જ્યોતિરાદિત્ય સિંધિયા : કૉંગ્રેસ છોડી ભાજપમાં જનાર રાજવી નેતાની 10 ખાસ વાતો

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

30 સપ્ટેમ્બર 2001ના દિવસે જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાનું ઉત્તર પ્રદેશમાં એક વિમાન ક્રૅશમાં મૃત્યુ થયું હતું.

માધવરાવ સિંધિયા કૉંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા જેઓ 1971થી મધ્યપ્રદેશના ગુનાથી સતત નવ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા.

કહેવાય છે કે માધવરાવ સિંધિયા ક્યારેય ગુનાથી ચૂંટણી હાર્યા નહોતા. માધવરાવ સિંધિયા પોતાની રાજકીય કારકિર્દીના શરૂઆતનાં વર્ષોમાં જનસંઘની ટિકિટ પર પણ ચૂંટણી લડ્યા હતા.

જ્યોતિરાદિત્યનાં માતા કિરન રાજ્ય લક્ષ્મી દેવી કાસ્કીના મહારાજા લામજંગ જુદ્ધા શમશેર જંગ બહાદુર રાણાનાં પ્રપૌત્રી હતાં.

અને તેમનાં લગ્ન ગાયકવાડ રાજપરિવારનાં પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે થયું હતું.

રાજકારણમાં પ્રવેશ

માધવરાવ સિંધિયાના મૃત્યુના ત્રણ મહિના પછી, એ જ વર્ષે ડિસેમ્બરમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસમાં જોડાયા હતા અને ફેબ્રુઆરી 2002માં પોતાની પિતાના મૃત્યુને કારણે ખાલી થયેલી ગુના બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

આ ચૂંટણી તેઓ મોટા અંતરથી જીતી ગયા હતા.

2002 પછી તેઓ 2004, 2009 અને પછી 2014 માં ફરી ગુનાથી સંસદસભ્ય બન્યા હતા. જોકે 2019માં તેમના માટે એક સમયે પોતાના અંગત સચિવ રહેલા કેપીએસ યાદવ સામે ચૂંટણી હારવું, નાઉમેદી ભર્યું રહ્યું હતું.

સંપન્ન નેતા

સિંધિયા ગ્વાલિયરના રાજવી પરિવારથી આવે છે અને તેમના દાદા જીવાજીરાવ સિંધિયા ગ્વાલિયરના આખરી રાજા હતા.

બાપ-દાદાની સંપત્તિના વારસદાર જ્યોતિરાદિત્ય સિંધિયા દેશના સૌથી સંપન્ન નેતાઓમાં સામેલ હતા. તેમને વારસામાં 25 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ મળી હોવાનું કહેવાય છે. આ જાણકારી અદાલતમાં તેમણે દાખલ કરેલ 'લીગલ સક્સેશન પિટિશન'માં બહાર આવી હતી, જોકે તેમના પરિવારના અન્ય સદસ્યોએ આ પિટિશનને પડકારી છે.

જ્યોતિરાદિત્ય કેન્દ્રમાં યુ.પી.એ. (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ની સરકારમાં મંત્રી રહ્યા હતા. 2007, 2009 અને પછી 2012માં તેઓ યુપીએ સરકારમાં મંત્રી બન્યા હતા.

2007માં તેઓ ઇન્ફર્મેશન ટેકનૉલૉજી અને સંચાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા.

2009માં તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બન્યા.

2012માં યુપીએ સરકારમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ઊર્જા મંત્રી બન્યા હતા.

યુપીએના મંત્રીમંડળમાં તેઓ યુવા ચેહરો હતા અને તેઓ સાહસિક નિર્ણયો લેવા માટે જાણીતા હતા. કહેવાય છે કે મંત્રીપદ પર પણ હતા ત્યારે પણ તેઓ સામાન્ય લોકો માટે હંમેશાં સુલભ હતા.

વિવાદમાં આવ્યા

2012માં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા ઊર્જા મંત્રી હતા, ત્યારે પાવર ગ્રિડમાં ખામી સર્જાતાં દેશભરમાં સૌથી મોટો પાવરકટ જોવા મળ્યો હતો.

ભારતના ઇતિહાસમાં વીજ સપ્લાયમાં આટલી મોટી બાધા ક્યારેય જોવા નથી મળી. મંત્રી હતા ત્યારે તેમના નામ સાથે કોઈ વિવાદ નહોતો જોડાયો, પરંતુ આ પાવરકટને કારણે યુપીએનાં સહયોગી દળોએ પણ તેમની સામે નારાજી દેખાડી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ પાવરકટ ચર્ચાનો વિષય બન્યો હતો.

ક્રિકેટના શોખીન

જ્યોતિરાદિત્ય સિંધિયા ક્રિકેટના શોખીન છે અને તેઓ મધ્ય પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ છે.

તેઓ ભારતમાં વિવિધ ક્રિકેટ ઍસોસિયેશનોની કામ કરવાની રીતના મોટા ટીકાકાર રહ્યા છે.

ભારતીય ક્રિકેટને હચમચાવી નાખનાર સ્પૉટ ફિક્સિંગ વિવાદ વખતે પણ તેઓ પોતાનાં નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા હતા. ત્યાર બાદ બી.સી.સી.આઈ. (બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ના સચિવપદેથી સંજય જગદલેને રાજીનામું આપવું પડ્યું હતું.

ચૂંટણીમાં હાર

2019ની ચૂંટણીમાં તેમના પરિવારની પરંપરાગત બેઠક ગુના પરથી તેઓ હારી ગયા હતા.

મધ્ય પ્રદેશમાં ચૂંટણીપ્રચાર વખતે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે દેખાયા હતા.

રાહુલ ગાંધીએ કમલનાથને 'વર્તમાનના એક અનુભવી નેતા' તરીકે અને જ્યોતિરાદિત્ય સિંધિયાને 'ભવિષ્ય' તરીકે રજૂ કર્યા હતા.

નિષ્ણાતોનું કહેવું છે કે 'જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી હારી ગયા હતા, પરંતુ મધ્ય પ્રદેશમાં તેમની મહત્ત્વાકાંક્ષા પ્રબળ હતી અને તેઓ મુખ્ય મંત્રી બનવા માગતા હતા.'

સૂત્રો પ્રમાણે કૉંગ્રેસ હાઇકમાન્ડ તૈયાર હતું પણ તેમની સામે શરત મૂકવામાં આવી હતી કે તેમની પાસે કમસે કમ અડધા કૉંગ્રેસ ધારાસભ્યોનો ટેકો હોવો જોઈએ. પરંતુ તેઓ માત્ર 23 ધારાસભ્યોનો ટેકો સાબિત કરી શક્યા હતા.

આખરે, કમલનાથ મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા, જેને ટૂંક સમયમાં જ સત્તા પરથી દૂર કરી ફરી પ્રદેશમાં ભાજપની સરકાર આવી ગઈ હતી.

ગાંધી પરિવાર સાથે નિકટતા

રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાની નિકટતા પાર્ટીના સારા-માઠા દિવસોમાં યથાવત્ હતી.

જોકે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ સાથે કેટલાક વિષયો પર તેમના મતભેદ હતા.

ભોપાલમાં રાજકીય વિશ્લેષકો કહે છે કે કૉંગ્રેસ હાઈકમાન્ડે તેમને રાજ્ય પાર્ટી પ્રમુખ બનાવવા બાબતે પણ વિચાર્યું હતું, પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો મત હતો કે સિંધિયાનો દબદબો માત્ર ચંબલના ક્ષેત્રમાં જ છે, આખા રાજ્યમાં નહીં.

જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલાં પણ મધ્ય પ્રદેશ સરકારની કામ કરવાની શૈલીથી નાખુશ હતા. એ સિવાય મધ્ય પ્રદેશમાં પાર્ટી પ્રમુખનું પદ ન મળવાથી પણ તેઓ અસંતુષ્ટ હતા.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે તેઓ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે ટિકિટના પણ ઇચ્છુક હતા.

પરંતુ મધ્ય પ્રદેશથી રાજ્યસભાની બેઠક માટે દિગ્વિજય સિંહ અને પ્રિયંકા ગાંધીના નામ ઉછળતાં સિંધિયાની આશા પર ફરી વળ્યું હતું.

સરકાર વિરુદ્ધ અવાજ

જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર સામે અમુક વખત અવાજ ઉઠાવ્યો હતો.

હાલમાં 16 ફેબ્રુઆરીએ ટીકમગઢમાં એક જાહેરસભામાં તેમણે કૉંગ્રેસના 2018ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ઢંઢેરાને લાગુ ન કરવામાં આવે તો રસ્તા ઉપર ઊતરવાની ચીમકી આપી હતી.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ત્યારે જવાબ આપ્યો હતો, 'તો તેઓ ઊતરી જાય...'

જોકે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ વાત પર બોલવાનું ટાળતા હતા અને નવ માર્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

રાજીનામું

10 માર્ચ. 2020ના રોજ જ્યારે તેમનું રાજીનામું જાહેરમાં આવ્યું, ત્યારે તેઓ પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા.

જોકે જ્યોતિરાદિત્ય શરૂઆતમાં એમ કહી રહ્યા હતા કે 'પાર્ટીની અંદર જ સમાધાન કરી લેવામાં આવશે' પરંતુ તેમની નિકટ માનવામાં આવતા મહિન્દર સિંહ સિસોદિયાએ જે નિવેદન આપ્યું તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આગળ શું થવાનું હતું.

સિસોદિયાએ કહ્યું હતું, "સરકાર પાડવામાં નહીં આવે, પણ જે દિવસે અમારા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની અવગણના થશે, ત્યારે સરકાર ગંભીર મુશ્કેલીમાં મુકાશે. "

સિંધિયાએ કૉંગ્રેસમાંથી પોતાનું રાજીનામું જાહેર કર્યું તે પહેલાં તેમની નિકટના 20 જેટલા ધારાસભ્યોને બૅંગલુરુ અને ગુરુગ્રામ લઈ જવામાં આવ્યા હતા.

રાજકીય ડ્રામા

આ ઘટનાક્રમ સામે આવતા અટકળો વધવા લાગી કે કમલનાથ સરકારમાં બળવો થયો છે.

બીજી તરફ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ નવી દિલ્હીમાં મળવા આવ્યા, પરંતુ પોતાની સરકાર પર આવેલા સંકટને જોતાં મધ્ય પ્રદેશ પાછા ફર્યા હતા.

આ રાજકીય ડ્રામા વચ્ચે નવ માર્ચે મધ્ય પ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણે પણ અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી.

ત્યારે કૉંગ્રેસના પ્રવક્તા કે. સી. વેણુગોપાલે જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી વિરુદ્ધ કામ કરવાને કારણે બહાર કર્યા હોવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદથી તેમના ભાજપમાં જોડાવવા માટેનો તખતો તૈયાર થઈ ગયો હતો.

મીડિયામાં ચર્ચા છે કે તેમને ભાજપ તરફથી રાજ્યસભામાં સભ્યપદ અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાની બાંહેધરી આપવામાં આવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો