બંનેએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામાં આપ્યાં છે. ત્રિવેદીએ બી. બી. સી. ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથે વાત કરતા જણાવ્યું :

"મેં બંને (અક્ષય પેટલ તથા જીતુ ચૌધરી) ધારાસભ્યના માસ્ક ઉતરાવી ખરાઈ કરીને તેમના રાજીનામાંનો સ્વીકાર કર્યો છે."

પેટલ તથા ચૌધરીએ તેમના રાજકીય પગલાં વિશે કોઈ ઔપચારિક જાહેરાત નથી કરી.

ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે ભાજપ દ્વારા ધારાસભ્યોનો ખરીદ-વેચાણ સંઘ ચલાવવામાં આવે છે અને ભાજપ દ્વારા ધારાસભ્યોની ખરીદી કરવામાં આવી છે.

નિષ્ણાતોના કહેવા વિધાનસભામાં ઘટેલી સભ્યસંખ્યા રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપને લાભ કરાવશે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આ આરોપોને 'પાયાવિહોણાં' ગણાવી નકારી કાઢ્યા છે.

વાઘાણીનું કહેવું છે કે કૉંગ્રેસના ધારાસભ્યો આંતરિક જૂથબંધીને કારણે પાર્ટી છોડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે વધુ કેટલાક ધારાસભ્યો કૉંગ્રેસ પાર્ટી છોડી શકે છે.

વાઘાણીએ રાજ્યસભામાં ત્રણ બેઠક ઉપરાંત 2022માં વિધાનસભાની ચૂંટણી તથા 2024માં લોકસભાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે?

રાજ્યસભા એટલે સંસદનું ઉપલું ગૃહ. રાજ્યસભાની સ્થાપનાનો પાયો આઝાદી પહેલાં અંગ્રેજ સરકાર સમયે જ નખાઈ ગયો હતો.

ભારત સરકાર અધિનિયમ, 1919માં પ્રથમ વાર ભારતીય સંસદને સંઘીય માળખું બક્ષવાની વાત કરવામાં આવી હતી. પરંતુ સ્વતંત્ર ભારતમાં રાજ્યસભાની રચના 3 એપ્રિલ, 1952ના રોજ કરવામાં આવી હતી.

ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે રાજ્યસભા એ સંસદનું કાયમી ગૃહ છે. દર બે વર્ષે રાજ્યસભાના એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.

તેથી ખાલી પડેલી જગ્યા ભરવા માટે દર બે વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 80 અનુસાર, રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 રાખવામાં આવી છે.

જોકે, હાલમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 રાખવામાં આવી છે. જે પૈકી 233 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે જ્યારે 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

કોણ મતદાન કરી શકે?

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાર તરીકે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારમંડળના સભ્યો હોય છે.

નોંધનીય છે કે રાજ્યની વિધાનપરિષદના સભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.

રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે ઓછામાં ઓછા 10 સભ્યોની સંમતિ જરૂરી હોય છે.

તેમજ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુતમ વયમર્યાદા 30 વર્ષની રાખવામાં આવી છે.

રાજ્યસભાના સભ્યોની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ મારફતે કરવામાં આવે છે.

આ પ્રક્રિયા અનુસાર જે તે રાજ્યની વિધાનસભાની બેઠકોને રાજ્યસભાની સંખ્યામાં એક ઉમેરીને વિભાજિત કરવામાં આવે છે.

વિભાજિત કર્યા બાદ આવેલા પરિણામમાં પણ એક ઉમેરવામાં આવે છે.

દાખલા દ્વારા સમજો

ધારો કે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. તો રાજ્યની વિધાનસભાની કુલ સભ્યસંખ્યા એટલે કે 182ને એક બેઠકમાં વધુ એક ઉમેરી એટલે કે 2 વડે ભાગવાથી 91 પરિણામ આવશે.

હવે આ પરિણામમાં વધુ એક ઉમેરી દેવાથી પરિણામ 92 આવશે.

આનો અર્થ એ થયો કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિએ રાજ્યસભા સાંસદ બનવા માટે 92 પ્રાથમિક મત મેળવવાની જરૂર રહેશે.

ઉપરાંત આ ચૂંટણીમાં દરેક મતદારને એક જ મત આપવાનો અધિકાર હોવા છતાં જુદા-જુદા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની હોય છે, પરંતુ આ જોગવાઈ અનુસરવું ફરજિયાત નથી હોતું.

આ પ્રાથમિકતાના નિયમ અનુસાર જે તે મતદારે પોતાના મતદાનપત્રકમાં ત્રણ પ્રાથમિકતા દર્શાવવાની હોય છે.

કુલ મતો પૈકી પ્રથમ પ્રાથમિકતાના ન્યૂનતમ મત મેળવનાર ઉમેદવારને વિજયી માનવામાં આવે છે.

નોંધનીય છે કે રાજ્યસભાના સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે.

કાર્યક્રમ, ત્યારનો અને અત્યારનો

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તા. 25મી ફેબ્રુઆરીએ 17 રાજ્યોની 55 બેઠકને ભરવા માટેના કાર્યક્રમની જાહેરાત કરી, જેનું જાહેરનામું માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યું હતું.

તા. 18મી માર્ચે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ 10 રાજ્યમાં 37 બેઠક બિનહરીફ ચૂંટાયાઈ આવ્યા હતા.

જોકે ગુજરાત (ચાર), આંધ્ર પ્રદેશ (ચાર), મધ્ય પ્રદેશ (ત્રણ), રાજસ્થાન (ત્રણ), ઝારખંડ (બે) તથા મેઘાલય-મણિપુરની એક-એક એમ છ રાજ્યની 18 બેઠક માટે ચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી.

કૉંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા છે, જેના કારણે મધ્ય પ્રદેશમાં ફરી એક વખત શિવરાજસિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર બની છે.

ભાજપે સિંધિયાને તેમના ગૃહરાજ્યમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે, જેના કારણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના ગણિતને અસર પહોંચી શકે છે.

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 26મી માર્ચે ચૂંટણી યોજાનાર હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પગલે ચૂંટણી પંચે બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સભ્યો ચૂંટણી માટે તા. 19મી જૂને મતદાન યોજાશે અને એજ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. તા. 22મી જૂન સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.

ચૂંટણી પંચ દ્વારા રાજ્યના મુખ્ય સચિવોને સૂચના આપવામાં આવી છે કે ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવામાં આવે, જે કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા સંબંધિત માર્ગદર્શિકાને આધિન રહેને ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરાવે.

અગાઉની રાજ્યસભા ચૂંટણી અને વિવાદ

ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠક પર ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો બહુમતી સાથે વિજય થયો છે.

કૉંગ્રેસના કહેવા પ્રમાણે, અલ્પેશ ઠાકોર સહિતના બે ધારાસભ્યોએ ક્રૉસ-વોટિંગ કર્યું હતું.

વિધાનસભામાં કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો.

એ ચૂંટણી દરમિયાન ધારાસભ્યો બળવો કે ક્રૉસ વોટિંગ ન કરે તે માટે તેમને પાલનપુર નજીક એક રિસૉર્ટમાં મોકલી દેવાયા હતા.

2020ની ચૂંટણી પૂર્વે પણ કૉંગ્રેસ દ્વારા આવી કોઈ વ્યૂહરચના અપનાવવામાં આવે તેવી વકી છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરની બેઠક ઉપરથી લોકસભામાં ચૂંટાયા હતા. જ્યારે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યાં હતાં.

આથી બંનેએ રાજીનામાં આપ્યાં હતાં અને ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી.

નરહરિ અમીન

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા નરહરિ અમીનને ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

કહેવાય છે કે નરહરિ અમીન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કૂર્મી પાટીદારો સાથે ઘરોબો ધરાવે છે.

ઉમેદવાર જાહેર થયા બાદ નરહરિ અમીને કહ્યું હતું કે ઉમેદવાર તરીકે તેઓ નાની પાર્ટીઓ, અપક્ષ તથા કૉંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને મત આપવા માટે વાત કરશે.

'પાર્ટીએ પહેલા કે બીજા ઉમેદવાર તરીકે કેમ ન ઊભા રાખ્યા?' તેવા સવાલના જવાબમાં અમીને કહ્યું હતું કે તેઓ પક્ષના સિપાહી છે અને તેના આદેશ મુજબ કામ કરવા કટિબદ્ધ છે.

અમીને આશા વ્યક્ત કરી હતી કે અંતરાત્માના અવાજને અનુસરીને કૉંગ્રેસના ધારાસભ્યો વોટિંગ કરશે.

અગાઉ વિધાનસભામાં ભાજપે નરહરિ અમીનને ટિકિટ નહોતી આપી, પણ બાદમાં તેમને રાજ્યસભાની ટિકિટ આપી છે.

નરહરિ અમીન જ્યારે કૉંગ્રેસમાં હતા, ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન અને સહકારી ક્ષેત્ર ઉપર તેમનું પ્રભુત્વ હતું.

જોકે 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા હતા.

તે સમય ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાનો ચૂંટણીજંગ લડી રહ્યો હતો.

ભરતસિંહ સોલંકી

બોરસદમાં જન્મેલા ભરતસિંહ માધવસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

તેઓ 1995માં ધારાસભ્ય બન્યા હતા અને સતત ત્રણ ટર્મ સુધી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 2014 સુધીની તત્કાલીન ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પ્રધાન હતા.

જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલીપ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

2019માં ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ભાજપના મીતેશ પટેલ સામે હાર્યા હતા.

ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.

KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ને કૉંગ્રેસની સાથે લઈને સોલંકીએ 182માંથી 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો.

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે 150 કરતાં વધુ બેઠક જીતવાનું સૂત્ર આપ્યું, પણ તેને સાકાર કરી શક્યા ન હતા.

માધવસિંહ કેન્દ્ર સરકારમાં વિદેશપ્રધાાનપદે પણ રહી ચૂક્યા છે.

અભય ભારદ્વાજ

રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.

એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો., કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.

રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો છે.

અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં અભય ભારદ્વાજે હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા એ તેમની પ્રાથમિકતા રહેશે.

અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાંએ હુમલો કર્યો હતો. તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિ મૃત્યુ પામી હતી.

જોકે, આ એક જ અસાઇમેન્ટથી અભય ભારદ્વાજ સરકારની નજીક છે એવું નથી.

જુલાઈ-2019માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા.

આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા છે.

નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા.

રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનાં મૃત્યુના કેસમાં પણ તેઓ સરકારી વકીલ હતા.

ન્યૂઝ18ના એક અહેવાલ મુજબ કાયદાપંચના સભ્ય તરીકે અભય ભારદ્વાજે પુરાવા અધિનિયમને શાસ્ત્રો અને વેદો મુજબ સુધારવાનું સૂચન કર્યું હતું.

એમણે કહ્યું હતું કે એમ કરવાથી ન્યાયતંત્રમાં સકારાત્મકતા આવશે.

શક્તિસિંહ ગોહિલ

કૉંગ્રેસે બીજું નામ જાહેર કર્યું એ હાલમાં બિહારના પ્રભારી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલનું છે.

તેઓ 2014-2017માં અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

તેમજ તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

તેઓએ એલ.એલ.બી., એલ.એલ.એમ., બી.એસ.સી.નો અભ્યાસ પણ કરેલો છે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડવીઓ ચૂંટણી લડ્યા હતા અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે તેમનો પરાજય થયો હતો.

રમિલાબહેન બારા

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આદિવાસીઓનાં આંદોલન ચાલી રહ્યાં છે, ત્યારે અન્ય ઉમેદવાર તરીકે ભાજપે રમિલાબહેન બારાની પસંદગી કરી છે.

65 વર્ષીય રમિલાબહેન બારા સાબરકાંઠાના ખેડબ્રહ્માનાં વતની છે અને બી.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે.

રમિલાબહેન બારા ભાજપમાંથી 2004માં ખેડબ્રહ્માની સીટ પરથી પહેલી વાર ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં.

ખેડબ્રહ્માની સીટ કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કૉંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી ત્યાંથી ચૂંટણી લડતા હતા.

બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા રમિલાબહેન બારાએ જણાવ્યું કે 'આદિવાસીઓની સમસ્યા અને પછાત વિસ્તારની સમસ્યા એ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો