ગુજરાતમાં મોટા કોંગ્રેસી નેતાઓને કેમ આકર્ષી રહ્યો છે ભાજપ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં શાસન વિરોધી લાગણીનો સામનો કરી રહેલા ભારતીય જનતા પક્ષ(ભાજપ)ને મજબૂત કરવા પક્ષપ્રમુખ અમિત શાહે ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓ માટે લાલ જાજમ પાથરી છે.

પોતે જીતીને પક્ષને જીતાડી શકે એવા કોંગ્રેસી નેતાઓને પોતાની સોડમાં લેવાનું ભાજપે ચાલુ રાખ્યું છે, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના નેતાઓ આજે ભાજપમાં ભમરડાની જેમ ફર્યા કરે છે અને એમનું કોઈ સરનામું જડતું નથી.

ભાજપે 2014માં વિઠ્ઠલ રાદડિયા અને લીલાધર વાઘેલા જેવા કોંગ્રેસના મોટા નેતાઓ સહિત સાત લોકોને ટિકિટ આપી સંસદસભ્ય બનાવ્યા હતાં અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા હતાં.

12 ટકા વધુ વોટ મેળવીને 59.1 ટકા વોટ શેર સાથે ભાજપ તમામ 26 બેઠકો જીતી હતી. કોંગ્રેસી બળવાખોરો અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેવા અપક્ષો અને નાના પક્ષો 8 ટકા વોટ લઇ ગયા હતા.

ભાજપ વિધાનસભાની ચૂંટણી ફરી જીતવા માટે કોંગ્રેસના 14 ધારાસભ્ય લાવ્યો હતો. એ પૈકીના 11ને ટિકિટ આપી હતી, પણ માત્ર બે ઉમેદવારો જીત્યા હતા. જોકે, ભાજપે એમને પ્રધાનપદ આપ્યું ન હતું.

2017માં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપલટાની ઉથલપાથલને કારણે 1.8 ટકા વોટ NOTA (ઉપરમાંથી કોઈ નહીં)માં ગયા, જ્યારે અપક્ષના વોટમાં દોઢ ટકા ઘટાડો થયો અને કોંગ્રેસને અઢી ટકાનો વોટ સ્વિંગ વધુ મળ્યો તેમાં ભાજપ ૯૯ બેઠક પર સમેટાઈ ગયો હતો.

આ રીતે ગુજરાતમાં મહામુસીબતે બનેલી સરકારની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતમાં ભાજપે ફરીથી કોંગ્રેસના નેતાને સોડમાં લેવાનું શરૂ કર્યું છે.

બાવળિયાને પ્રધાનપદ શા માટે?

કોંગ્રેસમાંથી કોળી નેતાની આયાત કરવાની ભાજપની મજબુરીનો ખ્યાલ એ વાત પરથી આવી જાય છે કે કુંવરજી બાવળિયાને પક્ષમાં લીધાના ચાર કલાકમાં જ કૅબિનેટ કક્ષાના પ્રધાન બનાવી દેવા પડ્યાં છે.

કુંવરજી બાવળિયાને ભાજપ સામેલ કરીને પ્રધાનપદ આપવા પાછળનું લૉજિક જુદું છે. તેનું કારણ એ છે કે કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે.

કોળી સમાજ માત્ર ગુજરાતમાં જ નહીં, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ફેલાયેલો છે. એ પ્રદેશોના કોળી નેતાઓ સાથે કુંવરજી બાવળિયાને સીધો સંપર્ક છે.

મહારાષ્ટ્ર સહિતનાં સાત રાજ્યો પર નજર

જાણીતા સેફોલૉજિસ્ટ અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. એમ. આઈ. ખાન સાથે બીબીસીએ આ સંબંધે વાત કરી હતી.

ડૉ. ખાને જણાવ્યું હતું, ''ભાજપ 2019ની સંસદીય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી નેતાઓને આયાત કરી રહ્યો છે.''

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના થોડા કૂર્મી પાટીદારો સાથે સંપર્ક ધરાવતા એક જ અસરકારક નેતા નરહરિ અમીન હાલ ભાજપ પાસે છે.

નરહરિ અમીન ખાસ કરીને સૌરાષ્ટ્રની પટેલ વોટ બૅન્ક પણ સાચવી શકે છે.

ડૉ. ખાનના જણાવ્યા મુજબ, કુંવરજી બાવળિયાને પક્ષમાં લાવવામાં આવે તો બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતનાં સાત રાજ્યોમાંના કોળી મતદાતાનો લાભ ભાજપ લઈ શકે.

મહારાષ્ટ્રના વિદર્ભ, નાગપુર, રત્નાગીરી અને પૂણેમાં કોળી મતદારોનું વજન વધુ છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથેની ભાજપની ભાંજગડમાં બાવળિયા ટ્રમ્પ કાર્ડ તરીકે કામ લાગે અને વેસ્ટર્ન બેલ્ટમાં ભાજપનું વર્ચસ્વ પણ જળવાઈ રહે.

'કોંગ્રેસમાં અવગણના'

બીબીસીએ કુંવરજી બાવળિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, ''કોંગ્રેસમાં જ્ઞાતિવાદ વધુ છે અને સિનિયર લોકોની અવગણના થાય છે એટલે હું ભાજપમાં જોડાયો છું.''

બીબીસી સાથેની વાતચીતમાં આવું જ કંઈક નરહરિ અમીને કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું, ''ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા અમે વર્ષો સુધી આકરી મહેનત કરી હતી, પરંતુ અવગણનાને લીધે અને સિનિયર નેતા તરીકે માન નહીં જળવાતાં અમે ભાજપમાં જોડાયા છીએ.''

'ભાજપના બારણે તાળા નથી માર્યાં'

પોતાના પરિવાર સહિત એટલે કે પુત્ર મહેન્દ્રસિંહ અને વેવાઈ બળવંત સિંહ રાજપૂત સાથે કોંગ્રેસથી છેડો ફાડી ચૂકેલા શંકરસિંહ વાઘેલા સાથે પણ બીબીસીએ વાત કરી હતી.

શંકરસિંહે જણાવ્યું હતું, ''કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવાતી હતી. કોંગ્રેસના આંતરિક રાજકારણને લીધે મેં કોંગ્રેસ છોડી છે, પણ લોકસેવા ચાલુ છે. રાજકારણ કરતો નથી.''

કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સાથેની મુલાકાતના અર્થ વિષે પૂછતાં શંકરસિંહે બીબીસીને ગર્ભિત જવાબ આપ્યો હતો, ''મેં કોંગ્રેસ છોડી છે, લોકસેવા નહીં. લોકસેવા રાજકારણનો ભાગ છે એટલે મેં હજુ સુધી ભાજપના બારણે તાળાં માર્યાં નથી.''

'કોંગ્રેસને ફરક નહીં પડે'

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ''કોઈના જવાથી કોંગ્રેસને કોઈ ફેર પડતો નથી. છેક 2007થી કોંગ્રેસ છોડીને ઘણાં લોકો ગયા છે પણ વિધાનસભામાં કોંગ્રેસની સીટ વધી છે.''

''શંકરસિંહના જવાથી ફેર નથી પડ્યો તેમ કુંવરજી બાવળિયાના જવાથી પણ કોઈ ફરક નહીં પડે, કારણ કે 2009ની પેટા ચૂંટણીમાં કુંવરજી તેમના મતવિસ્તારમાં તેમની દીકરીને જીતાડી શક્યા ન હતા.''

જયરાજસિંહ પરમારે ઉમેર્યું હતું, ''જ્ઞાતિઓના નેતાઓ પક્ષ છોડીને જાય છે, પણ વર્ષોથી કોંગ્રેસને વફાદાર એ જ્ઞાતિઓના મતદારોને સાથે લઈ જઈ શકતા નથી.''

ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને ભાજપ પોતાની તરફ આકર્ષી રહ્યો છે, પણ તેનાથી તેને કેટલો ફાયદો થશે એ તો આગામી સમય જ કહેશે.

ગુજરાતમાં પક્ષપલટાનો ઈતિહાસ

ગુજરાતના રાજકારણનો ઇતિહાસ આમ તો પક્ષપલટા માટે જાણીતો છે.

સિત્તેરના દાયકામાં થયેલી રાજકીય ઉથલપાથલ પછી નેવુંના દાયકામાં ચીમનભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા પક્ષપલટો કરી કોંગ્રેસમાં આવ્યા હતાં.

આજે પણ સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગુજરાત ભાજપમાં ઊભાં ફાડિયાં કરીને ૪૬ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં ગયેલા શંકરસિંહ વાઘેલા વર્ષો પછી કોંગ્રેસ સાથે છેડો ફાડીને બેઠા છે.

ગુજરાતમાં કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવાનો હાલનો સિલસિલો દક્ષિણ ગુજરાતમાંથી શરૂ થયો હતો.

દક્ષિણ ગુજરાતમાંથી મનીષ ગિલીટવાલા અને શંકર વશીને લાવવામાં આવ્યા હતા તો કચ્છમાંથી નીમાબહેન આચાર્યને લાવવામાં આવ્યાં હતાં, પણ અત્યારે ભાજપમાં એમનું સરનામું જડતું નથી.

૨૦૧૨માં નરહરિ અમીન સાથે આવેલા નેતાઓ ક્યાં છે એની કોઈ ને ખબર નથી. ભાજપે ખુદ નરહરિ અમીનને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી.

જોકે, તેમને 20 મુદ્દા અમલીકરણ સમિતિના પ્રમુખ બનાવ્યા છે, જેથી યુનિવર્સિટી અને ક્રિકેટ દ્વારા યુવા મતદાતાઓને ભાજપ તરફ ખેંચી શકાય.

2017ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી આયાત કરાયેલા રાઘવજી પટેલ અને તેજશ્રીબેન પટેલ સહિતના ૯ નેતાઓનો ભાજપમાં કોઈ ભાવ પૂછતું નથી.

લીલાધર વાઘેલા સંસદસભ્ય બન્યા પછી પણ એમના પૌત્ર ભાજપ છોડી કોંગ્રેસમાં જતા રહ્યા છે. પક્ષપલટા પછી માત્ર વિઠ્ઠલ રાદડિયાના પુત્રને પ્રધાનપદ મળ્યું છે.

અગાઉ કોંગેસ છોડીને આવેલા નેતાઓ અને પ્રધાનપદ માગી રહેલા ભાજપના નેતાઓ હજુ પણ ભમરડાની જેમ ફરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો