જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રકરણથી શું બદલાશે ગુજરાતનું રાજકારણ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં બળવો થયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે મતદાન થશે, જેમાં બેઠકસંખ્યા ઓછી હોવા છતાં ભાજપ ત્રણ બેઠક જીતવા માટે પ્રયાસરત હોવાના અહેવાલ છે.

મધ્ય પ્રદેશ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ સિંધિયાએ કૉંગ્રેસ છોડી એવું થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે.

આમ ભાજપ ફરીથી ત્રણ બેઠક જીતવા સંઘર્ષ કરી રહ્યો છે. તો કૉંગ્રેસ પણ જીતના દાવા સાથે આગળ વધી રહી છે.

વિશ્લેષકોના કહેવા પ્રમાણે, ગુજરાત વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળને જોતાં ત્રીજા ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની ભાજપની ઇચ્છા પૂર્ણ થાય તેમ નથી લાગતું, પરંતુ કૉંગ્રેસમાંથી નાની અમથી ઊથલપાથલ ભાજપના સમીકરણને સાકાર કરી શકે છે.

એવી પણ ચર્ચા છે કે જે તે સમયે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓની જે હાલત થઈ છે એ જોતાં કોઈ નેતા પક્ષપલટો કરવાની હિંમત નહીં કરે.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં નિવેદનબાજી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "ગુજરાત કૉંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે અને અહીં તેની સ્થિતિ ખરાબ છે. મધ્ય પ્રદેશમાં પાર્ટી આંતરિક વિખવાદને કારણે તૂટી છે તથા દરેક રાજ્યમાં અસંતોષની સ્થિતિ છે."

તો ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ વળતો પ્રહાર કર્યો હતો અને ગુજરાત ભાજપના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

અમિત ચાવડાએ કહ્યું, "ગુજરાતની સરકાર દિલ્હીના કયા રિમોટ કંટ્રોલથી ચાલે છે એ વિશે ગુજરાત તથા દેશની જનતા જાણે છે. રૂપાણી રાજ્યના મુખ્ય મંત્રી છે, તેમણે બેરોજગારી અને ખેડૂતોની સ્થિતિ જેવા મુદ્દાની ચિંતા કરવી જોઈએ."

ચાવડાએ કહ્યું હતું કે રૂપાણીની ખુરશી જવાની છે અને દિલ્હીમાં તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે એટલે કદાચ આ રીતે તેમની વેદના બહાર આવી રહી છે.

ભાજપ કૉંગ્રેસના નેતાઓને તોડવાના પ્રયત્નો કરશે?

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "ભાજપના નેતાઓ રાજ્યસભામાં જીત માટે કૉંગ્રેસના અસંતુષ્ટોને તોડવા માટેના પ્રયત્નો કરશે."

"હાલ સિંધિયા જેવા નેતા જવાના કારણે અનેક કાર્યકર્તાઓનું મનોબળ ડાઉન થયું હશે તેનો ફાયદો કૉંગ્રેસ ઉઠાવવા માગશે."

પરંતુ તેઓ વધુમાં કહે છે, "કૉંગ્રેસમાંથી જવાવાળા નીકળી ગયા છે. હવે કાંઈ ખાસ જાય તેમ લાગતુ નથી."

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાયા પછી પેટાચૂંટણીમાં હાર્યા હતા તે વાતને ટાંકીને જગદીશ આચાર્ય કહે છે, "અગાઉ બે ધારાસભ્ય હાર્યા એટલે કૉંગ્રેસના કોઈ ધારાસભ્ય પેટાચૂંટણી લડવાની હિંમત નહીં કરે."

તો વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે કે હાલના સમયની સ્થિતિ જોતાં કૉંગ્રેસમાંથી કોઈ ભાજપમાં જાય કે હિંમત કરે એવી શક્યતા નથી.

કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ટાંકતાં તેઓ કહે છે કે કૉંગ્રેસના નેતાઓ હવે હિંમત નહીં કરે.

જગદીશ આચાર્ય સિંધિયાના રાજીનામાના કારણે ગુજરાતમાં એક હવા ઊભી થઈ હોવાનું જણાવતા કહે છે, "સિંધિયા ભાજપમાં જોડાયા એટલે એમ લાગે છે કે ગુજરાતમાં પણ ભાજપ તોડી શકશે."

કૉંગ્રેસમાં ભંગાણની આશંકા?

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.એ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટાંકતા કહ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસમાં કોઈ સમસ્યા નથી. મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં કલહના અહેવાલ વચ્ચે ધાનાણીની ટિપ્પણીથી અટકળોનો દોર શરૂ થયો હતો.

અમિત ચાવડાનું કહેવું છે કે જ્યારે ભાજપ પોતાની નીતિ અને કાર્યોની મદદથી ચૂંટણી જીતી નથી શકતો ત્યારે ધારાસભ્યોને સત્તા, નાણાં અને ધાકધમકીના જોરે પ્રભાવિત કરીને સત્તા મેળવવા પ્રયાસ કરે છે.

અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર બહુમત સાબિત કરી દેશે.

કૉંગ્રેસની ઑફર અને નીતિન પટેલનો જવાબ

અગાઉ ગુજરાત કૉંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની 'એકલા પડી ગયા'ની વાતને ટાંકી મીડિયા સામે કહ્યું હતું કે "તમે (નીતિન પટેલ) ભાજપના 20 ધારાસભ્યો સાથે આવો અને અમે તમને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવીશું.

કૉંગ્રેસ નેતાઓનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે કહ્યું હતું કે તેઓ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે તથા તેઓ આજીવન ભાજપમાં જ રહેશે.

પટેલે કહ્યું હતું, "તેઓ જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને સામાન્ય નગરસેવકથી શરૂ કરીને ઉપમુખ્ય મંત્રી સુધી પહોંચ્યા છે."

"એ વખતે પણ જે તે નેતાઓ મને રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાવાની અને અનેક હોદ્દાઓ-જવાબદારીની ઑફરો કરી હતી, એ વખતે પણ હું ભાજપ સાથે રહેલો. અને અત્યારે પણ કોઈ મુખ્ય મંત્રી બનવાની કે ગમે તેટલી લાલચો આપે, એ બધા ખોટા છે, મારું જીવન ભાજપનું જીવન છે.

નીતિન પટેલે કૉંગ્રેસના નેતાઓને પોતાનું નામ ન ઢસડવા માટે 'ચેતવણી' પણ આપી હતી.

જ્યોતિરાદિત્યના પક્ષપલટાથી ગુજરાતમાં શું બદલાશે?

જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જવાથી ગુજરાતના રાજકારણને કોઈ અસર થશે કે કેમ એ સવાલના જવાબમાં અજય ઉમટ કહે છે, ગુજરાત અને મધ્ય પ્રદેશનું રાજકારણ અલગ છે.

હાલમાં ભાજપનું ફોકસ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે. ગુજરાતમાં ભાજપની સ્થિર સરકાર છે એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કંઈ ખાસ કરશે નહીં એવો ઉમટનો મત છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે તેઓ કહે છે, "અત્યારના સમયમાં રાજ્યસભામાં બે બેઠક ભાજપ અને બે બેઠક કૉંગ્રેસને મળે એવું દેખાઈ રહ્યું છે. જો ભાજપ કોઈ ત્રીજો ઉમેદવાર ઊભો રાખે અથવા તો કોઈ અપક્ષ ઉમેદવાર ઊભો રહે અને એને ભાજપ જો ટેકો આપે તો અને તો જ સ્થિતિ બદલાઈ શકે છે."

"ભાજપ પાસે વધારાના મત છે, ભાજપ કૉંગ્રેસને પરેશાન કરવાની કોશિશ ચોક્કસ કરશે પણ ભાજપ સારી સ્થિતિમાં છે, તેની બે સીટ કોઈ રોકી શકે તેમ નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો